કાચબો : શૃંગી શલ્ક (horny scale) વડે ઢંકાયેલું અને હાડકાંની તકતીઓના વિલયનથી બનેલું કવચ ધારણ કરનાર કેલોનિયા અથવા ટેસ્ટુડિના શ્રેણીનું સરીસૃપ. આ શ્રેણીનાં પ્રાણીઓ સંપૂર્ણ રીતે કે આંશિક રીતે જળમાં કે સ્થળ પર રહેનારાં હોય છે. જે કાચબા ફક્ત જમીન પર રહેતા હોય તે કૂર્મ (tortoises) તરીકે ઓળખાય છે, જ્યારે કેટલાક જમીન અને પાણી બંનેમાં રહેતા હોય તેને ટેરાપિન્સ (terrapins) અને જે ફક્ત મીઠા કે ખારા પાણીમાં રહેતા હોય તે કશ્યપ (turtles) તરીકે ઓળખાય છે. આ શ્રેણીનાં પ્રાણીઓ પૃથ્વી પર સર્વત્ર અને ખાસ કરીને ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ પ્રદેશમાં ફેલાયેલાં છે. કદની બાબતમાં કાચબો ઘણું વૈવિધ્ય ધરાવે છે. કાઇનોસ્ટોર્નાન કાચબો 8.0 સેમી. કરતાં પણ નાનો હોય છે. જ્યારે લેધર બૅક (leather back) કાચબો 2.5 મીટર જેટલો પહોળો હોય છે અને તેનું વજન 725 કિગ્રા. જેટલું હોય છે. કેટલાક લુપ્ત કાચબા તો 6 મીટર જેટલી વિશાળ કાયા ધરાવતા હતા.

કાચબો

કાચબાનું કવચ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. પૃષ્ઠ બાજુના કવચને ઉપરિકવચ (carapace) અને વક્ષ બાજુના કવચને વક્ષકવચ (plastron) કહે છે. ઉપરિકવચ આકારે ઘુમ્મટ જેવું અને આશરે 50 જેટલાં હાડકાંનું બનેલું હોય છે. ઉપરિકવચમાં કરોડસ્તંભનાં હાડકાંનો સમાવેશ થાય છે. ત્રણ લંબ હરોળમાં ગોઠવાયેલી તેની તકતીઓ, નીચલા ભાગેથી કશેરુકા (vertebra) અને પાંસળીઓ સાથે જોડાયેલી હોય છે. મધ્યસ્થ હરોળની તકતીઓ ધડ પ્રદેશની કશેરુકાની ચેતા-કમાનો સાથે વિલયન પામેલી હોય છે. પાર્શ્વ હરોળમાં પાંસળી-તકતીઓ (costal plates) હોય છે, અને તે ધડપ્રદેશની પાંસળીઓ સાથે વિલયન પામેલી હોય છે. કવચની બાહ્ય સીમા તરફ નાની સીમા-તકતીઓ (peripherals) ગોઠવાયેલી હોય છે. વક્ષકવચ ચપટ હોય છે. આગળના ભાગમાં એક અને પાછલા ભાગમાં આવેલી ચાર જોડ તકતીઓ મળીને કુલ 9 હાડકાંનું વક્ષકવચ બનેલું હોય છે. પહેલી જોડની તકતીઓ સ્કંધ મેખલાનાં વ્યુત્પન્નો (derivatives) તરીકે આવેલી છે, જ્યારે અન્ય હાડકાં તદ્દન નવા ઘટકો તરીકે અથવા તો ઉદરીય પાંસળીઓનાં વ્યુત્પન્નો તરીકે આવેલાં હશે એમ માનવામાં આવે છે. કરોડનું વિલીનીકરણ પીઠ સાથે થયેલું હોવાથી કશેરુકાની સંખ્યામાં ઘટાડો થયો છે. વળી શીર્ષને કવચમાં સુરક્ષિત ખેંચી શકાય તે માટે ગ્રીવાની 8 કશેરુકામાં ઉત્ક્રાંતિ દરમિયાન જરૂરી ફેરફાર થયા છે. તેનું મોં મોટું અને દાંત વગરનું હોય છે. ચહેરાને છેડે બાહ્ય નસકોરાં તેમજ આંખની એક એક જોડ આવેલી હોય છે. આંખ ત્રણ પોપચાં ધરાવે છે. પગને પાંચ આંગળીઓ હોય છે, પૂંછડી ટૂંકી અને જાડી હોય છે. કાચબા માંસાહારી હોય છે.

