કંપનીની રચના

સામાન્ય રીતે નફો કરવાના હેતુથી વ્યક્તિઓના સમૂહ દ્વારા ધારાકીય જોગવાઈઓ અનુસાર અસ્તિત્વમાં લાવવામાં આવતું એકમ. આ એકમ તેના નામાભિધાન મુજબ ધંધો, વ્યવસાય, ઉદ્યોગ કે વેપારની પ્રવૃત્તિ કરે છે. આમ કંપની એક નિગમ છે. કંપની કાયદાની ર્દષ્ટિએ સ્વતંત્ર છતાં કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, જે તેના સભ્યોથી તદ્દન ભિન્ન અને આગવું હોય છે. આમ કંપની કૃત્રિમ અને કાનૂનસર્જિત હોવાથી તેનું સમગ્ર સંચાલન, કાર્યવહી, અધિકાર અને જવાબદારી કાયદાની જોગવાઈઓને અધીન અને તેનાથી નિયંત્રિત હોય છે. તે ભાગીદારી પેઢીથી એ રીતે જુદી પડે છે કે ભાગીદારી પેઢીને પોતાના ભાગીદારોથી જુદું અસ્તિત્વ હોતું નથી. હકીકતમાં ભાગીદારી પેઢી તમામ ભાગીદારોનો એક ભેગો સહિયારો ઉલ્લેખ ગણાય. કંપનીની વિશિષ્ટતા એ છે કે કંપનીની માલમિલકત અને તમામ હક કંપનીમાં સ્થાપિત હોય છે. તેથી સભ્યોમાં થતા ફેરફાર અથવા બધા સભ્યોના મૃત્યુથી પણ તેના અસ્તિત્વને આંચ આવતી નથી અને તેના નિગમિત કે સામૂહિક તંત્રને કારણે તેનું કાનૂની પરંપરાગત અસ્તિત્વ અખંડિત રહે છે. આ કારણસર જ કંપનીના સભ્યો કંપનીનાં દેવાં કે અન્ય જવાબદારીઓનો બોજ ઉપાડવાની બાબતમાં તેઓ જેટલા શૅર ધરાવતા હોય તેની દાર્શનિક કિંમત જેટલી મર્યાદિત જવાબદારી ધરાવે છે. આ પ્રકારની કાનૂની સુરક્ષા, ભાગીદારી પેઢીના ભાગીદારોને મળતી નથી. બીજી બાજુ ભાગીદારી પેઢીના ધંધામાં, તેના વહીવટમાં ભાગીદાર જે રીતે ભાગ લેવાનો હક ધરાવે છે અને કરારો દ્વારા ભાગીદારી પેઢીને બાંધી શકે છે, તે પ્રમાણે કંપનીના સભ્યો પોતાનાં કાર્યો દ્વારા કંપનીને બાંધી શકતા નથી. કંપનીના વહીવટમાં તેના સભ્યો ભાગ લઈ શકતા નથી. કંપનીનો વહીવટ સભ્યો (શૅરહોલ્ડરો) દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ એટલે કે તેના સંચાલકો (directors) ચલાવે છે. કાયદા પ્રમાણે કંપનીનું સંયુક્ત નાણાભંડોળ હિસ્સા(shares)રૂપે વહેંચાયેલું હોઈ કંપનીના શૅરો હસ્તાંતરપાત્ર (transferable) હોય છે, અને કંપનીના સ્થાપનાના આવેદનપત્ર (memorandum of association) એટલે કે કંપનીનું બંધારણ ધરાવતા દસ્તાવેજને અધીન રહીને, કંપનીના સભ્યો, પોતાના શૅરનું હસ્તાંતરણ છૂટથી કરી શકે છે અને પોતાનો શૅર બીજાને ફેરબદલ કરીને કંપનીના સભ્યપદમાંથી મુક્ત થઈ શકે છે.

આધુનિક કંપનીના નિગમિત સ્વરૂપની પ્રાથમિક ભૂમિકા ઇંગ્લૅન્ડમાં 1862ના કંપની અધિનિયમથી પૂરી પાડવામાં આવી હતી. ભારતમાં હાલમાં 1956ના કંપની ધારા અને તેમાં કરાયેલા મહત્વના સુધારા અન્વયે કંપની અસ્તિત્વમાં આવે છે અને તેની જોગવાઈઓ અનુસાર તેનો વહીવટ થાય છે. પરિણામે કાયદાથી નિયંત્રિત અને કેન્દ્ર સરકારના અંકુશ હેઠળ સમાજહિત સુરક્ષિત રહે તેવાં નિયંત્રણો હેઠળ હોવા છતાં કંપનીઓને તેમના મેમોરૅન્ડમમાં સૂચિત (વ્યાપારી) હેતુઓ સાધવા માટે પોતાના નિયમો ઘડવાની સ્વતંત્રતા મળેલી છે.

