ઔરંગાબાદ (બિહાર)

January, 2006

ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો ભાગ અને પશ્ચિમ તરફ રોહતાસ જિલ્લો આવેલા છે. જિલ્લામથક ઔરંગાબાદ જિલ્લાની મધ્યમાં આવેલું છે.

ઔરંગાબાદ (બિહાર)

ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ કાંપનાં સમતળ મેદાનોથી બનેલું છે. ઉત્તર ભાગ ખૂબ જ ફળદ્રૂપ કાંપની જમીનોથી બનેલો છે. આ જમીનને સ્થાનિક ભાષામાં ‘કેવાલ’ નામથી ઓળખવામાં આવે છે. તે ડાંગર, ઘઉં અને શેરડી માટે ખૂબ જ અનુકૂળ છે. નૈર્ઋત્ય ભાગમાં ટેકરીઓનો તળેટીવિસ્તાર રેતાળ ગોરાડુ જમીનોવાળો છે. તેમાં ઘઉં અને બટાટા થાય છે. અહીં જંગલવિસ્તાર નથી.

મધ્ય ભારતની મૈકલ ટેકરીઓ નજીકના ઉચ્ચપ્રદેશમાંથી શોણ (સોન) નદી નીકળે છે; જે અહીંની એકમાત્ર મુખ્ય નદી છે. પહાડી પ્રદેશના 520 કિમી. જેટલા અંતરને વટાવ્યા પછી તે રોહતાસ જિલ્લામાં અકબરપુર સામેના ગંગાના ખીણ વિભાગમાં પ્રવેશે છે અને ત્યાંથી જિલ્લાના દાઉદ નગર તેમજ બારુન નજીકથી પસાર થાય છે. તે જિલ્લાની સમગ્ર પશ્ચિમ સીમા રચે છે, પછીથી જિલ્લાને છોડી આગળ વધે છે.

ખેતી અને પશુપાલન : જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગર અને ઘઉંનો સમાવેશ થાય છે. ખેતી આ જિલ્લાની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે, જેમાં જિલ્લાના આશરે 82 % લોકો રોકાયેલા છે. જમીનો ફળદ્રૂપ છે અને નહેર-સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે. શોણ નદીની નહેરોથી પાક લેવાય છે. વરસાદ અનિયમિત રહેતો હોવાથી અન્ય ભાગોમાં કૂવાથી સિંચાઈ થાય છે. ઘઉં અને ડાંગર ઉપરાંત અહીં શેરડી અને બટાટાની ખેતી પણ થાય છે.

જિલ્લામાં ઢોરનું પ્રમાણ ઓછું છે તેમજ તે ઊતરતી ઓલાદનાં છે. બળદોને ખેતીના અને ભારવહનના ઉપયોગમાં લેવાય છે. હરિયાણા અને થરપારકરના આખલાઓની આયાત કરી ઓલાદ-સુધારણા કરવામાં આવી રહી છે. ઔરંગાબાદ ખાતે પશુ-દવાખાનાં ઊભાં કરવામાં આવ્યાં છે. તે ઉપરાંત ગાયોના ઉછેર માટે ગૌશાળા-સુધારણા યોજના પણ અમલમાં છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં કોઈ પણ પ્રકારનાં ખનિજો મળતાં નથી. જોકે દેવ સમાજ વિકાસ ઘટકમાં કલાઈ અને ટંગસ્ટનનાં ખનિજો મળતાં હોવાનો ઉલ્લેખ છે. નબીનગર ખાતે કાપડનું ઉત્પાદન લેવાય છે. જિલ્લામાં ધાબળા, શેતરંજી તથા પિત્તળનાં વાસણો બનાવવાના કુટિર-ઉદ્યોગો દાઉદનગર અને ઓબ્રા ખાતે આવેલા છે. જંગલનાશ થતો રહેતો હોવાથી તેમજ જમીનોને નવસાધ્ય કરાતી હોવાથી આ ઉદ્યોગનું ભાવિ પણ સલામત નથી.