કાચબાનો ખોરાક વિવિધ પ્રકારનો જણાય છે. દાંતના અભાવને કારણે જડબાં ખોરાકને કાપવા માટે અનુકૂળ નથી હોતાં. તેથી તંતુમય કે રેસામય ખોરાક તેમને માટે લગભગ વર્જ્ય હોય છે. નાના કાચબા કૃમિ, કીટકો, નાના સ્તરકવચી, છીપલાં અને ગોકળગાય જેવાં અપૃષ્ઠવંશીઓને ખોરાક તરીકે લે છે. અલબત્ત, મોટા જળચર કાચબા માછલી, નાનાં પક્ષી કે ક્વચિત્ નાનાં સસ્તનોને પણ પકડીને ખાય છે. લાંબા સમય સુધી તે ખોરાક વિના ચલાવી શકે છે. જો ખોરાક સહેલાઈથી મળતો હોય તો વારંવાર પ્રાશન કરીને તે મેદસ્વી પણ બને છે. પાચનક્રિયા તાપમાન પર આધારિત છે. તે પાણી સહેલાઈ પી શકે છે અને અવસારણી(cloaca)માં તેનો સંગ્રહ પણ કરી શકે છે. તેના પરિણામે તે શુષ્ક પરિસ્થિતિનો મુકાબલો સહેલાઈથી કરી શકે છે.

કાચબાના પ્રકારો : 1. ડર્મોકિલિસ, 2. ગીધચાંચ કાચબો, 3. ટ્રાયોનિક્સ

કાચબાની પાંસળીઓ અચલ પ્રકારની હોવાથી ઉરસગુહાનું સંકોચન કે શિથિલનનું કાર્ય ઉદરના સ્નાયુઓ કરે છે અને હવાની આપલે સરળ બનાવે છે. જળચર કાચબામાં ફેફસાં ઉપરાંત શરીરમાં સહાયક શ્વસનાંગો આવેલાં હોય છે. જળચર કાચબો ગ્રીવા અને અવસારણીની મદદથી પણ શ્વસનક્રિયા કરી શકે છે. આ અંગોમાં શ્લેષ્મસ્તરમાં રુધિરકેશિકાઓ ખૂબ સંખ્યામાં પ્રસરેલી હોય છે. પરિણામે જળચર કાચબા પાણીની અંદર ઊંડાઈએ પણ કલાકો કે દિવસો સુધી બહારની હવાની આપલે કર્યા વગર રહી શકે છે.

કાચબામાં મૈથુનક્રિયા સામાન્યપણે સજાતીય અને અમુક સંજોગોમાં ભિન્ન જાતિના નર અને માદા વચ્ચે પણ થાય છે. મનપસંદ માદાની પ્રાપ્તિ માટે બે નર-કાચબા વચ્ચે કેટલીક વાર યુદ્ધ પણ થાય છે. એમાં વધુ શક્તિશાળી નર પ્રતિસ્પર્ધીને પટકવાના પ્રયાસ કરે છે. સામાન્યપણે સરીસૃપ વર્ગનાં પ્રાણીઓ બે શિશ્ન ધરાવતાં હોય છે, પરન્તુ નર-કાચબાને ફક્ત એક જ શિશ્ન હોય છે. મૈથુનક્રિયા થયા બાદ ઘણા સમય સુધી માદા ઈંડાં મૂકતી હોય છે. ઈંડાં હંમેશાં જમીન પર મૂકવામાં આવે છે, અને તેમને માટે ખાસ માળા બનાવાય છે. સૂર્યપ્રકાશ હોય તેવા સ્થળે માદા પોતાના પગની મદદથી રેતીવાળા વિસ્તારમાં માળો બનાવી આશરે 100થી 150 ઈંડાં મૂકી રેતીથી બરાબર દબાવી દે છે, અને આ માળાની આજુબાજુ કેટલા ખોટા માળા બનાવી દે છે, જેથી શિકારી પ્રાણી ઈંડાં શોધવામાં નિષ્ફળ જાય છે. એક જ ઋતુમાં માદા એક કરતાં વધારે અંડસમૂહ (clutch) મૂકતી હોય છે. ઈંડાં ગોળ અથવા લંબગોળ હોય છે, જ્યારે તેનું કવચ રંજકદ્રવ્યવિહીન હોય છે. ઈંડાંનો વિકાસ તાપમાન પર અવલંબે છે અને 62થી 65 દિવસમાં બચ્ચાં જમીન પર બહાર નીકળી સીધા દરિયાના પાણીમાં દોડે છે. કાચબાનાં ઈંડાંના મુખ્ય ભક્ષકમાં શિયાળ, બિલાડી, સાપ, નોળિયો, સમડી, કાગડો અને માનવ છે.

