કુદરતી સાધનસંપત્તિનું સંરક્ષણ (protection of natural resources) : કુદરતે બક્ષેલી સાધનસંપત્તિની પ્રાપ્તિ, વપરાશ, વૃદ્ધિ અને જાળવણી માટેના પ્રયાસો. કુદરતે બક્ષેલી સાધનસંપત્તિનું નિયમન અને જતન કરી તેની વૃદ્ધિ અથવા પુનરુપયોગ કરવા માટેના તર્કબદ્ધ પ્રયાસ.
કુદરતી સાધનસંપત્તિનો ઉપયોગ કરવો અને તેને પુન:પ્રાપ્ય કરવો તે માનવસમાજનો પ્રયાસ રહ્યો છે. આ માટે માનવસમાજ અને પર્યાવરણના સંબંધનો ઇષ્ટતમ ઉપયોગ કરવો જોઈએ. કુદરતી સંપત્તિનું તાર્કિક રીતે નિયમન અને ખનન, કુદરતી વૃદ્ધિ અથવા પુનરુપયોગ કરવાના પ્રયાસોને સંરક્ષણ કહેવાય. વિશ્વમાં કુદરત અને કુદરતી સાધનસંપત્તિના સંરક્ષણ માટેનો આંતરરાષ્ટ્રીય સંઘ (The International Union for Conservation of Nature and Natural Resources) અસ્તિત્વમાં છે.
કુદરતી સંપત્તિને બે વિશાળ વિભાગમાં વહેંચી શકાય : (1) પુન:પ્રાપ્ય (renewable) જેમાં વનસ્પતિ અને પ્રાણી સામ્રાજ્ય આવે અને (2) પુન:અપ્રાપ્ય (nonrenewable) સંપત્તિમાં ખનિજો, કોલસા, ભૂગર્ભતેલ વગેરે આવી શકે. સૌર વિકિરણ, ચંદ્ર અને સૂર્યનાં ગુરુત્વાકર્ષણ, આબોહવા અને પાણીના સ્રોતો અખૂટ સંપત્તિમાં સમાવી શકાય. પાણીની ઊણપ કાં તો સ્થાનિક હોય અથવા પ્રદૂષણના લીધે હોય.
કુદરતી સ્રોતોના સંરક્ષણના મુખ્ય ધ્યેયો : માનવસમાજ અને કુદરતના સંબંધમાં કારણ અને અસરને ઓળખી કાઢવાં તથા માનવ પ્રવૃત્તિઓની પ્રકૃતિ પર થતી ખરાબ અસરને દૂર કરવી. વળી ઉપયોગ કરનારાઓના હેતુ એકબીજા સાથે ગૂંથાયેલા હોય છે. જેથી રાષ્ટ્રીય અર્થતંત્રના બીજા વિભાગોને નુકસાન કરે છે. કુદરતના સંરક્ષણથી એક પર્યાવરણીય પ્રદૂષણ અને સમાજની સંપત્તિનું સંરક્ષણ થઈ શકે. આમ કરવાથી કુદરતી સંપત્તિ ખૂબ લાંબા સમય સુધી ટકી શકે. કુદરતી સંપત્તિના સંરક્ષણથી પર્યાવરણની ગુણવત્તા સુધારી શકાય.
કુદરતી સંપત્તિના તર્કબદ્ધ ઉપયોગના પાયાના સિદ્ધાંતો નીચે મુજબ ગણાવી શકાય : પર્યાવરણીય પરિસ્થિતિને ગણતરીમાં લઈ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવો; આમ કરવાથી બીજાને નુકસાન ન થવું જોઈએ. પુન:પ્રાપ્ય સ્રોતોનો ઉપયોગ કરવો જેથી પુનરુત્પાદન થઈ શકે; ખનિજ તેલ અને ધાતુઓનો ઉપયોગ સંપૂર્ણ સમજશક્તિથી અને અલ્પ પ્રમાણમાં કરવો જોઈએ.
પૃથ્વી ઉપરના બહારના પડ પર જે જીવસૃષ્ટિ આવેલી છે તેને જીવપડ (biosphere) કહે છે. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્માણુ રહેલાં છે. તેમના ભૂસ્તરકાળની અસરમાં બનેલા કાર્બનિક અને તેથી સંયોજિત ખનિજો (કોલસો, શેલ, તેલ) પણ સમાવી શકાય. પાણી અને અકાર્બનિક ખનિજોના સ્તરો પણ સમાવી શકાય. માટી, મૃદા, પૃથ્વીનો પોપડો વગેરે પણ તેના ભાગ ગણાય છે, કારણ કે માટીમાં 7 % કાર્બનિક પદાર્થો (humus) હોય છે, જીવપડનું કુલ ઉત્પાદન નીચે મુજબ અંદાજી શકાય. (જુઓ સારણી 1.)
સારણી 1
| જીવપડની પરિપદ્ધતિ | લાખ ચોરસ કિમી.માં ક્ષેત્રફળ | સો કરોડ ટનમાં વિશ્વનું વાર્ષિક ઉત્પાદન |
| નદીઓ અને સરોવર
ભેજ-કાદવવાળા પ્રદેશો વૃત્તીય જંગલો સમઘાત પ્રદેશોનાં જંગલો ઉત્તરીય જંગલો સૂકા પ્રદેશનાં જંગલો સાવન્ના પ્રદેશો સ્ટેપ્પી પ્રદેશો ટુંડ્ર પ્રદેશો અર્ધરણપ્રદેશો ખડકાળ અને રણપ્રદેશો ખેડાયેલા પ્રદેશો બધી જમીન દરિયાઈ પ્રદેશો છાજલીઓના પ્રદેશો ખાડીના પ્રદેશો અને લીલ વિશ્વના દરિયા સમસ્ત જીવપડ |
20
20 200 180 120 70 150 90 80 180 240 140 1490 3320 270 20 3610 5100 |
1.0
4.0 40.0 23.4 9.6 4.2 10.5 4.5 1.1 1.3 0.07 9.1 109.0 41.5 9.5 4.0 55.0 164.0 |
જીવપડમાં આવેલાં જીવિતાંગો એકબીજાં સાથે ખોરાકની સાંકળીથી અથવા જાળગૂંથણીથી સંકળાયેલાં છે. આનાથી ખોરાકના પિરામિડો થાય છે, જેનો ખ્યાલ નીચે મુજબની આકૃતિ પરથી મળી શકે.

જેમ ખોરાકની સાંકળ લાંબી તેમ ઓછા માનવ તે ખોરાકનો ઉપયોગ કરે. એક હજાર ટન ઘાસમાંથી આકૃતિ क પ્રમાણે 1 માનવી જ ખોરાક મેળવી શકે, જ્યારે તે ઘાસ (અથવા વનસ્પતિજન્ય ખોરાક) 2000 માનવોને પૂરતો થઈ શકે. તેથી ફલિત થાય છે કે વનસ્પત્યાહાર આખા વિશ્વને માટે પર્યાવરણીય કુદરતી સમતોલનની દૃષ્ટિએ ઇચ્છનીય છે.
