કલા ખાતર કલા : કલાનું સંપૂર્ણ, સ્વતંત્ર અને સ્વાયત્ત વિશ્વ છે અને કલાનું પ્રયોજન કલામાં જ રહેલું છે એવો સિદ્ધાન્ત. કલાનું સર્જન આનંદ માટે થાય છે એ સાચું હોવા છતાં કલાકાર આ દુનિયાનો માણસ હોવાને કારણે કલાની સામાજિક ઉપયોગિતાનો વિચાર પણ થાય છે.

ગ્રીક ચિંતક, ફિલસૂફ પ્લૅટોએ કલાને અનુકરણાત્મક, અસત્ય, અનૈતિક અને નુકસાનકર્તા કહી કલાકારો, કવિઓને આદર્શ નગરરાજ્યની બહાર રાખ્યા ત્યારથી સાહિત્ય વગેરે કલાઓને પોતાની સમાજોપયોગિતા પુરવાર કરવી પડી. પ્લૅટોના જ શિષ્ય ઍરિસ્ટોટલે કવિના સત્યને ઇતિહાસકારના સત્ય કરતાં વ્યાપક-સાર્વકાલિક અને સાર્વભૌમ કહી સાહિત્યની પ્રતિષ્ઠા કરી અને કૅથાર્સિસ  વિરેચનના સિદ્ધાંત દ્વારા તેની ઉપયોગિતા સમજાવી. રોમન કવિ હૉરેસે દર્શાવ્યું કે કવિતાનું કામ ‘બોધ અને આનંદ’ આપવાનું છે. સર ફિલિપ સિડનીએ કહ્યું કે સર્જક આદર્શ વિશ્વનો નમૂનો પૂરો પાડે છે.

સંસ્કૃત કાવ્યાચાર્ય મમ્મટે કવિતાને ‘નિયતિકૃતનિયમરહિતા’ કહી તે આનંદમય અને ‘અનન્યપરતંત્ર’ છે એમ કહ્યું છે; પણ બીજી બાજુ તેનાં પ્રયોજનોમાં આનંદ ઉપરાંત યશ, અર્થ, વ્યવહારજ્ઞાન, અમંગળનું નિવારણ તથા કાન્તાની જેમ ઉપદેશ આપવો વગેરે પણ ગણાવ્યાં છે. આ રીતે તેની સામાજિક ઉપયોગિતા દર્શાવી છે.

શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત, સાહિત્ય આદિ કલાઓનો ઇતિહાસ તપાસતાં જણાય છે કે ધર્મ, નીતિ, સદાચારના વાહક તરીકે, રાજ્ય અને સત્તાના પ્રચાર અને પ્રસારના માધ્યમ તરીકે તેમનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થયો છે. સમાજ, ધર્મ, જીવન, નીતિ, રાજ્ય વગેરેની કલા પાસેની અપેક્ષાઓ વધતી જવાથી કલા તેના ભાર નીચે દબાવા લાગે છે.

કલાની આવી ગૌણ ભૂમિકા સામે ઓગણીસમી સદીમાં ફ્રાન્સ, અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં પ્રતિવાદ થતાં ‘કલા ખાતર કલાવાદ’નો જન્મ થયો.

1835માં ફ્રેન્ચ સાહિત્યકાર થિયોફિલ ગૉતિયની નવલકથા ‘માદમૉઝેલ દ મોંપે’ પ્રસિદ્ધ થઈ. તેની પ્રસ્તાવનામાં ગૉતિયે માનવજાત પર પાપબોધ, લજ્જાબોધ અને ચિંતા લાદવા માટે ખ્રિસ્તી ધર્મ પર પ્રહાર કર્યો. આત્મલક્ષિતા અને લાગણીવેડા માટે રોમૅન્ટિક કવિતાની ઝાટકણી કાઢી અને સૂત્ર આપ્યું, ‘L’art pour L’art’ (કલા ખાતર કલા). ગૉતિયની પ્રસ્તાવના કલાવાદીઓનું બાઇબલ બની. ગૉતિય અને તેના અનુયાયીઓ કવિતાને ચિત્ર કે શિલ્પ જેવી કલાઓની નજીક લઈ જવા માગતા હતા.

