કુમરગુરુપરર (જ. 1628, શ્રીવૈકુંઠમ, જિ. તિરુનેલવેલ, તામિલનાડુ; અ. 1688) : સત્તરમી સદીના પ્રસિદ્ધ મધ્યકાલીન તમિળ કવિ. એમનો જન્મ એક શૈવ કુટુંબમાં થયો હતો. પહેલાં પાંચ વર્ષ સુધી એ મૂગા હતા. તિરુચ્ચેન્દૂરના ભગવાન મુરુગનની કૃપાથી એમને વાણીની શક્તિ પ્રાપ્ત થઈ એમ કહેવાય છે. એમની પ્રસિદ્ધ રચનાઓમાં ‘મીનાક્ષી-યમ્મૈ પિળ્ળૈ’, ‘મુત્તુકુમાર સ્વામી પિળ્ળૈ’, ‘કપિલૈ કલમ્બકમ્’, ‘મદુરૈ કલમ્બકમ્’, ‘કોશીકલમ્બકમ્’, ‘નીતિનેરિ વિળક્કમ્’, ‘તિરુવારુ નાન્મણિ માલૈ’, ‘ચિદમ્બર મુમ્મણિક્કોવૈ’, ‘સકલકલાવલ્લી માલૈ’, ‘ઇરટ્ટેમણિમાલૈ’, ‘શેપ્યુટકોવૈ’, ઇત્યાદિ આમાંની મોટાભાગની કૃતિઓમાં મદુરાઈ, કાશી, તિરુવારુર, ચિદમ્બરમ્, આદિ તીર્થધામોનાં પ્રતિષ્ઠિત દેવી-દેવતાનાં મહિમાસ્તોત્રો છે. ‘નીતિનેરિ વિળક્કમ્’ નીતિવિષયક ગ્રંથ છે. કુમરગુરુપરરની મોટાભાગની કૃતિઓમાં કલ્પનાશક્તિ, બહુશ્રુતતા તથા ભાષાપ્રભુત્વનો પરિચય મળે છે. એમની વાણીમાં માધુર્ય છે અને સામી વ્યક્તિને અભિભૂત કરવાની શક્તિ છે. એ તમિળને દેવભાષા કહે છે. એમની ભાષામાં હિન્દી શબ્દો પણ સારા પ્રમાણમાં મળે છે. એનું કારણ એ છે કે એમણે હિન્દી ભાષાનું અધ્યયન કર્યું હતું અને હિન્દી ભાષા દ્વારા ઉત્તર ભારતમાં બનારસ ખાતે દારાના દરબારમાં તેમણે શૈવધર્મનો પ્રચાર કર્યો હતો. દારાએ પ્રસન્ન થઈ તેમને શૈવધર્મનો પ્રચાર કરવા મઠ અને તામિલનાડુ મંદિરના નમૂનાનું શ્રી કેદારર મંદિર બાંધવા મોટો પ્લોટ આપ્યો. તેમાં એમણે એક મઠની સ્થાપના કરેલી જે મઠ આજે પણ ચાલે છે.

કે. એ. જમના