કક્ષાના મૂલાંકો (elements of the orbit) : કક્ષાના વર્ણન માટે ઉપયોગમાં લેવાતા છ ભૌમિતિક ગુણધર્મો. તેના આધારે ગ્રહના ભાવિ સ્થાનની ગણતરી કરી શકાય છે. પદાર્થની કક્ષાના મૂલાંકો નિર્ણીત કરવામાં પદાર્થનાં ઓછામાં ઓછાં ત્રણ સ્થાનો(positions)નાં માપ લેવાં પડે છે. આ અવલોકનો નિયત સમયે લઈને કક્ષાની સારી એવી ચાપલંબાઈ આવરી લેવામાં આવે છે. વધુમાં અલ્પ વિક્ષોભક (disturbing) બળો જેવાં કે ગ્રહીય આકર્ષણ, કક્ષાના બળકેન્દ્ર આગળ પદાર્થની અંદર દ્રવ્યની અનિયમિતતા અને કેટલાક કૃત્રિમ ઉપગ્રહો માટે વાતાવરણના ખેંચાણની અસરોને ગણતરીમાં લેવા માટે વિશેષ માપનો લેવાનાં હોય છે.

અયનવૃત્ત સંબંધમાં ગ્રહનું કક્ષાતલ

આ મૂલાંકો નીચે પ્રમાણે છે : (1) કક્ષાતલની નતિ (inclination) અને (2) આરોહી પાત(ascending node)નો રેખાંશ, જે કક્ષાતલ-(orbit plane)ને નિર્ણીત કરે છે, (3) અર્ધ-પ્રધાન અક્ષ, (4) ઉત્કેન્દ્રતા (eccentricity), (5) સૂર્યના નિમ્નસ્થાન (periapsis) Aના રેખાંશ, જે કક્ષાતલમાં કક્ષાનાં કદ અને આકાર નક્કી કરે છે; અને (6) સૂર્યના નિમ્નસ્થાનનો સમય, જે કક્ષામાં પદાર્થનું સ્થાન નિર્ણીત કરે છે. આ મૂલાંકોની સમજ નીચે આપી છે. (જુઓ આકૃતિ)

ગ્રહની કક્ષાના ઉપવલયના બે નાભિઓમાંથી એક પર સૂર્ય હોય છે. સૂર્યનિમ્નબિંદુ (ગ્રહનું સૂર્યથી સૌથી નજીકનું સ્થાન  perihelion) અને સૂર્યોચ્ચબિંદુ(ગ્રહનું સૂર્યથી સૌથી દૂરનું સ્થાન  aphelion)માંથી દોરેલો રેખાખંડ સૂર્યમાંથી પસાર થાય છે અને તે નીચોચ્ચ રેખા (apsides) અથવા કક્ષાનો પ્રધાનઅક્ષ કહેવાય છે. આ રેખાખંડની અર્ધલંબાઈ અર્ધપ્રધાનઅક્ષ છે, જે સૂર્યથી ગ્રહના સરેરાશ અંતર બરાબર છે. ઉપવલયી (eliptical) કક્ષાની ઉત્કેન્દ્રતા, કક્ષા વર્તુળથી કેટલી વિચલિત (deviate) થાય છે તેની માત્રા છે. ઉપવલયનાં નાભિબિંદુઓ વચ્ચેના અંતરને  પ્રધાનઅક્ષની લંબાઈ વડે ભાગવાથી તે પ્રાપ્ત થાય છે. કોઈ પણ સમયે, ગ્રહના સ્થાનનું પૂર્વકથન કરવા, અમુક ચોક્કસ સ્થાન પરથી તે પસાર થાય તે વખતનો સમય જાણવો જરૂરી હોય છે, જેમ કે, સૂર્યનિમ્નબિંદુમાંથી તેના પસાર થવાનો સમય.

પૃથ્વીની કક્ષાનું તલ અયનવૃત્ત (ecliptic) કહેવાય છે. ગ્રહની કક્ષાની નતિ અયનવૃત્તથી ચાપના અંશમાં મપાય છે. આકૃતિનું કેન્દ્ર s સૂર્ય દર્શાવે છે. બિંદુઓ જ્યાં બે કક્ષાતલો છેદે (આકાશી ગોલક પર કાલ્પનિક રીતે પ્રક્ષેપિત કરેલા હોય તેમ) તે પાત (nodes) કહેવાય છે, તે M અને N તરીકે દર્શાવ્યા છે. V એ વસંતસંપાત (vernal equinox) છે. અયનવૃત્ત પરના આ બિંદુમાંથી કેટલાક આકાશી યામો મપાય છે. જે બિંદુએ ચલિતગ્રહ પૃથ્વીની કક્ષાતલની ઉત્તરે પસાર થાય તે બિંદુ Nને આરોહી પાત (ascending node) કહે છે. ચાપના અંશમાં ખૂણો VSN એ આરોહી પાતનો રેખાંશ છે. M અવહોરી પાત (descending node) છે, ત્યાં ગ્રહ ઉત્તરથી દક્ષિણમાં પસાર થાય છે. ચાપ VN અને NAથી S આગળ આંતરાતા ખૂણાઓના સરવાળાને સૂર્યનિમ્નનો રેખાંશ કહે છે. તે કક્ષાતલમાં પ્રધાનઅક્ષની દિશા વ્યાખ્યાયિત કરે છે.

હિંમતલાલ ચૂનીલાલ શુક્લ