કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી)

January, 2006

કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી) (જ. 19 ડિસેમ્બર 1894, અમદાવાદ; અ. 20 જાન્યુઆરી 1980, અમદાવાદ) : શિક્ષણ અને કલા-અનુરાગી, ધર્મનિષ્ઠ લોકહિતેચ્છુ મહાજન મોવડી, કુશળ વિષ્ટિકાર, સફળ ઉદ્યોગપતિ અને દાનવીર.

શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ

પ્રાથમિક શિક્ષણ મ્યુનિસિપલ શાળામાં લીધું. રમતગમતમાં વિશેષ રસ. મૅટ્રિકની પરીક્ષામાં સારા ગુણો મેળવી ગુજરાત કૉલેજમાં દાખલ થયા; પરંતુ પિતા લાલભાઈનું અચાનક અવસાન થતાં માતા મોહિનીબાના આગ્રહને વશ થઈ પિતાના હિસ્સામાં આવેલી રાયપુર મિલમાં જોડાયા. તે સમયે મંદીનું વાતાવરણ હતું. મિલની સ્થિતિ ખોટ જવા જેવી હતી. વહીવટ પર દેખરેખ રાખનાર કાકાએ તેમને ટાઇમકીપરનું કામ સોંપ્યું હતું; પરંતુ તેમાં કંટાળો આવતાં સ્ટોર્સનું કામ સોંપાયું હતું. કસ્તૂરભાઈએ ચીવટ રાખી દીર્ઘષ્ટિ દર્શાવી વિશ્વયુદ્ધને કારણે પુરવઠો મુશ્કેલ બનશે તેવી ગણતરીથી યંત્રસામગ્રી મોટા જથ્થામાં ખરીદી હતી, જે બદલ તેમને ઠપકો પણ મળ્યો હતો. રૂની ખરીદીની જવાબદારી આવતાં તેમણે ગામેગામ મુસાફરી કરી રૂની વિવિધ જાતોની પ્રત્યક્ષ જાણકારી મેળવી તેના નિષ્ણાત બન્યા હતા. મિલના કામકાજમાં નિષ્ણાતોની મદદ પર આધાર રાખવાને બદલે નાનીમોટી બાબતો જાતે સમજીને શીખવાનો આગ્રહ રાખ્યો હતો. આ અનુભવે તેમની વહીવટ સંભાળવાની આત્મશ્રદ્ધામાં વૃદ્ધિ કરી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)નો આરંભ થતાં કાપડની માગમાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈ હતી. ખોટ કરતી મિલો સારો એવો નફો રળવા લાગી હતી. કસ્તૂરભાઈએ દૂરંદેશીથી ઊંચી ગુણવત્તાવાળા કાપડ-ઉત્પાદનની તેમજ લાંબા ગાળાના આયોજનની નીતિ અપનાવી હતી. મિલનો માલ વેચવા માટે બજારની રૂખ મેળવવા તેમણે દક્ષિણ ભારતનો પ્રવાસ કરી વ્યાપારીઓનો સંપર્ક કરી જાતમાહિતી એકત્ર કરી હતી; જે ભવિષ્યના આયોજનમાં માર્ગદર્શન બની રહી હતી. ત્યારથી જ તેમની ગણના એક બાહોશ ઉદ્યોગપતિ તરીકે થવા લાગી હતી.

1918માં તેમણે રૂ. 12 લાખની શૅરમૂડીથી અશોક મિલ સ્થાપવાનું આયોજન કર્યું હતું. તેમના વિશ્વાસે રૂ. 24 લાખના શૅરો ભરાયા હતા; તેથી તેમણે બમણી યંત્રસામગ્રીની વરદી મૂકી હતી; પરંતુ હૂંડિયામણના દરમાં વૃદ્ધિ થતાં અડધી સામગ્રી પડતી મૂકવી પડી હતી. શૅરહોલ્ડરોને તેમની અર્ધી શૅરમૂડી પરત  કરવામાં આવી હતી. મિલના રૂ. 100ના શૅરના ભાવ રૂ. 40 થઈ ગયા હતા. આ મુશ્કેલ સમયમાં પણ કસ્તૂરભાઈએ ખંત અને ધીરજથી મિલને સધ્ધર બનાવી હતી. તેમના કાકાઓના વહીવટથી ચાલતી સરસપુર મિલ ફડચામાં લઈ જવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થતાં, કસ્તૂરભાઈએ તેનો વહીવટ સંભાળી બે જ વર્ષમાં તેને આર્થિક રીતે સધ્ધર સ્થિતિમાં મૂકી હતી.

