કૃષ્ણવડ : હિ. कृष्णकटोरी; ગુ. માખણકટોરી; અં. Krishna’s butter-cup. દ્વિદલા વર્ગના ઉપવર્ગ અદલાના કુલ Urticaceaeનું મધ્યમથી નીચા કદનું વૃક્ષ. તેનાં પાન સાદાં, વડનાં પાન જેવા આકારવાળાં હોય છે. તે અદંડી છે પરંતુ ડીંટાને બદલે પર્ણપત્ર નીચલી બાજુએ વળી ખિસ્સા જેવો પ્યાલો બનાવે છે.

તેનું વૃક્ષ સયાજીબાગ, વડોદરા અને રાણીબાગ, મુંબઈમાં અને એક ઝાડ રીટ્રીટ શાહીબાગ, અમદાવાદમાં છે. ઉપરાંત મથુરા-વૃંદાવનમાં તે પુષ્કળ પ્રમાણમાં મળે છે. દંતકથા એવી છે કે કૃષ્ણ ભગવાન આ પાન વડે ગોપીઓના મટકામાંથી માખણ ચોરતા અથવા તેમણે જે જે વડનાં પાન આવું માખણ લેવા વાપર્યાં તે તે વડનાં પાન ખિસ્સા જેવાં થયાં. જે હોય તે, પરંતુ આંતરરાષ્ટ્રીય નામાભિધાન સંસ્થાએ Krishnae ક્રિષ્ણી specific જાતીય નામ તરીકે માન્ય રાખ્યું અને તેનું લૅટિન નામ Ficus Krishnae c de માન્ય રાખ્યું. ઉપરાંત Ficus bengalensisની ઉપજાતિ તરીકે નોંધ લીધી.

મ. ઝ. શાહ