ઔષધીય પાકો : ઔષધ તરીકે વપરાતી વનસ્પતિનું આયોજિત વાવેતર. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓએ વિવિધ વનસ્પતિજ, પ્રાણીજ અને ખનિજ દ્રવ્યોના ઔષધીય ઉપયોગો શોધી કાઢ્યા હતા. આમાંની કેટલીય ઔષધિઓ આધુનિક સમયમાં પણ અપરિષ્કૃત (crude) રૂપે કે શુદ્ધ સત્વ રૂપે વપરાશમાં છે. સામાન્ય રીતે વનસ્પતિજ દ્રવ્યો જંગલોની પેદાશો હોય છે. ભારતમાં પણ વનસ્પતિજ દ્રવ્યો સારા એવા પ્રમાણમાં આયુર્વેદિક પદ્ધતિમાં વપરાય છે અને આ ઔષધોની નિકાસ પણ થાય છે. 1980-81માં લગભગ 40 કરોડનાં અપરિષ્કૃત વનસ્પતિજ દ્રવ્યોની નિકાસ કરવામાં આવી હતી.

એક જમાનામાં અંગ્રેજોએ દક્ષિણ ભારતમાં અને ડચ લોકોએ હાલના ઇન્ડોનેશિયામાં સિંકોના વૃક્ષની વનરાઈઓ (plantations) ઉછેરી હતી. વૃક્ષોના વ્યવસ્થિત ઉછેરથી વનસ્પતિજ દ્રવ્યોમાં સક્રિય ઘટકનું પ્રમાણ એકસરખું રહે છે. વળી વૃક્ષની જાતિની સુધારણાથી આ પ્રમાણ વધારવાનું પણ શક્ય છે અને વાવેતર વ્યવસ્થિત હોઈ ઔષધો મેળવવાનું પણ સરળ બને છે. એક સમયે રબર એમેઝોનનાં જંગલોમાં થતી વનસ્પતિમાંથી મેળવાતું. હાલમાં કુદરતી રબરનો બધો જ જથ્થો રબરની વનરાઈઓમાંથી જ આવે છે.

ભારત સરકારે ઔષધીય પાકોની વ્યવસ્થિત ખેતી માટે એક સંશોધનકેન્દ્ર – ઔષધીય અને સુગંધિત પાક કેન્દ્ર, આણંદમાં સ્થાપ્યું છે. આ કેન્દ્રે ઇસબગૂલ, અસાળિયો, મીંઢીઆવળ, ગૂગળ, ભોંયરીંગણી, સફેદ મૂસળી વગેરે ઔષધીય વનસ્પતિ ઉપર સંશોધન કર્યું છે. આ સંશોધનનાં પરિણામો ઉત્સાહજનક છે. નીચે વર્ણવેલ પાકો ઉપર સંશોધન કરવામાં આવ્યું છે :

ગૂગળ (Commiphora mukul) (Hook ex stocks) : સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ મધ્ય ગુજરાતમાં મહી નદીનાં કોતરોમાં તેના છોડ જોવા મળે છે.

સૌરાષ્ટ્ર, કચ્છની પથરાળ જમીન અને મહી નદીનાં કોતરોની ઊંડી, માટિયાળ અને પથ્થર વગરની જમીન તથા ગરમ અને સૂકું હવામાન તેને માફક આવે છે.

