કંદહાર : અફઘાનિસ્તાનના અગ્નિ-ભાગમાં આવેલો પ્રાંત તથા તે જ નામ ધરાવતું તેનું વડું મથક. ભૌગોલિક સ્થાન : તે 31o 32′ ઉ. અ. અને 65o 30′ પૂ. રે.ની આજુબાજુનો 1,29,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઓટુઝગાન પ્રાંત, પૂર્વે ઝાબોલ પ્રાંત તથા દક્ષિણે હેલમંડ પ્રાંત અને પાકિસ્તાન આવેલાં છે. પ્રાંતનો ઉત્તર ભાગ પહાડી છે, જ્યારે દક્ષિણ ભાગ રણપ્રદેશ જેવો હોવાથી વેરાન છે. પ્રાંતનો મોટાભાગનો વિસ્તાર સમુદ્રસપાટીથી 1,000 મીટરની ઊંચાઈએ આવેલો છે. આ પ્રાંતની અરઘાનદાબ, તરનાક અને અર્ધસ્તાન નદીઓનો દોઆબ પ્રદેશ ફળદ્રૂપ છે.

આ પ્રદેશ દરિયાથી દૂર આવેલો હોવાથી આબોહવા વિષમ રહે છે તથા વરસાદ ઓછો પડે છે. નદીઓની નહેરો દ્વારા સમતળ ભાગોમાં સિંચાઈ ઉપલબ્ધ કરી શકાય છે. પહાડ નજીક ‘કારેઝ’ પદ્ધતિ (ભૂગર્ભ-વહેળા) દ્વારા ખેતરો સુધી સિંચાઈ માટે પાણી લઈ જવાય છે, આ કારણે પાણીનું બાષ્પીભવન થતું નથી. શિયાળામાં ઈરાની અખાતના પવનો થોડો વરસાદ આપે છે. હેલમંડ વેલી ઑથૉરિટી દ્વારા જળવિદ્યુતની સુવિધા ઊભી કરાઈ છે. વળી, પ્રાંતના ઉત્તરભાગમાં આવેલા પહાડી ક્ષેત્રોમાં લોહઅયસ્ક અને આરસપહાણનો જથ્થો સંગ્રહાયેલો છે.

પ્રાંતની મુખ્ય પેદાશો ઘઉં, કપાસ, ઊન અને ફળો છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. આ ઉપરાંત અહીંથી સોનું તેમજ અર્ધકીમતી પાષાણો ખોદી કાઢવાનો ખાણઉદ્યોગ વિકસેલો છે.

આ પ્રાંતનાં મુખ્ય શહેરોમાં કંદહાર ઉપરાંત કલાત-એ-ઘીલઝાઈ, પાકિસ્તાનની સીમા નજીક આવેલા બલદાક તથા હેલમંડ નદીકાંઠે આવેલા કલાબિસ્તનો સમાવેશ થાય છે.

શહેર : કંદહાર શહેર સમુદ્ર-સપાટીથી 1,055 મીટરની ઊંચાઈએ વસેલું છે. તે 450 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તે હેરાતથી અગ્નિ દિશામાં આશરે 600 કિમી.ને અંતરે તથા કાબુલથી નૈર્ઋત્ય દિશામાં આશરે 450 કિમી.ને અંતરે આવેલું છે. તે સમુદ્રથી દૂર આવેલું હોવાથી ઉનાળામાં તેનું તાપમાન 44o સે. જેટલું, અને ઊંચાઈએ આવેલું હોવાથી શિયાળામાં તેનું તાપમાન -10o સે. જેટલું રહે છે. વરસાદનું પ્રમાણ આશરે 155 મિમી. જેટલું રહે છે. શહેરની આજુબાજુનો જે વિસ્તાર ફળદ્રૂપ છે ત્યાં ખેતી અને પશુપાલન વિકસ્યાં છે. આ ઉપરાંત અહીં ફળો પર આધારિત એકમો, જિનિંગ-પ્રેસિંગ, ઊન સાફ કરવાનાં કારખાનાં તથા સુતરાઉ કાપડની મિલ આવેલાં છે. શહેરોમાં અનાજ, તમાકુ, કાપડ, ફળો, ઊન અને ગાલીચાનો વેપાર મુખ્ય છે.