લિમિટેડ કંપનીમાં શૅરહોલ્ડરની જવાબદારી મર્યાદિત હોવાથી કંપની ફડચામાં જાય તોપણ કંપનીના સભ્યને વ્યક્તિગત નાદારીનો ભય રહેતો નથી. કંપની શૅર બહાર પાડી મૂડીભંડોળ મેળવવા ઉપરાંત નાણાં કરજે લઈ મૂડીભંડોળની જરૂરિયાત પૂરી કરી શકે છે. આ માટે ડિબેન્ચર બહાર પાડી તે દ્વારા અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી પોતાના મેમોરૅન્ડમ ઑવ્ ઍસોસિયેશન અને આર્ટિકલ્સ ઑવ્ ઍસોસિયેશનની જોગવાઈઓને અધીન રહીને નાણાં કરજે લેવાની સત્તા ધરાવી શકે છે. આ રીતે શૅરહોલ્ડરો પાસેથી વિપુલ પ્રમાણમાં શૅર એકત્રિત કરીને અને વ્યાજે ઉછીનાં નાણાં મેળવીને વ્યાપારી ઉદ્દેશો સાધવા માટે વિશાળ મૂડીભંડોળ એકઠું કરી શકે એ ઘણો મોટો લાભ ગણાય. પ્રત્યેક શૅરહોલ્ડરને કંપનીના સંચાલનમાં મત આપવાનો અધિકાર હોવાથી પોતાનાં નાણાંના રોકાણનો લોકશાહી પ્રક્રિયા દ્વારા ઉપયોગ કરવાની અને મોટા ઉદ્યોગ પર સામૂહિક અંકુશ સ્થાપવાની તક મળે છે.

કંપનીના આવેદનપત્રમાં કંપનીના સભ્યોની જવાબદારી ઉપર કોઈ મર્યાદા મૂકવામાં આવી ન હોય તો તે અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે એમ ફલિત થાય. જોકે આ પ્રકારની કંપનીઓ ભાગ્યે જ જોવા મળે છે. ભારતમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપની સ્થાપવાની જોગવાઈ કંપની ધારામાં નથી. સભ્યોની મર્યાદિત જવાબદારી ધરાવતી ‘લિમિટેડ’ કંપનીઓ જ પ્રચલિત છે. નાના ઉદ્યોગો કે વ્યાપારી સાહસો કેટલીક વખત કુટુંબના સભ્યો કે પરિચિત વ્યક્તિઓ પૂરતું સભ્યપદ મર્યાદિત રાખવું હોય અને મર્યાદિત જવાબદારીના તથા કંપનીસ્વરૂપના અન્ય ફાયદા મેળવવા હોય, તો ખાનગી લિમિટેડ (private ltd.) કંપની રચી શકે. આ પ્રકારની પ્રાઇવેટ લિમિટેડ કંપની તેના સ્થાપનાના નિયમપત્ર(article of association)થી શૅર-હસ્તાંતરણના સભ્યોના હક પર નિયંત્રણ મૂકી શકે છે. પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સભ્યસંખ્યા પચાસ સુધી મર્યાદિત રાખવાની હોય છે તેમજ શૅરો અને ડિબેન્ચરોમાં ભરણાં માટે તે જાહેર જનતાને નિમંત્રણ આપી શકતી નથી. પ્રાઇવેટ કંપનીની ઉપર દર્શાવેલી મર્યાદાઓ જાહેર (public) કંપનીને લાગુ પડતી નથી; સિવાય કે ખાનગી કંપનીની લઘુતમ સભ્યસંખ્યા બે હોવી જોઈએ, જ્યારે જાહેર કંપનીની લઘુતમ સભ્યસંખ્યા સાતની હોવી જરૂરી છે. હકીકતે આ બંને પ્રકારની કંપનીઓના જે તફાવતો છે તેમાં ખાનગી કંપનીઓને કાયદા દ્વારા આપવામાં આવેલી છૂટછાટો અને મૂકેલ મર્યાદાઓ જ મુખ્ય છે. કંપનીધારાની કેટલીક કડક જોગવાઈઓમાંથી ખાનગી કંપનીઓને મુક્તિ આપવામાં આવી છે જ્યારે જાહેર કંપનીઓમાં સમાજનું હિત વ્યાપક સ્વરૂપે જોડાયેલું હોવાથી તે વધુ નિયંત્રિત હોય છે.

કોઈ એક જાહેર કંપની બીજી કંપનીના બહુમતી શૅર ખરીદીને કે અન્ય રીતે બીજી કંપનીના સંચાલન ઉપર કાબૂ મેળવે ત્યારે કાબૂ મેળવનાર કંપની મુખ્ય કે ધારક કે શાસક કંપની કહેવાય છે અને જે કંપનીના સંચાલન પર આ રીતે કાબૂ મેળવવામાં આવ્યો હોય તે પેટા કે ગૌણ કંપની તરીકે ઓળખાય છે. કોઈ એક ખાનગી કંપની આ પ્રકારે પેટા કે ગૌણ કંપની બને ત્યારે તેવી ખાનગી કંપનીને ખાનગી કંપની તરીકે મળતા લાભો પર નિયંત્રણ આવે છે અને કંપની પર મુકાયેલાં ધારાકીય નિયંત્રણો કે પ્રતિબંધો તે કંપનીને પણ લાગુ પડે છે.

લોકહિતનાં વિરાટ સાહસો હાથ ધરતી કંપનીઓ વિધાનગૃહમાં પસાર કરાતા કાયદા અન્વયે સ્થપાય છે. આ રીતે ભારતમાં રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયા, જીવન વીમા નિગમ, યુનિટ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા અને અન્ય નિગમો અસ્તિત્વમાં આવ્યાં છે. આ કંપનીઓનું કાર્યક્ષેત્ર અધિનિયમથી નિશ્ચિત બનેલું હોય છે.

આમ છતાં વર્તમાન યુગમાં મોટાભાગની કંપનીઓ કંપની અધિનિયમ હેઠળ રચાયેલી હોય છે. આ પ્રકારની કંપનીઓની નોંધણી, ધારાકીય જોગવાઈ અનુસાર થઈ શકે છે.