ગૂગળનું વાવેતર બીજથી અને કટકાથી થાય છે. બીજને ચોવીસ કલાક વહેતા પાણીમાં રાખવાથી તે નરમ થતાં બીજાંકુરણ થાય છે, જેને પૉલિથીન બૅગમાં ઉછેરીને ખેતરમાં વવાય છે. પગના અંગૂઠા જેટલી જાડાઈના 45 સેમી. લાંબા ગૂગળના છોડના કટકા જમીનમાં 15 સેમી. જેટલા દબાય તે રીતે વરસાદ પડતાં અગાઉ મે માસની આખરમાં કે જૂન માસની શરૂઆતમાં 3 મી. × 3 મી.ના અંતરે રોપાય છે. વરસાદ પડતાં કટકા ફૂટે છે. કટકા રોપ્યા પછી લાંબા સમય સુધી વરસાદ ન પડે તોપણ કટકા સુકાઈ જતાં નથી. અંકુર ન ફૂટે ત્યાં સુધી કટકા મૂળ સ્થાનથી ખસી ન જાય તે જોવું જરૂરી છે. ઊધઈ લાગી હોય તો આલ્ડ્રેક્સ 30 ઈ. સી.(2 મિલી. 1 લી. પાણીમાં)નો ઉપયોગ કરાય છે. ગૂગળના વૃક્ષમાંથી કુદરતી રીતે લીમડા કે બાવળની જેમ ગુંદર ઝરે છે. ગૂગળના વૃક્ષ પર ધારદાર હથિયાર વડે 2 મીમી. ઊંડા કાપા પાડીને પણ ગુંદર એકઠો કરાય છે. ગુંદર લેવાનું કામ વરસાદ આવે ત્યાં સુધી કરાય છે. ગુંદર આપ્યા પછી કુદરતી રીતે કે કાપા મૂક્યા પછી ગૂગળનું વૃક્ષ કેમ સુકાઈ જાય છે તેનું કારણ હજુ સુધી મળ્યું નથી. એ દિશામાં સંશોધન ચાલુ છે. હાલમાં ગૂગળનો ભાવ એક કિલોના રૂ. 150 જેટલો છે.

ગૂગળ : ગૂગળના છોડમાંથી નીકળતો ગુંદર (ગૂગળ) સંધિવા તથા કોલેસ્ટેરોલ ઘટાડવાના ઉપયોગમાં આવે છે. જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં થડમાં ટેપિંગ કરવું યોગ્ય છે. મૂળમાં ઈથરેલ (40 ટકા સૉલ્યુશન) ચઢાવવાથી ગૂગળનું ઉત્પાદન વધારે મળે છે.

ગૂગળમાં આંતરપાક તરીકે કરેલ કાલમેઘનું ઉત્પાદન 2,638 કિગ્રા./હેક્ટર મળે છે. આંતરપાક તરીકે કાલમેઘ અને અસાળિયો લેવાથી, કાલમેઘનું 2,592 કિગ્રા./હેક્ટર અને અસાળિયાનું 742 કિગ્રા./હેક્ટર ઉત્પાદન મળે છે. સોનામુખી અને ઇસબગૂલ પણ આંતરપાક તરીકે લઈ શકાય. ગૂગળના છોડને ગૂંટી કલમ તેમજ કટકા પદ્ધતિથી ઉછેરી શકાય છે.

ભારત દેશમાં ઔષધીય વનસ્પતિઓના ભંડારો ભરેલા છે. ગુજરાતમાં ઔષધીય પાકોની ખેતીનો વ્યવસાય ઉત્તરોત્તર વધતો જાય છે તેમજ નવી શોધાયેલ તાંત્રિકતાઓ જાણવાની ઉત્સુકતા પણ ખેડૂતોમાં વધતી જાય છે. લોકોમાં આયુર્વેદિક દવાઓ અંગેનો ર્દષ્ટિકોણ બદલાયો છે, અને તેનો ઉપયોગ સારા પ્રમાણમાં વધ્યો છે.

ઔષધીય પાકોની અગત્ય અને તેનું મહત્વ સમગ્ર વિશ્વને આજે સમજાયું છે. દર્દનિવારણ માટે આયુર્વેદિક ચિકિત્સાપદ્ધતિ દિવસે દિવસે સમગ્ર વિશ્વમાં ઘણી પ્રચલિત થતી જાય છે. તેના પ્રચાર અને પ્રસારને જોતાં ભારત સરકારે મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડની રચના કરેલ છે. ઔષધીય વનસ્પતિની હાલની નિકાસ રૂ. 500 કરોડ છે તે સને 2005 સુધીમાં રૂ. 3,000 કરોડ અને 2010 સુધીમાં આ નિકાસ વધારીને રૂ. 10,000 કરોડ સુધી વધારવાનું નક્કી થયેલ છે.