તેમણે 1929માં અરુણ મિલ, 1931માં અરવિંદ મિલ અને 1933માં નૂતન મિલની સ્થાપના કરી હતી. 1936માં એક જૂની મિલ ખરીદીને તેનું ન્યૂ કૉટન મિલ નામકરણ કર્યું હતું. આ સાતેય મિલો લાલભાઈ જૂથની મિલો તરીકે પ્રખ્યાત હતી. તેમાંથી ત્રણ મિલોનો વહીવટ બહેનોનાં કુટુંબોને સોંપવામાં આવ્યો હતો, જે તેમની કુટુંબવત્સલતા દર્શાવે છે. 1939માં અમદાવાદ નજદીક અનિલ સ્ટાર્ચ લિમિટેડ નામનું કાંજીનું કારખાનું શરૂ કર્યું હતું. 1943-44માં દેશી રાજ્યોની નાણાકીય સહાય યોજનાનો લાભ લેવા વડોદરા ખાતે નિલા પ્રોડક્ટસ્ નામની કંપની શરૂ કરી હતી.

1949માં વિખ્યાત અમેરિકન સાઇનેમાઇડ કંપનીના સહયોગથી વલસાડ નજદીક 800 એકર જમીનમાં અતુલ પ્રૉડક્ટ્સ લિમિટેડ નામનું રંગરસાયણોનું ઉત્પાદન કરતું કારખાનું સ્થાપવાનો આરંભ કર્યો હતો. એક કરોડ રૂપિયાની શૅરમૂડીથી શરૂ થયેલ કંપનીની આરંભની મૂડી પાણી, વીજળી, રસ્તા તેમજ વસાહતનાં વિકાસનાં કામોમાં ખર્ચાઈ ગઈ હતી. વળી કાચા માલ પર વધુ અને તૈયાર માલ પર ઓછી જકાતે સ્પર્ધા તીવ્ર બનાવી હતી; પરંતુ અતુલે ખોટ ખાઈને પણ વિદેશી કંપનીઓ સાથે સ્પર્ધા જાળવી રાખી હતી. 1954માં અતુલના પ્રયત્નોથી કાચા માલની આયાતજકાતમાં ઘટાડો થતાં અતુલ તેમજ બીજી રંગરસાયણોનું ઉત્પાદન કરતી કંપનીઓની સ્પર્ધાક્ષમતામાં વૃદ્ધિ થઈ હતી. અતુલની ક્ષમતાથી પ્રભાવિત થઈ કેન્દ્ર સરકારે નીચા વ્યાજદરે રૂ. 3 કરોડનું ધિરાણ કર્યું હતું, જેથી અતુલનો વિકાસ ગતિશીલ બન્યો હતો. ક્રમશ: કંપનીએ મીઠું, કૉસ્ટિક સોડા, ક્લૉરીન નેપ્થેલિન, બેન્ઝિન, પોટાશ, હાઇડ્રોક્લૉરિક ઍસિડ, બૉન ઍસિડ, બીટાનૅપ્થોલ વગેરે વિવિધ રસાયણોનું ઉત્પાદન શરૂ કર્યું હતું. 1954માં બ્રિટનની આઇ. સી. આઇ. કંપનીના સહયોગથી અતુલ નજદીક વિવિધ રંગોના ઉત્પાદન માટે અટીક લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ સીબા કંપનીના સહયોગથી સીબાટૂલ કંપનીમાં વિવિધ દવાઓનું ઉત્પાદન હાથ ધરવામાં આવ્યું હતું. કંપનીએ ફૉર્માલ્ડિહાઇડ તેમજ આરલ્ડાઇટ નામના બંધકો બનાવવાની શરૂઆત કરી હતી. આમ સામાન્ય રંગરસાયણોના કારખાના તરીકે શરૂ થયેલ અતુલ દેશનું મહત્ત્વનાં રંગરસાયણો તેમજ દવાઓના ઉત્પાદનનું અગ્રણી કેન્દ્ર બની રહ્યું હતું. તેને આદર્શ ઉદ્યોગનગર બનાવવા માટે કર્મચારીઓ માટે રહેઠાણો, શિક્ષણ માટે બાળમંદિરથી અનુસ્નાતક સુધીની વ્યવસ્થા, સ્વાસ્થ્ય માટે આરોગ્યકેન્દ્રો, મનોરંજન માટે થિયેટરો વગેરે સવલતો પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત વલસાડ નગરમાં એક લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં.

