કોમીનિયસ, જ્હૉન એમૉસ (જ. 28 માર્ચ 1592; અ. 15 નવેમ્બર 1670) : સત્તરમી સદીનો જાણીતા ચેક શિક્ષણશાસ્ત્રી. સમાજસુધારક અને બોહેમિયન ચર્ચના બિશપ. વતન નીનનીક. સ્વદેશ છોડીને પોલૅન્ડ, ઇંગ્લૅન્ડ, હંગેરી તથા સ્વીડનમાં શિક્ષણશાસ્ત્રી તરીકે કામ કર્યું. સુધરેલ શિક્ષણપદ્ધતિ દ્વારા સમાજનું નવનિર્માણ શક્ય હોવાની  તેમની માન્યતા હતી. રાષ્ટ્રના યુવાનો અને યુવતીઓ માટે પૂરા સમયનું શિક્ષણ અને સ્થાનિક તથા યુરોપની સંસ્કૃતિનો અભ્યાસ તેમણે આવશ્યક ગણ્યો. શિક્ષણ ઝડપી, આનંદદાયક અને પૂર્ણતાવાળું બને

જ્હૉન એમૉસ કોમીનિયસ

તે માટે કુદરતને અનુસરી બાળકના મનનો અભ્યાસ અને તે કઈ રીતે શીખે છે તેનો અભ્યાસ શિક્ષક કરે તેવાં સૂચનો તેમણે કર્યાં છે. તેમણે બાળકના મૂર્ત અનુભવને આધારે મૂળભૂત શિક્ષણ(basic education)ની ભલામણ કરી. ચિત્ર દ્વારા રજૂઆત સાથે તથ્યમાંથી તારણ તરફ દોરી જવાની આગમનાત્મક (deductive) પદ્ધતિ અને સરળ તરફથી જટિલ તરફ દોરી જવાની વૈજ્ઞાનિક પદ્ધતિ જેવા નૂતન વિચારો તેમનાં પુસ્તકોમાં નિરૂપિત છે. તે આંતરરાષ્ટ્રીયતાના હિમાયતી હતા. સંકુચિત રાષ્ટ્રવાદમાં તે માનતા નહિ.

જયેન્દ્ર દવે