કૉકટેલ પાર્ટી (1950) : ટી. એસ. એલિયટનું પદ્યનાટક. સૌપ્રથમ 1949માં એડિનબર્ગ ફેસ્ટિવલ ખાતે ભજવાયું. એલિયટે 1935થી 1959 દરમિયાન પાંચ નાટકો લખ્યાં, જેમાંનું પ્રથમ નાટક ‘ધ મર્ડર ઇન ધ કેથીડ્રલ’ ટ્રૅજેડી છે, જ્યારે બાકીની ચારેય નાટ્યકૃતિઓ કૉમેડી છે. આ પાંચેય પદ્યનાટકો છે. ‘ધ કૉકટેલ પાર્ટી’ એલિયટની અન્ય નાટ્યરચનાઓની જેમ પૌરાણિક કલ્પનો, ઇતિહાસસંદર્ભો તેમજ ધર્મગત પ્રશ્નોને સમકાલીન જીવનભૂમિકાએ પ્રયોજે છે. યુરિપિડીઝની કૃતિ ‘એલસેસટીસ’ના મુખ્ય કથાવસ્તુનો એલિયટે ‘ધ કૉકટેલ પાર્ટી’ના અંતર્ગત કથાબીજ તરીકે ઉપયોગ કર્યો છે. ‘એલસેસટીસ’ નાટ્યકૃતિની નાયિકા પતિને બદલે મૃત્યુ પામે છે પણ દૈવી ઘટનાના બળે તે પુનર્જીવિત થાય છે. ‘ધ કૉકટેલ પાર્ટી’ની નાયિકા ઘર છોડી નાસી ગઈ છે. તેને પુન: પાછી લાવવામાં આવે છે. — જાણે કે તેનું પુનરાગમન મૃત્યુના પ્રદેશમાંથી ન થયું હોય ! ગ્રીક નાટકનું આ મુખ્ય કથાબીજ ‘મૃત પત્નીનું પુનરાગમન’, એલિયટે કહ્યું છે તેમ, તેમની નાટ્યકૃતિનું એક મુખ્ય કાર્યબિંદુ છે પણ નાટ્યવસ્તુનો સમગ્ર વિકાસ સ્વતંત્ર ભૂમિકા પર એટલે કે સાંપ્રત સામાજિક ભૂમિકા પર થાય છે. પતિપત્નીના ગૃહજીવનમાં આવેલી આપત્તિનું કારણ પરસ્પરના સહજીવનમાં પડેલી તિરાડ છે. માનવીય સંબંધોનું સામાજિક ભૂમિકાએ સાંપ્રતકાળમાં કેવું સ્વરૂપ છે તે નિરૂપવામાં એલિયટને રસ છે. અહીં આકાર લેતી દરેક મુલાકાત માનવસંબંધોની જાણે કે પોકળતા છતી કરે છે. ‘‘દરેક મુલાકાતમાં આપણે આગંતુકને મળતા હોઈએ છીએ’’ તેમજ ‘‘ગાંઠાળી સ્મૃતિઓથી પરસ્પરને ટૂંપશો નહિ’’ જેવાં વાક્યો માનવસંબંધોને તાકતાં હોય છે. ‘ધ કૉકટેલ પાર્ટી’નો આરંભ લગ્નજીવનનું નિરૂપણ કરતા નાટક તરીકે થાય છે. નાટકનું હૃદયસ્પર્શી હાર્દ આ છે કે એડવર્ડની પત્ની પુન: પતિગૃહે પાછી ફરે છે, પણ તેને બદલે અન્ય સ્ત્રી — એડવર્ડની પ્રિયતમા — અંતિમ યાત્રાએ નીકળી પડે છે. આમ ‘ધ કૉકટેલ પાર્ટી’માં મૃત્યુ પરાભવ પામતું નથી.

ઉચ્ચ વર્ગની રહેણીકરણીને આલેખતું ‘કૉમેડી ઑવ્ મૅનર્સ’નું રૂઢ સ્વરૂપ એલિયટે સફળતાપૂર્વક ખેડ્યું છે. પાત્રોના મનોભાવોને વિવિધ પરિસ્થિતિઓના સંદર્ભમાં ક્રિયાન્વિત કરતા જઈ સમાજનું યથાર્થ દર્શન રજૂ કરવાની એક સળંગ પરિપાટી ડ્રાયડનથી લઈ એલિયટ સુધી જોવા મળે છે. એડવર્ડ અને તેની પત્ની લાવિનિયા મુખ્ય પાત્રયુગ્મ તરીકે ઊપસતાં આવે છે. તેમની સામે પીટર અને સેલિયાનું પાત્રયુગ્મ આવે છે. સેલિયા એડવર્ડની ઉપપત્ની છે, તો પીટર જે સેલિયાના પ્રેમમાં છે તે ભૂતકાળમાં લાવિનિયાનો પ્રેમી હતો. ‘ધ કૉકટેલ પાર્ટી’ વસ્તુત: પ્રેમ અને કામુકતા (passion) વચ્ચેની ભેદરેખા ઉપસાવી આપતી કૃતિ છે. નાટકનાં મુખ્ય પાત્રો એડવર્ડ-લાવિનિયા અને પીટર-સેલિયા નાટ્યાન્તે પોતપોતાનો જે પરિચય મેળવે છે, પોતાની જે આવશ્યક આત્મસંજ્ઞા કંઈક અંશે કેળવી શકે છે, તે નિર્દેશ આપે છે જીવનને ઉપયુક્ત એવી જીવનદૃષ્ટિનો.

નલિન રાવળ