કેટલાક પ્રસંગોમાં ધંધાના વિકાસ માટે ખાનગી કંપનીનું સાર્વજનિક કંપનીમાં રૂપાંતર કરવા માટેની જરૂરિયાત ઊભી થતી હોય છે. આ પ્રકારના રૂપાંતર માટે કંપનીધારાની જોગવાઈ [કલમ 44(1)] અનુસાર કંપનીના આર્ટિકલ્સ બદલવા પડે, તેમજ આ ફેરફાર અંગે કંપનીઓના રજિસ્ટ્રારની કચેરીમાં નિયત સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો સાથે જાણ કરવાની રહે. કાયદાની જરૂરી પ્રક્રિયાઓને અધીન રહીને સાર્વજનિક કંપનીનું ખાનગી કંપનીમાં પણ રૂપાંતર થઈ શકે છે. આ ઉપરાંત કેટલાક સંજોગોમાં એમ જણાય કે ખાનગી કંપની તેને મળેલા વિશેષાધિકારોનો ભંગ કરે છે અથવા દુરુપયોગ કરે છે તો કંપનીધારાની જોગવાઈઓ – [કલમ 43, (1-अ) તથા 43 (1-ब) અને 43 अ] અનુસાર તેમને પબ્લિક લિમિટેડ કંપની ગણીને જાહેર કંપનીઓને લાગુ પડતી કાનૂની ફરજો અને જવાબદારીઓ તેમના પર લાદવામાં આવે છે. કાયદાની આ પ્રક્રિયા પાછળનો આશય એ છે કે પ્રાઇવેટ લિમિટેડ કંપની સાધારણ રીતે કૌટુંબિક સંબંધોમાં અથવા અંતરંગ વર્તુળની રચાયેલી હોય છે અને તેમાં કોઈ જાહેર હિતનો પ્રશ્ન રહેતો નથી; પરંતુ કેટલીક વાર વ્યવહારમાં આ કહેવાતી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બુરખા પાછળ કોઈ પબ્લિક કંપની સૂત્રધાર હોઈ શકે અથવા પ્રાઇવેટ કંપનીનાં નાણાં તેની નિયત મર્યાદા બહાર પબ્લિક કંપનીમાં રોકાણ કરેલાં હોય અથવા તો દોષપાત્ર પ્રાઇવેટ કંપનીનો વાર્ષિક વકરો (turn over) પણ નિયત મર્યાદા વટાવી જતો હોય તો તેવા સંજોગોમાં આવી ખાનગી કંપનીઓને ખાનગી કંપનીના વિશેષાધિકારો કે છૂટછાટ આપી શકાય નહિ.

કંપનીની સ્થાપનાનું આવેદનપત્ર (memorandum of association) : 1956ના કંપનીધારા અન્વયે રચાતી વખતે દરેક કંપનીનું આવેદનપત્ર કંપનીઓના રજિસ્ટ્રારની કચેરીમાં નોંધાવવું જરૂરી હોય છે. તે કંપનીની સનદ અથવા બંધારણ છે જેનાથી તેનું કાર્યક્ષેત્ર તથા સત્તા નિર્ણીત થાય છે. તે કંપનીના બહારના જગત સાથેના સંબંધો નક્કી કરે છે અને તેનો હેતુ કંપનીની રચના કરવાનો હોય છે. તે કંપનીનો મૂળભૂત દસ્તાવેજ ગણાય છે. તેનાથી નક્કી કરવામાં આવેલા કાર્યક્ષેત્રની બહારના કોઈ કાર્યને કંપનીના સભ્યોની સર્વાનુમતિથી પણ સમર્થન/અનુમોદન આપી (ratify) શકાતું નથી. આવું કાર્ય કંપનીની સત્તા બહારનું (ultra vires) અને રદબાતલ ગણાય છે.

કંપનીધારા પ્રમાણે આવેદનપત્રમાં નીચેની બાબતો અંગેની જોગવાઈઓ જણાવવી જરૂરી હોય છે :

(1) કંપનીનું નામ : નામના અંતે જાહેર મર્યાદિત જવાબદારીવાળી કંપનીએ ‘લિમિટેડ’ અને ખાનગી કંપનીએ ‘પ્રાઇવેટ લિમિટેડ’ શબ્દો લખવા જરૂરી હોય છે. આથી જે વ્યક્તિઓ આવી કંપની સાથે વ્યવહાર કરે તેને તેના સભ્યોની મર્યાદિત જવાબદારી અંગેનો ખ્યાલ આવે. કંપનીના પ્રયોજકો (promoters) કંપની માટે કોઈ પણ નામ પસંદ કરી શકે છે. પરંતુ કોઈ અસ્તિત્વ ધરાવતી કંપનીના નામ જેવું જ અથવા તેને ખૂબ જ મળતું આવતું નામ અથવા સામાન્ય રીતે ગેરરસ્તે દોરે તેવું નામ અથવા સરકાર અથવા મ્યુનિસિપાલિટી અથવા જાહેર સંસ્થાઓ તથા રાષ્ટ્રીયકરણ થયેલ સંસ્થાઓ સાથે સંબંધ ધરાવતું નામ રાખી શકાતું નથી.

(2) કંપનીની નોંધાયેલી કચેરી (registered office) : કંપનીની સ્થાપનાના આવેદનપત્રમાં જે રાજ્યમાં તેની નોંધાયેલી કચેરી આવેલી હોય તે રાજ્યનું નામ જણાવવું જરૂરી હોય છે, કેમકે તે રાજ્યની અદાલતને જ કંપનીધારા નીચેની કાર્યવહી કરવાની હકૂમત હોય છે.

(3) કંપનીના ઉદ્દેશો : આ જોગવાઈ મુજબ કંપનીએ તેના મુખ્ય તેમજ આનુષંગિક ઉદ્દેશો તથા અધિકૃત પ્રવૃત્તિઓ જણાવવી પડે છે. કંપનીના આવેદનપત્રમાં સૂચિત ઉદ્દેશો સિવાયના ઉદ્દેશો કે ધંધા માટે કંપની કાર્યવહી હાથ ધરી શકતી નથી.