1918માં ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે રાહતસમિતિના મંત્રી તરીકે કસ્તૂરભાઈએ પોણા ત્રણ લાખ રૂપિયાનો ફાળો એકત્ર કરવામાં સક્રિય રસ લીધો હતો. તેવી જ રીતે 1927ના રેલસંકટ સમયે રાહત ફંડ એકઠું કરવામાં અને રાહતો પહોંચાડવામાં અગ્રભાગ લીધો હતો. 1920માં ગાંધીજીની પ્રેરણાથી મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ હતી, જેનું ધ્યેય મજૂરો અને મિલમાલિકો વચ્ચેના મતભેદોનું સમજૂતીથી નિરાકરણ લાવવાનું હતું. કસ્તૂરભાઈ ‘મજૂરો સુખી હશે તો ઉત્પાદન વધશે અને આપણે પણ સુખી થઈશું’ તેવા અભિગમથી મજૂરકલ્યાણ પ્રવૃત્તિઓમાં રસ લેતા હતા. જૂની પરંપરા અનુસાર કર્મચારીઓ પ્રત્યે કુટુંબભાવ દાખવી સારેમાઠે પ્રસંગે સહાય, નોકરીમાં રાખ્યા બાદ છૂટા કરવા નહિ તેમજ નિવૃત્તિ પછી આજીવિકાનું રક્ષણ વગેરે તેમના વહીવટની વિશિષ્ટતાઓ હતી. તેથી જ બીજાની સરખામણીમાં ઓછો પગાર હોવા છતાં પણ કર્મચારીઓ લાલભાઈ જૂથમાં નોકરી કરવાનું પસંદ કરતા હતા. 1942માં ‘હિંદ છોડો’ના ઐતિહાસિક ઠરાવ પછી નેતાઓની ધરપકડ થતાં મજૂરોએ પાડેલી હડતાલને ટેકો આપવા લગભગ ત્રણ મહિના સુધી મિલો બંધ રાખી મજૂરોને વેતન જવા દેવાના નિર્ણયમાં તેમનો ફાળો મહત્વનો હતો.

કસ્તૂરભાઈએ 1923થી 1926 દરમિયાન દિલ્હીની વડી ધારાસભામાં લૅંકેશાયરથી આયાત થતા કાપડને સહાયરૂપ થવા ભારતની મિલોના કાપડ પર નાખેલી સાડા ત્રણ ટકાની જકાત નાબૂદ કરવાનો ઠરાવ પસાર કરાવવામાં મિલમાલિકોના પ્રતિનિધિ તરીકે સક્રિય રસ લીધો હતો, જેને પરિણામે ત્રીસ વર્ષથી લાદેલી અન્યાયી જકાત 1926માં નાબૂદ કરવામાં આવી હતી. 1929માં જિનીવા ખાતે મળેલી આંતરરાષ્ટ્રીય મજૂર પરિષદમાં તેમણે પ્રતિનિધિત્વ કર્યું હતું. 1933માં લૅંકેશાયરથી આયાત થતા કાપડના જથ્થામાં ગણનાપાત્ર ઘટાડો થતાં તેમાં વૃદ્ધિ કરવા માટે નિમાયેલ સમિતિમાં કસ્તૂરભાઈએ રાષ્ટ્રીય હિતમાં સખ્ત વિરોધ કર્યો હતો. 1938માં સર ચિન્તામણ દેશમુખની રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાના પ્રથમ ભારતીય ગવર્નર તરીકે નિમણૂક કરાવવામાં તેમણે આગળ પડતો ભાગ ભજવ્યો હતો. 1943માં તેમણે રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાના મકાનની ડિઝાઇન (રૂપાંકન) તૈયાર કરવાનું કામ ભારતીય સ્થપતિ મેસર્સ સાઠે અને ભૂતાની કંપનીને અપાવ્યું હતું. 1942-43માં બિટિશ સરકારે ભારતે ઇજિપ્ત પાસેથી નીચા ભાવે ખરીદેલ એક લાખ ગાંસડી રૂનો સોદો રદ કરવા ભારતના ગવર્નર પર દબાણ કર્યું હતું. તેની વિચારણા માટે નિમાયેલી સમિતિ સાથેની વાટાઘાટોમાં કસ્તૂરભાઈએ કુનેહથી સોદો મંજૂર રખાવ્યો હતો. 1943માં સ્થપાયેલી કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક અને ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચની નાણાકીય સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે 1959 સુધી સેવા આપી હતી.

