ઔષધો : મનુષ્યો કે પ્રાણીઓમાં રોગના નિદાન અને તેના ઉપચાર માટે વપરાતા કે રોગનિરોધી (prophylactic) ગુણો ધરાવતા પદાર્થો. ઔષધિની વ્યુત્પત્તિ ‘ओषं रूजं धयति इति औषधि:’ કરવામાં આવી છે. ઔષધોનો ઉપયોગ રોગ દ્વારા થતાં શારીરિક કે માનસિક દુ:ખ, વેદના, દર્દ અથવા તકલીફ ઓછી કે દૂર કરવા માટે થાય છે.

ઐતિહાસિક : મનુષ્ય છેક પ્રાચીન કાળથી રોગો સામે ઉપચાર તરીકે વિવિધ સ્વરૂપોમાં ઔષધ વાપરતો આવ્યો છે. શરૂઆતમાં આકસ્મિક રીતે અને પછીથી અજમાયશ કરતાં કરતાં વિવિધ વનસ્પતિ, પ્રાણીજ અને ખનિજ પદાર્થો અને ઔષધીય ગુણોનો યોજનાપૂર્વક ખ્યાલ મેળવવા માંડ્યો હતો.

ભારત, ચીન, ઇજિપ્ત, રોમ અને દક્ષિણ અમેરિકાની પ્રાચીન સંસ્કૃતિઓમાં તથા આરબોમાં આ વિષયમાં સારો વિકાસ થયો હતો અને તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ઔષધીય પદાર્થો લૂગદી, કાઢા, ઉકાળા, ચૂર્ણ, ગોળીઓ અને આસવ રૂપે વપરાતા. અગ્નિમાં ઔષધો હોમીને તેનો ધુમાડો પણ ઔષધીય અસરો માટે ઉપયોગમાં લેવાતો.

પ્રાચીન સમયમાં વિવિધ દેશોમાં વપરાતાં ઔષધોની ક્રિયાશીલતાને આધુનિક સંશોધને અનુમોદન આપ્યું છે અને તેમાંથી સક્રિય નિષ્કર્ષ પણ મેળવવામાં આવ્યાં છે. ઈ. પૂ. 2735માં લખાયેલ પુસ્તકમાં ચાંગ શાંગ(Chang Shang)નો જ્વર ઉપર ઉપયોગ કરવાની સૂચના છે. આ વૃક્ષમાંથી મલેરિયા ઉપર અસર કરતાં આલ્કેલૉઇડ મળી આવ્યાં છે. 5,000 વર્ષથી ચીનમાં વપરાતાં માહુઆંગ(Ma-Huang)માંથી ઇફેડ્રીન નામનો આલ્કેલૉઇડ મળેલો છે. બ્રાઝિલમાં ઇપિકૅકુઆહ્માહાનાં મૂળિયાં મરડા ઉપર વપરાતાં અને આમાંથી મળતો આલ્કેલૉઇડ ઇમેટિન આજ પર્યંત વપરાશમાં છે.

ચિનોપોડિયમ એન્થેલમિન્ટિકમનો યહૂદીઓ, મેક્સિકનો અને રોમનો સદીઓ પૂર્વે કરમિયા ઉપર ઉપયોગ કરતા હતા. આમાંથી એસ્કેરિડોલ નામનો સક્રિય કૃમિનાશક મળી આવેલ છે. ઇજિપ્તવાસીઓ પીડાશામક તરીકે અફીણનો અને કરમિયા માટે દિવેલનો ઉપયોગ કરતા હતા. વાદળી(sponge)ને બાળીને આરબો તેની રાખ ગળસૂંઢા (goitre) માટે વાપરતા. તેની રોગનિવારક અસર તેમાં રહેલ આયોડિનને આભારી હતી. સિંકોના વૃક્ષની છાલનો મલેરિયામાં અને થાક દૂર કરવામાં, કોકેન વૃક્ષનાં પાંદડાંનો અને ક્યુરારયુક્ત વનસ્પતિ(chondodendron tomentosum)નો શિકારને બેભાન બનાવવા માટે ઉપયોગ થતો હતો. ભારતમાં ઔષધશાસ્ત્રના વિકાસમાં ચરક (પ્રથમ સદી), સુશ્રુત (ઈ. પૂ. પ્રથમ સદી), વાગ્ભટ્ટ (આઠમી સદી), માધવ શારંગધર, નાગાર્જુન વગેરેનું પ્રદાન ઘણું મૂલ્યવાન છે. ચરક 500 વનસ્પતિઓનો અને સુશ્રુત 760 વનસ્પતિઓનો ઔષધ તરીકે નિર્દેશ કરે છે. શારંગધરે અફીણનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો. ભાવપ્રકાશે પોર્ટુગીઝ ખારવાઓ મારફત ભારતમાં પંદરમી સદીમાં દાખલ થયેલ રતિજ રોગ (venereal disease), સિફિલિસના ફેલાવાનાં કારણો તથા ઉપચાર વિશે વિચાર કર્યો છે.

વનસ્પતિ ઉપરાંત આયર્ન ઑક્સાઇડ, આયર્ન સલ્ફેટ, ઝિંક ઑક્સાઇડ, કૉપર ઑક્સાઇડ, કૉપર સલ્ફેટ, ટિન ઑક્સાઇડ, લેડ ઑક્સાઇડ, મર્ક્યુરી ઑક્સાઇડ, મર્ક્યુરસ ક્લોરાઇડ, મર્ક્યુરિક ક્લોરાઇડ, મર્ક્યુરિક સલ્ફાઇડ અને ઍન્ટિમની સલ્ફાઇડ જેવા ખનિજ પદાર્થો કે તેમાંથી બનાવેલ રસાયણો ઉપયોગમાં લેવામાં આવતાં હતાં.