ઔષધીય અને સુગંધિત પાક યોજના, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ કેન્દ્ર ખાતે સને 1975થી કાર્યરત છે. આ યોજનામાં ગુજરાતની આબોહવામાં થઈ શકે તેવા તેમજ આર્થિક અગત્ય ધરાવતા પસંદગીના ઔષધીય પાકો ઉપર તેની ખેતી પદ્ધતિને લગતી તાંત્રિક બાબતો માટે સંશોધનકાર્ય કરે છે. સંશોધનનાં તારણો રસ ધરાવતા ખેડૂતોને પહોંચાડવામાં આવે છે. આ કેન્દ્ર ઉપર જુદા જુદા પાકો અંગે કેટલીક માહિતી તૈયાર કરવામાં આવી છે. જુદા જુદા પાકોના સંશોધન અને ઉપલબ્ધ માહિતીને આધારે નીચે દર્શાવેલ પાકોને ખેતી હેઠળ લાવી શકાય તેમ છે.

1. ઇસબગૂલ; 2. સોનામુખી; 3. જેઠીમધ; 4. અસાળિયો; 5. કાલમેઘ; 6. શતાવરી; 7. અશ્વગંધા; 8. સફેદ મુસળી; 9. ડોડી; 10. લીંડીપીપર; 11. ગૂગળ; 12. શંખપુષ્પી; 13. કુંવારપાઠું; 14. ગળો; 15. મધુનાશિની; 16. કાળીજીરી; 17. કૌચા; 18. સીલીબમ.

ઔષધીય પાકયોજનાની સિદ્ધિઓ :

બહાર પાડેલ જાતો

જાતનું નામ ઉત્પાદન

કિગ્રા./હે.

ચકાસણીની જાત કરતાં

ઉત્પાદનમાં વધારો (ટકામાં)

ઇસબગૂલ

ગુજરાત ઇસબગૂલ-2

1,004 20.2 ટકા

(ગુજ. ઇસબગૂલ 1)

મીંઢીઆવળ

એ. એલ. એફ. ટી.-2

1,074 27.0 ટકા

(ટીન્નેવેલી)

અસાળિયો

ગુજરાત અસાળિયો-1

1,352 14.5 ટકા

(સ્થાનિક)

ઇસબગૂલ : વર્ષે રૂ. 100 કરોડનું વિદેશી હૂંડિયામણ કમાવી આપતો આ અગત્યનો ઔષધીય પાક છે.

આ પાકને નાઇટ્રોજન ખાતરની જરૂરિયાત ઓછી છે. જો જમીનમાં લભ્ય નાઇટ્રોજન 118 કિલો/હેક્ટર હોય તો 30 કિગ્રા. નાઇટ્રોજન જરૂરી છે. ફૉસ્ફરસયુક્ત ખાતર આપવાની જરૂર નથી. એક હેક્ટરની વાવણી 4 કિગ્રા. બિયારણથી પૂંખીને તેમજ 30 સેમી.ના અંતરે કરી શકાય. બીજને વાવતાં પહેલાં એપ્રોન 35 એસડી. દવા 5 ગ્રામ/કિલો બીજ પ્રમાણે માવજત આપવી અને વાવણી બાદ તેમાં આવતા ડાઉની મીલ્ડ્યુ(તળછારો)ના રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત થાય એટલે – મેટાલેક્ઝિલ 0.1 ટકા(14 ગ્રા દવા 10 લિટર પાણીમાં)નો છંટકાવ કરવો આવશ્યક છે અને 15 દિવસના અંતરે બીજા બે છંટકાવ મેન્કોઝેલ 0.2 ટકા(25 ગ્રામ દવા 10 લિટર પાણીમાં)ના કરવાથી રોગનું નિયંત્રણ કરી શકાય છે. નીંદણના નિયંત્રણ માટે વાવણી પહેલાં અથવા વાવણી બાદ બે દિવસ સુધી નીંદામણનાશક દવા, આઇસોપ્રોટુરોન 0.5 કિગ્રા.(મૂળ તત્વ)/હેક્ટરે છંટકાવ કરવાથી નીંદણ-નિયંત્રણ કરી શકાય છે.