(4) કંપનીના સભ્યોની જવાબદારી : જે કંપનીના સભ્યોની જવાબદારી શૅરોથી કે બાંયધરીથી મર્યાદિત હોય તેના આવેદનપત્રમાં તેના સભ્યોની જવાબદારી મર્યાદિત છે તેમ જણાવવું પડે છે. શૅરોથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી પોતે ધારણ કરેલ શૅરોની દાર્શનિક કિંમત જેટલી રકમ પૂરતી મર્યાદિત હોય છે. દાર્શનિક કિંમત જેટલી રકમ ભરપાઈ થઈ ગયા બાદ શૅરહોલ્ડરની કોઈ વધારાની રકમની જવાબદારી રહેતી નથી. આમ ભરપાઈ નહિ થયેલ રકમ પૂરતી જ જવાબદારી મર્યાદિત હોય છે. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં તેમણે આપેલી બાંયધરીની રકમ પૂરતી જવાબદારી મર્યાદિત હોય છે.

(5) કંપનીની શૅરમૂડી : આ જોગવાઈ મુજબ નોંધાયેલ શૅરમૂડીની રકમનું મુકરર રકમના હિસ્સામાં કરેલું વિભાજન દર્શાવાય છે. કંપનીના પ્રયોજકો તથા વહીવટદારો નોંધાયેલ શૅરમૂડીની રકમ પૈકી યોગ્ય લાગે તેટલી રકમની મૂડીનું ભરણું કરી શકે છે. આમ નોંધાયેલી શૅરમૂડી, બહાર પાડેલ શૅર અને તેની મૂડીની રકમ તથા મંગાવેલી અને ભરપાઈ થયેલ શૅરમૂડીની રકમ અલગ અલગ પરિસ્થિતિ સૂચવે છે. કંપની નોંધાયેલ કે સત્તાવાર કે મુકરર કે અધિકૃત શૅરમૂડી કરતાં વધુ શૅરમૂડીનું ભરણું એકત્રિત કરી શકે નહિ. નોંધાયેલ શૅરમૂડીની રકમ પર આધારિત નિયત ફી પણ રજિસ્ટ્રારની ઑફિસમાં તે માટે ભરવી પડે છે.

(6) એકત્રિત થવા અંગેનું નિવેદન : આ આવેદનપત્રમાં સહી કરનાર પોતે કંપનીના સ્વરૂપમાં એકત્ર થવાની ઇચ્છા જાહેર કરે છે તથા અમુક સંખ્યામાં શૅરો લેવા સંમત થાય છે. સ્થાપનાના આવેદનપત્ર ઉપર કાયદા મુજબનો સ્ટૅમ્પ-પેપર વાપરવાનો હોય છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછી સાત વ્યક્તિઓએ અને ખાનગી કંપનીઓમાં ઓછામાં ઓછી બે વ્યક્તિઓએ સ્ટૅમ્પ-પેપર પર સાક્ષીઓની રૂબરૂમાં સહી કરવાની હોય છે.

(7) પ્રયોજક અર્થાત્ અધિસ્થાપક : ‘પ્રયોજક’ પદ ધારાકીય સંદર્ભમાં નહિ પરંતુ વાણિજ્યની પરિભાષામાંથી કંપનીના અધિસ્થાપકોનું સૂચન કરવાના સંદર્ભમાં પ્રયોજાયેલ છે. કંપનીની રચનાનું કાર્ય હાથ ધરે અને તેનો હેતુ પ્રાપ્ત કરવા જરૂરી પગલાં લે તેને કંપનીના પ્રયોજકો કહે છે. મહેનતાણું લઈ કંપનીની સ્થાપનામાં મદદ કરનાર પ્રયોજક ગણાતો નથી. તે જ રીતે કંપનીના પ્રથમ સ્થાપકો પ્રયોજકો ન હોય તેવું પણ બને. પ્રયોજકો કંપનીની રચના માટેનું કામ શરૂ કરે ત્યારથી તે કંપની પ્રત્યે વિશ્વાસજન્ય સંબંધ (fiduciary relations) ધરાવે છે. તેઓ સ્થાપનાનાં કાર્યોમાંથી કોઈ ગુપ્ત નફો મેળવવા હકદાર હોતા નથી. સામાન્યત: કંપનીની સ્થાપના અગાઉ મિલકતો કે ચાલુ ધંધો ખરીદી તેને વધુ કિંમતે કંપનીને વેચી તે પૈકી ગુપ્ત નફો પ્રાપ્ત કરવાની પદ્ધતિ જાણીતી છે. આ પ્રકારે પ્રયોજકો નફો મેળવે તો તે માટે કંપનીની સ્થાપના બાદ કંપની દ્વારા તેનું સમર્થન/અનુમોદન (ratification) આવશ્યક બને છે. આવી મંજૂરી આપનાર કંપનીનું નિયામક મંડળ (board of directors) પ્રયોજકની સત્તા, લાગવગ કે અસર નીચે ન હોવું જોઈએ. જો હોય તો કંપનીના સભ્યોની મંજૂરી મેળવવી જરૂરી બને છે. આવી મંજૂરી મેળવતી વખતે તેણે તમામ સંબંધકર્તા હકીકતો જણાવવી જરૂરી બને છે. વળી કંપનીએ કરેલ વ્યવહાર કે કરારમાં તેમનું હિત હોય તો તેમણે તે પણ જાહેર કરવું પડે છે. તેમ ન કરે તો તેમણે કરેલ કરારો કે વ્યવહારો રદબાતલ થઈ શકે અને તેમણે મેળવેલ નફો કે કંપનીને થયેલ નુકસાન તેમણે કંપનીને ભરપાઈ કરવું પડે.