વનસ્પતિ અને પ્રાણીઓના જીવંત કોષોમાં ઉત્પન્ન થતી ઔષધિઓ નૈસર્ગિક ઔષધિઓ ગણાય છે. આ ઔષધિઓનો અભ્યાસ ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) નામની શાખામાં કરાય છે. સંપૂર્ણ છોડ કે પ્રાણી અથવા તેના અમુક ભાગો જેવાં કે પર્ણ (મીંઢીઆવળ), છાલ (તજ, સિંકોના), બીજ (ઝેરકોચલું), ફળ (વરિયાળી), ફૂલ (લવિંગ), પ્રકાંડ (આદું), કાષ્ઠ (ચંદન), મૂળ (ઇપિકૅકુઆહ્માહા) વગેરે ઉપયોગમાં લેવાય છે. કેટલીક વાર વનસ્પતિજ પદાર્થો ઉપર સાદી પ્રક્રિયાથી ઔષધ મેળવાય છે; દા. ત., એળિયો (કુંવારપાઠામાંથી), અફીણ (પોશના ડોડામાંથી). યકૃતનો નિષ્કર્ષ (liver extract), કૉડ માછલીનું તેલ, કસ્તૂરી, મીણ, અંત:સ્રાવો વગેરે પ્રાણીજ ઔષધોનાં ઉદાહરણો છે.

આધુનિક સંશોધને પ્રાચીન સમયથી વપરાતાં કેટલાંય ઔષધોને સમર્થન આપ્યું છે તેથી તે હાલ પણ વપરાશમાં છે; દા.ત., ઇફેડ્રીન, મૉર્ફિન, એટ્રોપીન, હાયોસાયમીન, હાયોસીન, કોકેન, ઇમેટિન, રિસર્પાઇન, કોલ્ચિસીન અને ડિજિટેલિસ વગેરે પ્રાચીન ઔષધોના શુદ્ધ સક્રિય ઘટકો રૂપે વપરાશમાં છે. મીંઢીઆવળ, એળિયો, રહુબાર્બ ઇસબગૂલ વગેરે અપરિષ્કૃત રૂપે વપરાય છે.

યુરોપમાં પ્રાચીન સમયથી સંધિવા માટે વિલો (salix alba) વૃક્ષની છાલ વપરાતી. તેમાંના સક્રિય ગ્લાયકોસાઇડ એલિસિનમાંથી સેલિસિલ આલ્કોહૉલ મેળવાયો હતો, જેમાંથી સેલિસિલિક ઍસિડ 1838માં બનાવવામાં આવ્યો હતો. હૉફમૅન નામના જર્મન રસાયણશાસ્ત્રીએ તેના પિતાના સંધિવાના ઉપચાર માટે સેલિસિલિક ઍસિડના સહ્ય (tolerant) વ્યુત્પન્નોની શોધમાં એ બનાવ્યું (1898), જેના ભેષજીય ગુણોનો ડ્રેસરે અભ્યાસ કર્યો હતો. સંશ્લેષિત ઔષધોમાં ઍસ્પિરિન સૌથી વધુ વર્ષોથી વપરાશમાં છે. તાજેતરમાં અમેરિકામાં લગભગ એક અબજ ઔષધપત્રો(prescriptions)ના સર્વેક્ષણ ઉપરથી માલૂમ પડ્યું કે લગભગ 23 % ઔષધપત્રોમાં સૂચવેલ ઔષધો વનસ્પતિજ પ્રકારનાં હતાં.

ઔષધો ઉપરાંત આ ઔષધોનાં પ્રરૂપો (formulations) પણ અગત્યનાં છે. ગોળીઓ, ટીકડીઓ, કૅપ્સ્યૂલ, કૅચેટ, ચૂર્ણ, દાણાદાર (granular) પાઉડર, પાણીમાં નાખતાં ઊભરો આવે તેવા દાણાદાર પાઉડર, સાદાં દ્રાવણો, મિશ્રણો, ઉકાળા, સિરપ, પાયસો (emulsions) વગેરે આનાં ઉદાહરણો છે. બાહ્યોપચાર માટે દ્રાવણો, મિશ્રણો, લોશન, લિનિમેન્ટ અને પાયસો વપરાય છે. કાન, નાક, આંખ માટેનાં ટીપાં, મુખશુદ્ધિ માટેનાં પ્રવાહીઓ, છંટકાવ માટેનાં ઘન કે પ્રવાહીઓ, નાસિકામાર્ગથી દાખલ કરવાનાં ઔષધો માટે ઇનહેલરો, ક્રીમ, મલમ, સપૉઝિટરી, પેસરી, એનિમા માટેનાં પ્રવાહીઓ, જેલી (ગુદા કે યોનિમાર્ગ માટે) વગેરે પ્રરૂપો પણ પ્રચલિત છે.

સૌંદર્યપ્રસાધનોમાં ઔષધીય ગુણો ધરાવતા ઘટકોના ઉપયોગ કરાય છે. ફેસ-પાઉડર, કેશ માટેનાં તેલ અને ક્રીમ, દંતમંજન માટે પાઉડર અને પેસ્ટ, ત્વચા ઉપર લગાડવાનાં ક્રીમ તથા લોશન, નેત્રાંજનો, નખની પૉલિશ, લિપસ્ટિક, સૌંદર્યના નિખાર માટે ઉપયોગી બ્લીચ અને સાબુ, નકામા વાળ દૂર કરવા માટેના પદાર્થો, દાઢી બનાવવાના સાબુ, લોશન, ક્રીમ, સ્પ્રે વગેરેમાં આવા ઘટકો ઉમેરાય છે.

વનસ્પતિની વૃદ્ધિ અને સૂક્ષ્મજીવાણુઓ અને વિષાણુઓથી તેમનું રક્ષણ કરવા વપરાતા પદાર્થોને વનસ્પતિનાં ઔષધો ગણી શકાય. આયુર્વિજ્ઞાનની અને સંબંધિત વિજ્ઞાનની કેટલીય શાખાઓમાં થયેલ સંશોધને ઔષધોના વિકાસમાં ઘણો અગત્યનો ફાળો આપ્યો છે. સોળમી સદીમાં યુરોપમાં થઈ ગયેલ આયુર્વિજ્ઞાનીઓમાં પેરેસેલ્સનું નામ મોખરાનું ગણાય છે. વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કરનાર તરીકે અને વનસ્પતિજ દ્રવ્યોને સ્થાને ખનિજ દ્રવ્યોને ઔષધ તરીકે વાપરનાર તરીકે તે જાણીતો છે. 1700 સુધી કેવાં ઔષધો વપરાતાં તેનો ખ્યાલ એલિક્સિર યુનિવર્સેલમાં વપરાતા ઘટકો ઉપરથી આવી શકશે. સુવર્ણ, સિંહનું ચૂર્ણરૂપ હૃદય, અળશિયાં, મનુષ્યનું સૂકવેલ મગજ અને ઇજિપ્તની ડુંગળી આમાં વપરાતાં.