અસાળિયો : લીલા છોડમાં 26 ટકા પ્રોટીન, 20.2 ટકા રેસા અને 1.58 ટકા જેટલું કૅલ્શિયમ તત્વ હોય છે. વિટામિન બી-1 કૅલ્શિયમ અને લોહતત્વ મેળવવા માટે અસાળિયાનું સલાડ ખાવું તે સસ્તો અને સારો ઉપાય છે. અસાળિયાનાં બીજ અસ્થમા, કફ, મસા, ફેફસાંનો ટી.બી. વગેરે રોગોમાં ઉપયોગી છે. અસાળિયાના 100 ગ્રામ બીજમાં 100 મિલિગ્રામ જેટલું લોહતત્વ હોય છે. આ પાકને ગોરાડુ, મધ્યમ કાળી અને સારા નિતારવાળી જમીન વધુ માફક આવે છે. પાકની વાવણી 15 ઑક્ટોબરથી નવેમ્બરના અંત સુધી કરી શકાય છે. એક હેક્ટરે 8થી 10 ટન છાણિયું ખાતર, 60 કિગ્રા. નાઇટ્રોજન અને 40 કિગ્રા. ફૉસ્ફરસ ખાતર આપવાથી વધુ ઉત્પાદન મળે છે. વાવણી હેક્ટરદીઠ 3 કિગ્રા. બીજ પૂંખીને કરવામાં આવે છે. નીંદામણખર્ચ બચાવવા વાવણી 30 સેમી.ના અંતરે હારમાં કરીને કરબડીથી આંતરખેડ કરવી પડે છે. વાદળછાયું વાતાવરણ હોય ત્યારે મોલો મશીનો ઉપદ્રવ જોવા મળે છે. પાકની અવસ્થાએ હીરાફૂદાની ઇયળથી થતું નુકસાન અટકાવવા બેસિલસ યુરિન્જિનેસિસ (બી.ટી.) આધારિત બજારમાં મળતો પાઉડર હેક્ટરદીઠ 1 કિગ્રા. પ્રમાણે જરૂરિયાત મુજબનું પ્રવાહી મિશ્રણ બનાવી છંટકાવ કરવો આવશ્યક છે. બજારમાં  લીમડાયુક્ત મળતી ગ્રોનીમ 1.5 ટકા અથવા અચૂક 1.5 ટકા 40 મિલિ. દવા 10 લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવામાં આવે છે.

અશ્વગંધા : અશ્વગંધાનાં મૂળ ઉપયોગી છે, તેથી તેના સારા વિકાસ માટે હલકી રેતાળ જમીન વધુ માફક આવે છે. એક હેક્ટરની વાવણી માટે 10થી 12 કિગ્રા. બીજ, 5થી 10 ટન છાણિયું ખાતર, 15 કિગ્રા. નાઇટ્રોજન અને 15 કિગ્રા. ફૉસ્ફરસની જરૂરિયાત છે. આ પાક 135થી 150 દિવસે તૈયાર થાય છે. જમીનમાં પિયત આપી છોડને મૂળ સાથે ખેંચી કાઢી, મૂળ કાપી અલગ કરી તેના ટુકડા કરી ખળામાં સૂકવવામાં આવે છે. મૂળની જાડાઈ પ્રમાણે 3થી 4 ગ્રેડમાં અલગ કરવાથી બજારભાવ સારો મળે છે.

સફેદ મૂસળી : જંગલ-વિસ્તારમાંથી સફેદ મૂસળીની ઉપલબ્ધિ ધીમે ધીમે ઓછી થતી જાય છે. સફેદ મૂસળી તરીકે ઓળખાતાં તેનાં મૂળ શક્તિવર્ધક તરીકે વપરાતી કીમતી ઔષધિ છે. ગુજરાતમાં સફેદ મૂસળીના બે પ્રકાર જોવા મળે છે : (1) સાચી અને (2) ખોટી મૂસળી. સાચી મૂસળીમાં છોડના થડની સાથે જમીનમાં ઝૂમખાંમાં લાંબા કંદ થાય છે. આ મૂસળીનું ઔષધીય મૂલ્ય વધુ હોઈ તે કીમતી છે. ખોટી મૂસળી થડની નીચે તંતુના છેડે છૂટી છૂટી હોય છે. બીજનો ઉગાવો ઓછો હોવાથી રોપણી માટે લીલા કંદનો ઉપયોગ કરવામાં આવે છે.

