કૉકપિટ : વિમાનનો નિયંત્રણ-કક્ષ. શરૂઆતમાં વિમાની તેમજ મુસાફરોને બેસવાના સ્થાનને કૉકપિટ કહેતા. તેનું એક કારણ એ કે આ સ્થાન જાણે વિમાનને વચ્ચેથી ખોદીને બનાવેલા ખાડા (pit) જેવું હતું. જૂના જમાનામાં મરઘાંપાલન કરતા લોકો મરઘાંને ખાડામાં રાખી તેના પર સૂંડલા ઢાંકી સાચવતા અને આ ખાડાને ‘કૉકપિટ’ કહેતા. વિમાનમાં કંઈક આવા જ પ્રકારની રચના હોવાથી કૉકપિટ નામે ઓળખાય છે. તે પછી માત્ર વિમાનચાલકને બેસવાની જગ્યા કૉકપિટ તરીકે ઓળખાતી થઈ. આધુનિક વિમાનમાં સંપૂર્ણ નિયંત્રણ કૉકપિટમાંથી થતું હોઈ તેનું નવું નામ નિયંત્રણ-કક્ષ (control-cabin) અથવા ઉડ્ડયન-કક્ષ (flight-deck) રાખવામાં આવ્યું છે અને તે વધુ ને વધુ પ્રચલિત થઈ રહ્યું છે (જુઓ આકૃતિ 1).

પ્રારંભકાળનાં વિમાનોમાં નિયંત્રણ-કક્ષમાં વિમાનીને બેસવાની જગ્યા ઉપરાંત વિમાનના નિયમન માટે અંકુશ-સ્તંભ (control column / control stick), વિમાનની ઊંચાઈ જાણવા માટેનું ઊંચાઈમાપકયંત્ર (altimeter) અને દિશા જાણવા માટેનું હોકાયંત્ર (compass) સિવાય કશું હતું નહિ. આમાં એન્જિનની સ્થિતિ જાણવા પરિભ્રમણ ગણક (revolution counter) અને હવાની સામે વિમાનની સાપેક્ષ ગતિ માપવા માટે વાયુગતિમાપક (air speed indicator) ઉમેરાયાં. આ પછી જરૂરિયાત મુજબ બીજા વિમાનચાલકને બેસવાની જગ્યા અને અન્ય જરૂરી ઉપકરણો

આકૃતિ 1 : ફ્લાઇટ એન્જિનિયરનાં ઉપકરણો દર્શાવતો નિયંત્રણ-કક્ષ

(instruments) ઉમેરાયાં. બીજા વિશ્વયુદ્ધ પછી નાગરિક ઉડ્ડયન વિકસતું ગયું તેમ નિયંત્રણ-કક્ષ વધુ ને વધુ સંકુલ થવા લાગ્યો. વિમાનોમાં જેટ યુગ આવતાં સૌથી વધુ વ્યાપક થયેલ વિમાન બોઇંગ 707માં ચાર વિમાનચાલકો બેસતા : કપ્તાન અથવા મુખ્ય વિમાનચાલક, સહાયક વિમાનચાલક (co-pilot), ફ્લાઇટ એન્જિનિયર અને પથદર્શક (navigator).

એક સામાન્ય માણસની નજરે 707 વિમાનનો નિયંત્રણ-કક્ષ ઉપકરણો, ચાંપો (switches), દીવા (lights) વગેરેનો શંભુમેળો લાગે. પણ પ્રત્યેક વિમાનચાલક માટે કૉકપિટ ચોક્કસ સંદેશા લાવે છે. ચાંપ, દીવા તથા અંકુશ-સ્તંભનું ચક્ર વિમાનના ચોક્કસ નિયંત્રણ માટે જ હોય છે. વિમાનચાલકને ક્યાં શું જોવું વગેરેની માહિતી હોય છે. ઉપરની આકૃતિ 2 પાંચ પ્રકારની ગોઠવણ દર્શાવે છે.

(1) ઉડ્ડયન દરમિયાન વિમાનનું સીધું નિયમન કરનાર નિયંત્રણ સપાટી(control surface)ને ચલાવનાર અંકુશસ્તંભ અને તેને લગતાં ઉપકરણ, ચાંપો વગેરે; (2) વિમાનચાલકને માર્ગદર્શન આપનાર ઉપકરણો; (3) વિમાનના એન્જિન અને વીજળી પેદા કરનાર યંત્રને લગતાં ઉપકરણો, (4) વિમાનચાલકને હવામાન માટેના, રડારના અને

આકૃતિ 2 : એન્જિનને લગતાં ઉપયંત્રો : 1. અંકુશ સ્તંભ, 2. ઉડ્ડયનનાં મુખ્ય ઉપયંત્રો, 3. એન્જિન નિયંત્રણ, 4. રેડિયો અને રેડાર, 5. ફ્લાઇટ એન્જિનિયરની પૅનલ