(8) કંપનીની સ્થાપનાનું નિયમપત્ર (articles of association) : કંપનીની સ્થાપનાના આવેદનપત્ર પછી બીજો મહત્વનો દસ્તાવેજ તેની સ્થાપનાનું નિયમપત્ર છે; પરંતુ કંપનીની નોંધણી વખતે આવેદનપત્રની માફક દરેક કંપનીએ નિયમપત્ર નોંધાવવું જરૂરી હોતું નથી. ફક્ત અમર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને ખાનગી કંપનીએ તે નોંધાવવું પડે છે. આમ શૅરોથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ તે નોંધાવવું જરૂરી હોતું નથી. જો જાહેર કંપની પોતાનું સ્થાપનાનું નિયમપત્ર તૈયાર ન કરે તો તેણે કંપનીધારામાં આપેલ આ અંગેનું ‘ટેબલ-એ’ અપનાવ્યું છે તેમ માની લેવામાં આવે છે.

અમર્યાદિત જવાબદારીવાળી કંપનીના નિયમપત્રમાં જે સભ્યસંખ્યા સાથે તે નોંધાવા માગતી હોય તે સંખ્યા અને જો તે કંપનીની શૅરમૂડી હોય તો જે રકમની શૅરમૂડી સાથે તે નોંધાવા માગતી હોય તે રકમ જણાવવી જરૂરી હોય છે. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીએ પણ જે સભ્યસંખ્યા સાથે તે નોંધાવા માગતી હોય તે સંખ્યા જણાવવી પડે છે.

ખાનગી કંપનીના નિયમપત્રમાં નીચેની બાબતો માટે જોગવાઈઓ હોવી જોઈએ. (1) તે કંપનીના શૅર ધરાવનાર સભ્યોનો પોતાના શૅરનું હસ્તાંતર કરવાનો હક મર્યાદિત કરેલ હોય, (2) તેની સભ્યસંખ્યા પચાસ સુધી મર્યાદિત હોવી જોઈએ, પરંતુ સંખ્યાની ગણતરી કરતી વખતે નીચેના સભ્યોને બાકાત રાખવાના હોય છે : (ક) કંપનીના કર્મચારીઓ, (ખ) જે અગાઉ કંપનીના કર્મચારીઓ હોય તે એ વખતે કંપનીના સભ્યો બનેલા હોય પરંતુ કંપનીના કર્મચારી મટી ગયા બાદ પણ કંપનીના સભ્ય તરીકે ચાલુ રહ્યા હોય; સભ્યોમાંથી કંપનીમાં જો બે કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત રીતે એક અથવા વધુ શૅરો ધરાવતી હોય તો તેમને ઉપર દર્શાવેલ મર્યાદા માટે એક જ સભ્ય ગણવામાં આવે છે. (3) કંપનીના શૅરો અથવા ડિબેન્ચરો સ્વીકારવા યા ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા સામે કંપનીને મનાઈ ફરમાવવામાં આવી હોવી જોઈએ.

કંપનીનો વહીવટ ચલાવવા અંગેની રીતનું નિયમન તેના સ્થાપનાના નિયમપત્ર મુજબ થાય છે; દા. ત., કંપનીની સ્થાપનાનું આવેદનપત્ર તેને સત્તા આપે છે પરંતુ તે સત્તાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે અંગેની જોગવાઈઓ તેના નિયમપત્રમાં હોય છે. શૅરોનું અધિકાર-વિલોપન કે જપ્તી (forfeiture), શૅરમૂડીમાં ફેરફાર, શૅરોનું હસ્તાંતરણ તથા પ્રેષણ (transmission), નિયામકો, ડિવિડન્ડ અનામત ભંડોળ, હિસાબો અને અન્વેષણ વગેરે બાબતોની જોગવાઈઓ.

કંપનીની સ્થાપનાના નિયમપત્રની જોગવાઈઓ તેની સ્થાપનાના આવેદનપત્રની જોગવાઈઓને અધીન હોય છે અને તેનાથી અંકુશિત રહે છે. તેથી તે બંને વચ્ચે કોઈ અસંગતતા હોય તો આવેદનપત્રમાંની જોગવાઈઓનું પાલન થવું જરૂરી ગણાય છે અને તેટલે અંશે નિયમપત્રની જોગવાઈઓ રદબાતલ ગણાય છે. કંપનીધારાની અને આવેદનપત્રમાંની મર્યાદાઓને અધીન રહી ખાસ ઠરાવથી નિયમપત્રમાં કોઈ પણ જાતના ફેરફારો કરી શકાય છે; પરંતુ કંપનીની સત્તાની બહારના કાર્ય માટેના તેના આંતરનિયમો રદબાતલ ગણાય છે.

નિયમપત્રમાં કેટલીક બાબતોના ફેરફાર મધ્યસ્થ સરકારની મંજૂરીથી અથવા કંપનીધારાની કલમ 31ની જોગવાઈઓ મુજબ જ કરી શકાય; દા.ત., (ક) મધ્યસ્થ સરકારની મંજૂરી વગર નિયમપત્રમાં ફેરફાર કરી જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાન્તર કરી ન શકાય. (ખ) સભ્યની લેખિત સંમતિ વગર શૅરમૂડી પ્રત્યે ફાળો આપવાની સભ્યોની જવાબદારીમાં વધારો કરતો નિયમપત્રમાંનો ફેરફાર તેને બંધનકર્તા નથી. (ગ) જુદા જુદા વર્ગોના શૅરો ધરાવનારાઓના હકોમાં ફેરફાર કરવાનું નિયમપત્રમાંના ફેરફારો કંપનીધારાની કલમ 106-107ની જોગવાઈઓને અધીન હોય છે. (ઘ) કંપનીધારાની કલમ 397-398 મુજબ નિયમપત્રમાંના કોર્ટના હુકમથી કરવામાં આવેલ ફેરફારને સુસંગત ન હોય તેવો ફેરફાર કોર્ટની પરવાનગી વગર કરી ન શકાય.