માનવસમૂહ સમગ્ર રૂપે એક શક્તિશાળી ભૂસ્તરશાસ્ત્રીય બળ તરીકે વિકસી રહ્યો છે, જેથી જીવપડને નુકસાન થવાની વકી છે. આનું નિયમન કરવાની પ્રવૃત્તિઓમાં નીચે મુજબની સંરક્ષણ-પદ્ધતિઓનો સમાવેશ થાય : પ્રચંડ આગ, પૂર અને હિમપ્રપાતોથી બચાવ; પૃથ્વી, નદીનાળાં અને દરિયાઈ સંપત્તિનું તર્કબદ્ધ અને આયોજિત ખનન અને ઉપયોગ જેથી વિવિધ નમૂના જાળવી શકાય; માનવસર્જિત પરિપદ્ધતિઓ, જેવી કે ખેડેલી અને પુન:ઉપયોગી કરેલી જમીનોનું નિયમન. સમગ્રતયા વિચારતાં જીવીય પદ્ધતિથી જીવાતોનું નિયમન, વિશ્વ વસ્તીવધારાને અટકાવવાની તરકીબો અને ઔદ્યોગિક કચરાનું પ્રદૂષણ નિવારી તેનો સદુપયોગ કરવાથી પૃથ્વી ઉપગ્રહ, રહેવા લાયક બની રહે. ટૂંકમાં, વિશ્વના દરેક માનવીએ (ખાસ કરીને સમૃદ્ધ દેશોના સમૃદ્ધ લોકોએ) વિશ્વની કુદરતી સંપત્તિનો ઉપયોગ વિચારપૂર્વક કરકસરથી કરવો જરૂરી છે.
વાતાવરણ પૃથ્વીથી 10,000 કિમી. સુધી પ્રસરેલું છે. જો તે ન હોય તો પૃથ્વીનું તાપમાન 200o સે. સુધી વધી જાય. તે રીતે વાતાવરણ પણ અગત્યની કુદરતી સંપત્તિ છે. તે જ્વાળામુખી, ધૂળડમરીઓનાં તોફાનો, કુદરતી વીજળીથી જંગલોમાં આગ અને દરિયાઈ ક્ષારના પ્રસારથી અને હવાઈ સૂક્ષ્માણુઓથી પ્રસારિત થાય છે. ઉદ્યોગો તે નુકસાનકારક વાયુઓ અને ધૂળરજકણોથી પ્રદૂષણમાં ઉમેરો કરે છે. ધૂળરજકણો દ્વારા થતા પ્રદૂષણમાં સિમેંટ ઉદ્યોગ મોખરે છે. માર્ગપરિવહનનાં વાહનોનો (લગભગ 40 કરોડ) ફાળો ઘણો મોટો છે. પરમાણુશક્તિની વિનાશક તથા ઉપયોગી પ્રવૃત્તિથી પણ વિકિરણનું પ્રદૂષણ હવામાં પ્રસરે છે. ઔદ્યોગિક નિષ્કાસિત કચરો માત્ર કારખાનાંની આસપાસ જ ખરાબ અસર કરે છે તે ભ્રમ છે. તેમની વિપરીત અસર વાતાવરણમાં તેજાબીય વરસાદરૂપે અન્ય વિસ્તારો અને દેશોમાં પણ પ્રસરે છે. નાઇટ્રોજન ડાયૉક્સાઇડ, ઍમોનિયા, બેન્ઝીન, બેન્ઝોલ, કાર્બોફોસ, આર્સેનિક, પારો, મેશ, સીસું, ગંધકનો તેજાબ, સલ્ફર ડાયૉક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન બાઇસલ્ફાઇડ, કાર્બન મૉનોક્સાઇડ, ફીનોલ, ફોર્માલ્ડીહાઇડ, ફૉસ્ફોરિક એન્હાઇડ્રાઇડ, ક્લોરો ફ્લુરોકાર્બન્સ, ફ્લોરિન વાયુ વગેરે હવામાં આવેલા પ્રદૂષકોના અવયવો છે. પ્રદૂષણની આવી પરિસ્થિતિ સુધારવા નીચે મુજબનાં પગલાં લઈ શકાય : (1) પ્રમાણસર ગુણવત્તા અને માપના બળતણનો ઉપયોગ કરવો અને ઉત્પાદિત પ્રદૂષકોને સાઇક્લોન, બૅગ ફિલ્ટર, સ્ક્રબર, ઇલેક્ટ્રોસ્ટેટિક, પ્રેસિપિટેટર વગેરેથી શુદ્ધ કરવાં. (2) પરિવહન વાહનોના ઉત્પાદનની પ્રૌદ્યોગિકી (technology) સુધારવી અને પરિવહન પદ્ધતિનું નિયમન કરવું. (3) નગર અને પ્રાદેશિક આયોજનમાં સુધારો કરવો અને બને તેટલાં વધુ સ્થળોએ લીલોતરી કરવી જેથી પ્રદૂષકો સ્થાનિક રીતે શોષાઈ જાય.
હવા પર ઉપકર નાખવાથી પણ બળતણનો ઉપયોગ વિવેકપૂર્ણ થાય.
દરિયા, નદીનાળાં, સરોવરો, ભેજકાદવવાળા પ્રદેશો અને ભૂગર્ભજળથી બનતું સ્તર તે જળપડ (hydrosphere). જળપડમાં આવેલ અવયવોમાં પાણીની વહેંચણી નીચે મુજબ છે. (જુઓ સારણી 2.)
સારણી 2
| જળપડના અવયવો | 1000 ઘન કિમી.માં કદ | ટકાવારી |
| વિશ્વના દરિયા
કુલ ભૂગર્ભજળ ફરતું ભૂગર્ભજળ હિમશિલા અને હિમજળ સરોવરો મૃદાભેજ વાતાવરણીય ભેજ નદીઓ |
13,70,323
60,000 4,000 24,000 280 85 14 1.2 |
93.96
4.12 0.27 1.65 0.019 0.006 0.001 0.0001 |
| કુલ જળપડ | 14,54,703 | 100 |
દરરોજ 875 ઘન કિમી. પાણીનું બાષ્પીભવન થાય છે. તેમાંથી વાદળાં બંધાય છે અને વરસાદ અથવા બરફ રૂપે વર્ષા થાય છે. ઉપરના કોઠા પરથી સ્પષ્ટ થાય છે કે નદીનાળામાં વહે છે તે મીઠું પાણી વિશ્વમાં સૌથી ઓછા પ્રમાણમાં આવેલું છે. તે પ્રદૂષિત થવાથી પરિસ્થિતિ વણસે છે. દરિયાનું પાણી પરિવહન માધ્યમ સિવાય અન્ય ઉપયોગમાં ન લઈ શકાય. ખારા પાણીને પીવાલાયક બનાવવાનો ખર્ચ ખૂબ ઊંચો આવે છે અને તેમાં ઊર્જાનો ઉપયોગ પણ વધુ થાય છે. દરિયો લીલરૂપે અને જળચર પ્રાણીરૂપે ખોરાક આપે છે. પણ મધદરિયે તેલજહાજો તૂટવાના લીધે 60%થી 70% દરિયો હાલ પ્રદૂષિત થયેલો છે, જેની માનવસમાજ પર વિપરીત અસર પડે છે. ઔદ્યોગિક નિષ્કાસિત કચરો પાણીમાં ભળતાં પાણી પ્રદૂષિત તો થાય પણ કેટલાક પદાર્થો જીવશાસ્ત્રીય દૃષ્ટિએ આ પ્રદૂષકોની વૃદ્ધિ કરે છે. મિથાઇલ પારાથી દરિયાઈ માછલીઓને નુકસાન થતાં જાપાનમાં 1955-56માં મિનામાટા રોગ પ્રસારિત થયો હતો. આવા ઉગ્ર અને જીવપ્રસારિત અને વધતા જતા પ્રદૂષકોને ઉત્પત્તિસ્થાન પર જ છૂટા પાડી, શુદ્ધીકરણ કરી તેમનો નિકાલ કરવાથી કુદરતી સંપત્તિનું સંરક્ષણ થઈ શકે. કેટલાંક તત્વોના જીવીય સાન્દ્રતાંક નીચેની સારણી 3માં આપેલા છે.