સામાન્યપણે કાચબો ગંધગ્રાહી અંગ પર વધારે નિર્ભર રહે છે. તેની આંખો સુવિકસિત હોય છે અને તેની રંગ પારખવાની શક્તિ તીવ્ર હોય છે. આથી જ ‘કાચબાની આંખે જોવું’ એવો રૂઢિપ્રયોગ પ્રચલિત છે. ખાસ કરીને તે લાલ રંગ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. અવાજ માટે હવાનાં આંદોલન પર આધાર રાખવાને બદલે તે જમીનમાં ઉદભવતા કંપ દ્વારા સંવેદના ગ્રહણ કરે છે. સંવેદનાકાળ દરમિયાન તે ધીમો અવાજ કરે છે. દરિયાઈ કાચબો તો મોટા અવાજ કરી ગુસ્સા કે સહાનુભૂતિનું નિદર્શન કરે છે. કાચબો એક બુદ્ધિશાળી પ્રાણી તરીકે જાણીતો છે. તેને ઉંદરની માફક પ્રયોગશાળામાં તાલીમ આપી શકાય છે. કાચબો દસ વર્ષે પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે અને તેનું સરેરાશ આયુષ્ય 150 વર્ષ જેટલું ગણાય છે. કાચબાના કવચ પર આવેલાં વલયો પરથી તેની ઉંમરનો અંદાજ નીકળે છે. સમય જતાં કવચ પરનાં વલયો અર્દશ્ય બને છે. તેથી વલયો પર આધારિત ઉંમર ગણવાની પદ્ધતિ ચોક્કસ ગણાય નહીં. તે જ પ્રમાણે તેના કદ પરથી પણ તેના આયુષ્યનું નિદાન કરી શકાતું નથી. કાચબાનાં ઈંડાં સ્વાદિષ્ટ હોવાને કારણે માનવ ઉપરાંત ઘણાં પ્રાણીઓ તેમનું ભક્ષણ કરે છે. તેના માંસમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવાય છે. ખાસ કરીને લીલા કાચબા(leather back)નું માંસ વધુ લોકપ્રિય છે. ગીધચાંચ (hawksbill) પ્રકારના કાચબાના માંસનો ઉપયોગ ભાગ્યે જ ખાવામાં થાય છે, પરંતુ તેનું કવચ આર્થિક ર્દષ્ટિએ મહત્વનું ગણાય છે. કવચમાંથી ઝવેરાત, કાંસકા, બટન, સિગારેટકેસ જેવી વસ્તુઓ બનાવાય છે. વસ્તુ ભરવાના પાત્ર તરીકે કે બાળકોના પારણા તરીકે પણ કવચનો ઉપયોગ થાય છે. કાચબાના શરીરમાંથી તેલ મળે છે, જે દવા બનાવવામાં વપરાય છે. અસ્થિમાંથી ખાતર બનાવાય છે. અમેરિકા, જાપાન, જર્મની વગેરે દેશોને માટે ભારતમાંથી કાચબાનાં ઈંડાં, કવચ અને માંસની નિકાસ કરવામાં આવે છે. કાચબાની આર્થિક અગત્ય ધ્યાનમાં લઈને ભારતમાં કેટલાંક સ્થળોએ કાચબા-ઉછેર-કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે.

ફક્ત જમીન પર રહેનારા ટૉટૉર્ઇઝ (tortoises) તરીકે ઓળખાય છે, જ્યારે જમીન અને પાણી એમ બંનેમાં રહેનારા ટેરાપિન (terrapins) તરીકે જાણીતા છે. ફક્ત પાણીમાં રહેનારા કાચબા ટર્ટલ (turtles) તરીકે ઓળખાય છે.