નિયમપત્રમાંનો ફેરફાર બીજા કાયદાઓની જોગવાઈઓને અધીન હોય છે. આવો ફેરફાર કરી કરારભંગનો બચાવ ન કરી શકાય. આવા સંજોગોમાં બીજો પક્ષકાર નુકસાની મેળવવા હકદાર છે. નિયમપત્રમાંનો ફેરફાર શુદ્ધ ભાવનાનો અને કંપનીને સમગ્ર રીતે ફાયદાકારક હોવો જોઈએ.

(9) સ્થાપનાના નિયમપત્રની અસર : આવેદનપત્ર અને નિયમપત્ર કંપનીઓના રજિસ્ટ્રારની કચેરીમાં નોંધાયા બાદ તે કંપનીને તથા તેના સભ્યોને બંધનકર્તા ગણાય છે. આમ તેનાથી એક કરારબદ્ધ સંબંધ ઊભો થાય છે. પરંતુ નિયમપત્રને કંપની તથા ત્રાહિત વ્યક્તિ સાથેનો સંબંધ ગણી ન શકાય.

કંપનીની સભા : કંપનીના ધંધાકીય, નાણાકીય તેમજ અન્ય સઘળા વ્યવહારો માટે કંપનીમાં વિવિધ કક્ષાએ યોજાતી સભાઓ. કંપનીના વ્યવહારો અને નિર્ણયોને અધિકૃતતા બક્ષવા માટે ઠરાવો કરવા જરૂરી બને છે. કંપનીધારા 1956ની જોગવાઈઓ અનુસાર કંપનીની આવી સભાઓનું નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય :

(1) સભાસદોની સભા : (i) કાયદાકીય (statutory) પ્રારંભિક સભા, (ii) વાર્ષિક સામાન્ય સભા, (iii) અસાધારણ સામાન્ય સભા. (2) સંચાલકોની સભા : (i) સંચાલક મંડળની સભા, (ii) સંચાલક મંડળે નિયુક્ત કરેલ સમિતિઓની સભા. (3) અન્ય સભા : (i) ડિબેન્ચર-હોલ્ડરોની સભા, (ii) સમાધાન અથવા તો માળખાકીય પુનર્વ્યવસ્થા માટેની સભા, (iii) કંપની બંધ કરવાની હોય ત્યારે કાયદાની જોગવાઈઓ અનુસારની સભા.

(1) સભાસદોની સભા : (i) કાયદાકીય (statutory) પ્રારંભિક સભા : 1956ના કંપનીધારાની કલમ 165 મુજબ શૅરમૂડીથી મર્યાદિત દરેક જાહેર કંપની અને ગૅરન્ટીથી મર્યાદિત તથા શૅરમૂડી ધરાવતી દરેક જાહેર કંપનીએ, તેને મળેલાં કાર્ય શરૂ કરવાના પ્રમાણપત્રની તારીખથી એક મહિનાથી ઓછા નહિ તેમજ છ મહિનાથી વધુ નહિ એવા સમયમાં સભાસદોની એક સભા બોલાવવાની હોય છે, જેને કાયદાકીય પ્રારંભિક સભા કહેવામાં આવે છે. આવી સભા, કંપનીની હયાતી દરમિયાન એક જ વખત બોલાવાય છે. આ સભા બોલાવવા માટે, સભાસદોને ઓછામાં ઓછા 21 દિવસ પહેલાંથી જાણ કરવી પડે છે અને આ જાણ કરતી વખતે સાથે સાથે એક નોંધ મોકલવાની હોય છે; જેમાં સંચાલકોનાં, સેક્રેટરીનાં તથા મૅનેજરનાં નામ, સરનામાં અને વ્યવસાય, સમય દરમિયાન થયેલા શૅરની ફાળવણી, આવક-જાવકનો હિસાબ તથા થયેલા કરારોની વિગતો આપવાની રહે છે; જેથી સભાસદો આ વિષયો પર, સભા દરમિયાન ચર્ચા-વિચારણા કરી શકે. આવી સભા ફરજિયાત બોલાવવાનો હેતુ, સભાસદોને કંપનીનાં કાર્યોથી વાકેફ કરવાનો તથા તે અંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કરવાની તક આપવાનો છે. હાજર સભ્યો કંપની સ્થાપના અંગેની કોઈ પણ બાબત અને પ્રાથમિક અહેવાલના સંદર્ભમાં ઊભી થતી કોઈ પણ બાબત, કાર્યસૂચિ પર ન હોય તોપણ ચર્ચા પર લઈ શકે છે. આમ છતાં કાર્યસૂચિમાં સમાવિષ્ટ ન હોય તેવી કોઈ પણ બાબત કે અન્ય કોઈ બાબત જે અંગે જરૂરી યોગ્ય નોટિસ ન અપાઈ હોય, તે અંગે આ સભામાં ઠરાવ પસાર થઈ શકે નહિ.