સારણી 3
| તત્ત્વ | એકાગ્રતા દરિયાના પાણીમાં | મિગ્રા./કિગ્રા. જીવતત્ત્વમાં | જીવીય સાન્દ્રતાંક | દરિયાઈ જીવતત્ત્વ |
| વેનેડિયમ
કોબાલ્ટ લોહ સીસું જસત તાંબું આયોડીન |
0.002
0.0005 0.01 0.00003 0.01 0.003 0.06 |
560
1 1000 700 10,000 3,000 5,000 |
2,80,000
2000 1,00,000 2,00,00,000 10,00,000 10,00,000 80,000 |
ટ્યુનિકેટ
લીલ લીલ માછલીનાં હાડકાં માછલીનાં હાડકાં માછલીનાં હાડકાં લીલ |
હાલ માનવી કારખાનાં દ્વારા ઉત્પાદન કરે છે જેથી પૃથ્વી પરની સંપત્તિ ઘટી રહી છે, પણ આ ઉત્પાદિત પદાર્થોના ઉપયોગ અને ઉપભોગના પરિણામરૂપે તેનો છેવટનો નિકાલ દરિયામાં થાય છે અને દરિયો કચરાની કૂંડી તરીકે કામ કરે છે. તેથી જ ભવિષ્યમાં આવનારી અને વિકસનારી ઉત્પાદનની પ્રક્રિયાઓ જીવતત્વો ઉત્પાદન કરનારી (biofacturing) બનાવવી પડે, જેમાં જીવાણુ અને સૂક્ષ્માણુનો ઉપયોગ કરી (ઉપરની સારણી પ્રમાણે) જીવવૃદ્ધિની રીતે (bioamplification) ઉપયોગી ધાતુ મેળવી શકાય. દરિયાઈ સંપત્તિના સંરક્ષણ માટે દરિયાઈ કાયદા અને ધારા આંતરરાષ્ટ્રીય ધોરણે ઘડાયેલા છે છતાં તેને અવગણીને વિકસિત દેશો તેમનો ઔદ્યોગિક કચરો વિકાસશીલ દેશો પાસેના દરિયાઈ પ્રદેશોમાં છાની-છૂપી રીતે ઠાલવી દે છે, જેથી નાના, ગરીબ અને વિકાસશીલ દેશોની દરિયાઈ સંપત્તિ નાશ પામતી રહી છે.
પાણી અથવા પવનથી થતું જમીનનું ધોવાણ કુદરતી જમીનની સંપત્તિનો વિનાશ નોતરે છે. સો કે બસો વરસ દરમિયાન ખડકોથી બનેલી માટી ધૂળડમરીઓ અથવા ધોધમાર વરસાદથી એકબે દિવસમાં જ ધોવાઈ જાય છે. ધોવાણ થયેલ જમીન પર પાકનો ઉતાર બિનધોવાણવાળી જમીન કરતાં અડધો થાય છે. જમીનમાં રાસાયણિક તત્વો અને કાર્બનિક માટી કે ખાતર હોય છે. દર હેક્ટર જમીનમાં 3.6 ટન જીવાણુ અને સૂક્ષ્માણુ આવેલા હોય છે, જે જમીનને ફળદ્રૂપતા આપે છે. વિજ્ઞાનની પરિભાષામાં આ પોષણતત્ત્વો
CHOPKINS Mg Ca Fe Tr
(ચોપકીન્સ માઇટી, ગુડ કાફેટરિયા) એટલે કે મૅગ્નેશિયમ, કૅલ્શિયમ, લોહ અને અનેક સૂક્ષ્મ તત્ત્વો જેવાં કે મોલિબ્ડેનમ, કોબાલ્ટ, કૉપર, નિકલ, મૅન્ગેનીઝ, ક્રૉમિયમ વગેરે હોય છે. જમીનધોવાણ અટકાવવાની સરળ રીત ઢાળના કાટખૂણે જમીન ખેડાણ કરવાની પદ્ધતિ છે. પૃષ્ઠ જળપ્રવાહ રોકવા અથવા ઘટાડવા ખેડૂતો પાળા બાંધે છે, જમીનમાં ખાડા કરે છે અને આંતરે આંતરે ચીલા પાડે છે. વારાફરતી પાકની વાવણી, અનેક પાકોની ખેતી (Polyculture), પાળાબંધી, ખેતતલાવડી વગેરે પદ્ધતિઓ સ્થાનિક સંયોગોમાં ઉપયોગી થાય છે. જમીનધોવાણ માટે કોઈ એક પદ્ધતિ સફળ થતી નથી, પણ ત્રણચાર પદ્ધતિઓને સાંકળી લેવાથી અસરકારકતા વધે છે.
પવનધોવાણથી એકી વખતે 10-15 મિમી. જમીન ધોવાઈ જાય છે. એક મિમી. માટી બનતાં 25-30 વરસ લાગે છે. ખેતી માટે ખેડાણ જરૂરી છે, નહિ કે જમીનને પલટાવવી. આમ થવાથી પાછલા પાકનાં મૂળિયાં જમીનને પકડી રાખી જમીનનું ધોવાણ અટકાવે છે. ઘેટાંના ચરવા પર પ્રતિબંધથી ધોવાણ ઘટી જાય છે. એક સ્થળે સામૂહિક ચરાણ કરાવવું (stall feeding) પરોક્ષ રીતે ધોવાણ અટકાવે છે. પવનપ્રદેશોમાં વૃક્ષોના પટાનો પવનરોધક તરીકે ઉપયોગ થાય છે. આ પટાઓમાં ત્રણથી ચાર વૃક્ષો અને ઝાંખરાંની હરોળ વવાય છે.
