કાચ-સ્થિતિ (glassy state) : પીગળેલા પદાર્થની અતિશીતિત સ્થિતિ (supercooled state). કાચ-સ્થિતિ કે કાચ-સર્દશ સ્વરૂપ એ ઊંચો શ્યાનતા-ગુણાંક (coefficient of viscosity) ધરાવતા પદાર્થનું એક અસ્ફટિક (non-crystalline), ચીકટ (viscous) સ્વરૂપ છે, જેને નિશ્ચિત (sharp) ગલનબિંદુ હોતું નથી. પૉલિથીલીન, ફિનૉલ-ફૉર્માલ્ડિહાઇડ વગેરે બહુલકો (polymers), ક્રાંતિક (critical) તાપમાને આવું કાચ-સર્દશ સ્વરૂપ ધરાવતા હોય છે. પીગળેલા SiO2ને ઠંડો પડવા દેતાં તે કાચ-સશ સ્વરૂપ ધારણ કરી શકે છે. આવા સ્વરૂપમાં પરમાણ્વીય ગોઠવણી, સ્ફટિક તેમજ વાયુ એ બંને સ્વરૂપ કરતાં જુદી પડે છે અને તેમનું બંધારણ સ્ફટિક તેમજ વાયુની વચ્ચે છે.

કાચ કાર્બનિક કે અકાર્બનિક પદાર્થ છે જેને ગરમ કરતાં સુઘટ્ય (plastic) અને મૃદુ બની, પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે. ઠંડું પડતી વખતે પ્રવાહી વધુ અને વધુ સ્નિગ્ધ (શ્યાન) બની છેવટે શ્યાનતાની સીમાએ પહોંચી ઘન સ્થિતિ પ્રાપ્ત કરે છે. આ ગુણધર્મો કાચ-સર્દશ સ્થિતિને માટે લાક્ષણિક હોય છે. કાચમાં પ્રાવસ્થા ફેરફારો (phase changes) નિયત તથા પુન:પ્રાપ્ય (reproducible) તાપમાને થતા નથી. કાચ માટે X-કિરણોના ફોટોગ્રાફ, સ્ફટિક બંધારણને લાક્ષણિક તેવાં અનેક પરાવર્તનો દર્શાવતા નથી, પરંતુ એક સાદું અસ્પષ્ટ (diffuse) વલય આપે છે જે પ્રવાહીમાંના યાર્દચ્છિક વિતરણ(random distribution)વાળા અણુઓની એક લાક્ષણિકતા છે. પ્રવાહીની જેમ કાચ પણ સમદૈશિક (isotropic) છે. તેને વરેણ્ય (preferred), પ્રકાશીય (optical), ધ્વનિકીય (sonic) કે ભૌમિતિક (mechanical) દિશા હોતી નથી. કાચ-સર્દશ સ્થિતિને કાચસમ (vitreous) સ્થિતિ કહે છે. પીગળેલી સ્થિતિમાં કાચને લાંબા સમય સુધી રાખતાં, તેના પ્રવાહીની સપાટી ઉપર નાના નાના સ્ફટિકો રચાય છે જે પ્રક્રિયાને વિકાચન (devitrification) કહે છે.

આકર્ષક અને ઉપયોગી કાચ અકાર્બનિક હોય છે. તેમને સિલિકોન, બોરોન, આલ્કલી ધાતુ કે મૃદુ આલ્કલી ધાતુ(alkaline earth metals)ના સંયોજન દ્વારા તૈયાર કરવામાં આવે છે. કાચની બનાવટના અનેક પ્રકાર છે પરંતુ તે બધાનો મુખ્ય ઘટક SiO2 છે. કાચના વિશિષ્ટ ઉપયોગ માટે બીજા ઑક્સાઇડને પણ વરણાત્મક (selective) રીતે ઉમેરવામાં આવે છે.

સામાન્યત: અકાર્બનિક કાચ પારદર્શક, સખત અને બરડ હોય છે. તેમનું અપરૂપણ-સામર્થ્ય (shear strength) પ્રબળ, ઉષ્મીય પ્રસરણ ઓછું અને વૈદ્યુત તથા ઉષ્મીય વાહકતા પણ ઓછી હોય છે. બધા જ ઑક્સાઇડની જેમ તે અજ્વલનશીલ (non-flammable) હોય છે અને ઘણાં રસાયણો પ્રત્યે તે નિષ્ક્રિય હોય છે. આ વિશિષ્ટતાને લઈને કાચનો ઉપયોગ સંગ્રાહક પાત્ર, બારી, પ્રકાશીય દક્કાચ કે અરીસા, ઉષ્મીય અને વૈદ્યુત અવાહકો, પરાવૈદ્યુતકો (dielectrics) તથા સજાવટનાં સાધનો બનાવવામાં થાય છે.

એરચ મા. બલસારા