વિલિયમ હાર્વેએ રક્તના પરિભ્રમણનો પ્રયોગસમર્થિત ખ્યાલ 1616ની આસપાસ રજૂ કર્યો. શરીરરચના (anatomy), શરીરક્રિયા-વિજ્ઞાન (physiology), વિકૃતિવિજ્ઞાન (pathology) અને સૂક્ષ્મજીવવિજ્ઞાનનો પણ સાથે સાથે વિકાસ થવા માંડ્યો હતો. લ્યૂવન હૂકે શોધેલ સૂક્ષ્મદર્શકે આ શાખાઓના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. આ સમગ્ર વિકાસને કારણે રોગોનાં પ્રયોગસમર્થિત કારણો શોધી કાઢવાનું શક્ય બન્યું.

ઍક્સ-કિરણો તથા રેડિયમની શોધે આયુર્વિજ્ઞાનના વિકાસમાં કીમતી ફાળો આપ્યો છે. તાજેતરમાં વપરાશમાં આવેલ સોનોગ્રાફી અને ન્યૂક્લિયર મૅગ્નેટિક રેઝનન્સ પદ્ધતિઓ રોગનિદાનમાં અતિઉપયોગી સાબિત થઈ છે. તે શરીર પર કોઈ પણ પ્રકારનું નુકસાન કરતી નથી તે તેમની ઉપયોગિતા વધારવામાં કારણભૂત છે. 1799માં ડેવીએ નાઇટ્રસ ઑક્સાઇડનો, લાગે 1842માં તથા મૉર્ટને 1846માં ઈથરનો અને 1847માં સિમ્પસને ક્લૉરોફૉર્મનો નિશ્ચેતક તરીકેનો ગુણ શોધી કાઢ્યો અને શસ્ત્રક્રિયાને પીડા અને યાતનારહિત બનાવી.

ફ્રેંચ ક્રાંતિની સાથે સાથે વિચારકોમાં વૈચારિક ક્રાંતિ પણ આ સમયે થઈ. વિજ્ઞાને પરંપરાથી ચાલી આવતો તર્ક-આધારિત માર્ગ છોડીને અવલોકન અને પ્રયોગ-આધારિત માર્ગે પ્રયાણ કરવાનું નક્કી કર્યું. વિજ્ઞાનમાં છેલ્લાં 200 વર્ષમાં થયેલ આશ્ચર્યજનક પ્રગતિના આ વલણે ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે.

સ્પેલ્લાનઝાનીએ પ્રાયોગિક રીતે સાબિત કર્યું કે જીવન જીવનમાંથી જ આવી શકે. આ જેટલું મોટા જીવો માટે તેટલું જ સૂક્ષ્મજીવો માટે પણ સાચું છે. લુઈ પાશ્ચરે શર્કરાયુક્ત પદાર્થોના આથવણ મારફત આલ્કોહૉલના નિર્માણનો યીસ્ટની વૃદ્ધિ સાથે સંબંધ પ્રસ્થાપિત કર્યો. 1837માં પાશ્ચરે રેશમના કીડાનો રોગ પણ સૂક્ષ્મજીવાણુઓને લીધે છે તેમ સાબિત કર્યું અને તેનો ઉપાય યોજીને ફ્રાંસના રેશમ-ઉદ્યોગનો નાશ થતો અટકાવ્યો. રૉબર્ટ કૉખે (1876) ઢોરને થતા ઍન્થ્રેક્સ અને મનુષ્યને થતા ક્ષય અને કૉલેરા માટેના જવાબદાર જીવાણુઓ શોધી કાઢ્યા. તેણે આ જીવાણુઓને પ્રાણીજ શરીરમાંથી અલગ કરી સંશ્લેષિત માધ્યમમાં સંવર્ધિત કરી શુદ્ધ સૂક્ષ્મ જીવાણુઓને તંદુરસ્ત પ્રાણીના શરીરમાં દાખલ કરીને જે તે રોગ પણ પેદા કરી બતાવ્યો. આ રીતે રોગ અને સૂક્ષ્મ જીવાણુઓ વચ્ચેનો સંબંધ તેણે નિર્વિવાદ રીતે સ્થાપ્યો.

એક જમાનામાં મલેરિયા ખરાબ હવાથી થાય છે તેમ માનવામાં આવતું હતું. લેવેરોન (1880), મેન્સન (1877-79) અને રૉસ(1818)ના કાર્યથી નક્કી થઈ શક્યું કે ઍનોફિલીસ મચ્છરની માદા મારફત શરીરમાં દાખલ થતા અમુક પ્રકારના પ્રોટોઝોઆને લીધે આ રોગ થાય છે. ઘણા સંક્રામક રોગો પેદા કરનાર સૂક્ષ્મજીવાણુઓને ઓળખી કાઢવામાં આવ્યાં અને તેમના જીવનચક્ર (life cycle) વિશે રસપ્રદ માહિતી એકઠી કરવામાં આવી. ઓગણીસમી સદી સુધી બધાં જ ઔષધો અપરિષ્કૃત રૂપે જ વપરાતાં હતાં. રસાયણશાસ્ત્રનો વિકાસ સધાતાં આ વનસ્પતિજ પદાર્થોમાંથી શુદ્ધ રૂપમાં સક્રિય પદાર્થો મેળવવામાં આવ્યા હતા; દા. ત., સિંકોના ઝાડની છાલને બદલે મલેરિયા ઉપર ક્વિનીન અને અફીણને બદલે પીડાશામક તરીકે મૉર્ફિન વપરાશમાં આવ્યો. શુદ્ધ પદાર્થો વાપરવાથી માત્રાની ચોકસાઈ વધી અને અપરિષ્કૃત ઔષધોમાં રહેલ બીજા પદાર્થોની અનિચ્છનીય આડઅસરોમાંથી મુક્તિ શક્ય બની. આ શુદ્ધ પદાર્થોના તથા સંબંધિત પદાર્થોના રાસાયણિક બંધારણના અભ્યાસ ઉપરથી બંધારણ-સક્રિયતા (structure-activity) સંબંધનો અભ્યાસ પણ શરૂ થયો.

