કિકુમારો (જ. આશરે 1780, જાપાન; અ. 1820 પછી, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ ચિત્રકાર કિતાગાવા ઉતામારોનો તે શિષ્ય હતો. ગુરુની પેઠે કિકુમારો પણ ગેઇશા યુવતીઓ અને ટોકિયોના પોશીબારાની વેશ્યાવાડાની રૂપજીવિનીઓના આલેખનમાં સફળ થયો. વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને ભભકાદાર વસ્ત્રો પરિધાન કરેલી ગેઇશા યુવતીઓ અને રૂપજીવિનીઓ કિકુમારોનાં છાપચિત્રોમાં જાજરમાન અને ઠસ્સાદાર દેખાય છે. વાળ ઓળવાની શૈલીઓ(hair-styles)નું પણ ખાસ્સું વૈવિધ્ય કિકુમારોએ છાપચિત્રોમાં દર્શાવ્યું છે.

અમિતાભ મડિયા