કિરમાણી સઇદ મુજતબા હુસેન

January, 2008

કિરમાણી, સઇદ મુજતબા હુસેન (જ. 29 ડિસેમ્બર 1949, મદ્રાસ) : ભારતનો કુશળ વિકેટકીપર અને જમણેરી બેટધર. 1967માં ઇંગ્લૅંડનો પ્રવાસ કરનાર ભારતીય સ્કૂલ ટીમ તરફથી તેણે શ્રેષ્ઠ દેખાવ કરેલો.

સઇદ મુજતબા હુસેન કિરમાણી

1967ની 14 ઑક્ટોબરે રણજી ટ્રૉફીમાં મદ્રાસ સામે પ્રવેશ મેળવ્યો. 14 ટેસ્ટમાં ફારુખ એન્જિનિયરની હાજરીમાં અનામત વિકેટકીપર તરીકે રહ્યા બાદ 1976ની 24 જાન્યુઆરીએ ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડમાં તેને ટેસ્ટપ્રવેશ મળ્યો. આ ટેસ્ટશ્રેણીની ક્રાઇસ્ટ ચર્ચની બીજી ટેસ્ટમાં એક દાવમાં છ ખેલાડીઓને આઉટ કરવામાં વિકેટકીપર તરીકે ફાળો આપીને પ્રવર્તમાન વિશ્વવિક્રમમાં ભાગીદારી નોંધાવી. પ્રસન્ના, વેંકટ રાઘવન, ચંદ્રશેખર અને બેદી જેવા યુક્તિબાજ સ્પિનરો સામે વિકેટકીપર તરીકે કુશળતા દાખવનાર તરીકે પ્રસિદ્ધિ મેળવી. 1979ના નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયા સામે મુંબઈમાં પોતાની પાંત્રીસમી ટેસ્ટમાં પાંચમા ક્રમે ટેસ્ટ-ઇતિહાસમાં ‘નાઇટ વૉચમેન’ તરીકે આવીને સદી કરનાર બીજો ખેલાડી બન્યો.

1979ની છઠ્ઠી ડિસેમ્બરે પાકિસ્તાન સામે દિલ્હીમાં પોતાની સાડત્રીસમી ટેસ્ટમાં મુદ્દસર નઝરનો કૅચ ઝડપીને ત્યાસીમો ‘શિકાર’ મેળવનાર કિરમાણીએ એન્જિનિયરના 46 ટેસ્ટના 82 શિકારનો ભારતીય ટેસ્ટ-વિક્રમ તોડ્યો. 1980ના ફેબ્રુઆરીમાં મુંબઈની જ્યુબિલી ટેસ્ટમાં રોજર બિન્નીની ગોલંદાજીમાં જ્યૉફ બોયકોટનો કૅચ ઝડપીને એકસોમો ‘શિકાર’ મેળવ્યો તેમજ એક હજાર રન અને સો વિકેટની બેવડી સિદ્ધિ મેળવી. 1980માં ઑસ્ટ્રેલિયા સામેની એડીલેડ ટેસ્ટમાં વિરોધી ટીમના 528 રન દરમિયાન તેમજ 1983માં પાકિસ્તાનના ફૈઝલાબાદમાં વિરોધી ટીમના 652 રન દરમિયાન ‘બાય’નો એક પણ રન નહિ આપવાની સિદ્ધિ તેણે મેળવી છે. 1982-’83ની કરાચી ટેસ્ટમાં જાવેદ મિયાંદાદનો કૅચ કરીને કૅચ અને સ્ટમ્પઆઉટ દરમિયાન દોઢસોમો શિકાર મેળવ્યો. 1985ની 29 નવેમ્બરે પોતાની એકાશીમી ટેસ્ટમાં વિકેટની પાછળ રહીને 150 કૅચ પૂરા કર્યા. કુલ 88 ટેસ્ટમાં 160 કૅચ અને 38 સ્ટમ્પિંગ સાથે 198 શિકાર ઝડપનાર સઇદ કિરમાણીએ કુલ 2759 રન કર્યા છે. અર્જુન ઍવૉર્ડ અને પદ્મશ્રી મેળવનાર. રણજી ટ્રૉફીમાં કર્ણાટકનો અને દુલિપ ટ્રોફીમાં સાઉથ ઝોનનો ખેલાડી છે. ‘કભી અજનબી થે’ ફિલ્મમાં અભિનય આપનાર, ભારતનો સૌથી વધુ શિકાર ઝડપનાર, સૌથી વધુ ટેસ્ટ ખેલનાર અને સૌથી વધુ રન કરનાર વિકેટકીપર છે.

કુમારપાળ દેસાઈ