કુબ્રિક, સ્ટેન્લી (જ. 26 જુલાઈ 1928, ન્યૂયૉર્ક) : અમેરિકન ફિલ્મસર્જક. શરૂઆતનું શિક્ષણ ન્યૂયૉર્ક શહેરની જાહેર શાળામાં લીધું. 1945માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીની સિટી કૉલેજમાં સાંજના વર્ગોમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. પ્રથમ લગ્ન 1947માં તોબા મેટ્ઝ સાથે જેનો 1952માં અંત આવ્યો. 1952માં રુથ સોલોત્કા નામની નર્તકી સાથે લગ્ન કર્યાં. તેનાથી કૅથેરિનનો જન્મ થયો. ત્યારબાદ સુઝાન ક્રિશ્ચિયન હારલન સાથે લગ્ન. તેનાથી બે બાળકો થયાં : આન્યા અને વિવિયન.

સ્ટેન્લી કુબ્રિક

કારકિર્દીની શરૂઆત 1946માં ‘લૂક’ મૅગેઝિનના ફોટોગ્રાફર તરીકે થઈ. 1950માં ફોટોગ્રાફરની નોકરી છોડીને પ્રથમ ફિલ્મનું સર્જન કર્યું. 1955માં નિર્માતા જેમ્સ હેરિસની મુલાકાત થતાં ફિલ્મનિર્માણ સંસ્થા ‘હેરિસ-કુબ્રિક પ્રૉડક્શન્સ’ની સ્થાપના થઈ. 1957માં ફિલ્મ ‘પાથ્સ ઑવ્ ગ્લૉરી’ રજૂઆત પામતાં તેમણે સફળ દિગ્દર્શક તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. 1958માં માર્લો બ્રાન્ડો સાથે ફિલ્મ ‘વન આઇડ જૅક્સ’ માટે કામ કર્યું, પરંતુ છ માસ પછી તે કાર્ય છોડી દીધું. 1959માં ફિલ્મ ‘સ્પારટેક્સ’નું દિગ્દર્શન શરૂ કર્યું. અત્યંત દબાણમાં કામ કરવાથી આ ફિલ્મમાં યશ ન મળ્યો. 1962માં નિર્માતા હેરિસ સાથેના સંબંધોનો અંત આવ્યો. 1964માં ફિલ્મ ‘2001’ અંગે સંશોધનનો પ્રારંભ કર્યો. 1969માં નેપોલિયન ઉપર ફિલ્મ બનાવવાની એક યોજના તૈયાર કરી, પરંતુ તે નિષ્ફળ રહી. 1971માં ‘એ ક્લૉકવર્ક ઑરેન્જ’ રજૂઆત પામતાં વિશ્વભરમાં સનસનાટી ફેલાઈ ગઈ. ભારતમાં આ ફિલ્મની રજૂઆત ઉપર પ્રતિબંધ મુકાયો, છતાં પણ પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે આ ફિલ્મ બતાવવાની મંજૂરી અપાઈ. 1974થી તેમણે ઇંગ્લૅન્ડને જ તેમની કર્મભૂમિ બનાવી.

ફિલ્મ સ્ટુડિયોનાં નિયંત્રણ નીચે પૂરેપૂરી સ્વતંત્રતા ભોગવતા હોય તેવા ભાગ્યે જ કોઈ અમેરિકન ફિલ્મસર્જક હશે. કુબ્રિકે અમેરિકન ફિલ્મ-ઉદ્યોગમાં પૂરેપૂરી સ્વતંત્રતા ભોગવવા છતાં એક યશસ્વી ફિલ્મ- સર્જક તરીકેની નામના પ્રાપ્ત કરી. તેમની ફિલ્મો ઉપરનો કલાત્મક કાબૂ, ફિલ્મનિર્માણનાં દરેકેદરેક પાસાની ઝીણવટભરી રીતે સતત તપાસ રાખતા.