દરિયાઈ કાચબા : 150 મિલિયન વર્ષ પહેલાં ઉદભવેલા છે. દરિયાઈ કાચબા સંપૂર્ણ જિંદગી પાણીમાં વિતાવે છે, જ્યારે માદા ફક્ત ઈંડાં મૂકવા દરિયાકાંઠે આવી અને ઈંડાં મૂકી પાછી દરિયામાં જતી રહે છે. દરિયાઈ કાચબાની સાત પ્રજાતિ છે, જેમને ચેલોનિડી અને કાર્મોચેસિડી – એમ બે કુળમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

1. લેધર બૅક (Demochelys coriacea) : વિશ્વમાં તે સર્વત્ર મળી આવે છે. ગુજરાતમાં તે ભૈદર ટાપુ અને જામનગરમાંથી મળી આવે છે. આ કાચબાની પાંસળીઓ અને કશેરુકાઓ ઉપરિકવચ સાથે જોડાતી નથી, આમ આ લક્ષણ બીજા બધા કાચબાઓથી જુદું પડે છે. ઉપરિકવચની ફરતે ખૂબ જાડું ચામડીનું સ્તર આવેલું હોય છે. આ લેધર બૅક કાચબો 150થી 200 સેમી. લાંબો અને વજનમાં 350 કિલોગ્રામથી 650 કિગ્રા.નો હોય છે.

2. ગ્રીન સી. ટર્ટલ (Chelonia Mydas) : સર્વત્ર મળી આવતો કાચબો. ગુજરાતમાં પોરબંદર, જામનગર, માંગરોળ, ભાવનગર અને કચ્છમાંથી તે મળી આવે છે. આ લીલા રંગના કાચબાના માંસમાંથી વિખ્યાત સૂપ (Turtle soup) મેળવાય છે. કવચની લંબાઈ આશરે 4¢ જેટલી હોય છે, અને વજન લગભગ 400 પાઉન્ડ જેટલું હોય છે. દરિયાઈ રેતીમાં લગભગ 3¢ ઊંડો ખાડો ખોદી તેમાં 200 ઈંડાં મૂકે છે અને ખાડો પૂરી સમતલ કરી દે છે, જેથી ઈંડા મૂકેલ દર ખૂબ મુશ્કેલીથી શોધી શકાય છે. થોડાંક અઠવાડિયાં બાદ બચ્ચાં ઈંડાનું કવચ તોડી, રેતીમાંથી કોઈ પણ જાતના અવાજ કર્યા સિવાય સીધાં દરિયામાં જતાં રહે છે. વિપુલ પ્રમાણમાં દેખાતા આ કાચબા કેટલાક પ્રદેશમાંથી સાવ લુપ્ત થયા છે.

3. હૉક્સબિલ (ગીધચાંચ) (Eretmochely imbricata) : આટલાન્ટિક મહાસાગર, ઉપરાંત ઓરિસા અને ગુજરાતમાં ભૈદર ટાપુ જામનગરમાંથી તે મળી આવે છે. તરવામાં ખૂબ જ શક્તિશાળી હોય છે અને જમીન પર ફક્ત ઈંડાં મૂકવા આવે છે. પુખ્ત કાચબાના કવચની લંબાઈ ત્રણ ફૂટ જેટલી હોય છે. આ જાત ખાદ્ય નથી.

4. ઑલિવ રીડલી (Lepidochely olivacea) : વિશ્વમાં તે સર્વત્ર મળી આવતો દરિયાઈ કાચબો છે. ભારતમાં તે આંદામાન-નિકોબારમાં અને ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મળી આવે છે.

5. કૅમ્પસ રીડલી (Lepidochelys kempli) : વિશ્વમાં ફક્ત મેક્સિકો અને યુ.એસ.ના દરિયામાં મળી આવે છે, ભારતમાં – ગુજરાતમાં તે મળતો નથી.

6. ફ્લૅટબૅક (Natator depressus) : વિશ્વમાં ફક્ત ઑસ્ટ્રેલિયાના દરિયામાંથી તે મળી આવે છે. ભારતમાં કે ગુજરાતમાં જોવા મળતો નથી.