ગૉતિયથી અજાણ એવો તેનો સમકાલીન કવિ વાર્તાકાર એડગર ઍલન પોએ અમેરિકામાં કવિતાની સ્વયંપર્યાપ્તતાની ઘોષણા કરી. તેના બે નિબંધો ‘ધ ફિલૉસૉફી ઑવ્ કંપોઝિશન’ (1846) અને ‘ધ પોએટિક પ્રિન્સિપલ’ કલા ખાતર કલા અર્થાત્ સૌન્દર્યવાદને ઉપકારક સિદ્ધ થાય છે. ‘શુદ્ધ કવિતા’નાં બીજ પોની કાવ્યવિચારણામાં મળી આવે છે. પ્રથમ નિબંધમાં પોએ કવિતામાં ર્દષ્ટિગોચર થતા ઉપદેશાત્મકતાના ‘પાખંડ’ પર હુમલો કર્યો છે. તે કવિતા પાસેથી રાખવામાં આવતી અન્ય અપેક્ષાઓનો સખત વિરોધ કરે છે. તેના આ શબ્દો ફ્રાંસમાં બૉદલેર અને ઇંગ્લૅન્ડમાં સ્વિનબર્ન દ્વારા પ્રચલિત થાય છે. ‘પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમ માની લેવામાં આવ્યું છે કે કવિતાનું અંતિમ પ્રયોજન સત્ય છે. એમ કહેવામાં આવે છે કે પ્રત્યેક કવિતાએ (વાચકના મનમાં) કોઈ ને કોઈ બોધ ઠસાવવો જોઈએ; તથા એ બોધને આધારે જ રચનાની કાવ્યાત્મક ગુણવત્તા નિર્ધારિત કરવી જોઈએ. ખાસ કરીને આપણે અમેરિકનોએ આ વિચારને અપનાવી લીધો છે. આપણે એ સ્વીકારી લીધું છે કે કેવળ કવિતા માટે કવિતા લખવી અને એ રીતે તેને આવકારવી એ કવિતાના સાચા ગૌરવ અને પ્રભાવને અવગણવા જેવું છે. પરંતુ સાચી વાત તો એ છે કે કવિતા તરીકે કવિતા જેવી ગૌરવપૂર્ણ અને સર્વોત્તમ કૃતિ બીજી કોઈ નથી.’

પો ભારપૂર્વક જણાવે છે કે કવિતાનો બુદ્ધિ દ્વારા ક્રમશ: ગ્રાહ્ય થતા જતા વિચાર તરીકે નહિ પણ એક સૌન્દર્યાનુભૂતિમૂલક ક્ષણ તરીકે અનુભવ થાય છે. તે કહે છે કે કવિતા બુદ્ધિને નહિ તેટલી સંવેદનતંત્રને સ્પર્શે છે. સૌન્દર્ય જ કવિતાનો પ્રદેશ છે. પોની આ વિચારણા બૉદલેર, માલાર્મે અને વાલેરી જેવા સમર્થ ફ્રેન્ચ કવિઓને પ્રભાવિત કરે છે. વાલેરીની રૂપનિષ્ઠ (formal) કલાની વિભાવનાને પોની વિચારણા પોષક નીવડે છે. આમ ગૉતિય અને પો ‘કલા ખાતર કલા’, ‘કવિતા ખાતર કવિતા’ સૂત્રના ઉદગાતા બને છે.

ઇંગ્લૅન્ડમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ‘કલા ખાતર કલા’નું આંદોલન વેગ પકડે છે. ‘પ્રિરાફેલાઇટ્સ’ નામે ઓળખાતા કવિસમૂહ દ્વારા 1848માં શરૂ થયેલા ‘જર્મ’ નામક સામયિક દ્વારા આ આંદોલનનો પ્રારંભ થાય છે. આ કવિઓને ગંદા, દંભી, પોચટ, અભિમાની તરીકે ઓળખાવી ધુત્કારવામાં આવ્યા. આ વર્ગના પ્રખર વિરોધી રસ્કિને કહ્યું છે કે કલા અને નૈતિકતા એક જ સિક્કાની બે બાજુ છે. રસ્કિનના નૈતિકતાવાદી વિવેચન સામે કાનૂની કાર્યવહી કરનાર વ્હિસલર, સ્વિનબર્ન, પૅટર અને ઑસ્કર વાઇલ્ડ 1870 આસપાસ સૌન્દર્યવાદના આંદોલનને જોમ બક્ષે છે. 1891માં ‘ઇન્ટેન્શન્સ’ નામે સંગૃહીત થયેલા વાઇલ્ડના નિબંધો આ આંદોલનને સૈદ્ધાંતિક પીઠિકા પૂરી પાડે છે. વાઇલ્ડના વિચારોનું બૉદલેરના વિચારો સાથે ઘણું સામ્ય છે. એક નિબંધમાં તે કહે છે : ‘હું કલાને સર્વોચ્ચ વાસ્તવિકતા માનું છું અને જીવનને કલ્પનાની એક તરાહ માત્ર.’

