કૉલોરાડો નદી

January, 2008

કૉલોરાડો નદી : યુ.એસ.ના નૈર્ઋત્ય ભાગમાં વહેતી નદી. ભૌગોલિક સ્થાન 33° 50′ ઉ. અ. અને 117° 23′ પ. રે.. તેની સૌપ્રથમ શોધ 1540માં હરનાલ્ડો-ડી-એલારકોન નામના સ્પૅનિશ શોધકે કરેલી. દેશના પશ્ચિમ ભાગમાં આવેલી નદીઓમાં કૉલોરાડો નદી સૌથી મોટી છે. કૉલોરાડો રાજ્યમાં રૉકીઝ પર્વતના નૅશનલ પાર્કમાંથી આ નદી શરૂ થાય છે. યૂટા, નેવાડા અને ઍરિઝોનાનાં રાજ્યોમાંથી વહીને તે દક્ષિણમાં કૅલિફૉર્નિયાના અખાતને મળે છે.

કૉલોરાડો નદીની કુલ લંબાઈ 2,350 કિમી. છે. આ લંબાઈ ભારતની ગંગા નદીની લંબાઈ કરતાં સહેજ ઓછી છે. નદીનું ઉદગમસ્થાન રૉકીઝ પર્વતનાં હિમાચ્છાદિત શિખરોમાં છે. દક્ષિણ તરફ તે ઓછા વરસાદવાળા રણપ્રદેશમાંથી વહે છે. ગંગા નદીની જેમ જ કૉલોરાડો નદીમાં રૉકીઝ પર્વતના હિમજથ્થાનું પાણી ભળે છે. આ કારણથી નદીમાં બારે માસ પાણીનો પુરવઠો રહે છે. ગુનીસન, ગ્રીન, સાન હુઆન, લિટલ કૉલોરાડો, ગિલા અને વર્જિન તેની સહાયક નદીઓ છે. આ નદી પર જળવિદ્યુત મથકો ઊભાં કરાયાં છે.

ગ્રાન્ડ કૅન્યનના કોતરો

વધુ ઊંચાઈવાળા ભાગ પરથી નીચાણવાળા ભાગ તરફ વહેતી હોવાથી કૉલોરાડો નદી વધુ ભયંકર અને તોફાની સાબિત થઈ છે. તેનું પાણી ઊંચા પર્વતો પરથી ઝડપથી વહીને દક્ષિણમાં રણના પ્રદેશમાં વહે છે.

તોફાની કૉલોરાડો નદીએ વધુ ઊંડી અને ઓછી પહોળાઈવાળી તથા સીધી બાજુઓ ધરાવતી સાંકડી ઊંડી ખીણ ‘કેન્યન’ બનાવી છે. ઍરિઝોના રાજ્યમાં કૉલોરાડો નદીએ આવી 2015 મીટરની ઊંડી કોતરખીણ બનાવી છે. આને ‘ગ્રાન્ડ કૅન્યન’ તરીકે ઓળખવામાં આવે છે. આ નદીએ એટલાં બધાં ઊંડાં કોતરો બનાવ્યાં છે કે તેનો સેંકડો કિમી. સુધીનો માર્ગ ઓળંગવો અશક્ય બની જાય છે. ખીણનું પ્રાકૃતિક સૌન્દર્ય અહીં માણી શકાય છે.

1936માં આ નદી પર હૂવર બંધ બાંધવામાં આવ્યો હતો. ભારતના ભાખરાનાંગલ બંધની સાથે તેની સરખામણી થઈ શકે. ભાખરાનાંગલ બંધની ઊંચાઈ 226 મીટર અને તેની પાણી સંગ્રહ કરવાની શક્તિ 9868 મિલિયન ક્યૂબિક મીટર છે. હૂવર બંધની ઊંચાઈ 221 મીટર અને પાણી સંગ્રહ કરવાની શક્તિ 36703 મિલિયન ક્યૂબિક મીટરની છે. આ રીતે હૂવર બંધ દુનિયાના ઊંચા અને વિશાળ બંધમાંનો એક છે.

હૂવર બંધ બાંધવાથી નદીમાં વહેતું મોટા ભાગનું પાણી ઉપયોગમાં લેવાય છે. તેના દેશના નૈર્ઋત્ય ખૂણાનાં શહેરો અને ખેતરોને પાણી તથા વિદ્યુત મળે છે. રણને હરિયાળું બનાવવામાં પણ કૉલોરાડો નદીના હૂવર બંધનો મોટો ફાળો છે.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