1909માં પોલ એહરલીખ દ્વારા સિફિલિસ(ચાંદી)નું અજોડ ઔષધ સાલ્વરસાન (અને નિયૉસાલ્વરસાન) શોધાયું. 1932માં ગેરહાર્ટ ડોમેગ્કે સ્ટ્રૅપ્ટોકોકલ ચેપના ઉપચાર માટે પ્રૉન્ટોસીલ રૂબ્રમ શોધી કાઢ્યું. થોડા જ સમયમાં ફ્રેંચ વૈજ્ઞાનિક ફૉર્નો અને તેના સાથીદારોએ શોધી કાઢ્યું કે પ્રૉન્ટોસીલનું શરીરમાં વિઘટન થતાં ઉત્પન્ન થતું સલ્ફાનિલ એમાઇડ સક્રિય ઔષધ છે. આ શોધ પછી હજારોની સંખ્યામાં સલ્ફા-ઔષધો બનાવાયાં અને ઓછાં વિષાળુ તથા વધુ સક્રિય ઔષધો મેળવી શકાયાં છે; દા. ત., સલ્ફામિથૉક્સેઝોલ. 1928માં ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગે આકસ્મિક રીતે પેનિસિલીનની શોધ કરીને પ્રતિજીવીઓ(anti-biotics)ના યુગની શરૂઆત કરી. આ દિશામાં વધુ સંશોધન થતાં સ્ટ્રૅપ્ટોમાયસીન, ક્લૉરએમ્ફ્રેનિકોલ, ટેટ્રાસાઇક્લીન વગેરે ઘણાં ઉપયોગી પ્રતિજીવીઓની શોધ શક્ય બની. 1959માં 6-ઍમિનોપેનિસિલાનિક ઍસિડ મેળવવાનું શક્ય બનતાં સેંકડોના હિસાબે અર્ધસંશ્લેષિત પ્રતિજીવીઓનું નિર્માણ શક્ય બન્યું. આમાંનાં કેટલાંક મુખમાર્ગે પણ સક્રિય છે, જ્યારે કેટલાંક સામાન્ય બેન્ઝાઇલ પેનિસિલીન પ્રત્યે પ્રતિકાર (resistance) દર્શાવતાં સૂક્ષ્મ જીવાણુઓને પણ કાબૂમાં લઈ શકે છે અને એક કરતાં વધુ પ્રકારનાં સૂક્ષ્મ જીવાણુઓ ઉપર અસરકારક હોય છે.

પ્રતિરક્ષા (immunity) : વિષાણુઓથી થતા કેટલાક રોગોના પ્રતિકાર માટે રસી શોધાતાં રોગનિરોધની એક નવી જ પદ્ધતિના શ્રીગણેશ મંડાયા. જેનરે (1796) શીતળાની રસી, પાશ્ચરે (1885) હડકવાની રસી, બેહરિંગે (1890-93) ડિફ્થેરિયાની રસી તથા જોનાસ સાલ્કે (1960) બાળલકવાની રસી શોધી કાઢી હતી. ટાઇફૉઇડ, ક્ષય (બી.સી.જી.), ઊંટાટિયું, ઓરી, અછબડા વગેરેની રસી પણ વપરાશમાં છે. આમ રોગપ્રતિરક્ષાની નવી શાખા રસાયણચિકિત્સા(chemo-therapy)ની પૂરક શાખા તરીકે અસ્તિત્વમાં આવી.

અંત:સ્રાવી ચિકિત્સા (endocrine therapy) : અંત:સ્રાવી ગ્રંથિઓમાંથી સ્રવતા પદાર્થોની શોધથી આ ગ્રંથિઓના અનિયમિત કાર્યને લીધે થતા રોગો ઉપર પણ અંકુશ મેળવી શકાયો છે; દા. ત., મધુપ્રમેહ ઉપર ઇન્સ્યુલિન (1921). થાઇરૉઇડ ગ્રંથિની અલ્પક્રિયતા માટે થાયરૉક્સિન વપરાય છે. એડ્રિનલ કૉર્ટેક્સમાંથી સ્રવતાં રસાયણોના અભ્યાસના પરિપાકરૂપ સંધિવા ઉપર નવાઈ પમાડે તેવું અસરકારક (કેટલીક ગંભીર આડઅસરો સહિત) સંયોજન કૉર્ટિસોન મળી આવ્યું. [ફિલિપ્સ હેન્સ અને એડ્વર્ડ કૅન્ડલ (1935-1949).] જાતીય હૉર્મોનના અભ્યાસમાંથી જાતીય રોગો ઉપર ઉપયોગી સંયોજનો ઉપરાંત ઉપચાયક (anabolic) ગુણો ધરાવનાર સંયોજનો તથા મુખમાર્ગી ગર્ભનિરોધકો મળી આવ્યાં છે. તાજેતરમાં શોધાયેલ અને શરીરમાં જ ઉત્પન્ન થતાં પ્રોસ્ટાગ્લેન્ડિન્સ અને એન્ડોકિન્સ જેવા પદાર્થો ઔષધીય રસાયણમાં ક્રાંતિકારી ભાગ ભજવે તેવી પૂરી શક્યતા છે.