સફેદ મૂસળીને સારા નિતારવાળી, વધુ સેન્દ્રિય તત્વ ધરાવતી રેતાળ ગોરાડુ, ગોરાડુ કે મધ્યમકાળી જમીન તથા ગરમ અને ભેજવાળું વાતાવરણ માફક આવે છે. ચોમાસાની શરૂઆતમાં 30 સેમી.ના અંતરે સળિયા કાઢી, જરૂરી માપના ક્યારા બનાવી જૂન માસમાં, ચાસમાં બે છોડ વચ્ચે 10 સેમી.ના અંતરે રોપણી કરવામાં આવે છે. મૂસળીના કંદને રોપતાં પહેલાં કાર્બેન્ડાઝિમ 0.1 ટકા(10 ગ્રામ દવા 10 લિટર પાણીમાં)ના દ્રાવણમાં 30 મિનિટ ડુબાડી રખાય છે. રોપણી બાદ 20 દિવસ પછી બટાટાની જેમ થડમાં બંને તરફ માટી ચઢાવવામાં આવે છે. વરસાદ ન હોય ત્યારે જરૂરિયાત મુજબ 10થી 15 દિવસે પિયત અપાય છે. આ પાક 100-110 દિવસે તૈયાર થાય છે. સપ્ટેમ્બર-ઑક્ટોબર માસમાં પાન પીળાં પડી સુકાઈ જાય ત્યારે પાણી આપવાનું બંધ કરીને એકાદ મહિના પછી ખોદીને કઢાય છે. બિયારણ તરીકે ઉપયોગમાં લેવાની હોય તો મૂસળી ફેબ્રુઆરીના અંત સુધી જમીનમાં રાખી શકાય. એક હેક્ટરમાંથી આશરે 5,000 કિગ્રા. જેટલું લીલી મૂસળીનું ઉત્પાદન મળે છે.

કાલમેઘ (કરિયાતું) : ઔષધ તરીકે છોડના બધા ભાગો (પંચાંગ) વપરાય છે. તેમાં રહેલ કડવાશયુક્ત ઍન્ડ્રોગ્રાફિલૉઇડ રસાયણનું પ્રમાણ આખા છોડમાં 2.0થી 3.0 ટકા જેટલું હોય છે. કરિયાતાના 100 ગ્રામ પંચાંગમાં 40થી 43 મિગ્રા. લોહતત્વ હોય છે, જે લોહીના શુદ્ધીકરણમાં તેમજ કમળો અને ઍનીમિયામાં ઉપયોગી છે.

આ પાક કોઈ પણ જાતની જમીનમાં થઈ શકે છે. એક હેક્ટરની રોપણી કરવા માટે આશરે 400થી 500 ગ્રામ બિયારણનું ધરુ તૈયાર કરાય છે. જૂનના પ્રથમ પખવાડિયામાં ધરુ નાખીને જુલાઈના બીજા અઠવાડિયામાં 30 સેમી. × 30 સેમી.ના અંતરે ઝીંસલી કાઢી ફેરરોપણી થાય છે. હેક્ટરે 10 ટન છાણિયું ખાતર અને 2 ટન દિવેલી ખોળ વાપરવાથી સારું ઉત્પાદન મળે છે.

શંખપુષ્પી : આ મગજની યાદશક્તિ વધારવા માટે વપરાતી ઔષધિ છે. તેના બીજનું ધરુ તૈયાર કરીને રોપવામાં આવે છે. ઔષધ તરીકે પંચાંગ વપરાય છે. તેનું વધારે ઉત્પાદન મેળવવા માટે, રોપણી બાદ 90 દિવસના અંતરે એપ્રિલ મહિના સુધી ત્રણ વખત કાપણી કરવામાં આવે છે. ત્રણે કાપણીનું હેક્ટરે 5,000-6,000 કિગ્રા. સૂકું ઉત્પાદન મળે છે.

