કોરિયન ભાષા અને સાહિત્ય

January, 2008

કોરિયન ભાષા અને સાહિત્ય

ઉત્તર-પૂર્વ એશિયામાં આશરે 33°થી 43° ઉ. અ. અને 124°થી 131° પૂ. રે. વચ્ચે આવેલા ‘કોરિયા’ દ્વીપકલ્પમાં તેમજ નજીકમાં જ આવેલા ઉલ્લુંગ તથા તોક-તો ટાપુઓમાં બોલાતી ભાષા. એકંદર વિસ્તાર લગભગ 2,20,795.30 ચોકિમી. હોવા છતાં મોટે ભાગે ડુંગરાળ હોવાથી અહીં વસ્તી ઓછી છે. 2003ની વસ્તીગણતરી મુજબ દક્ષિણ કોરિયામાં 4,82,28,037 તથા ઉત્તર કોરિયામાં 2,24,66,481 માણસોની વસ્તી છે. પીળા સમુદ્રથી, દક્ષિણે પૂર્વ ચીનના સમુદ્રથી અને પૂર્વે જાપાની સમુદ્રથી ઘેરાયેલા આ સાંકડા-લાંબા દ્વીપકલ્પની ઉત્તરે મંચુરિયા છે અને ઉત્તર-પૂર્વ દિશામાં આશરે 17.70 કિમી. સુધી સાઇબીરિયાનો દરિયાકિનારાનો ભાગ છે.

લગભગ 918થી 1392 સુધી સત્તા ઉપર રહેલા પ્રસિદ્ધ કોરિયો રાજવંશ ઉપરથી આ ઉપખંડનું નામ કોરિયા પડ્યું લાગે છે. સદીઓ સુધી એ ચીની રાજ્યસત્તા હેઠળ રહ્યું હતું. સ્વતંત્ર કોરિયન રાજાઓના શાસન દરમિયાન પણ સાંસ્કૃતિક તથા ભાષાકીય ર્દષ્ટિએ ચીનનો સારો એવો પ્રભાવ અહીં સતત રહ્યો છે. તે એટલી હદ સુધી કે કોરિયન ભાષા માટે ‘ઊતરતી ભાષા’ એવા અર્થવાળું ચીની નામ ‘ઑનમુન’ અહીં પ્રચલિત હતું અને એને માટે વપરાતી ટો તથા ઇદુ લિપિઓમાં કોરિયન ઉચ્ચારો માટે ચીની લિપિનાં અક્ષરચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો. (પલ્હે જેવાં કેટલાંક રાજ્યોમાં બીજી સ્વતંત્ર લિપિઓ પ્રચલિત હતી; પરંતુ એ પણ બહુ સંતોષકારક નહોતી). આખરે આ સ્થિતિને બહુ જ શરમજનક ગણીને ‘યી’ રાજવંશના ચોથા રાજા સોજૉંગે મહાન વિદ્વાનોને એકત્રિત કરીને 1446-1949 દરમિયાન કોરિયન ભાષા માટે હન્ક્યુલ નામની સ્વતંત્ર નવી લિપિ તૈયાર કરાવી.

અલબત્ત, એ નવાં કોરિયન અક્ષરચિહનોની સમજૂતી તથા પ્રત્યેક વર્ણનો ઉચ્ચાર સમજાવતો ગ્રંથ ચીની ભાષામાં તૈયાર કરવામાં આવેલો ! એનું શીર્ષક હતું : હુનમિન જૉન્ગ્યુમ્ એટલે કે ‘લોકોને ખરા ઉચ્ચારો શીખવો’…. પરંતુ એમાં આપેલ કેટલીક સમજૂતીઓ વિશે આજે પણ મતભેદ પ્રર્વતે છે. એમાં અગિયાર સ્વરો તથા સત્તર વ્યંજનો માટે કુલ અઠ્ઠાવીસ મૂળાક્ષરો હતા અને એમનાં વિવિધ સંયોજનો દ્વારા બીજા અઠ્ઠાવીસ અક્ષર-સંયુગો (જોડાક્ષરો) પણ ઘડવામાં આવેલા એ જરૂર કોઈ ને કોઈ કોરિયન ઉચ્ચાર સંયુગ માટે હોવા જોઈએ. પરંતુ સ્પ, સ્ત, સ્ક જેવા સ્પર્શ ઉષ્માક્ષરના કે બે સ્પર્શ વ્યંજનોના અક્ષરસંયુગો કે ઉચ્ચારસંયુગો આધુનિક કોરિયન ભાષામાં મળતા નથી અને કેટલાક વિદ્વાનોનું માનવું છે કે પૂર્વે પણ એ કદી હતા નહિ; એમના મતે એવાં અક્ષરચિહનો (તે કાળમાં કોરિયામાં પ્રચલિત) અમુક ચીની શબ્દોના ઉચ્ચારાર્થે ઘડવામાં આવ્યાં હશે. બીજી બાજુએ પ્રસ્તુત ગ્રંથમાં ન મળતા કેટલાક વર્ણો આજની કોરિયન ભાષામાં હોવાનો દાવો આધુનિક કોરિયન વ્યાકરણશાસ્ત્રના પિતા ગણાતા જુ-સિ-ક્યૉંગેએ કર્યો છે.