(ii) વાર્ષિક સામાન્ય સભા : કંપનીધારા, 1956ની કલમ 166 અનુસાર મર્યાદિત મૂડીવાળી દરેક જાહેર કે ખાનગી કંપનીએ, દરેક વર્ષમાં સભાસદોની એક સભા બોલાવવી જરૂરી હોય છે, જેને વાર્ષિક સામાન્ય સભા કહેવામાં આવે છે. આવી સભા તે સામાન્ય સભા છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ તેવી સભા માટેની નોટિસમાં હોવો જોઈએ. આવી સભા કામકાજના દિવસ અને સમય દરમિયાન જ બોલાવવી જોઈએ. કંપની આવી પ્રથમ સભા કંપનીની સ્થાપનાથી 18 માસમાં બોલાવી શકે છે. જો તે રીતે તે સમય દરમિયાન તેવી સામાન્ય સભા કરી હોય તો કંપનીએ તે સિવાયના સ્થાપનાના વર્ષ દરમિયાન કે તે પછીના વર્ષ દરમિયાન અન્ય સામાન્ય સભા ભરવી પડે તેવું નથી. કંપની રજિસ્ટ્રાર ખાસ કારણસર ત્રણ માસથી વધુ નહિ તેવી મુદત સામાન્ય સભા બોલાવવા માટે વધારી આપી શકે. સામાન્ય સભા બોલાવવા માટે પણ સભાસદોને ઓછામાં ઓછા 21 દિવસ પહેલાંથી જાણ કરવી જોઈએ. સભાસદોને જાણ કરતી આ નોટિસમાં સભામાં કરવાના સામાન્ય તેમજ ખાસ કામકાજની નોંધ ક્રમવાર જણાવવી જોઈએ. આ વાર્ષિક સાધારણ (સામાન્ય) સભામાં સામાન્ય રીતે થતાં કામકાજ નીચે મુજબ હોય છે : કંપનીના વાર્ષિક હિસાબો તથા તેની સાથે સંચાલક મંડળ તેમજ અન્વેષકની નોંધો પર વિચારણા કરી બહાલી આપવાનું; સંચાલક મંડળે સૂચવેલ ડિવિડન્ડને જાહેર કરવાનું, વારી પ્રમાણે નિવૃત્ત થતા ડિરેક્ટરોની ફેરનિમણૂક કરવાનું તેમજ કંપનીના અન્વેષકની નિમણૂક કરવાનું તથા તેનું મહેનતાણું નક્કી કરવાનું. આ સિવાયના કોઈ પણ કામકાજને ખાસ કામકાજ ગણવામાં આવે છે. અને આવા ખાસ કામકાજ માટે, કંપનીધારા 1956ની કલમ 173 અનુસાર, સમજ આપતું એક નિવેદન આપવું જરૂરી હોય છે, જેથી સભાસદો સભામાં આવતાં પહેલાં, તે પર પૂરો વિચાર કરીને હાજરી આપી શકે. જો કોઈ સભાસદ કારણવશાત્ સભામાં હાજર રહી શકે તેમ ન હોય તો તે પોતાના વતી કોઈ પણ વ્યક્તિને ‘પ્રૉક્સી’ તરીકે નીમી શકે છે. આવી નિમાયેલ વ્યક્તિ, સભામાં હાજરી આપી, મત આપી શકે છે, પરંતુ સભામાં બોલવાનો હક તેને હોતો નથી. જો ‘પ્રૉક્સી’ સભા શરૂ થવાના 48 કલાક અગાઉ કંપનીમાં ન પહોંચે તો તે રદ થવાને પાત્ર છે.

(iii) અસાધારણ સામાન્ય સભા : કંપનીધારા, 1956ની કલમ 169 મુજબ શૅરમૂડીવાળી કંપની ભરપાઈ મૂડીના 1/16 ભાગથી ઓછી નહિ તેવી મૂડી ધરાવતા (મતાધિકાર સાથે) અને અન્ય કંપનીના કિસ્સામાં ઓછામાં ઓછા 1/16 ભાગ જેટલો મતાધિકાર ધરાવતા સભાસદોની લેખિત માગણીને ધ્યાનમાં લઈને, સંચાલક મંડળ તાકીદની સભા બોલાવે છે, જેને અસાધારણ સામાન્ય સભા કહેવામાં આવે છે. આ સભા બોલાવવા માટે પણ 21 દિવસ પહેલાંથી સભ્યોને જાણ કરવી પડે છે અને જાણ કરતી વખતે સભામાં કયા મુદ્દા ચર્ચવાના છે તેની નોંધ આપવી જરૂરી હોય છે. દરેક મુદ્દા અંગે લેખિત માગણી માટે સભાસદોની લઘુતમ સંખ્યાની માગણી હોવી જરૂરી છે. 21 દિવસની અંદર આ પ્રકારે અસાધારણ સામાન્ય સભા લેખિત માગણીના દિવસથી 45 દિવસ દરમિયાન બોલાવવાની કાર્યવહી ન કરે તો આ પ્રકારે લેખિત માગણી કરનાર સભાસદો આવી સભા પોતે બોલાવી શકે.