આહારઘટકો ઔષધ તરીકે : એકમાન, હોપકિન્સ, ફ્રુંક વગેરેના સંશોધન ઉપરથી માલૂમ પડ્યું કે ખોરાકના અમુક ઘટકો સૂક્ષ્મ પ્રમાણમાં જરૂરી છે. આ ન મળતાં ઊણપજન્ય રોગો (deficiency diseases) થાય છે. આ પદાર્થોને વિટામિન તરીકે ઓળખવામાં આવે છે. આમાંનાં કેટલાંક સંશ્લેષિત રીતે બનાવી શકાતાં પ્રજાના આર્થિક રીતે નબળા વર્ગોને અપૂર્ણતાના રોગોથી બચાવવા પૌષ્ટિક (enriched) ખોરાકની યોજનાઓ અમલમાં મૂકવાનું શક્ય બન્યું છે. આમાંનાં કેટલાંક વિટામિનો ઔષધો તરીકે વપરાય છે; દા. ત., વિટામિન A રતાંધળાપણામાં, વિટામિન B12 અરક્તતામાં (anaemia), ફૉલિક ઍસિડ સંગ્રહણી અને અરક્તતામાં, વિટામિન C સ્કર્વીમાં, વિટામિન D રિકેટ્સમાં, વિટામિન K રક્તસ્રાવ અટકાવવામાં.

કૅન્સરની સારવાર : કૅન્સરની સારવારમાં ઍક્સ-કિરણો, ગૅમા-કિરણો, રેડિયો-સક્રિય સમસ્થાનિકો (radio-active isotopes) તથા રસાયણચિકિત્સા ઉપયોગી છે.

ઉષ્ણકટિબંધના રોગો ઉપરનાં ઔષધો : વીસમી સદીના પ્રથમ છ દસકામાં ઉષ્ણકટિબંધના ત્રણ મહારોગો – મલેરિયા, પીત-જ્વર અને કુષ્ઠરોગ (leprosy) ઉપર સારો એવો અંકુશ મેળવી શકાયો હતો. કીટનાશકો મારફત મચ્છરોનો સંપૂર્ણ નાશ શક્ય નહિ બનતાં મલેરિયાના પ્રશ્નનું હજુ પૂર્ણ નિરાકરણ થયું ન ગણાય. પીતજ્વરના નિયંત્રણ માટે મચ્છરો ઉપર કાબૂ અને પ્રતિરક્ષા – એમ દ્વિપાંખીયો વ્યૂહ ગોઠવવામાં આવ્યો છે. સલ્ફૉનની શોધથી કુષ્ઠરોગ ઉપર સારો એવો અંકુશ આવી શક્યો છે.

મનોલક્ષી ઔષધો (psychopharmacological drugs) : વ્યક્તિની મન:સ્થિતિ(mood)માં ફેરફાર કરી શકે તેવા, ઉન્માદરોધી (antipsychotic), ઉદ્વેગરોધી (antianxiety), ઉદાસીનતારોધી (antidepressant) ઔષધોની શોધથી મનશ્ચિકિત્સામાં ક્રાંતિકારી ફેરફારો થઈ રહ્યા છે. ફિનોથાયાઝીન, બ્યુટિરોફિનોન, મેપ્રોબામેટ અને બેન્ઝોડાયાઝેપાઇન વર્ગનાં સંયોજનો આ દિશામાં ઘણાં ઉપયોગી નીવડ્યાં છે.

ઔષધો અને શરીરતંત્ર : ઔષધો શરીરના કોષીય તંત્ર(cellular machinery)ના કાર્યને ઉત્તેજિત કે મંદ કરે છે. છેવટે શરીરની મુખ્ય પેશીઓના અતિસૂક્ષ્મ તંત્ર સુધી ઔષધના અણુઓ પહોંચીને ગ્રાહી અંગો તરીકે ઓળખાતી કોષીય સંરચના ઉપર તેમની અસર ઉપજાવે છે. ઔષધ શરીરમાં દાખલ થાય ત્યાંથી તેની જે સ્થાને અસર ઉપજાવવાની હોય ત્યાં પહોંચતાં સુધીની તેની મુસાફરી ઘણી સંકીર્ણ હોય છે.

ઔષધને શરીરમાં વિવિધ માર્ગે દાખલ કરી શકાય છે : (1) ત્વચા : પાવડર, ક્રીમ, લોશન, મલમ અથવા દ્રાવણ રૂપે ઔષધને ત્વચા ઉપર લગાવી શકાય. ચામડી મારફત ઔષધનો અમુક ભાગ શરીરમાં દાખલ થાય છે. ટ્યૂબરક્યૂલિન કસોટીમાં ઔષધને ચામડીમાં ઇન્જેક્શન મારફત દાખલ કરાય છે. (2) ઇન્જેક્શન : ઇન્જેક્શન મારફત ઔષધને શરીરની પેશીઓ કે પ્રવાહીઓમાં સીધું દાખલ કરી શકાય છે. તે ચામડી નીચે (subcutaneously) કે પેશીઓમાં (intramuscular) અપાય છે. ઔષધનું પરિણામ ત્વરિત મેળવવા માટે તેને શિરામાં અથવા ક્વચિત્ ધમનીમાં ઇન્જેક્શન મારફત દાખલ કરાય છે. ઔષધનું પરિવહન ક્ષણોમાં જ પરિસંચરણ (circulatory) પ્રણાલીમાં થતાં તેની ઝડપી અસર થાય છે. કોઈ વાર ઇન્જેક્શન મારફત ઔષધને અસ્થિમજ્જામાં, પેટના પોલાણમાં કે કરોડસ્તંભમાં દાખલ કરાય છે. (3) અન્નમાર્ગ : આ માર્ગ મોંથી શરૂ થઈ, હોજરી તેમજ આંતરડા રૂપે આગળ વધી ગુદા આગળ સમાપ્ત થાય છે. તેની લંબાઈ લગભગ 9 મીટર જેટલી છે. નાઇટ્રોગ્લિસરીન જેવું ઔષધ મોંની અંદરની શ્લેષ્મ ત્વચા મારફત શરીરમાં દાખલ થાય છે. ઍસ્પિરિન અને દારૂ હોજરીમાં શોષાય છે. હોજરીનો દાહ (irritation) અટકાવવા કેટલાંક ઔષધો ખોરાક સાથે લેવાય છે. કેટલાંક ઔષધો ભૂખ્યા પેટે લેવાય છે; જેથી તેમના શોષણમાં ખોરાકને કારણે ખલેલ ન પહોંચે. હોજરીથી આગળ જતાં નાના આંતરડામાં ઔષધો શોષાય છે. કેટલાંક ઔષધો ગુદા મારફત પણ શોષાઈને શરીરમાં દાખલ થાય છે. (4) શ્વસનમાર્ગ : કોકેન, હેરોઇન તથા તમાકુ (છીંકણી) નાસિકામાર્ગમાં શોષાય છે. ફેફસાંમાં વાયુ-દ્રવ્યો અને નિશ્ચેતકો શોષવા માટે વ્યાપક પ્રમાણમાં પેશીઓ હોય છે. આ ઉપરાંત આંખ, મૂત્રનલિકા (urethra) તથા યોનિમાર્ગ વગેરે માર્ગે પણ ઔષધો શરીરમાં પહોંચાડાય છે.

