કૉન્ટ્રૅક્ટર નરી

January, 2008

કૉન્ટ્રૅક્ટર, નરી (જ. 7 માર્ચ 1934) : ભારતના ટેસ્ટ ક્રિકેટના સમર્થ ડાબોડી ઓપનર તથા કપ્તાન. આખું નામ નરીમાન જમશેદજી. તેમની ક્રિકેટ કારકિર્દીનો અંત 1962ના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં બીજી ટેસ્ટ બાદ  આવી ગયો. બીજી ટેસ્ટ બાદ બાર્બાડોસમાં બ્રિજટાઉન ખાતે બાર્બાડોસ ટીમ સામેની એક મૈત્રી-ક્રિકેટ મૅચમાં ઝંઝાવાતી ફાસ્ટ બોલર ચાર્લી ગ્રિફિથના ફેંકાતા બાઉન્સરથી તેમની ખોપરીમાં ફ્રૅક્ચર થતાં તેમને બ્રિજટાઉનની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વેસ્ટ ઇન્ડીઝના માનવતાવાદી ટેસ્ટ ક્રિકેટર અને કપ્તાન (સર) ફ્રૅન્ક વૉરલે રક્તદાન કરી નરીમાનને નવી જિંદગી બક્ષી હતી. પરંતુ તેમની ક્રિકેટ-કારકિર્દીનો અંત આવી ગયો હતો.

31 ટેસ્ટ મૅચ રમનારા નરીમાને બાર વાર ભારતનું નેતૃત્વ સંભાળ્યું હતું. તે ગુજરાત અને રેલવેઝ તરફથી રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં રમ્યા હતા.

નરીમાન કૉન્ટ્રૅક્ટર

1952-53માં ગુજરાત તરફથી વડોદરા સામે વડોદરા ખાતે રણજી ટ્રૉફી સ્પર્ધામાં પદાર્પણ કરીને પોતાની પ્રથમ કક્ષાની ક્રિકેટ-કારકિર્દીની પ્રથમ મૅચના બંને દાવમાં સદી (152 અને અણનમ 102) ફટકારવાની સિદ્ધિ તેમણે નોંધાવી હતી અને તે દ્વારા ઑસ્ટ્રેલિયાના આર્થર મૉરિસની બરાબરી કરી હતી.

1956-57માં મુંબઈ સામે રણજી ટ્રોફીમાં 176 રનનો સર્વોચ્ચ વ્યક્તિગત જુમલો.

1957-58ની રણજી ટ્રોફીની મોસમમાં તેમણે ગુજરાત વતી રમતાં મુંબઈ સામે 102 રન, સૌરાષ્ટ્ર સામે 135 રન, વડોદરા સામે 167 રન અને મહારાષ્ટ્ર સામે 110 રન નોંધાવવાની અસાધારણ સિદ્ધિ હાંસલ કરી હતી.

1952થી 1971ના ગાળામાં ગુજરાતનું લગભગ 10 વર્ષ નેતૃત્વ કરીને તેમણે 94 દાવમાં 3707 રન નોંધાવ્યા હતા.

1955-56માં પ્રવાસી ન્યૂઝીલૅન્ડ સામે ટેસ્ટ પદાર્પણ, 31 ટેસ્ટ મૅચમાં 52 દાવમાં એક સદી (108) સાથે કુલ 1611 રન નોંધાવ્યા હતા, એક વિકેટ અને 18 કૅચ કર્યા હતા.

1959માં ભારતીય ટીમ સાથે તેમણે ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો હતો. 1961-62માં તેમના નેતૃત્વ હેઠળ ભારત ઇંગ્લૅન્ડ સામે ‘રબર’ જીત્યું હતું.

જગદીશ બિનીવાલે