વાતાવરણમાંથી નાઇટ્રિક ઍસિડ અને સલ્ફર ડાયોક્સાઇડ અવક્ષેપન અને અવશોષણથી મૃદાકણોમાં દાખલ થાય છે, જે જમીનમાં તેજાબનું પ્રમાણ વધારે છે, જેથી ફળદ્રૂપતા વધે છે. ઉપરાંત સૂક્ષ્મ ધાતુતત્ત્વો જે મૃદામાં અલ્પપ્રમાણમાં હોવાં આવશ્યક છે, તે જમીનની નીચે દ્રવીને નીકળી જાય છે અને વનસ્પતિને અપ્રાપ્ય બને છે. આવી જમીનમાં ચૂનો ભેળવી જમીનને પાકયોગ્ય બનાવાય છે. શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણ માટે કારખાનાં અને રહેણાક બનાવવામાં બિનખેતીલાયક જાહેર કરવાની સત્તાનો વિવેકપૂર્ણ ઉપયોગ જમીનના સંરક્ષણ માટે જરૂરી છે. એક અંદાજ મુજબ દર વરસે 3000 ચોરસ કિલોમીટર જમીન ખેડાણવાળી જમીનમાંથી બાંધકામ ખાતે તબદીલ થાય છે. 1960-70ના દાયકામાં જાપાને 7.3% જમીન રસ્તા અને રહેણાકના બાંધકામમાં ફેરવી, ખાણો ખોદાયેલી જમીન અથવા કારખાનાં બંધ થયા પછીની જમીન ફરીથી ખેતીયોગ્ય કરવાનું પણ ચાલુ રાખ્યું હતું. આવી જમીનોને સમતલ કરી જરૂરી રસાયણો અને પોષકતત્ત્વો ઉમેરી તેના પર 500-600 મિલિમીટર ફળદ્રૂપ માટી નાખી પાણીનું નિયમન કરી ખેતીલાયક બનાવાય છે. આ માટે શહેરનો સડેલો કચરો (compost) ઉપયોગમાં લઈ શકાય.
વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનો ઝડપી વિકાસ છતાં અને પોલીમરનો વિવિધતાપૂર્ણ ઉપયોગ છતાં ઇમારતી લાકડાનો ઔદ્યોગિક વપરાશ ખાસ ઘટ્યો નથી. સિન્થેટિક તાંતણા માટે પણ લાકડાંનો ઉપયોગ જરૂરી હોય છે. વનો જમીનનું ધોવાણ અટકાવે છે, જળસંપત્તિને સંઘરી રાખવામાં મદદરૂપ થાય છે, ભૂગર્ભજળમાં વધારો કરવામાં ભાગ ભજવે છે, નદીઓના પ્રવાહોનું નિયમન કરી પ્રદૂષણ અટકાવે છે અને પૂરને અવરોધે છે અથવા ઓછાં કરે છે. અનેક પશુપક્ષીઓ વનમાં વસે છે; માછલીઓ અને જળચરો વનમાંથી પસાર થતા પ્રવાહોને પ્રદૂષણરહિત કરે છે. વનપશુઓ વનપેદાશમાં 20%થી 30% વધારો કરે છે. ઘણી વખત રૂંછાંવાળાં પ્રાણીઓનું મૂલ્ય લાકડાં કરતાં વધુ હોય છે. વનપ્રદેશમાંથી બિલાડીના ટોપ અને વિવિધ ફળફળાદિ પ્રાપ્ત થાય છે. ક્રેનબેરી, જે જંગલોમાં દર વરસે 1000 કિગ્રા./હેક્ટર થાય છે તેનું મૂલ્ય પાઇનનાં જંગલો કરતાં 50%થી 100% વધુ થાય છે. વેપારી ધોરણે સાગના 20 વરસના એક વૃક્ષની કિંમત આશરે રૂ. 50,000 અંદાજાય છે. વૈજ્ઞાનિક પૃથક્કરણથી 50 વરસની આયુના વૃક્ષની કિંમત લગભગ પંદર લાખ રૂપિયા હાલ અંદાજાય છે. કોઈ પણ દેશમાં જંગલોનો વિસ્તાર 30%થી 35% હોય તે ઇચ્છનીય છે. ભારતમાં આ ટકાવારી 10%થી 12% કરતાં વધુ ગણાતી નથી. ભૂતકાળમાં તે 23% હતી. પક્ષીઓ પ્રાથમિક વૃક્ષો અને ઝાંખરાં પ્રસારવામાં મદદરૂપ થાય છે; પવન તેમાં સહાયરૂપ થાય છે. આથી કાપેલું જંગલ જલદીથી ઊગવા માંડે છે. ફરનાં વૃક્ષો સંરક્ષિત જંગલોમાં ખૂબ ઊંચાં વધે છે. શંકુદ્રુમ વૃક્ષો માનવસર્જિત પ્રક્રિયાથી ત્વરિત વિકાસ પામે છે. જંગલની આગ વિશાળ ક્ષેત્રફળોનો વિનાશ કરે છે. 1955થી 1964ના દસકામાં આગના આશરે દસ લાખ કરતાં વધુ બનાવો અમેરિકાનાં વનોમાં બનેલા, જેની સરેરાશ રોજની 322 જેટલી આવે છે. આવી આગની બાબતમાં બિનકાળજી મુખ્ય કારણ હોય છે. જંગલમાં આવતા શિકારીઓ, પ્રવાસીઓ અને વનપેદાશો ભેગા કરનારાની ગેરકાળજીથી અડધા ઉપરાંતના આગના બનાવો ઉદ્ભવે છે.
વનપ્રદેશમાં આગ-અવરોધક સાચવણી માટેના નિયમો અસ્તિત્વમાં છે; બીડી કે સિગારેટ પીનારાઓએ દીવાસળી અને ઠૂંઠાંને કાળજીપૂર્વક ઓલવવાં; કૅમ્પફાયર નિર્ણીત જગ્યા પર જ કરવા; શંકુદ્રુમ છોડવામાં કૅમ્પ-ફાયર કરવાથી વૃક્ષોનો તાજભાગ નાશ પામે છે; જ્યાં વૃક્ષોનાં ડાળાં-ઝાંખરાં, પાંદડાં તેમજ કાપેલાં લાકડાં મૂકેલાં હોય તે સ્થળે કૅમ્પફાયર ન કરવો; પીટવાળી જમીન પર કૅમ્પફાયર કરવા પર પ્રતિબંધ મૂકવો; અને ડાળીઓ નીચી હોય તેવાં સ્થળોએ પણ કૅમ્પફાયર પર પ્રતિબંધ ફરમાવવો. કૅમ્પફાયર કરવાનો હોય તે સ્થળને 2 મીટર × 2 મીટર ચોખ્ખું કરવું અને તેની આસપાસ 1 મીટર પહોળી પથરાની ફરતી પટી બનાવ્યા પછી જ અગ્નિ પેટાવવો. આ પ્રવૃત્તિ પૂરી થયે પાણી અથવા માટીથી આગને પૂરેપૂરી ઓલવવી જેથી ધુમાડો નીકળતો પૂરેપૂરો બંધ થાય. વનપ્રદેશમાં રહેનારા માટે આ બાબત જરૂરી સૂચના અને શૈક્ષણિક કાર્યક્રમો ઉપયોગી થાય છે. જીવાતના નિયમન માટે વિવિધ ઉપાયો યોજવા જેથી થોડા ખર્ચમાં લાંબા વખત સુધી જીવાતના ઉપદ્રવથી જંગલો બચી શકે. લાકડું કાપવાનું હોય તો સંપૂર્ણપણે કાપવું અને જંગલોનો જૈવીય જથ્થો વનપશુઓના ખાવાના કામમાં આવે તે રીતે આયોજન કરવું.
