કુરિંજિત્તેન (1963) : તમિળ ભાષાની જાણીતી નવલકથા. તેનાં લેખિકા રાજમકૃષ્ણન (જ. 1925). નીલગિરિ પ્રદેશના આદિવાસી પડગુ લોકોના જીવનનું તેમાં નિરૂપણ થયેલું છે. ‘કુરિંજિત્તેન’ શબ્દનો અર્થ ‘પહાડનું મધ’ થાય છે. પહાડી લોકોનો પ્રાચીન ઇતિહાસ, તેમની જીવનપદ્ધતિ, ખાનપાન, રીતરિવાજ, વ્યવસાય વગેરેનું તાર્દશ ચિત્ર લેખિકાએ એમાં દોર્યું છે. બાર વર્ષમાં એક વાર કુરંજિપુષ્પો ધારણ કરતા પ્રદેશ નીલગિરિના નિવાસીઓના જીવનમાં પણ સમયની સાથે પરિવર્તન આવે છે. તે લોકો રાગી, ચોમા ને કોળંગુના સ્થાને ચાની ખેતી કરીને અપાર ધનરાશિ  કમાવાની લાલચમાં પડે છે. સમયની સાથે સાથે કરિયમલ્લરનું કુટુંબ પ્રગતિ કરે છે. પ્રાચીનપંથી લિંગૈયત અને તેના પુત્રનું કુટુંબ પાછળ પડી જાય છે. લેખિકાએ આ બંને પરિવારની કથાના માધ્યમ દ્વારા જૂની પેઢીના આંતર અને બાહ્ય સંઘર્ષ તથા સમસ્યાઓનું નિરૂપણ કર્યું છે. બીજી બાજુ પ્રાચીન પરંપરાથી સર્વથા અનભિજ્ઞ નવી પેઢીના સંઘર્ષનું તેમાંથી જીવંત ચિત્ર ઊપસે છે. વાર્તાકથન, પાત્રચિત્રણ અને વાતાવરણ-નિરૂપણ પરત્વે લેખિકાને અપૂર્વ સફળતા મળી છે. તમિળની આંચલિક નવલકથાઓમાં ‘કુરિંજિત્તેન’નું વિશિષ્ટ સ્થાન છે. સાહિત્યિક ઉપરાંત તેનું સમાજશાસ્ત્રની ષ્ટિએ પણ ઘણું મહત્વ છે. તેનો હિન્દી અનુવાદ ‘કુરિંજ કા મધુ’ શીર્ષકથી થયેલો છે.

કે. એ. જમના