કુંજ (common crane) : ભારતનું શિયાળુ મુલાકાતી યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ Grus Grus છે. તેનું કદ 135 સેમી.નું હોય છે. લાંબી ડોક અને લાંબા પગવાળું, શરીરે ભરાવદાર એવું આ પંખી દર વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ઉત્તર અને મધ્ય હિમાલય પરથી ભારતમાં દાખલ થાય છે અને પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહાર રાજ્યોમાં ફેલાઈ જાય છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બધે જોવા મળે છે.

કુંજ

1985ના ગુજરાત રાજ્યના વનવિભાગના સર્વેક્ષણ પ્રમાણે 83,337 કુંજ, 1990ના અન્ય સર્વેક્ષણમાં 73 % કુંજ અને 1991-92માં દુકાળના કારણે 9,046 કુંજ ગુજરાતમાં જોવા મળ્યાં હતાં. તેમાં સૌથી વધુ સંખ્યા જૂનાગઢ, જામનગર, રાજકોટ જિલ્લામાં અને અમીપુર જળાશય પર એકઠી થતી. કુંજ સૌરાષ્ટ્રમાં આશરે 160-170 દિવસ ગાળે છે.

કુંજ સારસના કુળનું પંખી છે. તેનું આખું શરીર આછા રાખોડી રંગનું હોય છે. પાંખના આછા રાખોડી રંગમાં આછો બદામી રંગ હોય છે. તેની દાઢી અને અડધું ગળું કાળાં હોય છે. નજીકથી જોતાં માથાની અધવચ્ચે લાલ ખુલ્લી ચામડી જોવા મળે છે. તેનું કપાળ કાળું અને ડોક કાળી હોય છે; પરંતુ તેની બંને બાજુઓમાં નીચે તરફ સીધો પટો જાય છે. આ તેને ઓળખવાની ખાસ નિશાની છે. પાછલી પાંખનાં પીંછાં લાંબાં અને પૂંછડી ઉપર થઈને ઢળકતાં રહે છે. ચાંચ થોડી લાંબી, મેલી અને અણી તરફ પીળાશ પડતી હોય છે. તેના પગ લાંબા અને કાળા હોય છે.

નર અને માદા એકસરખાં હોય છે. કુંજ સમૂહચારી પંખી છે. તે નાનાં-મોટાં ટોળાંમાં જોવા મળે છે. તે તારામઢી રાત્રે કે વહેલી પરોઢે ‘ક્રૂઊંઊંઊં, ક્રૂઊંઊંઊં, ક્રાંઆંઆં, ક્રાંઆંઆં’ – એવો કર્ણપ્રિય બુલંદ અવાજ કરતાં અંગ્રેજી ‘વી’ આકારે ઊડતાં જતાં દેખાય છે. તે સરોવરનાં મોજાંની જેમ આકાશમાં આછા હિલોળા લેતાં લાંબી હરોળમાં લયબદ્ધ રીતે ઊડે છે. ક્યારેક તો તે આકાશમાં ઝૂલતા સુંદર તોરણનું ર્દશ્ય પણ ખડું કરી દે છે. આવાં મોટાં પંખીઓ દર વરસે શિયાળો બેસતાં પરદેશથી નિયમિત ભારતમાં-ગુજરાતમાં આવતાં હોવાથી વિરહિણી પત્ની કુંજને દૂત બનાવીને પરદેશ ગયેલા પોતાના પતિને સંદેશ મોકલતી હોય તેવો ઉલ્લેખ ગુજરાતનાં લોકગીતોમાં જોવા મળે છે; જેમ કે ‘કુંજલડી રે સંદેશો અમારો જઈને વાલમજીને કહેજો હોજી ! રે ! કુંજલડી !’

શિયાળો પૂરો થતાં તેઓ મધ્ય યુરોપમાં એપ્રિલ-મેમાં પ્રજનન માટે પહોંચી જાય છે. સૌરાષ્ટ્રનો ઘેડ-વિસ્તાર તેને અતિ પ્રિય છે, કારણ કે તેને ત્યાં તેમનો મુખ્ય ખોરાક પ્રોટીનની જરૂરિયાતવાળો એટલે કે જુવાર, બાજરી, ચણા, મગફળીનો મળી રહે છે. તે ભયગ્રસ્ત જાતિ નથી. ભારતમાં વન્યજીવ સંરક્ષણ ધારા, 1972 હેઠળ તે સુરક્ષિત છે. તે જીવડાં, વનસ્પતિની કૂણી કૂંપળો તથા તેનાં મૂળ પણ આરોગે છે.

સામાન્ય રીતે તે વહેલી સવારે ખેતરોમાં ચણ માટે પહોંચી જાય છે. બપોરે 12 વાગતાં તે જળાશય પર પાછાં ફરે છે. ત્યાં પાણી પી એક પગે આરામ કરે છે અને સાંજે ફરીથી ખેતરે જઈ પાછાં ફરીથી જળાશય પર પહોંચી રાતવાસો કરે છે.

બળદેવભાઈ કનીજિયા