પચાસના દાયકામાં આર. કે. ઓ. સ્ટુડિયો માટે બે દસ્તાવેજી ચિત્રો બનાવ્યાં પછી, નાના બજેટવાળી બે ફિલ્મો માટે નાણાકીય સહાય મળી. કુબ્રિકને આ ફિલ્મો દ્વારા ફિલ્મસર્જનમાં પાયાની તાલીમ મળી. નિર્માતા હેરિસ સાથેની પ્રથમ ફિલ્મ ‘ધ કિલિંગ’ રજૂઆત પામતાં ‘ટાઇમ’ મૅગેઝિને લખ્યું કે ‘આ ફિલ્મના સંવાદો અને કૅમેરામાં કલ્પનાની એક નવી દિશા છે.’ યુદ્ધની ભીષણતાનું સચોટ ભાન કરાવતી ફિલ્મ ‘પાથ્સ ઑવ્ ગ્લોરી’ માટે એક વિવેચકે લખ્યું કે ‘કુબ્રિકનો કૅમેરા તેનું હથિયાર હોય તેમ સતત લાગ્યા કરે છે.’ આખી ડિવિઝનનો નરસંહાર જે રીતે પરદા ઉપર દર્શાવાયો છે, તે ભલભલાને પણ ચમકાવી દે છે. ઈશુ ખ્રિસ્તના સમય પહેલાં ગુલામીની પ્રથા ઉપર આધારિત ફિલ્મ ‘સ્પારટેક્સ’ ફિલ્મના નાયક કિર્ક ડગ્લાસની પોતાની ફિલ્મ હતી. આ ફિલ્મ ઉપર કુબ્રિકનો સંપૂર્ણ કાબૂ ન હોવાના કારણે કુબ્રિક આ ફિલ્મને એક સાવ સામાન્ય ફિલ્મ તરીકે ઓળખાવે છે, પરંતુ તેમના આ વિધાનમાં પૂરું સત્ય નથી. ‘સ્પારટેકસ’ ખરેખર એક ભવ્ય અને યાદગાર ફિલ્મ છે. આધેડ વયના પુરુષ ને તેની ઓરમાન પુત્રીના પ્રણયસંબંધો ઉપર આધારિત ફિલ્મ ‘લોલિતા’ એ કુબ્રિકનો કૉમેડી ફિલ્મ માટેનો પ્રથમ પ્રયાસ હતો. જોકે આ કૉમેડી થોડી ઘેરી હતી. તેમની બીજી કૉમેડી ફિલ્મ ‘ડૉ. સ્ટ્રેન્જલવ’ થોડી ઊંચી કક્ષાની પુરવાર થઈ. એક પાગલ અમેરિકન જનરલ રશિયા ઉપર હુમલો કરવાનું નક્કી કરે છે. ફિલ્મનો ધ્વનિ કુબ્રિકે સ્પષ્ટ કર્યો કે માનવસર્જિત મશીનો દ્વારા જ માનવીનો વિધ્વંસ થઈ રહ્યો છે. કુબ્રિકે માનવીની આ ઘેરી કરુણતાને આબાદ સચોટતાપૂર્વક તેમની પછીની ફિલ્મ 2001માં રજૂ કરી. આ ફિલ્મમાં કમ્પ્યૂટર હૉલ જાણે કે માણસની જેમ બોલી રહ્યો છે, એટલે કે મશીન માનવનું સ્થાન ગ્રહણ કરી રહ્યું છે. ‘ક્લૉકવર્ક ઑરેન્જ’માં આથી વિપરીત બને છે. વધુ પડતો કાબૂ અને માનવચિકિત્સા માનવને મશીન જેવો બનાવી રહ્યાં છે. કુબ્રિકની આ તમામ ફિલ્મોનું તારણ તો એક જ છે : ‘જો માનવીને તેનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો તેણે માનવતા જાળવવી જ પડશે.’

પારિતોષિકો :

(1) શ્રેષ્ઠ દિગ્દર્શક : ફિલ્મ ‘ડૉ. સ્ટ્રેન્જલવ’

        ન્યૂયૉર્ક ફિલ્મ ક્રિટિક્સ, 1964

(2) શ્રેષ્ઠ દિગ્દર્શક : ફિલ્મ ‘એ ક્લૉકવર્ક ઑરેન્જ’

        ન્યૂયૉર્ક ફિલ્મ ક્રિટિક્સ, 1971

(3) શ્રેષ્ઠ દિગ્દર્શક : ફિલ્મ ‘બેરી લિન્ડન’

        બ્રિટિશ એકૅડેમી ઍવૉર્ડ

ફિલ્મોની સૂચિ : ‘ડે ઑવ્ ધ ફાઇટ ફ્લાઇંગ પાદરે’ (1951), ‘ફિયર ઍન્ડ ડિઝાયર’ (1953), ‘કિલર્સ કિસ’ (1956), ‘ધ કિલિંગ’ (1956), ‘પાથ્સ ઑવ્ ગ્લોરી’ (1957), ‘સ્પારટેક્સ’ (1960),  ‘લોલિતા’ (1961), ‘ડૉ. સ્ટ્રેન્જલવ’ (1963), ‘2001 – એ સ્પેસઑ ડિસી’ (1968), ‘એ ક્લૉકવર્ક ઑરેન્જ’ (1971), ‘બેરી લિન્ડન’ (1975), ‘ધ શાઇનિંગ’ (1980), ‘ફુલ મેટલ જૅકેટ’ (1987).

પીયૂષ વ્યાસ