જંગલી જાતો (species) એક પ્રકારની અગત્યની જૈવીય સંપત્તિ છે, જેમાંથી નિષ્ણાતો સંકરણ દ્વારા માનવ-ઉપયોગી નવી જાતો ઉપજાવવા અખતરા કરીને વિકસાવી શકે. ભારતમાં દક્ષિણના કેરળ પ્રદેશમાં શાંત ખીણ (silent valley) નામક પ્રદેશમાં શુદ્ધ જંગલી દશામાં (pristine) વનસ્પતિઓની વિવિધ જાતો આવેલી છે, જેમાંની 90% ઉપરાંતની જાતોની ઓળખ અને તેમનો વૈજ્ઞાનિક અભ્યાસ હજુ સુધી થયો નથી. આ સ્થળે જળવિદ્યુત બંધ બાંધવાનું નક્કી થયું હતું. છેવટે આ કુન્તીપુઝા નદી આડે બંધ બાંધવાનું અટકાવવામાં આવ્યું છે, જેથી જૈવીય પ્રૌદ્યોગિકી (biotechnology) વિકસાવી શકાય. વિશ્વમાં રશિયાના વનસ્પતિશાસ્ત્રી બાવિલોવે બાર પ્રદેશોને આવાં અગત્યનાં કેન્દ્રો ઓળખીને મુકરર કર્યાં છે અને તેના સંરક્ષણને અગ્રતા આપવામાં આવી છે. ભારતના પૂર્વ પ્રદેશો અને આંદામાન અને નિકોબાર ટાપુઓ બાવિલોવ કેન્દ્રો તરીકેનાં વર્ષાજંગલો (rainforests) નિર્ણીત થયેલાં છે. ભવિષ્યની માનવવસ્તી માટેના ખોરાક માટે આવાં બાવિલોવ કેન્દ્રો ચાવીરૂપ બનશે. તેથી આ પ્રદેશોમાં બંધ બાંધવા, ઉદ્યોગો સ્થાપવા વગેરે વિકાસકાર્યો પર પ્રતિબંધ મૂકવાની અગત્ય નિષ્ણાતોને લાગી છે. ભૂતપૂર્વ સોવિયેત સંઘમાં 18,000 કરતાં વધુ જાતોની ઓળખ થયેલી છે. વળી સુશોભન માટે આકર્ષક અને ઔષધિ માટે ઉપયોગી અનેક જાતો આવાં જંગલોમાં સુરક્ષિત પડેલી છે, જેનું મૂલ્યાંકન હાલ અશક્ય છે. ટૈગા પ્રદેશમાં એલ્યુથેરોકોક્સ એક જમાનામાં બિનજરૂરી અને બિનઉપયોગી નીંદામણ (weed) ગણાતું. હવે તેનાં મૂળિયાંની ઔષધીય અસર સમજાઈ છે અને વેપારી ધોરણે તેને વિકસાવવાનું કામ થઈ રહ્યું છે. પ્રતિવર્ષ 40,000 ટનથી પણ વધુ ઔષધીય છોડો ભેગા કરવામાં આવે છે. આવા છોડો ઊગ્યા કરે તે જરૂરી છે, જેને માટે માનવોથી બચેલાં જંગલો અત્યંત આવશ્યક છે. રશિયાનાં જંગલોમાંથી એક લાખ ટનથી પણ વધુ બ્લૂબેરી અને ક્રેનબેરી મળી આવે છે. સેડર વૃક્ષનાં કાજુ જેવાં ફળો (nuts) ત્યાં પંદર લાખ ટન જેટલાં પ્રતિવર્ષ ઊતરતાં અંદાજાયાં છે. ચેસ્ટનટ, વૉલનટ, સફરજન, બીચ, પિસ્તાં, નઝેલ વગેરે બીજી પેદાશો છે.
વિરલ વનસ્પતિનું સંરક્ષણ એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફરજ અને પ્રવૃત્તિ છે. જે વનસ્પતિ પ્રતિબંધિત વનપ્રદેશોમાં અને ખૂબ ઓછા પ્રમાણમાં ઊગે તેને વિરલ નમૂના કહેવાય. આમાં ફરનાં વૃક્ષો, રહૉડોડેનડ્રોન, બર્ચ, યૂ, મેહૉગેની, સેવન વગેરે આવે. આવા પ્રદેશો જાળવવા રાષ્ટ્રીય ઉદ્યાનો નિર્ણીત કરવાં પડે.
કુદરતના સંરક્ષણ માટેનું આંતરરાષ્ટ્રીય મંડળ કે જેમાં કુદરતને સુરક્ષિત રાખવાનો હેતુ રહેલો છે. ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1936માં થઈ હતી. પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન અને ત્યારબાદ 1970ના વર્ષમાં બીજા પાંચ રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યા. આજે ભારતમાં 106 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનોનો વિસ્તાર આશરે 44,402.95 ચોકિમી. છે. જે ભારતના ભૌગોલિક વિસ્તારના 1.35% જેટલો થાય છે. હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન સૌથી મોટો છે જેનો વિસ્તાર આશરે 4,400 ચોકિમી. છે.
ભારતના પર્યાવરણ અને જંગલ વિભાગ દ્વારા જણાવાયું છે કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં અભયારણ્ય હોય કે ન હોય તેમ છતાં તે વિસ્તારનો સમાવેશ થાય છે. આવા વિસ્તાર પારિસ્થિતિકી, પ્રાણી, વનસ્પતિ, ભૂરચનાકીય અથવા પ્રાણીશાસ્ત્રની દૃષ્ટિએ મહત્વ ધરાવતા હોય. તેમજ આવા વિસ્તારમાં વન્યજીવોનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો હોવાથી ત્યાં કોઈ પણ માનવીય પ્રવૃત્તિ ઉપર બાન મૂકવામાં આવેલ છે. ભારતમાં અનેક રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે. (જુઓ સારણી 4.)