કુંવારપાઠું : કુંવારપાઠાના પાનમાં રહેલ ‘એલોઇન’ (એળિયો) રેચક ગુણ ધરાવે છે. પાનના રસનો ઉપયોગ કૉસ્મેટિકમાં થાય છે. ચામડી માટે વપરાતા ક્રીમ, લોશન અને શૅમ્પૂની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. તેનું વાવેતર નાના પીલા(છોડ)થી થાય છે. રેતાળ, ગોરાડુ કે મધ્યમકાળી જમીનમાં રોપણી કરી શકાય છે. બે હાર વચ્ચે 60 સેમી. અને હારમાં બે છોડ વચ્ચે 30 સેમી. અંતર રાખવામાં આવે છે. હેક્ટરે 10થી 12 ટન પાનનું ઉત્પાદન મળે છે.

સીલીબમ : સીલીબમનાં બીજમાંથી બનાવવામાં આવતું ટિંક્ચર સીરોસીસ માટે તેમજ લીવરને થતા રોગોની સારવારમાં વપરાય છે. ગુજરાત રાજ્યમાં તેની ખેતી થઈ શકે તેમ છે. પરંતુ આ છોડમાં બધે કાંટા હોવાથી તેની ખેતી ઓછી થાય છે

ઔષધીય ઉદ્યાન અને નર્સરી : આ યોજનાના ઔષધીય ઉદ્યાનમાં જુદાં જુદાં વૃક્ષ, ક્ષુપ, છોડ અને વેલાવાળી ઔષધીય વનસ્પતિ વગેરેની લગભગ 275 જેટલી વનસ્પતિઓનો ઉછેર કરી જાળવણી કરવામાં આવે છે. નર્સરીમાં જુદા જુદા ઔષધીય પાકોની વૃદ્ધિ કરીને તેના છોડ ઉછેરીને તૈયાર કરી જરૂરિયાતવાળાને વેચાણથી આપવામાં આવે છે.

આ ઔષધીય ઉદ્યાન સંસ્થાઓ, તાલીમાર્થીઓ તેમજ ખેડૂતોને એક અભ્યાસના સંદર્ભ તરીકે ખૂબ જ ઉપયોગી થાય છે.

સોનામુખી (મીંઢીઆવળ Senna, cassia augustifolia) : ગોરાડુ, રેતાળ, માટિયાળ એટલે કે જેમાં વરસાદનું પાણી ભરાઈ ન રહે તેવી જમીન મીંઢીઆવળના પાક માટે અનુકૂળ છે. આનો પાક સૂકી ખેતી અને પિયત ખેતીથી લઈ શકાય છે. ઠંડી અને ઝાકળ આ પાક માટે હિતાવહ નથી.

ઉનાળાની શરૂઆતમાં તમાકુની વાવણી પછી અને બાજરીની વાવણી સમયે (માર્ચની શરૂઆતમાં) તેમજ જૂન માસની શરૂઆતમાં પણ તે વાવી શકાય છે. જો પર્ણિકાઓ (leaflets) લેવાના હેતુથી વાવણી કરી હોય તો ઉનાળાના વાવેતર માટે 90થી 110 દિવસ અને ચોમાસુ વાવેતર માટે 110થી 130 દિવસ પૂરતા ગણાય છે. જો સીંગ(pods)નું ઉત્પાદન લેવાનો હેતુ હોય તો ચાલીસેક દિવસ વધારે જરૂરી બને છે. પર્ણિકાઓની સુકવણીમાં મુશ્કેલી ન પડે તેવો સમય વાવણી માટે પસંદ કરાય છે. વરસાદની ખેતી કરતાં પિયત ખેતીથી લીધેલું ઉત્પાદન ચડિયાતું ગણાય છે.