જિલ્લામાં સુતરાઉ કાપડ, અળસીનું તેલ, પ્લાયવૂડ અને ઍલ્યુમિનિયમ-કાંસાનાં વાસણોનું ઉત્પાદન લેવાય છે. અહીંથી ખાદ્યાન્ન, કાપડ અને ગોળની નિકાસ થાય છે તથા સિમેન્ટ, રાસાયણિક ખાતર અને વનસ્પતિ ઘીની આયાત કરવામાં આવે છે. દાઉદનગર અને રફીગંજ અહીંનાં મુખ્ય વેપારી મથકો છે. અહીં અનાજ અને શાકભાજીનો રોજિંદો વેપાર ચાલે છે.

પરિવહન : જિલ્લામાં સડકમાર્ગોની ગૂંથણી સારી રીતે વિકસેલી છે. જિલ્લામથક ઔરંગાબાદમાંથી ગ્રાન્ડ ટ્રંક રોડ – રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 2 પસાર થાય છે. આ માર્ગ પૂર્વ તરફ કોલકાતા અને પશ્ચિમ તરફ દિલ્હી સાથે સંકળાયેલો છે. રાજ્યમાર્ગો દ્વારા ઔરંગાબાદ બીજા જિલ્લાઓ સાથે જોડાયેલું છે. રાજ્યમાં માર્ગ પરિવહન સેવા પણ બસો દ્વારા પૂરી પડાય છે. ડાલ્ટનગંજથી ઔરંગાબાદની રેલસેવા પણ ઉપલબ્ધ છે. આ રેલમાર્ગ શોણ નદીને સમાંતર ચાલ્યો જાય છે અને બારુન નગરને જોડે છે. શોણ નદી મારફતે નાની હોડીઓની હેરફેર થતી રહે છે.

પ્રવાસન : દેવ, દેવકુંડ, ચાલ્હો, ચેવન, દાઉદનગર, નબીનગર, પવાઈ, માલી અને ચંદનગઢ, પિરુ, સિરિસ, ઉમગા અહીંનાં મુખ્ય જોવાલાયક સ્થળો છે. આ પૈકી દેવ તેના સૂર્યમંદિર અને બ્રહ્મકુંડ માટે જાણીતું છે, દેવકુંડમાં મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. તે ચ્યવન ઋષિના આશ્રમના સ્થળ તરીકે જોવાલાયક સ્થળ ગણાય છે. ચાલ્હો ખાતે આવેલી સાત ટેકરીઓમાં ગુફા છે, તેને માટે એવી માન્યતા પ્રવર્તે છે કે ભૂગર્ભમાર્ગે ત્યાંથી ઉમગા સુધી જઈ શકાય છે. દાઉદનગર અહીંનું વાણિજ્ય-મથક છે. ઔરંગઝેબના સમયમાં બિહારના ગવર્નર દાઉદખાને તે વસાવેલું અને તેણે અહીં એક કિલ્લો બાંધેલો. તેના પૌત્ર અહમદખાનની કબર અહીં આવેલી છે. નબીનગર ખાતે સંત સોખાબાબાની ઝૂંપડીનું સ્થળ છે, ત્યાં તે જ નામનું મંદિર પણ છે. સર્પદંશથી પીડાતા લોકો અહીં આવે છે અને તેમનું ઝેર ઊતરી જતાં અહીં ગોળ અને માખણ ચઢાવાય છે. પવાઈ, માલી અને ચંદનગઢમાં જૂના કિલ્લા આવેલા છે. પિરુ જૂના સમયમાં પ્રીતિકૂટ નામથી ઓળખાતું હતું. તે મહાન કવિ બાણભટ્ટનું જન્મસ્થળ હતું. સિરિસ એ શેરખાન અને ઔરંગઝેબના સમયમાં એક પરગણું હતું. પછીથી તે રાજા નારાયણસિંહ તેમજ 1857ના અહીંના દેશભક્તો અને વીરો માટેનું રમતનું મેદાન બની રહેલું. ઔરંગઝેબના સમયમાં બાંધવામાં આવેલી, ઐતિહાસિક લખાણ ધરાવતી એક મસ્જિદ હજી મોજૂદ છે. ઔરંગાબાદથી આશરે 24 કિમી અંતરે પૂર્વ તરફ આવેલું ઉમગા તેના વૈષ્ણવ-મંદિર માટે જાણીતું છે. તે દેવ ખાતેના સૂર્યમંદિરના સમય પહેલાંનું છે, પરંતુ સ્થાપત્યની ર્દષ્ટિએ બંને લગભગ સરખાં છે. તેની દીવાલો ચોરસ આકારના ગ્રૅનાઇટ ચોસલાંથી બનાવેલી છે. તેમાં ગણેશ, સૂર્ય અને શિવની મૂર્તિઓ છે. આ એકસાથે રહેલી ત્રણ મૂર્તિઓ પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસવિદો માટે રસનો વિષય છે.