ભારતીય રાષ્ટ્રીય ઉદ્યાનો/અભયારણ્યો
સારણી 4
| રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ | રાષ્ટ્રીય
ઉદ્યાનની સંખ્યા |
વિસ્તાર | રાજ્યના સંદર્ભમાં ટકાવારી | સંખ્યા | વિસ્તાર ચોકિમી. |
| આંદામાન નિકોબાર ટાપુઓ | 6 | 1216.95 | 14.75 | 96 | 389.39 |
| આંધ્રપ્રદેશ | 3 | 1368.87 | 0.85 | 13 | 5942.23 |
| અરુણાચલપ્રદેશ | 2 | 2290.82 | 2.74 | 11 | 7487.75 |
| અસમ | 7 | 2664.58 | 3.40 | 18 | 1840.14 |
| બિહાર | 1 | 335.65 | 0.36 | 12 | 2901.67 |
| ચંડીગઢ | 0 | 0.00 | 0.00 | 2 | 26.01 |
| છત્તીસગઢ | 3 | 2899.08 | 2.14 | 11 | 3760.29 |
| દાદરાનગર હવેલી અને દમણ/દીવ | 0 | 0.00 | 0.00 | 2 | 94.0 |
| દિલ્હી | 0 | 0.00 | 0.00 | 1 | 27.82 |
| ગોવા | 1 | 107.00 | 0.00 | 6 | 647.91 |
| ગુજરાત | 4 | 480.12 | 0.24 | 23 | 16618.42 |
| હરિયાણા | 2 | 48.25 | 0.11 | 8 | 233.21 |
| હિમાચલ પ્રદેશ | 5 | 2256.28 | 4.05 | 28 | 6116.10 |
| જમ્મુ અને કાશ્મીર | 4 | 2432.45 | 1.49 | 15 | 10243.11 |
| ઝારખંડ | 1 | 226.23 | 0.28 | 11 | 1955.82 |
| કર્ણાટક | 5 | 2794.05 | 1.46 | 30 | 6774.81 |
| કેરાલા | 6 | 558.16 | 1.44 | 17 | 1928.24 |
| લદ્દાખ | 1 | 3350.00 | 5.66 | – | – |
| લક્ષદ્વીપ | 0 | 0.00 | 0.00 | 1 | 0.01 |
| મધ્યપ્રદેશ | 11 | 4349.14 | 1.41 | 25 | 7158.42 |
| મહારાષ્ટ્ર | 6 | 1273.60 | 0.41 | 42 | 7604.04 |
| મણિપુર | 2 | 140.00 | 0.63 | 2 | 184.81 |
| મેઘાલય | 2 | 267.48 | 1.19 | 4 | 94.10 |
| મિઝોરમ | 2 | 150.00 | 0.71 | 8 | 1090.75 |
| નાગાલૅન્ડ | 1 | 202.02 | 1.22 | 3 | 20.34 |
| ઓડિશા | 2 | 990.70 | 0.64 | 19 | 7094.65 |
| પુદુચેરી | 0 | 0.00 | 0.00 | – | – |
| પંજાબ | 0 | 0.00 | 0.00 | 13 | 326.60 |
| રાજસ્થાન | 5 | 3947.07 | 1.15 | 25 | 5592.38 |
| સિક્કિમ | 1 | 1784.00 | 25.15 | 7 | 399.10 |
| તમિળનાડુ | 5 | 827.51 | 0.64 | 29 | 6157.12 |
| તેલંગાણા | 3 | 19.62 | 0.02 | 9 | 5675.91 |
| ત્રિપુરા | 2 | 36.71 | 0.35 | 4 | 566.93 |
| ઉત્તરપ્રદેશ | 1 | 490.00 | 0.20 | 25 | 5828.12 |
| ઉત્તરાખંડ | 6 | 4915.02 | 9.19 | 7 | 2690.12 |
| પશ્ચિમ બંગાળ | 6 | 1981.48 | 2.23 | 15 | 1442.12 |
| કુલ સરવાળો | 106 | 44,402.95 | 1.35 | 513 | 117616.71 |
રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યવિધાનસભાના ધારાથી અને સંરક્ષિત પ્રદેશ (sanctuary) વહીવટી આદેશથી રચાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પશુઓનું સંરક્ષણ કડક રીતે થાય છે.

ભારતનાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો : (1) દાચીગાન, (2) મનાલી, (3) નંદાદેવી, (4) કોર્બેટ, (5) દુધવા, (6) થરરણ, (7) સરિસ્કા, (8) કેવલદેવ ઘાના, (9) રણથંભોર, (10) જલદાપારા, (11) મનાસ, (12) કાઝીરંગા, (13) હજારીબાગ, (14) કેઈબુલ લામ્જો, (15) કચ્છ, (16) બાંધવગઢે, (17) પાલમાઉ, (18) દાલ્મા, (19) કચ્છના અખાતનો દરિયાકિનારો, (20) કાન્હા, (21) ગીર, (22) ધાકના કોલ્કઝ, (23) નવેગાંવ, (24) સીમ્પિલપાલ, (25) સુંદરવન, (26) તાડોલા, (27) સતકોસીઆ ગોર્ગ, (28) ભીતર-કાનીકા, (29) ચિલ્કા, (30) કરનાલા, (31) રાધાનગરી, (32) નાગાર્જુનસાગર-શ્રીશૈલમ્, (33) કોલ્લેરૂ, (34) મોલમ, (35) રંગનથીટૂ, (36) બન્નારઘાટા, (37) ગિંડી, (38) વેદાન્થાન્ગલ, (39) નાગેરોલ, (40) બંદિપુર, (41) મુદુમલ્લાઈ, (42) અન્નામલ્લાઈ, (43) પૉઇન્ટ કેલિમર, (44) પેરિયાર, (45) કાલાકદ, (46) મુદાન્થુરાઈ.
ભારતની વન્ય પશુસૃષ્ટિ (wildlife) વિનાશના આરે છે. આનું કારણ પાકસંરક્ષણ અને સ્વબચાવ ગણવામાં આવે છે, પણ તેમાં મૂળમાં સંરક્ષણ કાયદાની બિનઅસરકારકતા છે. ચિત્તો, ગેંડો (જાવા અને સુમાત્રા પ્રકારનો), હિસ્પિડ સસલું, વામન હોગ (ભૂંડ), દીપડો, સિંકારા અને વરુ સંપૂર્ણ વિનાશ થવાની તૈયારીમાં છે. વનસ્પતિની એક જાત (species) ઓછી થાય અથવા વિનાશ પામે તો જંગલી પશુઓની આશરે વીસ જાતો નાશ પામે છે. માટે જંગલી વનસ્પતિ અને પશુઓના સુમેળવાળી પરિસરીય પદ્ધતિ જળવાઈ રહે તે જરૂરી છે. વન્ય પ્રાણીઓની જાતો અને સંપત્તિ એકબીજાંના પૂરક છે અને તે માનવજાત માટે ઉપયોગી છે. જંગલોનાં લાકડાંમાંથી વિકાસશીલ દેશો માટે મૂલ્યવાન બળતણ મળી રહે છે. માંસાહારી જંગલી પ્રાણીઓ ભ્રષ્ટાચારથી મુક્ત વનસંરક્ષકો છે. જંગલમાં રહેતી આદિવાસી પ્રજા જંગલનો અવિભક્ત ભાગ છે અને જંગલોમાં તેમની જરૂર છે. તેઓ તેની પરિસરીય પદ્ધતિમાં કડીરૂપે સંકળાયેલા છે. તેમનો નિર્વાહ તેમજ રોજગારી જંગલોના કામકાજમાં ઓતપ્રોત થાય તેમ યોજાય તો જંગલો જળવાઈ રહે. જંગલોનું વ્યવસ્થાપન એટલે જંગલનો તર્કબદ્ધ, વૈજ્ઞાનિક અને વિવેકપૂર્ણ ઉપયોગ અને ઉપભોગ. હાથીદાંતમાંથી કારીગરી કરી તેમાંથી જાડો નફો કરવા હાથીઓને મારી તેમના દંતશૂળો કાઢી લેવાય છે, જેથી જંગલોમાં હાથણો જ જોવા મળે છે. હાથી અને હાથણોનું ભારતમાં પ્રમાણ 1 : 150 જેટલું અંદાજાય છે. માટે હાથીદાંત અને ચીજવસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ માટેની પ્રવૃત્તિ હાથ ધરાઈ છે.

કાઝીરંગા નૅશનલ પાર્કમાં સંરક્ષિત ગેંડો
જંગલોના સંરક્ષણ માટે વનઅધિનિયમ ઘડાયો છે, પણ તેની અસરકારકતા ઘણી ઓછી અથવા શૂન્યવત્ છે. આ ધારા મુજબ વૃક્ષછેદન પર પ્રતિબંધ છે. કાયદેસરની પરવાનગી માટે કેન્દ્ર સરકાર સુધી જવું પડે છે. એક વૃક્ષ કાપવાનું કોઈ પ્રયોજન હોય તો તેના બદલે દસ ગણાં વિવિધ પ્રકારનાં વૃક્ષો ઉગાડવાં એવી જોગવાઈઓ આ ધારામાં છે. ઉપરાંત વન્ય પ્રાણીઓ માટેનો અધિનિયમ (Wildlife Act) પણ ઘડાયો છે. જેથી વન્યપ્રાણીઓનો વિકાસ થઈ શકે અને તેને કારણે માનવસમાજ ટકી શકે.