1947ના ભાગલામાં કરાચી બંદર પાકિસ્તાનના ભાગમાં જવાથી નવા બંદરનું સ્થાન નક્કી કરવા માટે નિમાયેલ બંદર સમિતિના અધ્યક્ષ તરીકે કસ્તૂરભાઈએ સૂચવેલ કંડલા બંદરનું સૂચન સરકારે સ્વીકાર્યું હતું. વળી કંડલા બંદર વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે બંદર બાંધવાનું કાર્ય તેમણે નિશ્ચિત સમયમર્યાદા પહેલાં પૂર્ણ કરાવ્યું હતું. 1948માં કેન્દ્ર સરકારનાં વિવિધ ખાતાંઓના બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે નિમાયેલ કરકસર સમિતિના અધ્યક્ષ તરીકેની કસ્તૂરભાઈની ભલામણો સરકારે મંજૂર રાખી ન હતી; જ્યારે 1950માં હૈદરાબાદ, મૈસૂર તેમજ ત્રાવણકોર રાજ્યોએ વિવિધ યોજનાઓમાં કરેલ ખર્ચ અંગે નિમાયેલ સમિતિના અધ્યક્ષ કસ્તૂરભાઈની ભલામણોનો પૂરેપૂરો અમલ કરવામાં આવ્યો હતો. કસ્તૂરભાઈએ અનેક આંતરરાષ્ટ્રીય સમિતિઓમાં ભારતનું પ્રતિનિધિત્વ તેમજ રાષ્ટ્રીય સમિતિઓમાં નેતૃત્વ સંભાળ્યું હતું. તેમની સમજાવટની અસાધારણ કુનેહને પરિણામે મહત્તમ વાટાઘાટોમાં સફળતા પ્રાપ્ત કરી હતી. વિષ્ટિઓ દરમિયાન તેમણે રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપ્યું હતું.

1935માં સ્થપાયેલ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ તરીકે તેમણે એચ. એલ. કૉલેજ ઑવ્ કૉમર્સ, એલ.ડી. આર્ટ્સ કૉલેજ, એમ. જી. સાયન્સ કૉલેજ, એલ. એમ. ફાર્મસી કૉલેજ, એ. જી. ટીચર્સ કૉલેજ વગેરેની સ્થાપના માટે આશરે રૂ. 1.37 કરોડનું ભંડોળ એકત્ર કરવામાં સક્રિય ફાળો આપ્યો હતો; જેમાં કસ્તૂરભાઈ પરિવારનો હિસ્સો રૂ. 60 લાખ હતો. 1946માં તેમણે ગુજરાત યુનિવર્સિટીના વિકાસ માટે રૂ. 70 લાખને ખર્ચે આશરે 625 એકર જમીન સંપાદન કરી હતી; જે તેમની દૂરંદેશી દર્શાવે છે. તેમાં તેમનું અનુદાન રૂ. 12 લાખનું હતું. 1945માં લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કૉલેજની સ્થાપના કરવામાં તેમણે મહત્વનું પ્રદાન કર્યું હતું.

કસ્તૂરભાઈએ દીર્ઘર્દષ્ટિ દાખવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થાઓ અટીરા, પી. આર. એલ., હાર્વર્ડ સ્કૂલ ઑવ્ બિઝનેસ મૅનેજમેન્ટના સહયોગથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન, વિક્રમ સારાભાઈ કૉમ્યૂનિટી સેન્ટર, સ્કૂલ ઑવ્ આર્કિટેક્ટ, સેન્ટર ફૉર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ ઍન્ડ ટૅક્નૉલૉજી, સ્કૂલ ઑવ્ પ્લાનિંગ વગેરે સ્થાપવામાં સક્રિય રસ લીધો હતો. તેમના પરિવાર તરફથી આ સંસ્થાઓ માટે આશરે રૂપિયા પોણા ત્રણ કરોડ અને તેમનાં ઉદ્યોગગૃહો તરફથી રૂપિયા ત્રણ કરોડની સખાવતો થયેલી છે. તેમાં રૂપિયા દોઢ કરોડનું અનુદાન ફક્ત શિક્ષણસંસ્થાઓ માટે હતું, જે તેમની શિક્ષણ પ્રત્યેની ઊંડી દિલચસ્પી દર્શાવે છે.