કંદહાર એ દક્ષિણ અફઘાનિસ્તાનનું કાબુલ પછીનું બીજા ક્રમે આવતું મહત્વનું શહેર અને વેપારનું મથક છે. કંદહાર દેશનાં અગત્યનાં શહેરો – કાબુલ, હેરાત સાથે તેમજ પાકિસ્તાનના ક્વેટા અને ચમન શહેરો સાથે પાકા રસ્તાઓથી જોડાયેલું છે. દક્ષિણમાં આવેલા તેના સ્થાનને કારણે તેનું વ્યૂહાત્મક મહત્વ વિશેષ છે. મધ્ય એશિયા અને ભારત સાથે તે ભૂમિમાર્ગે સંકળાયેલું છે. આ શહેરને આંતરરાષ્ટ્રીય અને આંતરદેશીય હવાઈ સેવાઓની સુવિધા ઉપલબ્ધ છે. કંદહારની વસ્તી 1999 મુજબ 2,25,500 જેટલી હતી.

ઇતિહાસ : પ્રાચીન કાળમાં કંદહારની આજુબાજુનો પ્રદેશ ‘ગંધાર’ તરીકે ઓળખાતો હતો. મહાભારતનાં પ્રધાન પાત્રોમાંનાં ગાંધારી અને તેનો કુટિલ ભાઈ શકુનિ ગંધાર દેશનાં રાજકન્યા ને રાજપુત્ર હતાં. ઇસ્લામ ધર્મના આગમન અને પ્રસાર બાદ ‘ગંધાર’ નામ ભૂંસાઈ ગયું જણાય છે. ત્યારપછી પ્રચારમાં આવેલું ‘કંદહાર’ નામ પ્રાચીન ગંધાર દેશ સાથેના સંબંધનું સૂચન કરે છે.

આજે જાણીતું બનેલું કંદહાર શહેર ઍલેક્ઝાંડરે ઈ. પૂ. ચોથી સદીમાં સ્થાપ્યું હોવાનું કહેવાય છે. સાતમી સદીમાં આરબોએ આ શહેર કબજે કરેલું. નવમી સદીમાં તુર્ક જાતિના સફફારીદોએ તથા મહમ્મદ ગઝનવી અને તેના વારસોએ દસમી સદીથી બસો વર્ષ સુધી અહીં શાસન કરેલું. મોંગોલ બાદશાહ ચંગીઝખાને તેરમી સદીમાં તથા તૈમૂરે તે પછીથી કંદહાર જીતી લીધું હતું. 1507માં બાબરે તેને કબજે કરેલું, તે પછીથી કંદહાર મુઘલ શાસન હેઠળ હતું. 1625થી 1708 સુધી તે ઈરાનના શાહના શાસન હેઠળ રહેલું. 1709માં અફઘાનોએ કંદહાર પર પુન: સત્તા સ્થાપી. 1738માં નાદિરશાહની ચડાઈ પછી અહમદશાહ દુરાનીએ તેને 1747માં જીતી લીધેલું. અહમદશાહે અહીં નવું શહેર વસાવી તેને અફઘાનિસ્તાનની રાજધાની બનાવી. અંગ્રેજોએ રશિયાનું પ્રભુત્વ અટકાવવા 19મી સદીમાં બે વખત આક્રમણ કરીને જીત મેળવી, પરંતુ લાંબા સમય સુધી તેમનું પ્રભુત્વ રહ્યું નહિ. વીસમી સદીમાં અફઘાનિસ્તાનમાં ઘણા રાજકીય ફેરફારો થયા. 1979માં રશિયાએ આક્રમણ કરીને અફઘાનિસ્તાન પર વર્ચસ્ જમાવવા પ્રયાસ કરેલો, પરંતુ 1989માં લશ્કર પાછું ખેંચી લેવું પડ્યું. 1996માં તાલિબાનોનું વર્ચસ્ અફઘાનિસ્તાનના વિસ્તાર પર રહેલું. 1999ની 24મી ડિસેમ્બરે ખટમંડુ(નેપાળ)થી ઉપડેલા ઇન્ડિયન એરલાઇન્સના 189 મુસાફરો સહિતના જેટ વિમાનને હાઇજેક કરીને કંદહાર ખાતેના હવાઈ મથકે લઈ જવામાં આવેલું. 2001ના સમયગાળામાં ફક્ત પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં તાલિબાનોનું વર્ચસ્ હતું અને તેમાં કંદહારનો પણ સમાવેશ થાય છે.

નીતિન કોઠારી