ઔષધની અસરકારકતા રોગની ચોક્કસ જગાએ પહોંચવા પર આધાર રાખે છે. ઔષધના શોષણ (absorption) દ્વારા આ થાય છે. મોટાભાગનાં ઔષધો કાં તો મંદ ઍસિડિક કે મંદ બેઝિક પદાર્થો હોઈ અન્નનળીમાં તેમનું શોષણ તેમના pKa મૂલ્ય ઉપર આધાર રાખે છે. ચોક્કસ pH મૂલ્યે જ ઔષધ વધુ આયનીકરણ પામે તેને વધુ જળદ્રાવ્ય બને છે. આમ ન થાય ત્યાં સુધી તે તૈલદ્રવ્ય સ્થિતિમાં રહે છે. મંદ ઍસિડિક ઔષધો મુખ્યત્વે હોજરીમાં શોષાય છે. આંતરડાંની બેઝિકતાને કારણે મંદ બેઝિક ઔષધો આંતરડામાં શોષાય છે. આમ બેઝિક ઔષધ જેમ વધુ તૈલદ્રાવ્ય તેમ આંતરડામાં તેનું શોષણ ઝડપથી થાય છે.

રક્તના અભિસરણતંત્રમાં ઔષધનું દાખલ થવું એ એક લાંબી પ્રક્રિયા છે. મોં વાટે લેવાયેલ ઔષધ અંતાંત્ર(ileum)માં પ્રવેશી મોટી વાહિકાઓ દ્વારા નિવાહી શિરા(portal vein)માં દાખલ થાય છે, જ્યાંથી તે યકૃતમાં જાય છે. અહીં તેમાંના અમુક ભાગનું ઉત્સેચકો મારફત ચયાપચયન થાય છે. મૂળ અને રૂપાંતરિત ઔષધ નિમ્ન મહાશિરા(inferior vena cava)માં દાખલ થઈને હૃદયમાં પ્રવેશે છે. અહીંથી ફેફસાંમાં જઈને તે ફરી હૃદયમાં પ્રવેશી ધમનીપ્રણાલી મારફત શરીરના વિવિધ ભાગોમાં પહોંચી જાય છે. કેશવાહિનીમાંથી બહાર આવતું કેટલુંક ઔષધ લસિકાવાહિનીતંત્ર (lymphatic system) મારફત ફરી પાછું અભિસરણતંત્રમાં દાખલ થાય છે. મગજની કેશવાહિનીમાં ગયેલ ઔષધ મગજની પેશીઓમાં સરળતાથી પ્રવેશ પામી શકતું નથી. આથી ઔષધનો અતિ અલ્પ ભાગ જ મગજમાં તથા કરોડરજ્જુમાં પ્રવેશી શકે છે. દરેક ઔષધ માટે જૈવિક રીતે ક્રિયાશીલ ઔષધનું પ્રમાણ શોધી કાઢવામાં આવે છે અને ઔષધની માત્રા અનુરૂપ રાખવામાં આવે છે. પ્લાઝ્મા પ્રોટીન સાથે જોડાયેલ ઔષધ અથવા જ્યાં જરૂર ન હોય તેવી પેશીઓમાં સંગ્રહાયેલ ઔષધ જલદીથી ઉપયોગમાં આવતું નથી.

કોઈ પણ બાહ્ય પદાર્થ શરીરમાં દાખલ થતાં શરીર તેને બહાર કાઢી નાખવાનો પ્રયત્ન કરે છે. આને ઉત્સર્ગ (excretion) કહે છે. ઔષધોનું યકૃતમાં ઉત્સેચકો વડે રૂપાંતર થાય છે. રૂપાંતરિત દ્રવ્ય પણ કેટલીક વાર સક્રિયતા દર્શાવે છે. તૈલદ્રાવ્ય ઔષધ આ રૂપાંતરમાં જલદ્રાવ્ય બને છે અને તેનું મૂત્રપિંડ મારફત ઉત્સર્જન થાય છે. ત્વચા, થૂંક, આંસુ, નખ, દાંત કે ધાવણ મારફત પણ ઉત્સર્જન થતું હોય છે.

ઔષધો ઉપર ઉત્સેચક મારફત થતું રૂપાંતર ચયાપચય તરીકે ઓળખાય છે. તેમાં ઔષધોનું વિઘટન, બીજાં ઔષધ સાથે જોડાણ, ઑક્સિજન સાથે જોડાણ, ચોક્કસ પરમાણુનું પ્રતિસ્થાપન વગેરે ક્રિયાઓ થાય છે. કેટલાંક ઔષધોનું સ્વરૂપ જ ઘણી વાર રોગના સ્થાને પહોંચતાં સુધીમાં બદલાઈ જાય છે. આ ક્રિયા યકૃત અને મૂત્રપિંડમાં થાય છે. એક ઔષધ ઉપરની ઉત્સેચક-ક્રિયાશીલતા બીજા ઔષધની હાજરીથી અસર પામે છે. કેટલાંક ઔષધો ઉત્સેચકો(મૉનોઍમાઇન ઑક્સિડેઝ અને એસેટાઇલ કૉલિનેસ્ટરેઝ)ની અસરકારકતામાં રુકાવટ પણ કરી શકે છે. ઔષધની ક્રિયાશીલતાના પાયામાં આ બાબત રહેલી છે.