આમ કોરિયન ભાષા માટે આજે સ્વીકારાતી hankiil લિપિમાં 10 સાદા એકવડા સ્વરો તથા 14 મૂળ વ્યંજનો માટે કુલ 24 મૂળાક્ષરો છે, તથા 5 સંયુક્ત વ્યંજનો/વ્યંજનસંયુગો અને 11 સંયુક્ત સ્વરો/સન્ધ્યક્ષરો (diphthongs) માટે 16 સંયુક્તાક્ષરો છે. (બધાં મળીને 40 અક્ષરચિહનો.)

કોરિયન લિપિ તથા ભાષા પરના ઉપર્યુક્ત ચીની પ્રભાવ ઉપરાંત થોડોક જાપાની, રશિયન વગેરે ભાષાઓનો પ્રભાવ પણ નકારી ન શકાય. કારણ કે, વિશેષત: ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ચીન, રશિયા અને જાપાન ત્રણે વચ્ચે કોરિયા પરના પ્રભુત્વ માટે હરીફાઈ ચાલી હતી, જેમાં આખરે 1910માં જાપાન પૂર્ણપણે ફાવ્યું. છેક 1945માં એ બીજા વિશ્વયુદ્ધમાં હાર્યું ત્યારે તે કાળનાં ‘મિત્રરાષ્ટ્રો’ વચ્ચેના સંધિકરાર અનુસાર દક્ષિણ કોરિયામાં અમેરિકાએ તો ઉત્તર કોરિયામાં રશિયાએ જાપાન પાસે શરણાગતિનો સ્વીકાર કરાવ્યો. પરંતુ સત્વરે જ તે તે પ્રદેશમાં એકબીજાના વધતા વર્ચસ્વને એ બંને રાષ્ટ્રો સાંખી ન શક્યાં. પરિણામે 1950-53 સુધી આંતરવિગ્રહનો ભોગ બનેલા કોરિયાના છેવટે બે ભાગલા પડ્યા. સ્વાભાવિક જ ઉત્તરમાં રશિયન ભાષાનો અને દક્ષિણમાં અમેરિકન અંગ્રેજીનો પ્રભાવ વધી રહ્યો છે. ઉપરાંત ગેરીલા કે જાસૂસો, ભિખારીઓ ઇત્યાદિ વચ્ચે ખાસ કૂટબોલીઓ (argots) અને સાંકેતિક (ચોર વગેરેની) બોલીઓ બોલાય છે; તો ચૉલ્લા અને ક્યોન્ગસાંગ રાજ્યોમાં, તેમજ કાંધવા અને રોજુ જેવા ટાપુઓમાં પણ ખાસ ઉપભાષાઓ વપરાય છે. પરંતુ અહીં શિષ્ટમાન્ય (standard) ગણાતી શાલેય પાઠ્યપુસ્તકોમાંની કોરિયન ભાષાનો જ વિચાર કરીશું.

શબ્દારંભે ‘ર’ કે ‘લ’ વર્ણ ન આવવા એ ઉરાલ-અલ્તાઇક ખાસિયત છે; કોરિયનમાં પણ એ ર્દષ્ટિગોચર થાય છે. ‘રશિયા’ શબ્દનો ઉચ્ચાર કોરિયનમાં આદિસ્વરાગમયુક્ત ‘ઓરશિયા’ એવો થાય છે, તો ચીની શબ્દ ‘રોઈન’(= વૃદ્ધ માણસ)ની જગાએ નોઈન ઉચ્ચાર કરાય છે વગેરે. શબ્દારંભે બેવડા વ્યંજનો ક્યારેક લખાય છે ખરા, પણ એમનો ઉચ્ચાર એકવડો જ થાય છે. શબ્દાંતે વ્યંજન-સંયુગ લખાય ત્યારે પણ બીજો વ્યંજન કાં તો લુપ્ત થાય છે કાં પરવર્તી રૂપઘટક (morpheme) સ્વરારંભી હોય તો એ સ્વરના પદમાં ભળી જાય છે. એકંદરે વ્યંજન – સ્વર – વ્યંજન એવો ક્રમ પ્રવર્તે છે. શબ્દ(નામ કે ક્રિયાધાતુ)ના અંગ(stem)માંના સ્વરને અનુરૂપ રૂપધ્વનિમૂલક પરિવર્તન (morpho-phonemic alternation) એના પરવર્તી અનુગ(post position)માં થતું રહે છે. દા.ત., કર્તા વિભક્તિ દર્શાવવા સો (= ગાય) અને સૅ (sä = પક્ષી) એ સ્વરાંત અંગો પાછળ – ગ અનુગ લાગે છે; પરંતુ વ્યંજનાંત અંગ પાછળ એ બદલાઈને – ઈ થઈ જાય છે. દા.ત., માલ(= ઘોડો)માંથી મારી (mar-i) (= ઘોડો કર્તા) વગેરે. કોરિયનના એકવડા સ્વરો છે. આ, ઑ, ઓ, ઉ, ઇયુ, ઇ, ઍ, એ, ઑય્ અને યા, યે, યૅ, યો, યૉ, યુ વગેરે સંયુક્ત સ્વરો ગણાય છે.

