કૉલોરાડો રાજ્ય

January, 2008

કૉલોરાડો રાજ્ય : કૉલોરાડો રાજ્ય યુ.એસ.માં રૉકીઝ પર્વતના વિસ્તારમાં 37°થી 41° ઉત્તર અક્ષાંશ તથા 102° 30´ અને 108° પ.રે. વચ્ચે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 2,68,658 ચોકિમી. છે, જે દેશમાં આઠમા ક્રમે આવે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 432 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 608 કિમી. છે.

રાજ્યના પૂર્વ ભાગમાં મોટાં મેદાનો, પશ્ચિમમાં રૉકીઝની પર્વતમાળા તથા દક્ષિણમાં કૉલોરાડોનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. યુ.એસ.ના કોઈ પણ રાજ્ય કરતાં કૉલોરાડો પ્રદેશની સરેરાશ ઊંચાઈ વધારે છે. અહીં 3,300 મીટર કરતાં વધુ ઊંચાઈનાં 1000 શિખરો અને 4,200 મીટર કરતાં વધુ ઊંચાઈવાળાં 54 રૉકીઝ પર્વતનાં શિખરો છે. અહીંનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એલબર્ટ (4399 મી.) છે. શિયાળામાં અતિશય ઠંડી અને ઉનાળામાં ખુશનુમા આબોહવાનો અનુભવ થાય છે. ડેનવરમાં વાર્ષિક વરસાદ 358 મી. થાય છે. જાન્યુઆરીમાં 0.6° સે. અને જુલાઈમાં 24° સે. તાપમાન અનુભવાય છે.

ઊંચા પહાડો પર મોટા પ્રમાણમાં જંગલો આવેલાં છે. આ જંગલમાંથી સ્પ્રુસ, ફર, પાઇન, આસ્વન, ડગ્લાસ જેવાં વૃક્ષોમાંથી ઇમારતી લાકડું મળે છે. ઊંચા પહાડો અને ઉચ્ચપ્રદેશોને કારણે રાજ્ય જંગલસંપત્તિમાં અને ખનિજસંપત્તિમાં પણ સમૃદ્ધ છે. વિશ્વનું મોટા ભાગનું મોલીબ્ડિનમ અહીં ઉત્પન્ન થાય છે. યુરેનિયમ, સોનું, ચાંદી, જસત, ખનિજતેલ, જિપ્સમ વગેરે ખનિજો પણ સારા પ્રમાણમાં મળી આવે છે.

ધ ક્લિફ પેલેસ મેસા વર્દે નૅશનલ પાર્ક

1858માં અહીં સૌપ્રથમ સોનું મળી આવ્યું હતું. આમ, આ કૉલોરાડો રાજ્ય શરૂઆતમાં ખાણઉદ્યોગ માટે જાણીતું હતું. પછીથી ખેતીની શરૂઆત થઈ હતી. ઘઉં, શર્કરાકંદ, બટાટા વગેરે તેના મુખ્ય પાક છે. ઉચ્ચપ્રદેશના વિસ્તારમાં ડેરી વ્યવસાય વિકસ્યો છે.

રાજ્યમાં વિવિધ પ્રકારના ખેતીપાક થાય છે, છતાં મોટી આવક ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થાય છે. ડેનવર શહેર ઇલેક્ટ્રૉનિક્સનાં સાધનો માટે જાણીતું છે. પેબલો શહેર તો વળી ‘પશ્ચિમનું પિટ્સબર્ગ’ કહેવાય છે.

કૉલોરાડોમાં આવેલાં પર્વતોનાં ઊંચાં શિખરો, નદીઓ, તળાવો, સરોવરો, જંગલો વગેરેને કારણે પ્રવાસન ઉદ્યોગ વિકસ્યો છે. રૉકી માઉન્ટન નૅશનલ પાર્ક, ગાર્ડન ઑવ્ ધ ગૉડ્ઝ, ગ્રેટ સૅન્ડ ડ્યૂન્સ, મેસા વર્દે નૅશનલ પાર્ક ડાઇનોસોર નૅશનલ સ્મારક મુખ્ય આકર્ષણો છે.

રાજ્યની વસ્તી 59,97,070 જેટલી છે (2023). 5,54,600 જેટલી વસ્તી ધરાવતું ડેનવર રાજ્યનું પાટનગર છે. કૉલોરાડો સ્પ્રિંગ, લૉકવુડ, અરોરા, પેબલો, બોલ્ડર વગેરે અન્ય મહત્ત્વનાં શહેરો છે. ડેનવર હવાઈમથક તથા રેલમથક છે. ત્યાંની વસ્તી આશરે 29,63,000 (2023).

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