ખેતીની અનુકૂળતા માટે પાકની વાવણી બે લાઇન વચ્ચે 45 સેમી. અને બે છોડ વચ્ચે 30 સેમી. અંતર રાખીને કરાય છે. 30 સેમી. ´ 30 સેમી.ના અંતરે વાવણી કરવાથી કુલ ઉત્પાદન વધુ મળે છે. વાવણી વખતે બીજ દોઢ સેમી.થી વધુ ઊંડાઈએ ન પડે તે જરૂરી ગણાય છે. છોડની આસપાસ પાણી ન ભરાય તે જોવાય છે. હેક્ટર દીઠ 20 કિગ્રા. બીજ નંખાય છે.

પાયાનું ખાતર પ્રતિ હેક્ટરે 25 કિગ્રા. નાઇટ્રોજન અને 20 કિગ્રા. ફૉસ્ફરસ અપાય છે. જમીન પ્રકારને તથા ઋતુને અનુકૂળ પિયત અપાય છે.

પર્ણિકાઓમાં રહેલ કૅલ્શિયમ સેનોસાઇડ સક્રિય ઘટક હોઈ તેનું મહત્તમ પ્રમાણ હોય ત્યારે જ પર્ણિકાઓ એકઠી કરવી જરૂરી ગણાય છે. નીચેનું કોષ્ટક છોડના વિવિધ વિકાસના સ્તરે કૅલ્શિયમ સેનોસાઇડનું પ્રમાણ દર્શાવે છે :

છોડની અવસ્થા કૅલ્શિયમ સેનોસાઇડનું

પ્રમાણ ટકામાં

1. કળીઓ ન આવી હોય ત્યારે 2.59
2. કળીઓ કુમળી અને લીલા રંગની

હોય ત્યારે

 

2.60

3. કળીઓ પાકી, પીળા રંગની અને

ખૂલવાની તૈયારીમાં હોય ત્યારે

 

3.33

4. કળી ખૂલીને ફૂલ બની હોય ત્યારે 2.63

આમ ત્રીજી અવસ્થાએ કૅલ્શિયમ સેનોસાઇડનું પ્રમાણ મહત્તમ હોય છે.

ચોમાસામાં વાવેલ પાક માટે પ્રથમ વીણી આશરે 90 દિવસે અને ત્યારબાદ બે વીણીઓ આશરે 20 દિવસના અંતરે કરવાથી મહત્તમ ઉત્પાદન મળે છે. કેટલીક વાર કૅલ્શિયમ સેનોસાઇડ વધારે મળે ત્યારે ઉત્પાદન ઓછું મળે છે. આથી ગુણવત્તાનું ધોરણ જળવાઈ રહે અને મહત્તમ ઉત્પાદન મળે તે માટે ચોમાસુ પાક માટે વીણીઓ લગભગ 90, 110 અને 130 દિવસે કરાય છે.

ઉનાળામાં કરેલ વાવણી માટે મહત્તમ ઉત્પાદન મેળવવા વીણીઓ 70, 90 અને 110 દિવસની આસપાસ રખાય છે. હેક્ટરે સામાન્ય રીતે ચોમાસુ પાકમાં 2,000 કિગ્રા. અને ઉનાળુ પાકમાં 1,500 કિગ્રા. ઉત્પાદન મળે છે. ઓછા સમયમાં મહત્તમ ઉત્પાદન મેળવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે.

મીંઢીઆવળની પર્ણિકાઓ તોડ્યા પછી તેને છાયામાં સૂકવવાથી તેમાં રહેલ સક્રિય ઘટકની માત્રા કે ગુણવત્તા ઉપર અસર થતી નથી. નિકાસમાં ઇસબગૂલ પછી મીંઢીઆવળનો ક્રમ આવે છે.

મીંઢીઆવળના પાકમાં પાનનાં ટપકાંનો રોગ, ગંઠવા કૃમિ, મૂળનો કોહવારો અને સુકારો જેવા રોગો થાય છે. પર્ણિકાઓ ખાનાર લીલી અને છીંકણી ટપકાંવાળી ઇયળનો તથા ઘૈણ(white grub)નો ઉપદ્રવ પણ થાય છે.

એમ. એ. પટેલ

ડી. એચ. પટેલ

કનૈયાલાલ ચંદુલાલ દલાલ