આ જિલ્લામાં શિવરાત્રિ અને કાર્તિકી પૂર્ણિમાનો મેળો, છઠનો મેળો, વૈશાખી મેળો, દશેરાનો મેળો અને મોહરમનો મેળો ભરાય છે.

વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 25,11,243 જેટલી છે. તે પૈકી સ્ત્રી-પુરુષોનું સંખ્યાપ્રમાણ લગભગ સરખું છે. ગ્રામીણ વસ્તી લગભગ 90 % અને શહેરી વસ્તી 10 % જેટલી છે. હિન્દુ અને મુસ્લિમ વસ્તી વિશેષ પ્રમાણમાં છે; જ્યારે જૈન, બૌદ્ધ, શીખ અને ખ્રિસ્તીઓનું પ્રમાણ ઘણું ઓછું છે. સાક્ષરતાનું પ્રમાણ લગભગ 50 % જેટલું છે. અહીંનાં લગભગ બધાં જ નગરોમાં શિક્ષણસંસ્થાઓની સુવિધા છે. જિલ્લામાં લગભગ દસ જેટલી કૉલેજો પણ આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 2 ઉપવિભાગોમાં, 11 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે.

ઇતિહાસ : આ જિલ્લાનો ઇતિહાસ મગધના પ્રાચીન સામ્રાજ્ય સાથે સંકળાયેલો છે. અહીં બિંબિસાર, અજાતશત્રુ, ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકનું શાસન હતું. જિલ્લાની આજની પશ્ચિમ સરહદ રચતી શોણનદી એ વખતે પણ મગધ સામ્રાજ્યની પશ્ચિમ સીમા બનાવતી હતી. અહીં બૌદ્ધ ધર્મનો પ્રસાર થયેલો હતો. તે પછીથી રાજસ્થાનથી આવેલા રજપૂતો દેવ, માલી, પવાઈ, ચંદનગઢ અને સિરિસમાં વસેલા અને શાસન કરેલું. મુઘલ સલ્તનત અને બ્રિટિશ શાસનકાળ દરમિયાન અહીં સંઘર્ષો થયેલા.

1973 પહેલાં ઔરંગાબાદ ગયા જિલ્લાનો ઉપવિભાગ હતો. 1973માં જિલ્લાઓની પુનર્રચના વખતે તેને સ્વતંત્ર જિલ્લાનો દરજ્જો મળ્યો. તેનો ઇતિહાસ અને સંસ્કૃતિ ગયા જિલ્લાના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલાં છે. ઔરંગાબાદ નગર જિલ્લાનું વડું વટીવટી મથક છે.

પ્રવીણચંદ્ર વોરા

ગિરીશભાઈ પંડ્યા