(2) સંચાલકોની સભા : (i) સંચાલક મંડળની સભા : કંપનીધારા, 1956ની કલમ 285 મુજબ, કંપનીના સંચાલક મંડળે દર ત્રણ મહિનાના ગાળામાં ઓછામાં ઓછી એક વખત તથા વર્ષમાં ઓછામાં ઓછી ચાર વખત અને સામાન્યત: ચાલુ કામકાજના દિવસે આ સભા બોલાવવી જરૂરી હોય છે. આ સભા સામાન્યત: કંપનીની રજિસ્ટર્ડ ઑફિસના સ્થળે બોલાવવાની હોય છે. ખાસ સંજોગોમાં કલમ 163, 196, 209 અને 301ની જોગવાઈઓને અધીન અન્ય સ્થળે બોલાવી શકાય. સંચાલક મંડળના કુલ સભ્યોના 2 સભ્યો હાજર હોય તો જ સભાનું કાર્ય થઈ શકે છે, જેને સભાનું ‘કોરમ’ કહેવામાં આવે છે. ‘કોરમ’ના અભાવે, સભા આપોઆપ બીજા અઠવાડિયા પર તે સમય અને સ્થળ માટે મુલતવી રહે છે. કંપનીધારાની કલમ 292 મુજબ, સંચાલક મંડળને નીચેનાં પાંચ કાર્યો કરવાની ખાસ સત્તા આપવામાં આવી છે : (1) શૅરહોલ્ડરો પાસેથી શૅરનાં ન ભરાયેલાં નાણાં મંગાવવાં; (2) ડિબેન્ચરો બહાર પાડવાં, (3) ડિબેન્ચર સિવાય અન્ય રીતે નાણાં ઉછીનાં મેળવવાં; (4) કંપનીનાં નાણાં રોકાણ કરવાં અને (5) ધિરાણ કરવાં.

આ સિવાય વાર્ષિક સામાન્ય સભામાં જે કાર્યો થઈ શકે છે તે સિવાયનાં તમામ કાર્યો કંપનીના કામકાજ માટે કરવાની સત્તા સંચાલક મંડળને હોય છે.

‘કોરમ’ના અભાવે મુલતવી રખાયેલ સંચાલક મંડળની આવી સભા રજાના દિવસે બોલાવવામાં આવે તો સરકારનું તે અંગેનું ખાતું તે સામે વાંધો લેતું નથી.

(ii) સંચાલક મંડળે નિયુક્ત કરેલ સમિતિની અને અન્ય સભાઓ : સભાસદોની તેમજ સંચાલક મંડળની સભા સિવાય, કંપનીના અમુક વર્ગના શૅરહોલ્ડરોની, ડિબેન્ચર-હોલ્ડરોની તેમજ કંપનીનું કામકાજ બંધ કરવાનું હોય ત્યારે કાયદાની જોગવાઈઓ અનુસાર કંપનીના લેણદારો વગેરેની કોર્ટ દ્વારા બોલાવાતી સભાઓ જરૂર પડ્યે કંપનીધારા, 1956માંની જોગવાઈઓ અનુસાર થતી હોય છે.

અધ્યક્ષ (ચૅરમૅન) વગર કોઈ પણ સભાનું સંચાલન કાયદેસર ગણાતું નથી.

આમ, કંપનીનો દરેક વ્યવહાર સભા દ્વારા થાય છે અને કંપનીના સઘળા વ્યવહારો માટે સભા ઘણું અગત્યનું અંગ ગણાય છે.

કંપની રજિસ્ટ્રાર : કંપનીની નોંધણી કરનાર અધિકારી. કંપની ધારા, 1956ની કલમ 2ની પેટા કલમ 40 હેઠળ કેન્દ્ર સરકારે જે રાજ્યમાં રજિસ્ટ્રારની નિમણૂક કરી હોય તે રાજ્યમાં સ્થપાતી દરેક કંપનીની નોંધ રાખવાની રજિસ્ટ્રારની પ્રથમ ફરજ છે. રજિસ્ટ્રારના પગાર તેમજ તેની ફરજોનું નિયમન કેન્દ્ર-સરકાર કરે છે.

કંપનીઓની નોંધ કર્યા પછી, કંપની-રજિસ્ટ્રાર, કંપનીઓના કાર્યકાળ દરમિયાન કંપનીધારા હેઠળ મોકલવી પડતી માહિતી તેમજ દસ્તાવેજો માટે દરેક કંપનીદીઠ અલગ અલગ રેકૉર્ડ રાખે છે. કાયદાની રૂએ કંપની-રજિસ્ટ્રારનું કાર્યાલય એ જાહેર સંસ્થા છે અને તેથી કંપની-રજિસ્ટ્રાર એ જાહેર સેવક ગણાય છે.

કાયદાનુસાર મુકરર કરેલી ફી ભરીને, કોઈ પણ વ્યક્તિ પોતાને જોઈતી માહિતી રજિસ્ટ્રાર પાસેથી મેળવી શકે છે તથા કંપનીની સ્થાપનાના પ્રમાણપત્રની નકલ, કોઈ પણ દસ્તાવેજની કે તેના ભાગની કે જરૂરી ઉતારાની રજિસ્ટ્રારે પ્રમાણિત કરેલી નકલ મેળવી શકે છે. આવી નકલ, કાયદાકીય કાર્યવહીમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય છે ને તે સ્વીકાર્ય ગણાય છે. આમ કંપની-રજિસ્ટ્રાર, કંપનીઓની નોંધ રાખવાનું, તેમનું યોગ્ય નિયમન કરવાનું અને કંપનીઓની કાર્યવહી પર ચાંપતી દેખરેખ રાખવાનું કાર્ય કરે છે. કંપની બંધ થવાની હોય કે ફડચામાં લઈ જવાની હોય ત્યારે પણ ફડચા-અધિકારીએ રજિસ્ટ્રારને જરૂરી માહિતી આપવાની રહે છે.

કંપનીધારાની જોગવાઈઓ હેઠળ કરવી પડતી જરૂરી કાર્યવહી તથા મોકલવી પડતી માહિતીમાં કંપની કે તેનું સંચાલક મંડળ ફરજ ચૂકે તો રજિસ્ટ્રાર તેમના પર કાયદેસર કાર્યવહી કરી દાવો માંડી શકે છે.

ઉપર મુજબની કામગીરી કંપની રજિસ્ટ્રાર કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કરે છે.

યોગેશ મહેતા

અશ્વિન શાહ

ઇન્દુભાઈ દોશી