કોનેરી સીન ટૉમસ

January, 2025

કોનેરી, સીન ટૉમસ (જ. 25 ઑગસ્ટ 1930, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; અ. 31 ઑક્ટોબર 2020, લીફૉર્ડ કે, બહામા) : અભિનેતા. મૂળ નામ : ટૉમસ સીન કોનેરી. પિતા જૉસેફ કોનેરી કારખાનામાં કામદાર હતા. માતા યુફેમિયા મેકલીન ઘરોમાં કચરાપોતાં કરવાનું કામ કરતાં. બ્રિટિશ સિક્રેટ સર્વિસના જાસૂસ જેમ્સ બૉન્ડ 007નું કાલ્પનિક પાત્ર ભજવીને જીવંત દંતકથા બની ગયેલા સીન કોનેરીએ બીજી પણ ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. પણ જેમ્સ બૉન્ડના પાત્રનો તેઓ પર્યાય બનવાની હદે લોકપ્રિય થયા. કિશોરાવસ્થા સુધી ભારે સંઘર્ષ કરનાર સીન કોનેરી નવ વર્ષના હતા ત્યારે દૂધનું વિતરણ કરતી ટ્રકમાં કામ કરતા. ઘરની ખરાબ આર્થિક સ્થિતિને પહોંચી વળવા 13 વર્ષની ઉંમરે શાળા છોડીને તેઓ કામે લાગી ગયા હતા.

સીન ટૉમસ કોનેરી

પંદર વર્ષની વયે તેઓ નૌકાદળમાં જોડાઈ ગયા હતા. અંતે 1951માં લંડનમાં એક નાટક ‘સાઉથ પૅસિફિક’ના કોરસમાં તેમને કામ મળ્યું અને 1955માં પહેલી વાર ‘લિલેક્સ ઇન ધ સ્પ્રિંગ્સ’ ચિત્રમાં તેમને ટચૂકડી ભૂમિકા ભજવવા મળી. એ પછી તેમનો સંઘર્ષ ચાલુ રહ્યો, પણ 1961માં તેમને મળેલી બે પૈકી કોઈ એક ભૂમિકા માટે તેમણે હા પાડવાની હતી. એક ભૂમિકા હતી ટારઝન શ્રેણીના ચિત્ર માટેની ને બીજી હતી જાસૂસી ચિત્ર ‘ડૉ. નો’માં જેમ્સ બૉન્ડની. તેમણે જેમ્સ બૉન્ડની ભૂમિકા પસંદ કરી અને આ ચિત્રને મળેલી સફળતા બાદ આ શ્રેણીનાં એક પછી એક સાત ચિત્રોમાં તેમણે કામ કર્યું અને લાંબા સમય સુધી આ પાત્ર સાથે જોડાઈ રહ્યા. 1988માં તેમને ‘ધ અનટચેબલ્સ’ ચિત્ર માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઓસ્કર મળ્યો હતો. 1999ના નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બ્રિટનનાં રાણીએ તેમને ‘નાઇટ’નો ખિતાબ આપ્યો હતો; તેમનો પુત્ર જેસન કોનેરી પણ અભિનેતા થયો છે. 1975માં તેમણે મિશેલીન રોકબ્રુન સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. તેમનાં પત્ની ચિત્રકાર છે. પાછલાં વર્ષોમાં તે રાજકારણમાં સક્રિય થયા.

સીન કોનેરી 2012ની સાલ સુધી ફિલ્મોમાં સક્રિય હતા. એમની છેલ્લી ફિલ્મ ‘સર બીલ’. એમણે બધી મળીને 74 જેટલી ફિલ્મોમાં અભિનય કરેલો છે.

નોંધપાત્ર ચિત્રો : ‘હેલ ડ્રાઇવર્સ’ (1957); ‘ઑન ધ ફિડલ’ (1961); ‘ધ લૉન્ગેસ્ટ ડે’, ‘ડૉ. નો’ (1962); ‘ફ્રૉમ રશિયા વિથ લવ’ (1963), ‘વુમન ઑન સ્ટ્રૉ’, ‘ગોલ્ડ ફિન્ગર’ (1964); ‘ધ હિલ’, ‘થન્ડરબોલ’ (1965); ‘એ ફાઇન મેડનેસ’ (1966); ‘યુ ઓનલી લીવ ટ્વાઇસ’ (1967); ‘ધ એન્ડરસન ટેપ્સ’, ‘ડાયમન્ડ આર ફૉર એવર’ (1971); ‘મર્ડર ઑન ધ ઓરિયેન્ટ એક્સપ્રેસ’ (1974); ‘ધ મૅન હૂ વુડ બી કિંગ’ (1975); ‘એ બ્રિજ ટૂ ફાર’ (1977); ‘ધ ફર્સ્ટ ગ્રેટ ટ્રેન રૉબરી’ (1979); ‘નેવર સે નેવર અગેઇન’ (1983); ‘હાઇલેન્ડર’ (1986); ‘ધ અનટચેબલ્સ’ (1987); ‘ઇન્ડિયાના જોન્સ ઍન્ડ ધ લાસ્ટ ક્રુસેડ’ (1989); ‘રાઇઝિંગ સન’ (1993); ‘ધી એવેન્જર્સ’ (1998); ‘એન્ટ્રેપમેન્ટ’ (1999); ‘ફાઇન્ડિંગ ફૉરેસ્ટર’ (2000); ‘ધ લીગ ઑવ્ એક્સ્ટ્રા ઑર્ડિનરી જેન્ટલમેન’ (2003).

હરસુખ થાનકી