તેમની કલાસૂઝનો પરિચય તેમના નેતૃત્વ નીચે બંધાયેલ સંસ્થાઓ તેમજ જૈન મંદિરોના જીર્ણોદ્ધારમાં જોવા મળે છે. તેમણે ઉત્તમ કોટિના જગપ્રસિદ્ધ સ્થપતિઓ કાર્બુઝર, લુઈ કાહન અને બાલકૃષ્ણ દોશી સાથે સ્થાપત્યોની ડિઝાઇનમાં સક્રિય રસ લીધો હતો. પ્રો. કાહને તેમની કલાનિપુણતા પર વારી જઈને તેમને ડૉક્ટરેટ આપવાનું સૂચન કર્યું હતું.

કસ્તૂરભાઈએ જૈન સમાજ અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની પ્રતિનિધિ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે ટ્રસ્ટના વહીવટમાં અનેક સુધારા દાખલ કર્યા હતા. તેમના 50 વર્ષના વહીવટ દરમિયાન ટ્રસ્ટની આર્થિક સ્થિતિ સધ્ધર બનાવવામાં, નાણાંનો યોગ્ય વિનિયોગ કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે ધર્મ તેમજ કલાના રોચક સમન્વયરૂપ જૈન તીર્થસ્થાનોનો ર્જીણોદ્ધાર કરવામાં રસ લઈ તેમની કલાર્દષ્ટિનો પરિચય કરાવ્યો હતો. વળી રાણકપુર, દેલવાડા, શત્રુંજય, તારંગા, કુંભારિયા અને ગિરનાર પરનાં સ્થાપત્યોના પુનરુદ્ધાર ઉપરાંત તેની યોગ્ય જાળવણીની ગોઠવણ પણ કરવામાં આવી હતી.

તેમની પ્રિય ભાવનાના મૂર્તિમંત સંકેતરૂપ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરનું 1963માં પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે ઉદઘાટન થયું હતું. આ સંસ્થા પાસે સંસ્કૃત, પાલી, જૂની ગુજરાતી, જૂની હિંદી વગેરે ભાષાઓના ભારતીય સંસ્કૃતિ, ધર્મ, તત્વજ્ઞાન, જ્યોતિષ, વ્યાકરણ, છંદ, ભાષા વગેરે વિવિધ વિષયોનાં, આશરે 45,000થી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. તે ઉપરાંત તેમાં સાંસ્કૃતિક ચિત્રો, વસ્ત્રો, આભૂષણો, ગૃહસુશોભનની વસ્તુઓ, પોથીઓ, બારમી સદીની ચિત્રયુક્ત હસ્તપ્રતો વગેરેના આશરે 400થી વધુ નમૂનાઓ ઉપલબ્ધ છે. આ સંસ્થામાં કસ્તૂરભાઈના કુટુંબીજનો તરફથી મળેલ સંખ્યાબંધ વસ્તુઓ સામેલ કરેલી છે. તેમાં તેમનું આશરે રૂ. 22 લાખનું અનુદાન છે.

અમદાવાદની છેલ્લાં 100 વર્ષની સંસ્કૃતિના સાક્ષી પ્રેમાભાઈ હૉલનું નવોત્થાન કરીને, તેમાં 975 બેઠકોની સવલતવાળું અદ્યતન સભાગૃહ બનાવવામાં કસ્તૂરભાઈ પરિવાર તેમજ લાલભાઈ ગૃહઉદ્યોગનો ફાળો આશરે રૂ. 55.70 લાખ હતો.

એક ધર્મનિષ્ઠ, રાષ્ટ્રપ્રેમી, લોકહિતેચ્છુ મહાજન, કલાપ્રેમી સફળ ઉદ્યોગપતિ તરીકે પોતાની આગવી છાપ કસ્તૂરભાઈ મૂકી ગયા છે.

જિગીશ દેરાસરી