કાશીનો દીકરો (રજૂઆત – 1979) : સિને ઇન્ડિયા ઇન્ટરનેશનલ અને નરેશ પટેલનિર્મિત ગુજરાતી રંગીન ચલચિત્ર. વિનોદિની નીલકંઠની નવલિકાને આધારે તૈયાર થયેલા આ બોલપટમાં પટકથા-સંવાદ પ્રબોધ જોશીનાં અને દિગ્દર્શન કાંતિ મડિયાનું હતું. કથામાં આધુનિક ગુજરાતી કવિઓનાં ઉત્તમ ગીતોને પસંદ કરીને સંગીતકાર ક્ષેમુ દિવેટિયાએ સંગીતબદ્ધ કર્યાં હતાં. રાગિણી, રાજીવ, રીટા ભાદુરી, ગિરીશ દેસાઈ અને કાંતિ મડિયા મુખ્ય કલાકાર હતાં.

કથાના આરંભે, અંતિમ શ્વાસો લેતી સાસુ પોતાનો નાનો દીકરો ઉછેરવાનો ભાર વહુને સોંપીને મૃત્યુ પામે છે. વહુ કાશી દીકરાને જતનથી ઉછેરે છે પરંતુ દુર્ભાગ્યે લગ્નને દિવસે જ તે સર્પદંશથી મૃત્યુ પામે છે. વિધવા વહુના દુ:ખમાં સહભાગી થવા કાશી પોતાનું સંસારસુખ ભોગવવાનું બંધ કરે છે. આ અસંતોષથી પીડાતો કાશીનો પતિ એક નાજુક ક્ષણે આવેગમાં નાના ભાઈની વિધવાને ગર્ભવતી બનાવે છે. પોતે ગર્ભવતી હોવાનો ઢોંગ રચીને કાશી વહુના ગર્ભને પોતાનો જાહેર કરી ઘરની ઇજ્જત બચાવી લે છે. પડી ભાંગેલી કાશી અકાળે મૃત્યુ પામતી વખતે વિધવા વહુને તેનો જ પુત્ર સોંપીને, સમગ્ર પરિવારનું ઉત્તરદાયિત્વ તેને વારસામાં સોંપી મંગળધામમાં પ્રયાણ કરે છે.

હરીશ રઘુવંશી