ઉરાલ-અલ્તાઈક ભાષાઓની વિશેષતાને અનુસરીને કોરિયન ભાષા પણ પ્રત્યયપ્રધાન (inflexional) હોવા કરતાં સંયોગાત્મક (agglutinative) વધુ છે; એટલે કે એમાં નામિક(substantive) કે ક્રિયાના અંગ(ની પાછળ પ્રત્યયો લાગીને એ)માં રૂપધ્વનિમૂલક પરિવર્તનો થવાને બદલે સામાન્યત: પાછળ અનુગો લાગે છે અને એ યથાયોગ્ય પરિવર્તનો પામતાં રહે છે. કોરિયન ભાષામાં નામિક એટલે કે નામ, સર્વનામ અને સંખ્યાવાચક એ ત્રણેનાં પદો લિંગ, વચન કે વિભક્તિ માટે કોઈ જ રૂપપરિવર્તન પામતાં નથી. હા, વાક્યમાં કોઈ શબ્દનું કર્તા તરીકેનું સ્થાન દર્શાવવા નામ-સર્વનામના વ્યંજનાંત અંગને – ઇ અને સ્વરાંતને -ક/ -ગ જોડવામાં આવે છે, તો કર્મ તરીકેનું સ્થાન દર્શાવવા અનુક્રમે -ઈલ અને -રીલ જોડવામાં આવે છે, એ હકીકતને કોઈ રૂપપરિવર્તન કહી શકે; પરંતુ ખરું જોતાં આ બધા અનુગો છે. એ જ રીતે બહુવચન દર્શાવવા માટે નામિક અંગની પાછળ જે રૂપઘટકો લાગે છે તે ખરેખર તો ‘વગેરે’ અર્થ દર્શાવતા અનુગો છે. અને એ અર્થમાં વાક્યમાં સ્વતંત્ર રીતે પ્રયુક્ત પણ થાય છે. લિંગની બાબતમાં પણ પાયાભૂત નામિક અંગમાં કાંઈ જ ચિહન હોતું નથી; હા, પ્રાણીનામોમાં એ અંગની આગળ નર અને માદા દર્શાવતા પૂર્વગો (prepositions or prefixes) લાગે છે. અમ્-સો = ગાય, તો સુ-સો = આખલો અને સુ-કૅ = કૂતરો (નર) વગેરે, પંરતુ માનવી-નામોની બાબતમાં આવું નથી. આબૉજી = પિતા તો ઑમૉની = માતા; ભાઈ માટે ઑરાબૉની તો બહેન માટે નુ ઇ… (આ) નામ : રૂપપરિવર્તનના અભાવે નામનું ભાવવાચક, દ્રવ્યવાચક વગેરે તરીકે પૃથક્કરણ કરવું નિરર્થક બની જાય છે. તેથી કોરિયનમાં નામના મુખ્યત્વે ફક્ત બે ભેદ પાડવામાં આવે છે. (1) વિશેષ નામ (વ્યક્તિ, સ્થળ, પુસ્તક કે પ્રાકૃતિક નદી પર્વત આદિનું) અને (2) સામાન્ય નામ (કુદરતી કે માનવનિર્મિત સામાન્ય વસ્તુઓ, પ્રાણીઓ, સ્થળ-કાળનાં તત્વો, ક્રિયાઓ વગેરેને લગતાં સાધારણ નામો). જોકે આ સિવાય કોરિયનમાં કેટલાંક ‘અપૂર્ણ’ નામ પણ ગણાવવામાં આવે છે. (જેમ કે નિર્ણય, શક્તિ, બહાનું, સંભાવના, લંબાઈ, વજન, પરિમાણ એ બધા માટેનાં); કારણ કે કોઈક વિશેષણ કે ક્રિયા જોડીને સ્પષ્ટીકરણ ન કરવામાં આવે ત્યાં સુધી એમનો અર્થ અધૂરો જ રહ્યો લાગે છે.