દરેક વ્યક્તિ કદ, વજન, યકૃત, ઉત્સેચકોની ક્રિયાશીલતા, શોષણ, બંધનની તથા ઉત્સર્ગક્ષમતા વગેરેમાં એકબીજાથી અલગ પડતી હોય છે. જુદી જુદી ઉંમરે ઔષધનો ચયાપચય કરવાની ક્ષમતામાં પણ તફાવત હોય છે. અપરિપક્વ યકૃતવાળું બાળક તથા ચયાપચયની ઘટતી ક્ષમતાવાળી વૃદ્ધ વ્યક્તિ ઔષધના ચયાપચયમાં યુવાન વ્યક્તિના સંદર્ભમાં વધુ સમય લે છે. આમ એક જ માત્રામાં અપાયેલ ઔષધની જુદી જુદી વ્યક્તિઓ ઉપર ભિન્ન ભિન્ન અસર થવાની શક્યતા છે. આ બધી બાબતોનો વિચાર કરીને ઔષધની માત્રા નક્કી કરાય છે. ઔષધ કેટલો સમય સુધી શરીરમાં રહેશે અને કેટલા સમય બાદ તે શરીરમાં સંપૂર્ણપણે ઉત્સર્જિત થઈ જશે તે બાબત પણ માત્રા નક્કી કરવામાં અસર કરે છે. આથી દરેક ઔષધનું અડધું પ્રમાણ કેટલા સમયમાં (half life period) બહાર આવશે તે શોધી કાઢવામાં આવે છે.

ઔષધોની આડઅસરો : એક ઔષધ બીજા ઔષધની સક્રિયતા ઉપર અસર કરી શકે છે; દા. ત., આલ્કોહૉલ બાર્બિટ્યુરેટ્સની અસરમાં ઉમેરો કરે છે. આ કોઈ વાર જોખમ ઊભું કરે તેવી શક્યતા છે. ટેટ્રાસાઇક્લિનના શોષણમાં દૂધ જેવા અમ્લતા ઘટાડનાર પદાર્થો રુકાવટ કરે છે. કૅલ્શિયમ અને ફ્લોરિન એકબીજા વચ્ચે પ્રક્રિયા કરી કરીને બંનેની અસર નાબૂદ કરે છે. આ બાબત ઔષધપત્ર તૈયાર કરતાં ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે.

મુખ્ય રોગના ઉપચાર સિવાય ઔષધ દ્વારા થતી બધી અસરો આડઅસરો કહેવાય; દા. ત., ઍસ્પિરિનથી જઠર ઉપર ક્ષોભક (irritating) અસર થતાં બળતરા, ઊબકા, ઊલટી અને ઝાડા થઈ જાય છે. પ્રતિકૉલિનર્જિક ઔષધો ર્દષ્ટિની ઝાંખપ, મોં સુકાઈ જવું, કબજિયાત, હૃદયના ઝડપી ધબકારા વગેરે આડઅસરો દર્શાવે છે.

કેટલાંક ઔષધો ચળ, ચામડી ઉપર લાલ ચકામાં (rash), શ્વાસની તકલીફ, હાથ, પગ, મોંના સોજા, બેભાન થવું, આઘાત વગેરે જેવી ગંભીર અસરો પેદા કરે છે. આ ઍલર્જી તરીકે ઓળખાય છે. મુખમાર્ગના બદલે ઇન્જેક્શનમાં આવી અસરો વધુ ગંભીર પ્રકારની હોય છે.

ઔષધોની વિષાલુ અસર પણ થાય છે. કોઈ વાર આ અસર ઔષધીય અસરનું વિસ્તરણ (extension) જ હોય છે; દા. ત., ઉદ્વેગરોધી ઔષધો(tranquilizers)ની ઘેનની અસર. ઔષધોની વિષાળુ અસરથી યકૃત અને મૂત્રપિંડોને નુકસાન થાય છે; દા. ત., યકૃતનો રસાયણ-કમળો.

કોઈ વાર ઔષધની વિષાળુતા નવજાત શિશુ ઉપર વિકૃતિ લાદે છે; દા. ત., સગર્ભા સ્ત્રીઓએ થૅલિડોમાઇડ લેવાથી હાથપગ વગરનાં બાળકો જન્મ્યાં હતાં. આ અસર ટેરેટોજેનિક અસર કહેવાય છે. સામાન્ય રીતે ઑર (placenta) અવરોધનું કાર્ય કરીને ઔષધોને ગર્ભ સુધી પહોંચવા દેતી જ નથી. આવી ગંભીર વિષાળુતા ધ્યાન બહાર ન જાય તે માટે બધાં જ નવાં ઔષધોની આ માટેની ચકાસણી ખાસ કરાય છે.

ઔષધોની વિષાળુતાનું માપ ચિકિત્સા-આંક (therapeutic index) દ્વારા દર્શાવાય છે :

LD50 = ઔષધની માત્રા, જે પ્રયોગ માટે લીધેલ પ્રાણીઓના 50 % માટે ઘાતક હોય છે. ED50 = ઔષધની માત્રા, જે પ્રયોગ માટે લીધેલ પ્રાણીઓના 50 %માં ચિકિત્સાનો પ્રતિભાવ સ્પષ્ટ દેખાય. જેમ ચિકિત્સા-આંકનું મૂલ્ય વધુ તેમ તે ઔષધની વિષાળુતા ઓછી.

કેટલીક વાર કૅન્સર જેવા રોગોમાં ઔષધોથી થતો ફાયદો તેની વિષાળુતાના મુકાબલે વધુ ઇચ્છનીય હોઈ વિષાળુતાનું જોખમ લઈને પણ આ ઔષધો વપરાય છે. નવાં ઔષધોની શોધ કરતી વખતે ઔષધોની આડઅસરો તથા વિષાળુતા ઉપર ખાસ ધ્યાન અપાય છે.

