કૃષ્ણ વારિયર એન. વી.

January, 2008

કૃષ્ણ વારિયર, એન. વી. (જ. 1917, ત્રિચૂર, કેરળ; અ.?) : મલયાળમ કવિ, ચિંતક, વિવેચક અને પત્રકાર. તૃપૂણીતુરાની સંસ્કૃત કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ સંસ્કૃતના શિક્ષક બાદ 12 વર્ષ સુધી કૉલેજમાં અધ્યાપક રહ્યા. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં ઝંપલાવ્યું અને ‘સ્વતંત્ર ભારતમ્’ નામનું અખબાર અને સંખ્યાબંધ પત્રિકાઓ પ્રગટ કરી. ‘અહિંસક સૈન્યમ્’ (1939) અને ‘મહાત્મા ગાંધી’ (1942) તે સમયનાં કાવ્યો છે. 1948માં ચેન્નાઈ યુનિવર્સિટીમાંથી એમ.લિટ.ની પદવી પ્રાપ્ત કરી તેમજ રાષ્ટ્રભાષા-વિશારદ અને કાયદાના સ્નાતકની પરીક્ષાઓ પાસ કરી. 16 જેટલી અન્ય ભારતીય અને વિદેશી ભાષાઓની જાણકારી પણ તેમણે મેળવી.

1952માં તેઓ ‘માતૃભૂમિ’ અઠવાડિકના સંપાદક બન્યા અને પત્રકાર તરીકે ભારતનાં અન્ય સ્થળો તથા ઇંગ્લૅન્ડ અને અમેરિકાનો પ્રવાસ ખેડ્યો. 1968માં ત્રિવેન્દ્રમ્ ખાતે રાજ્યના ભાષા નિયામક નિમાયા અને ત્યાંથી સેવાનિવૃત્ત થયા.

ગ્રહણશક્તિ ધરાવતી વ્યક્તિ તરીકે તેમણે વિષય અને સ્વરૂપની ર્દષ્ટિએ આધુનિક મલયાળમ કવિતાને નવો વળાંક આપ્યો અને નવાં પરીક્ષણોને વિષય બનાવતા ‘નીન્ડા કવિતાકાલ’ (‘લાગ પોએમ્સ’, 1948); ‘કુરેક્કૂડી નીન્ડા કવિતાકાલ’ (‘મોર લાગ પોએમ્સ’, 1950) નામક કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા. રૂઢિગત પ્રણાલિકાઓ તોડીને તેમણે મલયાળમ કવિતામાં માધુર્ય અને સંગીતને સ્થાને જુસ્સો, શહેરી સંસ્કૃતિ અને સચોટ રજૂઆતને પ્રાધાન્ય આપ્યું. તેમની કૃતિઓમાં ‘નીટ કવિતકમ્’; ‘કુરેવકૂટિ’ અને ‘કોચુ તોમ્મન’નો સમાવેશ થાય છે. તે પૈકી ‘કોચુ તોમ્મન’ (1955) મદ્રાસ (ચેન્નાઈ) સરકારના ઇનામને પાત્ર ઠરી હતી. આઝાદી બાદ તેમણે ‘ગાંધીયમ ગોડસેયમ’ (1969) નામક 16 કાવ્યોનો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. તે ઉપરાંત ‘બંગલાદેશ’ (1970); ‘બક્કી વલ્લાટુ મુન્ડો’ (‘એનીથિંગ રિમેઇનિંગ’, 1982) અને ‘કુટ્ટિકાલુડે કુરિશસુયુદ્ધમ્’ (‘ક્રૂસેડ બાય ચિલ્ડ્રન’, 1984) તેમના અન્ય ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે.

આ ઉપરાંત તેમણે નિબંધ, વિવેચન, નાટક અને અટ્ટકથાઓ વિશેના ગ્રંથો પણ આપ્યા છે. કળા, સાહિત્ય અને સંસ્કૃતિ પરના તેમના નિબંધસંગ્રહો ‘કલોત્સવમ્’ અને ‘પરિપ્રેક્ષ્યમ્’ જાણીતા છે.

તેઓ સમસ્ત કેરળ સાહિત્ય પરિષદના પ્રમુખ; કેરળ સાહિત્ય સમિતિના પ્રમુખ; કેરળ યુનિયન ઑવ્ વર્કિંગ જર્નાલિસ્ટ્સના પ્રમુખ; કેરળ સાહિત્ય અકાદમીના સભ્ય અને રાજ્યભાષા કચેરીના નિયામક તરીકે વર્ષો સુધી કાર્યરત રહ્યા. સાહિત્ય અને સંસ્કૃતિને ક્ષેત્રે મહત્વના પ્રદાન બદલ તેમને સાહિત્યરત્ન ઍવૉર્ડ, સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા.

અક્કવુર નારાયણન્

બળદેવભાઈ કનીજિયા