કિલ્બી, જૅક એસ. (જ. 8 નવેમ્બર 1923, જેફરસન, યુ.એસ.; અ. 20 જૂન 2005, ડલાસ) : સંકલિત પરિપથ (integrated circuits-IC) ચિપની શોધ કરવા બદલ 2000નું નૉબેલ પારિતોષિક મેળવનાર ભૌતિકવિજ્ઞાની અને ઇલેક્ટ્રૉનિક ઇજનેર.

જૅક એસ. કિલ્બી

1950માં તેમણે પરિપથોની રચના કરવાના કાર્યની શરૂઆત કરી તે દરમિયાન એમ. એસ. ઇલેક્ટ્રિકલ ઇજનેરીની ઉપાધિ મેળવી.

કિલ્બીનો ઉછેર ગ્રેટબૅન્ડ, કેન્સાસ(યુ.એસ.)માં થયો. ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં બી.એસ. અને એમ.એસ. ઉપાધિઓ અનુક્રમે ઇલિનૉઇ અને વિસ્કોન્સિન યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી. 1947માં તેમણે તેમની કારકિર્દી સેન્ટ્રોલેબ ડિવિઝન ઑવ્ ગ્લોબ યુનિયન ઇન્કથી મિલ્વૉકીમાં શરૂ કરી. અહીં રહીને તેમણે ઉપભોક્તાઓ માટે ઇલેક્ટ્રૉનિક ઉત્પાદકોએ જરૂરી એવા સિરૅમિક આધાર ઉપર સિલ્ક-સ્ક્રીન સર્કિટો વિકસાવી.

તેમણે પોતાની કારકિર્દી શોધક તરીકે ચાલુ રાખી 60 જેટલા એકાધિકાર (patent) મેળવ્યા છે. આઇ.સી.(I.C.)નો ઉપયોગ કરીને પૉકેટ-કૅલ્ક્યુલેટરના સહશોધક બન્યા.

ટૅક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ(TI)માં 1964ની આસપાસ એક જ ટુકડા ઉપર તૈયાર કરેલ તેમની IC – ચિપે સમગ્ર આધુનિક માઇક્રોઇલેક્ટ્રૉનિક્સનો વિભાવનાત્મક અને ટૅકનિકલ પાયો નાખ્યો. તેમની આ સફળતાને આધારે આજના માહિતીપ્રધાન યુગના અદ્યતન ઉચ્ચ-ત્વરિત (high speed) કમ્પ્યૂટરો અને બૃહત સ્મૃતિક્ષમતા-સુવિધા ઉપલબ્ધ થઈ છે.

1958માં તેઓ ડલ્લાસના TI સાથે જોડાયા. તે વર્ષે તેમણે સુધારેલ સામગ્રી ઉછીની-પાછીની કરીને મેળવી. તેનો અભ્યાસ કરીને પૂરા ખ્યાલ સાથે ઇલેક્ટ્રૉનિક પરિપથની રચના કરી. તેના બધા જ સક્રિય અને નિષ્ક્રિય ઘટકો અર્ધવાહક દ્રવ્યના એક જ નાના ટુકડા ઉપર સંવિરચિત (fabricate) કરવામાં આવ્યા હતા. આ રચનાનું કદ પેપર-ક્લિપ કરતાં અર્ધું હતું. આવી માઇક્રોચિપના 12 સપ્ટેમ્બર 1958માં કરેલા નિર્દેશને ઇતિહાસનું સર્જન કર્યું.

તેમણે લશ્કરી, ઔદ્યોગિક અને વ્યાપારી પ્રયોજનો માટે જરૂરી માઇક્રોચિપથી શરૂઆત કરી આઇ.સી.ના સમાવેશવાળા પ્રથમ લશ્કરી તંત્ર અને પ્રથમ કમ્પ્યૂટર ઉપર કાર્ય કરતા જૂથને તેમણે નેતૃત્વ અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં.

1970માં તેઓ TIમાંથી રજા ઉપર ગયા. ત્યારબાદ તેમણે સૂર્યપ્રકાશમાંથી વિદ્યુત-શક્તિ પેદા કરવા માટે સિલિકન-ટૅક્નૉલૉજીનો ઉપયોગ અને બીજા વિષયો ઉપર સ્વતંત્ર શોધન-કાર્ય શરૂ કર્યું. 1978થી 1984 દરમિયાન, ટૅક્સાસ એ. ઍન્ડ એમ. યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ ઇજનેરીના પ્રતિષ્ઠિત પ્રાધ્યાપક તરીકેનો હોદ્દો ધારણ કર્યો.

1980માં તેઓ TIમાંથી વિધિસર નિવૃત્ત થયા; પણ તે પછી તેમણે આ સંસ્થા અને અન્ય કંપનીઓ સાથે સલાહકાર તરીકે જીવંત સંબંધ જાળવી રાખ્યો હતો. કેટલીક કંપનીઓના બોર્ડ ઉપર નિર્દેશક તરીકે કાર્ય કરી રહ્યા હતો.

બે રાષ્ટ્રો તરફથી તેમને વિજ્ઞાન અને ઇજનેરીમાં પ્રતિષ્ઠિત સન્માનો આપવામાં આવ્યાં છે. 1970માં વ્હાઇટ હાઉસની ઉજવણી દરમિયાન તેમને નૅશનલ મેડલ ઑવ્ સાયન્સ આપવામાં આવ્યો હતો. 1982માં નૅશનલ ઇન્વેન્ટર્સ હૉલ ઑવ્ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું. અમેરિકાનું નવીનીકરણ કરનાર હેન્રી ફૉર્ડ, થૉમસ એડિસન અને રાઇટ ભાઈઓની હરોળમાં તેમને સ્થાન આપવામાં આવે છે.

કિલ્બી 60થી વધુ યુ.એસ. પેટન્ટ ધરાવે છે. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇલેક્ટ્રિકલ ઍન્ડ ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનિયર્સ(IEEE)ના ફેલો અને નૅશનલ એકૅડેમી ઑવ્ એન્જિનિયરિંગ(NAE)ના સભ્ય હતા. ઉપરાંત તેમણે કેટલાક ચંદ્રકો અને પદકો મેળવ્યાં છે. આઇ.સી.ની શોધને 30 વર્ષ પૂરાં થતાં કરવામાં આવેલી ઉજવણી દરમિયાન TI પ્રયોગશાળામાં જ્યાં કિલ્બીએ મહત્વનું સંશોધનકાર્ય કર્યું તે સ્થળને ટૅક્સાસના ગર્વનરે અધિકૃત રીતે ટૅક્સાસની ઐતિહાસિક નિશાની તરીકે જાહેર કર્યું.

આનંદ પ્ર. પટેલ