ઔષધોની શોધ અને વિકાસ : આશાસ્પદ લાગતા અણુના બંધારણમાં યોગ્ય રાસાયણિક રૂપાંતર કરીને આ રૂપાંતરિત અણુરચના ધરાવતાં સંયોજનોનું સંશ્લેષણ કરીને, દરેકની (સૂક્ષ્મ જીવાણુઓ ઉપર અને પ્રાણીઓ ઉપર) ઘનિષ્ઠ ચકાસણી કરીને ઇષ્ટતમ ગુણોવાળા સંયોજનની પસંદગી – એ માર્ગ નવાં ઔષધોની શોધ માટે લાંબા સમયથી વપરાય છે અને ભવિષ્યમાં પણ તે જ માર્ગે સંશોધન ચાલુ રહેવાનો સંભવ છે. આશાસ્પદ અણુબંધારણની પસંદગી એ ખરેખર અટપટું અને મુશ્કેલ કાર્ય છે. આ માટે કુદરતમાં મળતા પદાર્થો, ઔષધનું ચયાપચય અને ઔષધોની સક્રિયતા અંગેના અધિતર્ક વગેરે બાબતોનો અભ્યાસ કરાય છે. પસંદ કરાયેલ અણુમાં રૂપાંતર કરવા માટે, જાણીતાં ઔષધના બંધારણ-સક્રિયતા સંબંધોનો ઉપયોગ કરવામાં આવે છે. ઔષધોની છેવટની પસંદગી કરતાં પહેલાં મનોવૈજ્ઞાનિક અસરોને ધ્યાનમાં લેવા માટે ખાસ પદ્ધતિ યોજવામાં આવે છે. એક સમૂહના દર્દીઓને ઔષધ આપવામાં આવે છે. બીજા સમૂહને આ ઔષધ વગરનું પણ બીજી રીતે પ્રથમ સમૂહના ઔષધ સાથે બાહ્ય સામ્ય ધરાવતો પદાર્થ (placebo – છદ્મ ઔષધ) અપાય છે. કયા સમૂહને ખરું અને કયા સમૂહને છદ્મ ઔષધ આપેલું છે તેની ફક્ત એક નિષ્ણાત સિવાય કોઈને ખબર હોતી નથી. આને double blind પદ્ધતિ કહે છે. આ ચકાસણીમાં પાર ઊતરે તેને જ ઔષધ તરીકે સ્વીકારાય છે. આ પદ્ધતિથી પ્રાચીન સમયમાં  વપરાતાં કેટલાક વનસ્પતિજ ઔષધો ખરેખર અસરકર્તા નથી તેમ સાબિત થયું છે.

સંક્રામક રોગો માટેના કારણભૂત સૂક્ષ્મ જીવાણુઓ તથા વિષાણુઓ શોધાતાં તેમાંનાં ઘણાખરાનું પ્રાણીઓમાં સંવર્ધન શક્ય બન્યું. આથી રાસાયણિક પદાર્થોનું યોજનાપૂર્વક સંશ્લેષણ કરીને વિવિધ સૂક્ષ્મ જીવાણુઓ ઉપર તેમની અસરકારકતા ચકાસવાનું શક્ય બન્યું. આ ક્ષેત્રે શરૂઆતમાં જર્મન રાસાયણિક ઉદ્યોગોનું પ્રદાન મુખ્ય હતું. સાલ્વરસાન, પ્રૉન્ટોસિલ રૂબ્રમ, એટેબ્રિન, પ્લાસ્મોક્વિન વગેરે અંગેનું સંશોધન જર્મન ઉદ્યોગક્ષેત્રે થયેલું છે. હાલમાં પણ વિશ્વભરમાં યુનિવર્સિટીની પ્રયોગશાળાઓના મુકાબલે ઔષધક્ષેત્રની બહુરાષ્ટ્રીય કંપનીઓ મારફત ઔષધો અંગેનું સંશોધન વધુ વિશાળ પાયા ઉપર ચાલે છે. કેટલીક કંપનીઓ વેચાણની 10થી 20 ટકા રકમ સંશોધનક્ષેત્રે ખર્ચે છે. નવાં ઔષધો અંગેનું સંશોધન અતિ ખર્ચાળ હોય છે. એક નવું ઔષધ ખરેખર વપરાશમાં આવે ત્યાં સુધીમાં સંશોધન અને વિકાસ પાછળ કેટલાક કરોડ રૂપિયાનું ખર્ચ સામાન્ય ગણાય છે.

રોગ પેદા કરનાર પરજીવીઓ એટલે કે વિષાણુ, ફૂગ, યીસ્ટ, સૂક્ષ્મ જીવાણુ, પ્રોટોઝોઆ અને કૃમિનો રસાયણચિકિત્સા વડે શરીરમાં જ નાશ કરવાનું કે તેમની વૃદ્ધિ અટકાવવાનું આધુનિક સમયમાં શક્ય બન્યું છે. આથી અતિશયોક્તિ વગર વિશ્વાસપૂર્વક કહી શકાય કે (AIDS સિવાય) એવો કોઈ સંક્રામક રોગ નથી જેનો ઉપચાર કરવા કે જેનાં ચિહનો હળવાં કરવા કોઈ ઔષધ શોધાયું ન હોય. અમેરિકામાં કરવામાં આવેલ સર્વેક્ષણ મુજબ સૌથી વધુ પ્રમાણમાં ઔષધો નીચેના ક્રમમાં વપરાય છે : (1) પ્રતિજીવીઓ, (2) હૃદયને લગતાં ઔષધો, (3) કફ અને શરદી માટેનાં ઔષધો/પ્રરૂપો, (4) ઉદ્વેગરોધી (tranquilizers) ઔષધો અને (5) સંધિવા માટેનાં ઔષધો.

જ. પો. ત્રિવેદી

નવીનચંદ્ર બાબરલાલ શાહ