બિનતારી સંદેશા મોકલવા અંગેના નિયંત્રકો (controls) તથા (5) ફ્લાઇટ એન્જિનિયરના નિયંત્રકો. વિમાનચાલકના માથા ઉપરના ભાગમાં આવેલી તકતી (overhead panel) પરનાં ઉપકરણો, ચાંપો તથા લાઇટ એવા પ્રકારનાં હોય છે જેના પર સંપૂર્ણ ઉયન દરમિયાન સતત નજર રાખવાની જરૂર હોતી નથી. જેના પર ઉયન દરમિયાન સતત નજર રાખવાની જરૂર હોય તે ચાલકની સામે ચોક્કસ આકારમાં ગોઠવેલાં હોય છે. આમાં વિમાનનું સંતુલન બતાવતાં ઉપકરણ, ઊંચાઈમાપક અને ગતિમાપક, એન્જિનની શક્તિ (power), બળતણના પ્રવાહનો દર (fuel flow rate) વગેરેના નિર્દેશકનો સમાવેશ થાય છે. કપ્તાન અને ઉપકપ્તાન બન્નેને જોવાનાં ઉપકરણો અમુક અંશે બેવડાયેલાં (duplicated) હોય છે. આમાં વિમાનનું સંતુલન બતાવતાં, ઊંચાઈમાપક અને ગતિમાપક ઉપકરણોનો સમાવેશ થાય છે. (જુઓ આકૃતિ 3) આમાં એક જ પ્રકારનાં ઉપકરણો

આકૃતિ 3 : એન્જિનનાં ઉપકરણો

હોવા છતાં, તેમનો વિદ્યુત પ્રવાહ, નિર્દેશ (display) અને હિલચાલ એકબીજાથી સ્વતંત્ર હોય છે. પણ વિમાનમાં કોઈ કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો કપ્તાન અને ઉપકપ્તાન પોતાનાં યંત્રો જે કોઈ વિદ્યુત પ્રવાહ ચાલુ હોય તેની સાથે જોડી દઈ શકે છે. નિયંત્રણ-કક્ષમાં દાખલ થતાં જ ડાબી બાજુની ખુરશી પર કપ્તાન અને જમણી બાજુની ખુરશી પર ઉપકપ્તાન બેસે છે. કપ્તાન પાછળ પથદર્શક અને ઉપકપ્તાન પાછળ ફ્લાઇટ એન્જિનિયર બેસે છે. પથદર્શક પાસે સેક્સ્ટન્ટ, રેડિયો, ઍલ્ટિમીટર, ડૉપ્લર વગેરે સાધનો હોય છે. તેનું કામ પૃથ્વી પરના રેડિયો સ્ટેશનની સાપેક્ષતાએ વિમાનની સ્થિતિ અને તેનો ઉડ્ડયનપથ નક્કી કરવાનું છે. ફ્લાઇટ એન્જિનિયરનું કામ ઉડ્ડયન દરમિયાન બળતણનું, વિમાનના વાતાવરણનું અને તાપમાનનું નિયંત્રણ કરવાનું છે.

બોઇંગ 707 પછી બીજા વધુ કામયાબ બનેલા વિમાન બૉઇંગ 747 – જંબો જેટમાં – જડત્વ-પથદર્શક સંયંત્ર (inertial navigation system) આવતાં પથદર્શકની જગ્યા દૂર કરાઈ અને વિમાનમાં ચારને બદલે ત્રણ ચાલકો રહ્યા.

અત્યાધુનિક વિમાનમાં માત્ર બે જ ચાલકો હોય છે. બાકીનું સઘળું કામ સ્વયંચાલિત યંત્રોથી થાય છે. ઉપકરણોના મેળાની જગ્યા ટી.વી.ના પડદાએ લીધી છે. કમ્પ્યૂટર (computer) ટી.વી.ના પડદા પર વિમાનચાલનના જુદા જુદા તબક્કે જરૂરી ઉપકરણો ગોઠવે છે. અમુક વિમાનોમાં અંકુશ-સ્તંભ હજી પણ છે, જ્યારે ‘તાર દ્વારા ઉડ્ડયન’(fly-by-wire)વાળા વિમાનમાં અંકુશ-સ્તંભની જગ્યા જોય-સ્ટિકે લીધી છે. આ લાકડીની હિલચાલ દ્વારા વિમાનચાલક કમ્પ્યૂટરને સંદેશો મોકલે છે અને કમ્પ્યૂટર એ પ્રમાણે વિમાનનું નિયમન કરે છે.

આકૃતિ 4 : તાર દ્વારા ઉડ્ડયન – fly-by-wire : એક આધુનિક નિયંત્રણ-કક્ષ

વિમાન અકસ્માતોનાં કારણો જાણવાની અને તેનું વિશ્લેષણ કરી અકસ્માતો ઘટાડવાનાં પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ.

કથ્થાઈ રંગના લંબચોરસ આકારના પોલાદના જાડા રોધક સ્તરોમાં વીંટાયેલું ઉપકરણ (flight cockpit recorder) દ્વારા વિમાનની ગતિ, વિમાનની ઊંચાઈ, તેની દિશા, તેનો ઊર્ધ્વ પ્રવેગ, વિમાનનો નતકોણ (pitch) વગેરેની નોંધ થાય છે. આને બ્લૅક બૉક્ષ કહેવાય છે. ઉપરાંત વિમાનચાલક, સહવિમાનચાલક, રેડિયો ઑફિસર અને કન્ટ્રોલ ટાવર વચ્ચેની વાતચીતની સતત નોંધ થતી રહે છે તેની સાથે એક અલાયદું ‘કૉકપિટ વૉઇસ રેકૉર્ડર’ હોય છે. આ બંને ઉપકરણો વિમાનના પુચ્છ ભાગમાં ગોઠવવામાં આવેલાં હોય છે. તેની ક્ષમતા 100Gનો સંઘાત (impact) તથા 1,093o સે. તાપમાન સહન કરવાની હોય છે.

પ્રકાશ રામચંદ્ર