દરિયો વિશાળ સંપત્તિ છે, જે વિશ્વની આશરે 70%થી 72% જમીન રોકે છે. દરિયાઈ છાજલીમાં વિપુલ જીવસંપત્તિ આવેલી છે, જે દરિયાનો આશરે 10% ભાગ છે. અહીં માછલી અને અન્ય દરિયાઈ જીવો રહે છે, જન્મે છે અને વિકસે છે. બાકીનો 90% ભાગ દરિયાઈ રણ છે, જેમાં લગભગ કોઈ પણ જીવસૃષ્ટિનો ઉદભવ કે વિકાસ થતો નથી. ભારતમાં દસ કરોડ લોકો માછલીનો આહાર કરે છે અને પ્રતિવર્ષ માંડ એક લાખ ટન માછલી પકડાય છે. ભૂતપૂર્વ સોવિયેત સંઘમાં વાર્ષિક 7 કરોડ ટન માછલીઓ તથા અન્ય દરિયાઈ પ્રાણીઓ પકડવામાં આવતાં હતાં. આ દરિયાઈ જીવોને પકડવામાં હવે યાંત્રિક વાહનોનો ઉપયોગ થાય છે. તેનાથી વિકાસ કરવાની અધિક ક્ષમતા ધરાવતા નાના જીવો પણ ઝડપાઈ જાય છે અને એકંદરે માછલીનો ઉતાર ઘટે છે. કારખાનાં પ્રદૂષિત નિષ્કાસનનો છેવટે દરિયામાં અથવા નદીનાળાંમાં ઉમેરાતાં દરિયામાં ખનિજતેલ ઢોળાવાથી થતા પ્રસારથી અને માછલી સીડી વગરના બંધો બંધાવાના લીધે માછલીનાં ઉતાર અને ઉત્પાદન ઘટતાં જાય છે. ગુજરાતમાં ભરૂચ મુકામે ઉત્તમ પ્રકારની હિલસા માછલીની નિકાસ થાય છે. નર્મદા પરના બંધથી આ ખાડીનિવાસી (estuarine) માછલીઓનો ઉતાર ઘટશે. વળી માનવસમુદાયના આક્રમણથી ગુજરાત અને ભારતદેશના દરિયાકિનારે આવેલાં મેન્ગ્રોવ જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. આનાથી માછલીઓના પ્રજનનનિવાસ અને વિકાસ માટેનાં રહેણાકો નાશ પામે છે અને દરિયાઈ સંપત્તિ ઘટે છે. વિશ્વસપાટીએ વહેલ માછલીઓને પકડવાનું પ્રમાણ અને તેના ઉતાર ગજા બહારનાં થયાં છે. આથી દરિયાઈ કાયદો (law of the seas) ઘડાયો છે અને તેનું આંતરરાષ્ટ્રીય સ્તરે પાલન થઈ રહ્યું છે. છતાંય વિકસિત દેશો તેમનાં મોટાં કારખાનામાંથી નીકળતો ઝેરી કચરો (toxic wastes) વિકાસશીલ અને ગરીબ દેશોના દરિયાઈ પ્રદેશો નજીક છાનીછૂપી રીતે નાખી જાય છે. આથી દરિયાઈ પ્રાણીસંપત્તિમાં ઝેરી તત્ત્વોનું જૈવીય અધિકીકરણ (bioamplification) થાય છે અને અંતે ગરીબ લોકોને પ્રદૂષિત ખોરાક પ્રાપ્ત થાય છે, જેનાથી તેમનાં સ્વાસ્થ્ય અને જીવન જોખમાય છે.
માછલી અને અન્ય દરિયાઈ જીવોના સંરક્ષણ માટેના પ્રયાસો : કૂવાની આસપાસ યાંત્રિક જાળીકામ. (જેમાં વિદ્યુતપ્રકાશ, દબાણવાળી હવા અને/અથવા ધ્વનિયુક્ત પ્રક્રિયા હોય છે.) જળાશય માટે નિર્ણીત પ્રમાણનાં ખાનાંવાળી જાળથી માછલી પકડવા માટેનાં ધોરણો; દરેક બંધ, વીયર અથવા અવરોધક પર માછલીસીડી રાખવી; જળાશયના કિનારા પર કૃત્રિમ નિવાસસ્થાન (spawning grounds) ગોળ કાંકરા અથવા પથ્થરોથી બનાવવાં.
જમીનની સપાટી પર નયનરમ્ય પ્રદેશો કુદરતી ભૂમિપૃષ્ઠ (landscape) આવે. માનવસમુદાયના દબાણના લીધે હવે પ્રાકૃતિક ર્દશ્યો બહુ રહ્યાં નથી. ઐતિહાસિક ઇમારતો, સ્થાપત્યના નમૂના તથા કલાકૃતિઓ જળવાવાં જોઈએ તે પ્રમાણે કુદરતી દેખાવો પણ સચવાઈ અને જળવાઈ રહે તે વિશ્વ-પરિસર માટે ઉપયોગી છે. આવા દર્શનીય પ્રદેશો પર ઔદ્યોગિક વિકાસની અસર રૂપે ખરાબા બની ગયા છે. ઉપરાંત દરિયાકિનારા પર ધોવાણથી અને ક્ષારના હુમલાથી નુકસાન થયું છે. આવી પરિસ્થિતિ અટકાવવા માટે શહેરોમાં લીલોતરી વિકસાવાય છે. ઝાંખરાં અને વૃક્ષો, હવામાં ઘૂમરાતી વિલંબિત 72% જેટલી ધૂળ અને રજકણો તથા 60% સલ્ફર ડાયૉક્સાઇડ શોષી લે છે, તે હવાના ભેજ અને તાપમાનને નિયમિત કરે છે, પ્રાણવાયુથી સમૃદ્ધિ લાવે છે અને તરતાં ફાઇટોનનાશકોથી જીવાણુઓનો નાશ કરે છે. લીલોતરીવાળા વિસ્તારમાં મકાન કરતાં તાપમાનમાં 4oથી 8o સે. ફરક રહે છે. વૃક્ષોનાં પાંદડાં 26% અવાજ શોષે છે. જે માર્ગો પર વૃક્ષોની હારમાળા રોપેલી હોય ત્યાંની શાંતિ વૃક્ષો વગરના માર્ગોની શાંતિ કરતાં પાંચગણી હોય છે. નગર-આયોજનની ર્દષ્ટિએ વ્યક્તિદીઠ 50 ચોમી. લીલોતરી અને આનંદપ્રમોદ માટે 300 ચોમી. વનપ્રદેશ હોવો જરૂરી છે. લીલોતરીથી નગરનો કુદરતી દેખાવ ઊભરી આવે છે. વનસ્પતિ મજ્જાતંતુજાળમાં ફાયદાકારક સુધારો કરે છે, ઉત્તેજિત લાગણીઓને શાંત કરે છે અને માનસિક તણાવ ઘટાડે છે. લીલોતરીથી સ્થાનીય પર્યાવરણ આકર્ષક અને સુચારુ બને છે. કોઈ એક નગરમાં વિવિધ વિભાગો નીચે મુજબ હોય તો આદર્શ સ્થિતિ બની રહે :
ફરવાની જગ્યા 50%થી 60%
રમતગમત વિભાગ 15%થી 20%
આનંદપ્રમોદ વિભાગ 10%થી 15%
બાળકોનો વિભાગ 10%થી 15%
બાગબગીચા-જાળવણી વિભાગ 2%થી 3%
દરેક નગરમાં કુલ 100થી 1000 હેક્ટર ક્ષેત્રફળ બાગબગીચા માટે જરૂરી ગણાય છે.