સર્વનામના અંગની પાછળ નામ્જા કે યૉજા લગાવીને અનુક્રમે પુલિંગ કે સ્ત્રીલિંગ દર્શાવવામાં આવે છે. ઇ નામ્જા = ‘આ પુરુષ’ કે ‘તે (he)’; ઇ યૉજા = ‘આ સ્ત્રી’ કે ‘તેણી (she)’. બહુવચન દર્શાવવા માટે નામને લાગે છે તેવા જ અનુગો સર્વનામને લાગે છે. કોરિયન સર્વનામની એક વિશેષતા છે પાંચ સ્વવાચક સર્વનામો; બીજી વિશેષતા એ કે દરેક પુરુષવાચક સર્વનામનાં બોલનારની નમ્રતાની માત્રા સૂચવતાં ચાર કે પાંચ રૂપો અને એ પૈકી યોગ્યરૂપ પ્રયુક્ત કરવાનાં અલિખિત સામાજિક નિયમનો. દા.ત., બાળક મોટેરાંઓ તેમજ માતાપિતા માટે અતિનમ્ર પુરુષવાચક સર્વનામ જ વાપરી શકે; અપરિચિતો કે અલ્પપરિચિતો માટે પુરુષવાચક સર્વનામનું નમ્ર કે અનૌપચારિક રૂપ જ વપરાય; પરિચિતો અને સામાન્ય મિત્રો માટે મૈત્રીપૂર્ણ કે અનૌપચારિક રૂપ, તો અતિશય નિકટના મિત્રો, પ્રેમપાત્રો અને સંતાનો માટે અનમ્ર કાં અતિ અનમ્ર રૂપવાળું પુરુષવાચક સર્વનામ વાપરી શકાય.

સંખ્યાદર્શકો (numerals) : પૂર્ણસંખ્યક (cardinal) અને ક્રમસંખ્યક (ordinal) એ બંને પ્રકારના સંખ્યાદર્શકો માટે કોરિયન ભાષામાં કોરિયન તેમજ ચીની-મૂળવાળાં એમ બબ્બે પરસ્પર ભિન્ન રૂપઘટકોની યાદીઓ મળે છે. એ પૈકી ચીની મૂળવાળા રૂપઘટકો (વિશેષત: 100 અને એથી વધુ સંખ્યાએકમો માટે) છેક 1950-60 સુધી વધુ પ્રચલિત હતા. પરંતુ પૂર્ણસંખ્યકોના (નિશ્ચયવાચક ઉપરાંતના) અનિશ્ચયવાચક પેટાપ્રકાર માટે ફક્ત કોરિયન મૂળની યાદી ત્યારે પણ પ્રચલિત હતી. આજે તો બધાં જ ક્ષેત્રોમાં કોરિયા દેશમાં તથા ત્યાંની ભાષામાં સ્વદેશી માટે વધુ પક્ષપાત જોવા મળે છે.

ક્રિયાપદ (verb) : ભારોપીય ભાષાઓમાં ક્રિયાના ધાતુ કે અંગમાં જ સકર્મક કે અકર્મક અર્થ અનુસ્યૂત હોય છે; કોરિયન ભાષામાં એવું નથી. તેમ છતાં એના વ્યાકરણકારો એવા ભેદનો ઉલ્લેખ કરે છે ! તે એટલા માટે કે અહીં ધાતુ નીચેના ચાર પૈકી કોઈ એક પ્રકારનો હોઈ શકે. (1) ફક્ત અકર્મક અર્થ દર્શાવતાં રૂપોવાળો; (2) ફક્ત સકર્મક અર્થ દર્શાવતાં રૂપોવાળો; (3) સકર્મક તથા અકર્મક બંને અર્થો એક જ રૂપ દ્વારા દર્શાવાતાં હોય એવો; (4) સકર્મક તેમજ અકર્મક અર્થ દર્શાવતાં અલગ અલગ રૂપાખ્યાનો (paradigms) ધરાવતો.

પુરુષવાચક સર્વનામોની જેમ જ ક્રિયાપદનાં રૂપાખ્યાનોમાં પણ અતિનમ્ર, નમ્ર, અનૌપચારિક તથા અનમ્ર એ ભાવનાં સૂચક એવાં અલગ અલગ રૂપો હોય છે અને તે પૈકી રૂઢિસંગત રીતે યોગ્ય ગણાતું રૂપ વાપરવું કોરિયન ભાષામાં અનિવાર્ય છે. બાકી પુરુષ, વચન, લિંગના ભેદથી ક્રિયારૂપોમાં ફેર પડતો નથી. હા, કાળ પ્રમાણે રૂપભેદો થાય છે ખરા. સાદો વર્તમાન ચાલુ (અપૂર્ણતા દર્શાવતાં) રૂપો… એ જ રીતે આજ્ઞાર્થ, વિધ્યર્થ વગેરે માટેનાં રૂપાખ્યાનો અને આપણને વિચિત્ર લાગે એવાં કેટલાંક વિધાનો પણ કોરિયન ભાષાનાં વ્યાકરણપુસ્તકોમાં જોવા મળે છે. ઉદાહરણાર્થ – ‘હોવું’ અર્થવાળા ‘ઇદા’ ધાતુની જેમ ‘ન હોવું’ અર્થ માટે અનિદા એવો ધાતુ પણ મળે છે અને આ બંનેને સંયોજક ક્રિયા(copula)ના બે અલગ પ્રકારો ગણવામાં આવે છે.