‘કલા ખાતર કલા’ની વાત કરતી વખતે ઑસ્કર વાઇલ્ડ તે સમયનાં ત્રણ વલણો – વાસ્તવવાદ, ઉપયોગલક્ષી નૈતિકતાવાદ અને કલા આત્માભિવ્યક્તિ છે એ વિચાર – નો વિરોધ કરે છે. તે કહે છે કે બધી કલાઓ ઉપયોગવર્જિત છે અને દુનિયા નૈતિક પ્રચારથી પલટાવાની નથી. કલા યુગબોધ કે સનાતન વિચારોને નહિ પણ પોતાને જ વ્યક્ત કરે છે. આગળ તે કહે છે કે કલા જીવનનું નહિ પણ જીવન કલાનું અનુકરણ કરે છે. તેના મતે કુદરતમાં પણ કલા જેવી સફાઈ હોતી નથી. વાઇલ્ડના મતે કલા પોતે પોતાનામાં જ પૂર્ણતા શોધે છે, બહાર ક્યાંય નહિ. આપણા ઉપયોગમાં ન આવી શકતી હોય તે જ ચીજ સુંદર હોઈ શકે અને સૌન્દર્ય તો પ્રતીકોનું પણ પ્રતીક છે. સૌન્દર્ય બધું જ છતું કરે છે કેમ કે તે કશું જ અભિવ્યક્ત કરતું નથી.

કલા ખાતર કલાના આંદોલનના દ્વિતીય સ્તબકમાં આકૃતિ પર ભાર મૂકવામાં આવે છે. વાઇલ્ડ કહે છે, ‘આકૃતિ જ બધું છે. તે જીવનનું રહસ્ય છે. આકૃતિની ઉપાસના કરશો તો કલાનું કોઈ રહસ્ય તમારા માટે અનાવૃત નહિ રહે.’ (‘ઇન્ટેન્શન્સ’, પૃ. 2012). સ્વિનબર્ન પણ આ વિચારનું સમર્થન કરે છે. તે કહે છે કે કવિ કવિતામાં જે કંઈ કહે છે તેનું ખાસ મહત્વ નથી. એક કાવ્યમાંથી કવિના ભાવ તારવી પુન: પદ્યમાં ઢાળવા જતાં જે નિર્મિત થશે તેનું કલામાં મહત્વ ગણાશે ખરું ? પરંતુ ભાવ બદલી નાખવા છતાં જો તેનો આકાર (form) જાળવી રાખો તો કલાને કંઈ ગુમાવવાનું નથી, અહીં સ્વિનબર્ન કવિતાના અંતસ્તત્વનું નહિ પણ આકૃતિનું મહત્વ પ્રગટ કરે છે.

આ સમયે વૉલ્ટર પૅટર પણ પોતાની સૌન્દર્યમીમાંસા પ્રસ્તુત કરે છે. એડગર ઍલન પોની જેમ તે કવિતાને સંગીતની લગોલગ લાવવાની હિમાયત કરે છે અને ઊર્મિકવિતાનો પુરસ્કાર કરે છે. કવિતામાં ભાષા કીમતી પદાર્થ છે એમ કહી તે તેના સઘન અભ્યાસની ભલામણ કરે છે. આકૃતિવાદનો તે પણ પુરસ્કાર કરે છે, પરંતુ સ્વિનબર્નની જેમ પૅટર આકૃતિથી અંતસ્તત્વ અલગ કરી શકાય તેમ માનતો નથી.

વીસમી સદીના આરંભે કલા ખાતર કલા આંદોલન સાથે ગ્રાફિક કળાઓમાં રૂપવાદી (formalist) વિવેચનનો પંથ અસ્તિત્વમાં આવે છે. આ સમુદાયના વિવેચકો આકૃતિમાં શુદ્ધતાનો નહિ પણ અપીલની વ્યાપકતાનો સૌન્દર્યલક્ષી ભૂમિકાએ વિચાર કરે છે. રૉજર ફ્રાય કહે છે, ‘કલા જે પ્રમાણમાં શુદ્ધતર થતી જાય તે પ્રમાણમાં તે જેટલા ભાવકોને સ્પર્શે તેમની સંખ્યા ઘટતી જશે. સૌન્દર્યલક્ષી સંવેદનશીલતા ધરાવનારાને જ તે સ્પર્શી શકશે અને મોટાભાગના માણસોમાં પ્રમાણમાં તે ઓછી હોય છે.’ કલા વિશેના પ્રશિષ્ટ પ્રબંધમાં ક્લાઇવ બેલ કહે છે, ‘કલાકૃતિનું પ્રતિનિધિ તત્વ હાનિકારક હોય કે ન હોય તે હંમેશાં અપ્રસ્તુત હોય છે.’ (‘આર્ટ’, ન્યૂયૉર્ક, આ. 1914, પૃ. 25)