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો લાંબો, વિશાળ અને રેતીવાળો દરિયાનો કિનારો હોવાથી પ્રથમ ચાર વર્ણવેલ દરિયાઈ કાચબા મોટી સંખ્યામાં માળા બનાવી ઈંડાં મૂકે છે. ઓરિસામાં ગરીહમાથાના દરિયાકિનારે લાખોની સંખ્યામાં ઑલિવ રીડલ્ફ્ના માળા મળી આવ્યા છે.

7. ટેસ્ટ્યુડિનિડે : આ કુળના કાચબા જમીન પર વાસ કરે છે. ભારત અને શ્રીલંકામાં મળી આવતો ટેસ્ટ્યુડો એલેગાન્સ કાચબો 30 સેમી. લાંબો હોય છે. કવચની પ્રત્યેક તકતીના મધ્ય ભાગમાં એક પીળું ટપકું આવેલું હોય છે. ત્યાંથી કિરણોની જેમ પીળી પટ્ટીઓ પ્રસરેલી હોય છે. ગૅલાપાગાસ દ્વીપમાં વાસ કરતા ટેસ્ટ્યુડો એલિફેટેસની લંબાઈ 150 સેમી. જેટલી અને વજન 250થી 300 કિગ્રા. જેટલું હોય છે.

8. કિલિડ્રિડે : આ કુળના કાચબા બચકું ભરનારા કાચબા (snapping turtle) તરીકે જાણીતા છે. આ કુળના મકોક્લેમિસ તેમજ કિલિડ્રા સર્પેન્ટાઇન નામે ઓળખાતા મગરકાચબા અમેરિકામાં જોવા મળે છે.

9. એમિડિડે : આ કુળમાં કાચબાની કુલ સંખ્યાના જેટલી સંખ્યાનો સમાવેશ થાય છે. મીઠા જળમાં વાસ કરનારા આ કાચબા ઉત્તર અમેરિકા અને એશિયામાં મળી આવે છે. ક્યુગા રેક્ટમ કાચબો ગંગા નદીમાં વાસ કરે છે, જ્યારે જિઓએમિડાત્રિજુગા ભારત અને લંકામાં સામાન્યત: જોવા મળે છે.

10. ટ્રાયોનિકિડે : આ કુળના કાચબા મૃદુ કવચ ધરાવતા હોય છે. ઉપરિકવચ લગભગ સપાટ હોય છે અને ચામડી વડે ઢંકાયેલું હોય છે. સામાન્યપણે પાણીમાં રહેનારો આ કાચબો ઈંડાં મૂકવા જમીન પર આવે છે. ઉત્તર ભારતની ગંગા અને અન્ય નદીઓમાં વાસ કરતો ટ્રાયૉનિક્સ ગંજેટિક્સ કાચબો 60 સેમી. જેટલો લાંબો હોય છે. ટ્રાયૉનિક્સ પંકટેટસ દક્ષિણ ભારતની નદીઓમાં જોવા મળે છે. ખાઉધરા તરીકે જાણીતા આ કાચબા મુખ્યત્વે માછલી અને અન્ય પ્રાણીઓને ખાઈને જીવે છે. તેમનું માંસ સ્વાદિષ્ટ હોય છે.

11. કિલિડે : સર્પગ્રીવા તરીકે ઓળખાતા આ કાચબા ઑસ્ટ્રેલિયા તેમજ દક્ષિણ અમેરિકાના વતની છે.

12. પેલોમેડુસિડે : પાર્શ્વગ્રીવા ધરાવતા આ કાચબાને પ્લુરોડિરા સમૂહમાં મૂકવામાં આવે છે. આ કાચબા પોતાની ગ્રીવાને બાજુએથી વળાંક આપીને માથાને કવચની અંદર છુપાવે છે.

13. એમેઝોન ટેરાપિન (Amazon Terrapin) : ટ્રૉપિકલ અમેરિકાની નદીઓમાં મળી આવતો 2લાંબો ટેરાપિન છે. તેનાં ઈંડાંમાંથી ચરબી મેળવવામાં આવે છે.

દિલીપ શુક્લ

યોગેશ મણિલાલ દલાલ