વાક્યના અંતે આવનાર ક્રિયાપદને વિધેય (predicate) કહે છે, પરંતુ એની પૂર્વે બીજું ક્રિયાપદ આવે તો એ ગુણ/વિકાર-વાચક (attributive) ક્રિયાપદ કહેવાય છે. દા.ત., ‘દોડતા જવું, પાછા ફરવું’ એમાંના અધોરેખિત શબ્દો માટે વપરાતું ક્રિયાપદ છે, વિશેષણ નહિ.

એ જ રીતે સંશય, સંભાવના, શરત, મર્યાદા કે ક્રમનો નિયમ ઇત્યાદિ દર્શાવતાં ક્રિયાપદોને સમુચ્ચાયક (conjunctive) એવું નામ આપવામાં આવે છે; ઉપરાંત, વિશેષણો તથા ક્રિયાવિશેષણોમાં પણ એવો એક પ્રકાર છે, જ્યારે સમુચ્ચયબોધક અવ્યય (particle) કોરિયનમાં નથી

આજ્ઞાર્થ અને વિધ્યર્થ (કાળ ?) માટેનાં રૂપાંતરો કોરિયન વિશેષણો પણ થાય છે ! (આપણે ત્યાં તો શું, કોરિયનની બહેન જાપાની ભાષામાં પણ એવું નથી.)

આ અને આવી બીજી અનેક વિશેષતાઓને લીધે કોરિયન ભાષા પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે.

કોરિયન ભાષાની સ્વતંત્ર લિપિ ન હોવાથી પ્રાચીન કોરિયન સાહિત્ય ચીનની હન્મિન લિપિમાં લખાયેલું છે. કોરિયન લોકો એ લિપિને ‘ઇદુ’ કહેતા. આ લિપિમાં લખેલાં જૂનામાં જૂનાં (600થી 1000) ‘હ્યંગા’-પ્રકારનાં 25 ઊર્મિકાવ્યો મળી આવ્યાં છે. કોરિયા વંશ દરમિયાન (918-1392) ‘પ્યુણ્ગોક’, તથા ‘ચંગ્ગા’ કે ‘યુ યુ’ પદ્ય સાહિત્ય છ પંક્તિની કડીવાળું વિકસ્યું. તે પછી ત્રણ પંક્તિવાળાં ‘સિજો’ કાવ્યો યી વંશથી આધુનિક કાળ (1392થી 1910) સુધી પ્રચલિત રહ્યાં છે. ચીની કવિતાના અનુકરણ રૂપે લખાયેલાં ‘ગાસા’ અથવા ‘કાસા’ કાવ્યો 100 પંક્તિ સુધીનાં હોય છે. ચૌદમી સદીના અંતે કોરિયાનું પાટનગર સેઉલ સ્થપાયું ત્યાર પછી ‘અક્ચાંગ’ ગીતો પ્રચલિત થયાં, જે ટૂંકાં કાવ્યોથી શરૂ કરીને 150થી 500 સર્ગો સુધીનાં જોવા મળે છે. મૌખિક સાહિત્યમાં ‘પાન્સોરી’(વાર્તા-ગાયન)નો પ્રકાર જાણીતો છે.

બૌદ્ધ સાધુ ઇ-યોને (1206થી 1289) ‘સામગુક સાગી’ (ત્રણ રાજ્યો – સિલા, પેગ્ચે અને કૉગુરિયોનો ઇતિહાસ ઈ. પૂ. 57-ઈ. સ. 668) લખ્યો હતો. તેમાં કોરિયાના પ્રથમ રાજા ડાન્ગુનના યુગથી આલેખન કર્યું હતું. 1443માં રાજા સે-ઝોંગે ત્રેવીસ ભાષાશાસ્ત્રીઓ અને વિદ્વાનોના સહકારથી 14 વ્યંજન અને 10 સ્વર ધરાવતી કોરિયન લિપિ ‘હન્ગુલ’નું નિર્માણ કર્યું. તેણે વિદ્વાનો દ્વારા ‘યોંગ્લી ઉચઉન-ગા’ નામનો પદ્યગ્રંથ તૈયાર કરાવ્યો અને પોતે જાતે ‘વુરિન ચ-ઓન ગંગ્જી-ગોક’ નામનો પદ્યગ્રંથ તૈયાર કર્યો. પંદરમી સદીમાં ‘કોરિયો-સા’ (કોરિયાનો ઇતિહાસ) લખાયો.

