કાર્લફેત, એરિક એક્સેલ (જ. 20 જુલાઈ 1864, ફોકર્ના; અ. 8 એપ્રિલ 1931, સ્ટૉકહોમ) : સ્વીડિશ કવિ. 1918માં તેમણે સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકનો અસ્વીકાર કરેલો. 1931માં આ પારિતોષિક તેમને મરણોત્તર મળેલું. પ્રાદેશિક, પરંપરાગત રચનાઓ દ્વારા તે ખૂબ જાણીતા બન્યા હતા.

કાર્લફેતના સમગ્ર જીવન પર પોતાના ગ્રામીણ વતનના ખેડૂત-સમાજની સંસ્કૃતિની ખૂબ જ અસર રહેલી. તેમનું અગત્યનું કામ તેમના છ ગ્રંથોમાં સંગ્રહાયું છે. તે આ પ્રમાણે છે ‘સૉંગ્ઝ ઑવ્ વિલ્ડરનેસ ઍન્ડ ઑવ્ લવ’ (1895), ‘ફ્રિડોલિન્સ સૉંગ્ઝ’ (1898), ‘ફ્રિડોલિન્સ પ્લેઝર ગાર્ડન’ (1901), ‘ફ્લોરા ઑ પાના’ (1906), ‘ફ્લોરા ઑ બૅલૉના’ (1918) અને મરણના ચાર વર્ષ પૂર્વે ‘ધ હૉર્ન ઑવ્ ઑટમ’ (1927).

એરિક એક્સેલ કાર્લફેત

તેમની કેટલીક કવિતાઓના અંગ્રેજી અનુવાદોનો સંગ્રહ ‘આર્કેડિયા બોરેલીસ’(સિલેકેટેડ પોયેમ્સ ઑવ્ એરિક એક્સેલ કાર્લફેત) 1938માં પ્રગટ થયેલો છે.

યોગેશ જોશી