કે. લાલ (જ. 1925, માવજંજીવા, બગસરા [સૌરાષ્ટ્ર]; અ. 23 સપ્ટેમ્બર 2012, અમદાવાદ) : વિશ્વવિખ્યાત ભારતીય જાદુગર. મૂળ નામ કાંતિલાલ ગિરધરલાલ વોરા. કૉલકાતામાં પરિવારના કાપડના વ્યવસાયને કારણે ત્યાં ઉછેર અને શાળાકીય શિક્ષણ પામનાર કે. લાલે નાનપણથી જ જાદુકલા પ્રત્યે આકર્ષાઈને ઠેર ઠેર ફરીને એનો અભ્યાસ કર્યો અને માત્ર 15 વર્ષની વયે સૌરાષ્ટ્રમાં વંથળી ગામે એનો એક કલાકનો પ્રથમ બિનધંધાદારી પ્રયોગ કર્યો. પણ પૂર્ણ કક્ષાના અને સમાજસેવા અર્થેના પ્રયોગોની શરૂઆત 1951માં રૉક્સી થિયેટરના રંગમંચ પર કરી. 1961થી એમણે ધંધાદારી ધોરણે જાહેર પ્રયોગો શરૂ કર્યા. 1991 સુધીમાં 14,000થી વધારે પ્રયોગો કર્યાનો અંદાજ છે, જેમાં સૌથી વધુ પ્રયોગો જાપાનમાં થયા છે. નવ વરસમાં અઢાર જેટલી ખેપો કરી 3,200 ઉપરાંત દિવસો લગી પ્રયોગો કર્યા છે. આ ઉપરાંત પૂર્વ આફ્રિકા, ફીજી, મધ્યપૂર્વના દેશો, મોરિશિયસ, ન્યૂઝીલૅન્ડ, કોરિયા, અમેરિકા, કૅનેડા અને સિંગાપોરમાં પણ તેમણે અનેક પ્રયોગો કરી વિદેશી લોકોને ભારતની પરંપરાગત જાદુકલાથી પ્રભાવિત કર્યા છે. 1951થી 1991 સુધીમાં પોતાના પ્રયોગો દ્વારા તેમણે જુદી જુદી સેવાભાવી સંસ્થાઓને સાડા પાંચ કરોડ રૂપિયા જેટલી રકમ એકત્ર કરી આપી છે. તેમણે પ્રાચીન ભારતીય જાદુપરંપરાના પ્રયોગો સાથે પ્રકાશનિયોજન અને સમાંતર વાદ્યવાદન તથા હાથી, સિંહ, વાઘ, મગર, લિઝર્ડ જાયન્ટ, અજગર, સાપ જેવાં મનુષ્યેતર પ્રાણીઓનો સમાવેશ કરીને જાદુકલાને આધુનિકતાના ઢાંચામાં ઢાળી છે. એમના પ્રયોગોની અનન્ય સફળતામાં વૈજ્ઞાનિક પદ્ધતિએ રચાતું ર્દષ્ટિછલ, તેમની વીજળીક ઝડપ, ભ્રમજાળ, હાથચાલાકી અને સાધન-કરામતનો મોટો હિસ્સો છે. પોતાના પ્રયોગો દરમિયાન પ્રસંગોપાત્ત અંધશ્રદ્ધા કે અવૈજ્ઞાનિક માન્યતાઓનું ખંડન કરી પોતાનો વૈજ્ઞાનિક અભિગમ સ્પષ્ટ કરે છે એ એમની વિશેષતા છે. એમના પ્રયોગોમાં જીવતી છોકરીના ટુકડા કરી બતાવવા(lady cutting)નો તથા મારુતિ ગાડી અર્દશ્ય કરવાનો પ્રયોગ વધુ વિખ્યાત છે.

કે. લાલ

જાપાન સરકારે તેમને સાર્ક ગ્લાસનો ઍવૉર્ડ આપીને તેમનું બહુમાન કર્યું છે. તે ઉપરાંત તેમને અન્ય દેશોમાં પણ અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં છે. સ્વદેશમાં પશ્ચિમ બંગાળ સરકારે માઇકલ મધુસૂદન ઍવૉર્ડ, આંધ્રપ્રદેશ સરકારે ક્રાંતિવીર ઍવૉર્ડ અને ગુજરાત સરકારે તામ્રપત્ર ઉપર પ્રશસ્તિવચનો સહિતનો રૂ. 50,000નો વિશેષ ઍવૉર્ડ અર્પણ કરીને તેમનું બહુમાન કર્યું છે. બધું મળીને તેમને 60 ઉપરાંત સુવર્ણચંદ્રકો, 11 શીલ્ડ અને 360 ટ્રોફીઓ મળ્યાં છે.

તેમના પુત્ર હસમુખભાઈ વોરા (જ. 11 સપ્ટે. 1980) પણ તેમની સાથે જ જુનિયર કે. લાલ નામે પ્રયોગોમાં સાથ આપે છે. તેઓ પણ પિતાની માફક જાદુકલામાં નામના હાંસલ કરી રહ્યા છે.

રજનીકુમાર પંડ્યા