સોળમી અને સત્તરમી સદીના મહત્વના કવિઓ છે ચોંગ-ચ-ઓલ. (1536-1593); પાક ઇલ્લો (1561-1642) અને યુન સોન્દો (1587-1671). 1592માં જાપાનના લશ્કરી શાસક તોયોતોમી હિદેયોશીએ ચીન પર ચડાઈ કરવાના નિમિત્તે કોરિયામાં મોટું લશ્કરી આક્રમણ કર્યું. આ આક્રમણ પછી પદ્ય ને ગદ્યનો વિકાસ થયો. સત્તરમી સદીમાં કિમ મંજુગે(1637-1692)ની બે પ્રખ્યાત નવલકથાઓ ‘કુ- અન-પોંગ’ (1687-88, ‘ક્લાઉડ ડ્રીમ ઑવ્ ધ નાઇન’) અને ‘સસ્સી નામ જોંગ-ગી’ (1689-92, ‘સ્ટોરી ઑવ્ લેડી સા’) પ્રગટ થઈ. અન્ય નવલકથાઓના લેખકો અનામી હતા. રાજમાતા હોંગે હેજી ઓંગ-ગુંગ હોંગ્સી(મૃત્યુ 1815)નાં સંસ્મરણોનું ‘હં જુંગ નોક’ નામનું પુસ્તક રચ્યું હતું. દેશનિકાલ થયેલ કવિઓ અન ઓ-હ્યાને ‘મનુન્સા’ (સાગ ઑવ્ ટેન થાઉઝન્ડ વર્ડ્ઝ) અને કિમ ચીન હ્યાંગે ‘પુક્ચોન-ગા’ (1853, ‘સાગ ફ્રૉમ ધ બૅનિશ્ડ નૉર્થ’) લાંબાં કાવ્યો રચ્યાં હતાં. રાજા કોજોંગના સમયમાં કથાગીતના ઉસ્તાદ લેખક સિન ચૈ-લો(1812-1884)એ બાર પ્રકારનાં કથાગીતોને છ પ્રકારનાં કથાગીતોરૂપે ચોક્કસ સ્વરૂપમાં ઢાળ્યાં છે.

1894થી 1910 દરમિયાન કોરિયા યુરોપિયન અને અમેરિકન દેશોના સંપર્કમાં આવ્યું અને એક નવો જાગૃતિકાળ શરૂ થયો. આ સમય દરમિયાન ‘સિન્સોલ’(ન્યૂ નૉવેલ) અને ‘ચંગ્ગા’(ગીત)નાં નવાં સાહિત્યસ્વરૂપો પ્રગટ થયાં. યી-યોંગુરચિત રાષ્ટ્રગીત – ‘ઐગુ કાં’ અને તી ચુંગ-વોન-રચિત ‘તોં સિમ કા’ (ધ માઇન્ડ ઑવ્ એ બૉય) દ્વારા ‘ચંગ્ગા’ કાવ્ય-પ્રકાર ખૂબ લોકપ્રિય બન્યો. નવીન નવલકથાસ્વરૂપના મુખ્ય લેખકો છે યી-ઇન-જિક (1862-1916) યી હૈ-જો અને ઓ ચઅન-સિક-યી ઇન-જિકની નવલકથાઓ ‘ટીઅર્સ ઑવ્ બ્લડ’ (1906) અને ‘ક્વિ-ઉઇ સુંગ’ (1907, ‘એ ડેમન્સ વૉઇસ’), યી હૈ-જોની ‘ચ યુ જોંગ’ (1910, ‘લિબર્ટી બેલ’) ચ અન-સિકની ‘ચુવોલસક’ (1912, ‘ઑટમ મૂન’) નવલકથાઓમાં સ્વાતંત્ર્યનો સૂર અને વિજ્ઞાનની પ્રગતિ માટેનો અનુરોધ છે.

1907થી કોરિયામાં નવી કવિતાનું આંદોલન નામ-સોં ઝો (1890-1957) અને ગ્વાંગસુ યી (1892-1950) એ સામયિકોમાં પ્રગટ કરેલ કાવ્યોથી શરૂ થયું. નામ-સોં ઝોનું 1908માં પ્રગટ થયેલ કાવ્ય – ‘ફ્રૉમ ધ સી ટુ ધ યુથ’ તથા ગ્વાંગ્સુ યીની મુક્તછંદ કવિતાએ નવીન કાવ્યધારાની શરૂઆત કરી. તેમણે ભારેખમ સાહિત્યિક ભાષાને બદલે સામાન્ય લોકોની બોલચાલની ભાષાનો સાહિત્યસર્જનમાં ઉપયોગ કરી નવો ચીલો પાડ્યો.

