કિડ ટોમસ (જ. 6 નવેમ્બર 1558, બેપ્ટિઝમ, લંડન; અ. 30 ડિસેમ્બર 1594, લંડન) : એલિઝાબેથન યુગના અંગ્રેજી નાટ્યકાર. લંડનની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને થોડો સમય દસ્તાવેજ-લેખક તરીકેનો વ્યવસાય કર્યો. સમકાલીન નામી નાટ્યકાર માર્લો સાથે તેમને ગાઢ મૈત્રી હતી.
તેમની કૃતિઓમાં ‘ધ સ્પૅનિશ ટ્રૅજેડી’ (1592) ખૂબ ખ્યાતિ પામેલું નાટક છે. આ ઉપરાંત ‘ધ ટ્રૅજેડી ઑવ્ સોલોમન ઍન્ડ પરઝિડ’ પણ તેમના નામે ચઢેલી રચના છે. શેક્સપિયર પૂર્વે કિડે હેમ્લેટ વિશે નાટક લખ્યું હોવાનું મનાય છે. એ હસ્તપ્રત હવે અપ્રાપ્ય છે, પણ શેક્સપિયર પર એ કૃતિનો પ્રભાવ પડ્યો હોવાનું વિવેચકો સ્વીકારે છે. ‘કોર્નેલિયા’ 1595માં ‘પોમ્પી ધ ગ્રેટ ઍન્ડ હિઝ ફેર કોર્નેલિયસ ટ્રૅજેડી’ નામે ફરી પ્રગટ થયું હતું.
એલિઝાબેથન રંગભૂમિ પર ‘ધ સ્પૅનિશ ટ્રૅજેડી’ને અસામાન્ય લોકપ્રિયતા સાંપડી હતી. 1633 સુધીમાં તેની દશ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી. તે સમયની પ્રચલિત વેરની વસૂલાત (revenge tragedy) પ્રકારની અતિરંજક નાટ્યશૈલીનો તેમણે દક્ષતાપૂર્વક ઉપયોગ કર્યો. તેમની નાટ્યસૃષ્ટિમાં પાત્રોના ઉદગારોમાં વેરની વસૂલાતની તીવ્ર ઝંખના, કાવતરાખોરોની ચાલબાજી, તેમની ઉત્કટ મનોવ્યથા અને હતાશાજનક ગાંડપણ અને ઉન્માદ વ્યક્ત થાય છે. આ ભાવોને વ્યક્ત કરવા કિડે વાગ્મિતા પ્રયોજવામાં કુશળ કસબ દાખવ્યો છે. નાટ્યલેખનની સત્વશીલતા ઓછી હોવા છતાં, ઊંડી નાટ્યસૂઝ તથા રંગભૂમિની પ્રત્યક્ષ જાણકારી વગેરે કારણોસર ઘણા સમકાલીન નાટ્યકારો પર તેમનો દેખીતો પ્રભાવ પડ્યો છે.
સુરેશ શુક્લ
મોહંમદ ઇસ્હાક શેખ