કડવાં ઔષધો : સ્વાદે કડવાં વનસ્પતિજ ઔષધદ્રવ્યો. ઘણા પ્રાચીન સમયથી વિશ્વના વિવિધ ભાગોમાં આ પ્રકારનાં ઔષધો કટુબલ્ય (bitter tonic), જ્વરહર અને જઠરના રસોને ઉત્તેજિત કરી ભૂખ વધારનાર તરીકે વપરાય છે. આમાંનાં ઘણાં જે તે દેશના ફાર્માકોપિયામાં અધિકૃત હોય છે. કડવાં ઔષધોમાં મુખ્યત્વે કડવા પદાર્થો હોય છે, જે રાસાયણિક રીતે ગ્લાયકોસાઇડ વર્ગમાં ગણી શકાય. ઘણાંમાં લૅક્ટોન ઘટક હોય છે. તેમાંના સ્ટ્રિકનાઇન કે ક્વિનાઇન જેવા કડવા પદાર્થો શરીરક્રિયાત્મક અસરો દર્શાવતા નથી. આવાં કડવાં ઔષધો Acanthaceae, Asclepiadaceae, Cucurbitaceae, Compositae, Gentianceae, Menispermaceae, Labiatae, Simarubaceae વગેરે કુટુંબોમાં જોવા મળે છે. કડવાં ઔષધો તરીકે ભારતમાં ખાસ કરીને કડુ (Picrorhiza Kurroa), કરિયાતું (Swertia chirata), ક્વેશિયા (Aeschrion excelsa), કાલમેઘ (Andrographis paniculeta), કાળીજીરી (Nigella sativa), મામેજવો (Enicostemma hyssopifolium verdoon) વગેરે વપરાય છે. આ કડવાં ઔષધો ઉપરાંત રેવંચીની (Rheum emodi), કેસ્કેટા (Cascera Sagrada), સિંકોના (Cinchona calisaya wedd syn Cinchona excelsa Roxb), ઝેરકચોળું (Strychnos nuxvomica) પણ તેમના કડવા સ્વાદને કારણે કડવાં ઔષધ તરીકે વપરાય છે; પણ આ ઔષધો અતિ અલ્પ માત્રામાં લેવાં પડે છે, કારણ કે તેમની વધુ માત્રા લેવાથી તે બીજી શરીર-ક્રિયાત્મક અસરો દર્શાવે છે.

કડવા ગ્લાયકોસાઇડ તથા કડવા પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે અને દ્રાવણનો સ્વાદ કડવો હોય છે. આવા પદાર્થોના કડવા સ્વાદ ધરાવતા મહત્તમ મંદન(maximum dilution)ને કટુસીમા (bitter limit) કહે છે. ક્વિનાઇન હાઇડ્રૉક્લોરાઇડની આ સીમા 1:1,00,000 છે જ્યારે બ્રુસીનની આ સીમા 1:48,00,000 છે. આ પદાર્થો કટુસીમાના માપનમાં માનક તરીકે વપરાય છે.

કડવાં ઔષધો મુખ દ્વારા લેવાય છે. તે જમતા પહેલાં અથવા જમતી વખતે લેવાં જોઈએ, જેથી તે પ્રતિવર્ત ક્રિયા(reflex action)થી પાચકરસોમાં વૃદ્ધિ કરીને ક્ષુધાવર્ધક અને પાચક તરીકે કાર્ય કરે. જમ્યા પછી લેતાં તે પાચક વિક્ષોભો પેદા કરે છે. કડવાં ઔષધોમાં રક્તશર્કરા ઘટાડવાનો ગુણ પણ રહેલો છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