1910ના ઑગસ્ટની 29મી તારીખે જાપાને કોરિયા પર કબજો જમાવી 1945 સુધી કોરિયન ભાષાનું શિક્ષણ અને લેખન-પ્રકાશન બંધ કરાવ્યું. સાહિત્યસર્જકોને પ્રતીકવાદ, રૂપકવાદ અને રંગદર્શિતાવાદ અપનાવવા પડ્યા. 1915માં ગ્વાંગ સુ યીની વાર્તાઓનો સંગ્રહ ‘ચોલ મુન કુમ’ (એ યુથફુલ ડ્રીમ) પ્રગટ થયો અને તેની ‘યુ જોંગ’ (1918, હાર્ટલેસ) પ્રથમ સાચી આધુનિક નવલકથા પ્રગટ થઈ. જાપાની શાસનથી ત્રાસેલી પ્રજાનું આઝાદીનું ભૂગર્ભ આંદોલન પ્રગટ સ્વરૂપે 1919ના માર્ચની પહેલી તારીખે 33 કોરિયન સાહિત્યકારોએ એક જાહેરનામા સાથે શરૂ કર્યું. આ આંદોલન જુલમી રીતે જાપાની શાસકોએ કચડી નાખ્યું. છતાં લોકોમાં જાગૃતિ આવી હતી અને અનેક સામયિકો આ સમય દરમિયાન પ્રગટ થવા લાગ્યાં. આ સમયનો શુદ્ધ આદર્શવાદી કવિ હતો યો-હન ઝુ. બૌદ્ધ કવિ યાગ-અન હાન ચિંતનાત્મક કાવ્યો રચતો અને ઝોંગ-સિગ ગિમ ઊર્મિમય લોકગીતશૈલીનાં ગીતો રચનારો પ્રતિભાશાળી કવિ હતો. કોંગ-ચ (1894-1963) અને યી ચાંગ-હુઈ (1902-1928) અગ્રગણ્ય પ્રતીકવાદી કવિઓ હતા. ચોંગ ચી-યોંગ (1903-1951) કોરિયન યુદ્ધમાં માર્યો ગયો. પરંતુ તેની કવિતાએ કોરિયન કવિઓ અને કવિતા પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો.

વીસમી સદીનો ત્રીજો દાયકો કોરિયન સાહિત્યમાં ઊથલપાથલનો હતો. 1926માં પરદેશી સાહિત્યના અનુવાદો કરવા ‘પરદેશી સાહિત્ય સંશોધન મંડળ’ સ્થપાયું. 1930માં ‘નાટ્યકલા સાહિત્ય સંશોધન મંડળ’ શરૂ થયું. ચોથો દાયકો સાહિત્યના વિકાસનો હતો. 1930માં ‘સિમુન્હક’ (કવિતા) સામયિક શરૂ થયું. 1934માં ‘કુઇનહો’ (ધ નાઇન મેન ગ્રૂપ) દ્વારા સમકાલીન પશ્ચિમના સાહિત્યની રચનાશૈલી અપનાવાઈ.

1945માં ઑગસ્ટની 15મીએ કોરિયાએ આઝાદી પ્રાપ્ત કરી અને સાહિત્યકારો સંગઠિત થવા લાગ્યા. 1946 માર્ચ 13ને દિને ‘કોરિયન લેખક સંઘ’ની સ્થાપના થઈ, અને 1947ના ફેબ્રુઆરીમાં ‘કોરિયન સાંસ્કૃતિક મંડળોનો સંઘ’ સ્થપાયો. આ રીતે કોરિયન સાહિત્યસર્જકો સાહિત્યવિકાસ સાધવા મથતા હતા ત્યારે જૂન 25, 1950ને દિવસે ઉત્તર કોરિયાના સામ્યવાદી લશ્કરે દક્ષિણ કોરિયા પર આક્રમણ કર્યું. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે 1950થી 53 દરમિયાન યુદ્ધ ચાલુ રહ્યું. પરિણામે રાષ્ટ્રસંઘે વચ્ચે પડી કોરિયાના ઉત્તર અને દક્ષિણ ભાગને કૃત્રિમ રીતે ‘‘38 parallel’’ સીમાથી જુદા પાડ્યા. ઉત્તર કોરિયાનું સાહિત્ય આ સમયમાં સામ્યવાદી પ્રચારલક્ષી સાહિત્ય બન્યું. આ યુદ્ધે સાહિત્યપ્રવૃત્તિ મંદ પાડી.