કુદરતી સાધનસંપત્તિના સંરક્ષણ માટે એકલી પ્રૌદ્યોગિકી (technology) અને વિજ્ઞાન પૂરતાં નથી; સાથે સાથે શિક્ષાત્મક જોગવાઈવાળા કાયદા પણ જરૂરી છે. બધા જ દેશોમાં અને તેનાં રાજ્યોમાં પર્યાવરણ મંત્રાલયો અને સચિવાલયોની આવાં કામ સંભાળવા માટે જોગવાઈ કરાય છે. 1992ના જૂનમાં રીઓ ડી જાનેરો (બ્રાઝિલ) ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ શિખર પરિષદ ભરાઈ ગઈ. જેમાં મુખ્યત્વે કાર્બન ડાયૉક્સાઇડના નિષ્કાસન અને જૈવીય વિવિધતાના સંરક્ષણ માટેના દસ્તાવેજો પર ચર્ચાવિચારણા કરી સહીસિક્કા થયા; જો કે અમેરિકાએ પોતે ઊભા કરેલા પ્રદૂષણને નિયમન કરવા અલગ ફાળો આપવા માટે સંમતિ નથી આપી.
ભારતમાં કુદરતી સાધનસંપત્તિના સંરક્ષણ માટે કેટલાક ધારાઓ ઘડાયા છે; પાણી (પ્રદૂષણને અવરોધવા અને નિયમન કરવાનો) ધારો, હવા (પ્રદૂષણને અવરોધવા અને નિયમન કરવાનો) ધારો, પાણી (પ્રદૂષણને અવરોધવા અને નિયમન કરવા) ઉપકર ધારો, પર્યાવરણ સંરક્ષણ ધારો, જંગલ ધારો, વન્ય પ્રાણી ધારો, જંતુનાશક ધારો વગેરે. ઘણા ધારાઓનું પાલન કેન્દ્રીય અને રાજ્યોનાં પ્રદૂષણ નિયમન મંડળો દ્વારા કરાય છે. પર્યાવરણ સંરક્ષણ ધારો કેન્દ્ર સરકાર મારફતે સીધો અમલમાં મુકાય છે. પક્ષકાર અને પ્રદૂષણ નિયમન મંડળ વચ્ચેની બાબતોને જલદીથી પતાવવા માટે આ ધારાઓ હેઠળ એપેલેટ ઑથોરિટી પણ રચાઈ છે. પક્ષકાર અને પ્રદૂષણ નિયમન મંડળ વચ્ચેના કેસોની સુનાવણી અને નિકાલ ન્યાય કચેરીઓ મારફતે થાય છે. ભવિષ્યની પેઢીને તથા વિકાસશીલ દેશોના નાગરિકોને પર્યાવરણની સંપત્તિનો વાજબી ઉપભોગ મળી શકે તે હેતુથી સમગ્ર વિશ્વનો વિચાર કરીને સ્થાનિક વિકાસ કાર્યક્રમો યોજવા જોઈએ તેવી વિચારસરણી હાલ પ્રવર્તે છે.
ઉપસંહાર રૂપે કુદરતી સાધનસંપત્તિના સંરક્ષણ માટે નીચેના મુદ્દા આવરી લેવાય : (1) શક્ય હોય ત્યાં પુન:પ્રાપ્ય સ્રોતોનો તર્કબદ્ધ અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જેથી સક્ષમ વિકાસ થઈ શકે; (2) દરેક વ્યક્તિએ વિશ્વની સંપત્તિનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો; બને ત્યાં સુધી પુનરુપયોગ અથવા પુનશ્ચક્રીકરણ કરવાં; (3) પીવાના પાણીનો ઉપયોગ સમજપૂર્વક કરવો, વાપરવાનાં પાણીનો બની શકે તેટલી વખત પુન:શુદ્ધ કરીને ઉપયોગ કરવો; (4) વનસ્પત્યાહારીઓ વધુ પ્રમાણમાં વનસ્પતિનો આહાર કરી જીવી શકે; (5) સૌરશક્તિનો ઉપયોગ થોડા વધુ ખર્ચે પણ લોકભોગ્ય બનાવવો; (6) રાસાયણિક ખાતરની જગ્યાએ જૈવીય ખેતીનો ઉપયોગ કરવો; (7) મોટા બંધોને બદલે નાના ચેક ડેમ, ખેતતલાવડી જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવો; (8) જીવાણુનાશકો માટે સંયોજિત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવો, જેથી જૈવીય નિયમન અમલમાં મૂકી શકાય; (9) દરિયાઈ સંપત્તિમાંથી જૈવીય ઉત્પાદન મોટા પાયા પર શરૂ કરવું; (10) દરિયાના રણવિસ્તારમાં પણ લીલની ખેતી મોટા તરાપા ઉપર ચાલુ કરવી, જેથી વિશ્વને પ્રોદિતો (proteins) મળી શકે; (11) ઢોરને ખુલ્લામાં ચરાવવાને બદલે એક સ્થળે ચરાણ(stall feeding)ની પદ્ધતિ લોકભોગ્ય બનાવવી; (12) શહેરના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવાની પ્રક્રિયા અપનાવવી; (13) વનીકરણનો કાર્યક્રમ સતત જારી રાખવો; વનપેદાશોના ઉપયોગ કરનારે તેના પુનરુત્પાદન માટે પોતાનાં જંગલો ઊભાં કરવાનો પ્રયાસ કરવો; (14) વરસાદી વનોનાં બાવિલોવ કેન્દ્રો જૈવીય પ્રૌદ્યોગિકી માટે અલગ રાખવાં, જ્યાં સંશોધન અને વિકાસ થઈ શકે; (15) રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવીય સંરક્ષિત પદાર્થોમાં આદિવાસી વસ્તીનો ઉપયોગ કરી, તેમને રોજી આપી વનીકરણને વેગ આપવો; (16) વિવિધ પ્રકારના અનાજોના ઉપયોગને પ્રોત્સાહન મળે એવી જીવનરીતિ વ્યવહારમાં લાવવી, લોકશિક્ષણના કાર્યક્રમો યોજવા; (17) આંતરરાષ્ટ્રીય ધારા, કાયદા અને કલમોનું દરેક રાષ્ટ્ર નિષ્ઠાથી આચરણ કરે; (18) કારખાનાં અને રહેણાકની આસપાસ લીલોતરી વાવવી, જેથી પ્રદૂષકો શોષાઈ જાય; (19) વનીકરણમાં વિવિધતા અને અનેકતા જાળવવી અને (20) ખાસ કરીને વધુ સમૃદ્ધ રાષ્ટ્રના વધુ સમૃદ્ધ લોકોએ વનસંપત્તિનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો.
પુષ્પક ઓઝા
