કુરીતીબા : બ્રાઝિલના પારાના પ્રદેશનું શહેર. તે 25° 25′ દક્ષિણ અક્ષાંશ અને 49° 25′ પશ્ચિમ રેખાંશ પર આવેલું છે. અતિ પ્રાચીન ખડકોની બનેલ બ્રાઝિલિયન ઉચ્ચભૂમિ પર સમુદ્રની સપાટીથી 908 મીટર આશરે ઊંચાઈએ તે વસેલું છે. 1654માં સુવર્ણક્ષેત્રનું ખોદકામ કરવાના મથક તરીકે તેની શરૂઆત થઈ હતી. ઈ. સ. 1668થી 1853 સુધી સાઓ પોલો રાજ્યના એક જિલ્લા તરીકે અસ્તિત્વ ધરાવતો પારાનાનો પ્રદેશ ઈ. સ. 1854માં નવો પ્રાન્ત બનતાં કુરીતીબા તેની રાજધાની બન્યું. આ નવા પ્રાન્તનો 1940 પછી ઝડપી આર્થિક વિકાસ થતાં આ શહેરનો પણ વિકાસ સધાયો. વન્ય સંપત્તિ, પશુપાલન અને ખેત-ઉત્પાદન પર આધારિત કાગળ અને કાર્ડબોર્ડ, લાકડાનો સામાન, કાપડ, દીવાસળી, તમાકુ ઉપરાંત સિમેન્ટ અને રસાયણો બનાવતાં કારખાનાં આવેલાં છે. આસપાસનાં ક્ષેત્રોમાં ઉત્પન્ન થતાં ચા, કૉફી, કેળાં, ખાંડ વગેરે માટેનું મુખ્ય વ્યાપારી કેન્દ્ર છે. તે રેલવે, સડકો અને હવાઈ માર્ગો દ્વારા સાઓ પોઉલો, પરાનાગુઆ અને રિઓ-ડી-જાનેરો સાથે જોડાયેલ છે. અનેક વિદ્યાશાખાઓ ધરાવતી રાજ્ય યુનિવર્સિટીનું તે મથક છે.

વસંત ચંદુલાલ શેઠ