1954માં ઑક્ટોબરની ત્રીજી તારીખે કોરિયન આંતરરાષ્ટ્રીય P.E.N. (Poets, Essayists, Novelists – કવિઓ, નિબંધકારો અને નવલકથાકારો)નું કેન્દ્ર શરૂ થયું. 1954માં સુ-ગીલ એનને ટૂંકી વાર્તાઓ માટે અને સુન-વોન હ્વાંગને ટૂંકી નવલો માટે ‘ફ્રી લિટરેચર’ પારિતોષિકો એનાયત થયાં. કાવ્યક્ષેત્રે આ પારિતોષિકો ડોંગ-મ્યોંગ ગિમને અને ડોંગ-ઝિબ સિગને અપાયાં હતાં. ગિ-હ્યાંગ-બંગ, યો-સોગ ગિમ, ગુન્બે સો, ઝાંગ-સોબ સોન વગેરેએ વાર્તાઓ અને નવલકથાઓમાં નવા વિષય-વસ્તુની ગૂંથણી કરી. 1962માં ‘બેગ્ઝો’ (ધ વ્હાઇટ ટાઇડ) નામનું સાહિત્યિક સામયિક શરૂ થયું અને રંગદર્શી આંદોલનનો આરંભ થયો. સમકાલીન કવયિત્રી યુન-સુગ્મોનું કાવ્ય ‘એ રોઝ’ આ આંદોલનના પ્રતિનિધિરૂપ છે. કોરિયન ભાષા પરના પ્રતિબંધનો પડઘો ગ્વાંગ-સોલ ગિમના કાવ્ય ‘હાર્ટએટૅક’-(હૃદયવેદના)માં પડ્યો છે. 1970ના જૂનને અંતે અને જુલાઈના પ્રારંભે દક્ષિણ કોરિયાના પાટનગર સેઉલમાં P.E.N. પરિષદ ભરાઈ અને કોરિયન સાહિત્યકારો પરેદશોના ટોચના સાહિત્યકારોના સંપર્કમાં આવ્યા. ગ્વાંગસુ યી આધુનિક કોરિયન સાહિત્યનો પિતા ગણાય છે. 1958થી 1972 દરમિયાન ખૂબ ઓછું સાહિત્ય પ્રગટ થયું.

વીસમી સદીના સાતમા દાયકામાં ટૂંકી વાર્તાઓ અને કાવ્યો ખૂબ પ્રચાર પામ્યાં અને લોકપ્રિય બન્યાં. ઝ-હ્યોન-યુ, યૉંગ-ગુ બાગ, ગુ-બોમ હોંગ વગેરેની વાર્તાઓ ખૂબ પ્રશંસા પામી. આઠમા દાયકામાં ચો-ઇન્હોની નવલકથાઓની પાંચ લાખ પ્રતો વેચાઈ હતી.

બીજા વિશ્વયુદ્ધ પછી યૉંગ-તે-બ્યોને પશ્ચિમના અને અન્ય દેશોને કોરિયન સાહિત્યથી પરિચિત કરવા અંગ્રેજી ભાષાંતરમાં ‘ટેલ્સ ફ્રૉમ કોરિયા’ અને ‘પોએમ્સ ફ્રૉમ કોરિયા’ પ્રગટ કર્યાં. ડૉ. ઇન-સોબ-ઝોંગેં અંગ્રેજીમાં ‘એન ઇન્ટ્રોડક્શન ટુ કોરિયન લિટરેચર’ (1970), ‘એન ઍન્થૉલૉજી ઑવ્ મૉડર્ન પોએમ્સ ઇન કોરિયા’ (1948), ‘મૉડર્ન સ્ટોરીઝ ફ્રૉમ કોરિયા’ (1958), ‘એ પૅજન્ટ ઑવ્ કોરિયન પોએટ્રી’ (1953) અને ‘પ્લેઝ ફ્રૉમ કોરિયા’ (1968) પ્રગટ કરી કોરિયન સાહિત્યનો વિદેશોમાં પ્રચાર કર્યો. હાલ કોરિયન સાહિત્યમાં કિમ ટોંસી (જ. 1913), હ્યાંગ સુન્વોન (જ. 1915), પાક મેગ્વોલ (જ. 1917) અને ચો પ્યોંદવા (જ. 1921) વિવિધ સાહિત્ય સંઘો અને મંડળો પર વર્ચસ્ જમાવીને સાહિત્યક્ષેત્રે સરસતા અને સુંદરતાનાં ઉચ્ચ ધોરણો સ્થાપી રહ્યા છે. 1990ના ઑગસ્ટ માસના છેલ્લા સપ્તાહમાં સેઉલમાં વિશ્વકવિ સંમેલન ભરાયું હતું. આ રીતે કોરિયન સાહિત્ય વિશ્વસાહિત્યના સંપર્કમાં રહી વિકાસ સાધી રહ્યું છે.

યશોધરા વાધવાણી

કૃષ્ણવદન જેટલી