ગુજરાતી સાહિત્યમાં કલાનાં પ્રયોજનો વિશે જે ચર્ચા થઈ છે તે મહદંશે પાશ્ચાત્ય વિચારણાથી પ્રેરિત છે. કનૈયાલાલ મા. મુનશીએ 1926માં સાહિત્યસંસદમાં ‘રસાસ્વાદનો અધિકાર’ વિષય પર આપેલા વ્યાખ્યાનમાં કલાનો હેતુ આનંદ આપવાનો છે એ વાત પર ભાર મૂકી કહેલું, ‘ઈશ્વર, સત્ય અને નીતિ ઘણી સારી, ઘણી ઉપયોગી, ઘણી જરૂરી ને ઘણી પૂજ્ય વસ્તુઓ છે; પણ જ્યાં સરસતા જ પરબ્રહ્મ છે, રસિકતા જ ગુરુ છે, જ્યાં રસાસ્વાદ જ પૂજકને અધિકાર અર્પે છે તેવા કલા અને સાહિત્યના મંદિરમાં બીજા દેવોની પૂજા અસ્થાને થાય છે અને આનંદપ્રાપ્તિના નિર્વાહમાં અંતરાયરૂપ થઈ પડે છે અને આ વિષકન્યાની વાત ગમે તેવી આકર્ષક અને મીઠી લાગે, પણ તેનો સ્પર્શ વિષ પ્રસારવાનો છે અને વિષ રસાસ્વાદ ને રસર્દષ્ટિ બંનેને નિશ્ચેતન કરે છે.’

આનંદશંકર ધ્રુવ મુનશીના ઉપર્યુક્ત વ્યાખ્યાનને વિવાદગ્રસ્ત સિદ્ધાંતોથી ભરેલું કહી તેમના સિદ્ધાંતને ‘દોઢસો વર્ષ પુરાણા માનસશાસ્ત્ર’ને શોભતો કહે છે. તેમના મતે ધર્મ, નીતિ, સત્ય એ આત્માની ઉદાત્તતા સાધનારાં તત્વ છે અને રસ શુદ્ધ આનંદ યાને રસાભાસ થઈ જતો અટકાવનાર બળ છે. તે માને છે કે માનવનો જીવનપંથ ઉજાળે તેવાં કાવ્યો મહાન કાવ્યો છે. ટી. એસ. એલિયટે પણ કહ્યું છે કે સાહિત્યની ‘મહાનતા’ કેવળ સાહિત્યિક ધોરણે નક્કી થતી નથી.

કાકાસાહેબ કાલેલકરે બારમા સાહિત્ય સંમેલન(1936)ના કલાવિભાગના અધ્યક્ષ તરીકે આપેલા વ્યાખ્યાન ‘કળા  એક જીવન-દર્શન’માં પોતાની કળાવિષયક વિભાવના વ્યક્ત કરી છે. તેમની વિચારણામાં ‘જીવન’ ચાવીરૂપ શબ્દ છે. ‘જીવનનો આનંદ’માં તેમની કળામીમાંસા પ્રાપ્ત થાય છે. કળા અને નીતિ પરસ્પર વિભિન્ન છે પણ પરસ્પરવિરોધી નથી એમ માનનાર કાકાસાહેબ કળાના શિરે મોટી જવાબદારી મૂકતાં કહે છે, ‘‘કળા મારફતે ધર્મની સૂક્ષ્મ વૃત્તિઓ સમજી અને કેળવી શકાય. કળા મારફતે સમાજવ્યવસ્થામાં સહકાર, સમાધાન, સામર્થ્ય, સમૃદ્ધિ અને સુસંગતિનું સંગીત દાખલ કરી શકાય. એટલું મિશન જો કળા માટે સ્વીકારીએ અને એની અપીલ સાર્વભૌમ કરી મૂકીએ, તો પછી art for art’s sake કહેવામાં વાંધો નથી.’’ (પૃ. 391). કળા આવા મિશનનો ભાર ખમી શકવા સમર્થ હોવા છતાં આવું મિશન સ્વીકારીને આવે તે જ કળા એમ કહેવું ઉચિત લાગતું નથી. સદાચારને સર્વશ્રેષ્ઠ કળા ને મોક્ષપ્રાપ્તિને ઉચ્ચતમ કળા કહેનાર કાકાસાહેબ જીવનમાં કળાને ખાસ મહત્વનું સ્થાન આપતા નથી. તેમની કળાવિભાવના પર રવીન્દ્રનાથ કરતાં ગાંધીજીનો પ્રભાવ સવિશેષ છે એ જોઈ શકાય છે.

