કૂક ટાપુઓ : દક્ષિણ પૅસિફિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલો ટાપુસમૂહ. તે 8o.0′ દ. અ.થી 23o દ. અ. તથા 157o પ. રે.થી 167o પ. રે. વચ્ચેનો આશરે 22 લાખ ચોકિમી. જેટલો મહાસાગરીય વિસ્તાર આવરી લે છે, પરંતુ તેમના 15 જેટલા ટાપુઓનો કુલ ભૂમિવિસ્તાર 240 ચોકિમી. જેટલો છે તથા આ ટાપુઓને 145 કિમી. જેટલો દરિયાકાંઠો મળેલો છે. આ ટાપુસમૂહ ન્યૂઝીલૅન્ડથી ઈશાન તરફ આશરે 2,900 કિમી. જેટલા અંતરે આવેલા છે.

આ ટાપુઓ ઉત્તર જૂથ અને દક્ષિણ જૂથ જેવા બે વિભાગોમાં વહેંચાયેલો છે. માનુઆના કંકણાકાર પ્રવાલદ્વીપને બાદ કરતાં દક્ષિણ જૂથના બધા જ ટાપુઓ સમુદ્રસપાટીથી ઉપર તરફ બહાર આવેલા જ્વાળામુખીજન્ય ટાપુઓ છે, તે પૈકીના રારોટોંગા ટાપુની ઊંચાઈ સમુદ્ર-સપાટીથી 652 મીટર જેટલી છે. દક્ષિણ જૂથના ટાપુઓમાં રારોટોંગા, ઐતુતાકી, માંગૈયા, અટિઉ, ટાકુટિયા, મૌકી, મિટિયારો અને માનુઆનો સમાવેશ થાય છે. ઉત્તર જૂથના સાત ટાપુઓમાં પાલમેર્સ્ટન ટાપુ, માનિહિકી, રાકાહાંગા, પેન્હ્રીન, પુકાપુકા, નસાઉ અને સુવારોવનો સમાવેશ થાય છે.

રારોટોંગા ટાપુ

કૂક ટાપુવાસીઓ પૉલિનેશિયનો હોઈને તેઓ પોતાને માઓરિસ તરીકે ઓળખાવે છે. તેમની ભાષા ન્યૂઝીલૅન્ડના માઓરિસને મળતી આવે છે; એટલું જ નહિ, તેમનું સામાજિક માળખું અને રીતરિવાજો પણ મળતા આવે છે. ટાપુવાસીઓ અંગ્રેજી ભાષા પણ બોલે છે. ઈ.સ. 2000 મુજબ આ ટાપુઓની કુલ વસ્તી આશરે 20,000 જેટલી છે, તે પૈકી આશરે 600 જેટલા યુરોપિયનો છે. 10,000 જેટલા લોકો રારોટોંગામાં, આશરે 2,500 જેટલા લોકો ઐતુતાકીમાં, આશરે 1,300 જેટલા મોંગૈયામાં અને આશરે 1,200 જેટલા લોકો અતિઉમાં વસે છે. રારોટોંગા ટાપુ પર આવેલા આવારુઆ ખાતેની વસાહત પ્રમાણમાં મોટી છે. તે વહીવટી તેમજ વાણિજ્ય-મથક પણ છે. માનુઆ, સુવારોવ અને ટાકુટિયા સિવાયના બાકીના બધા જ કૂક ટાપુઓ પર કાયમી વસાહતો જોવા મળે છે; જોકે મોટા ભાગના કૂક ટાપુવાસીઓ ગામડાંઓમાં રહે છે.

પરંપરાગત રીતે જોતાં આ ટાપુસમૂહનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે. ટાપુવાસીઓ ખાટાં ફળો, પાઇનૅપલ, કેળાં, કોપરાં તથા અન્ય રોકડિયા પાકોના ઉત્પાદનકાર્યમાં રોકાયેલા રહે છે. ઉત્તર ટાપુસમૂહના લોકો મરજીવાનું મોતી વીણવાનું કામ કરે છે. રારોટોંગા ખાતે કાપડનાં ત્રણ કારખાનાં આવેલાં છે. બીજા કેટલાક સ્થાનિક એકમોમાં હસ્તકારીગરીનું કામ ચાલે છે. ફળોના પ્રક્રમણમાં પાઇનૅપલ તેમજ અન્ય અયનવૃત્તીય ફળો ડબ્બીઓમાં ભરીને ન્યૂઝીલૅન્ડ ખાતે વેચાણ અર્થે મોકલાય છે.

1773માં કૅપ્ટન જેમ્સ કૂક આ ટાપુઓ પર પહોંચનાર સર્વપ્રથમ યુરોપિયન હતો. 1888માં ગ્રેટબ્રિટને આ ટાપુઓનો કબજો લીધેલો, તથા 1891માં ન્યૂઝીલૅન્ડને વહીવટી કાબૂ સોંપેલો. 1965માં નવા બંધારણની રૂએ ટાપુવાસીઓને તેમની પોતાની આંતરિક બાબતોનો વહીવટ સોંપ્યો છે. આજે આ ટાપુઓની વ્યવસ્થા ન્યૂઝીલૅન્ડને હસ્તક તો છે, પણ મુક્ત વહીવટી વ્યવસ્થા ટાપુવાસીઓને હસ્તક છે. આ વ્યવસ્થા હેઠળ, ટાપુઓ પોતાની વહીવટી વ્યવસ્થા પોતે ગોઠવે છે, તેઓ ન્યૂઝીલૅન્ડના નાગરિકો ગણાય છે. ન્યૂઝીલૅન્ડ તેમને ટાપુઓના રક્ષણાર્થે લશ્કરી મદદ પણ કરે છે.

વસંત ચંદુલાલ શેઠ

ગિરીશભાઈ પંડ્યા