રા. વિ. પાઠક ‘સાહિત્ય અને જીવન’ નામક લેખમાં સાહિત્યનો અને વ્યાપક સંદર્ભમાં લલિત કલાઓનો જીવન સાથેનો સંબંધ સ્પષ્ટ કરે છે. એ. સી. બ્રૅડલીએ ‘કાવ્ય ખાતર કાવ્ય’ લેખમાં લખ્યું હતું, ‘કાવ્ય અને જીવનનો સંબંધ જાણે કે ગૂઢ, અંદરખાનાનો, આંતર્ભૌમ છે.’ એ સંદર્ભે તે લખે છે, ‘હું ઉમેરીશ કે માત્ર આંતર્ભૌમ નથી, પણ માથા ઉપરનો છે; મારી ર્દષ્ટિએ દશે દિશાનો છે, સર્વતોભદ્ર છે.’ તે પણ ગાંધીજી અને કાકાસાહેબની માફક કલા પર જીવનની સર્વોપરીતાનો સ્વીકાર કરે છે.

ઉમાશંકર જોશી 1940માં ‘કવિતા અને પ્રાગતિકતા’ નામક લેખમાં શુદ્ધ કવિતાનો વિરોધ કરતા હોય એમ લાગે છે; પરંતુ વીસ વર્ષ બાદ ‘કલા પોતે પણ એક જીવનમૂલ્ય’ નામક ભાષણમાં તે કહે છે, ‘કલાની પાસે જીવનના સૌન્દર્ય-આનંદ ઉપરાંતનાં મૂલ્યોની માવજત કરાવવાની અપેક્ષા સેવતાં વિચાર કરવા થોભવું જોઈએ…. કલામાં આનંદનું મૂલ્ય ટક્યું નહિ હોય તો બીજાં ગમે તેવાં ઊંચાં મૂલ્યોને પણ ત્યાં ઊભા રહેવું દોહ્યલું છે.’

ગુજરાતી સાહિત્યમાં થયેલી કલામીમાંસામાં કલાના એક પ્રયોજન તરીકે આનંદનો સ્વીકાર થયો હોવા છતાં જીવનનો વધુ પડતો મહિમા થયો હોય એમ લાગે છે. અલબત્ત, વીસમી સદીના ઉત્તરાર્ધમાં સુરેશ જોષી આદિ આધુનિક વિવેચકો સૌન્દર્યશાસ્ત્રથી પ્રભાવિત થઈ રૂપવાદી અભિગમ પર ભાર મૂકે છે. આકૃતિવાદ અને સંરચનાવાદના પુરસ્કાર દ્વારા વાસ્તવમાં તો કલાવાદનો જ સ્વીકાર થઈ રહ્યો છે. સાહિત્યકૃતિને સ્વાયત્ત સૃષ્ટિ માની તેની સંઘટના, આકૃતિમાંથી સૌન્દર્યાત્મક આનંદ લેવાની વાત આધુનિક વિવેચના કરે છે.

હિન્દી સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં અને તેના પ્રભાવ નીચે ગુજરાતી સાહિત્યમાં અલ્પ માત્રામાં માર્ક્સવાદી સૌન્દર્યશાસ્ત્રનો પ્રવેશ થયો છે. આ પ્રગતિશીલ વિચારધારામાં કલાને પ્રચારના એક માધ્યમથી વિશેષ મહત્વ પ્રદાન કરવામાં આવ્યું નથી.

‘જીવન ખાતર કલા’ અને ‘કલા ખાતર કલા’નો વાદવિવાદ પશ્ચિમમાં અને ભારતમાં સતત ચાલતો જ રહેવાનો. ક્યારેક જીવનનું પલ્લું ઊંચું જતું લાગે, ક્યારેક કલાનું. પણ સમગ્રપણે જોતાં એવું લાગે છે કે હવે કલા પાસેથી નૈતિકતાનો આગ્રહ મોળો થતો જાય છે. કલા અને સાહિત્યને નીતિનિરપેક્ષ (amoral) માનવાનું વલણ બળવત્તર થતું જણાય છે. કૃતિ કલાકૃતિ બને છે કે નહિ એ બાબતને આજે મુખ્ય ગણવામાં આવે છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