ઓરાંવ : બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સામાં વસતી ભારતની એક મહત્વની આદિવાસી જાતિ. તેની વસ્તી બિહારના રાંચી, લોહારદાગા, ગુમલા, પાલામાઉ અને ધનબાદ, પ. બંગાળના આંકુશ, મિદનાપોર, પુરુલિયા, જલપાઈગુરી અને ચોવીસ પરગણાં તથા મધ્યપ્રદેશના સરગુજા અને રાયગઢ જિલ્લાઓમાં મુખ્યત્વે કેન્દ્રિત થયેલી છે. ઓરાંવ લોકો અત્યારે સ્થાયી ખેતીમાં રોકાયેલા છે. પહેલાં ખેતી ઉપરાંત શિકાર, માછીમારી અને વનનાં ફળ-ફૂલનો સંચય પણ કરતા.

આ જાતિમાં સમાન નામ, ભાષા, પરંપરાગત માદરે વતન, આગવું સામાજિક માળખું, સમાન ધાર્મિક માન્યતાઓ અને કેટલેક અંશે સ્વાયત્ત અર્થવ્યવસ્થા જોવા મળે છે.

આ જાતિ પશુપંખીઓ, માછલીઓ, શાકભાજી, વૃક્ષો, ધાતુઓ વગેરે પર આધારિત ટોટેમિક સ્વરૂપનાં બહિર્લગ્નગોત્રોમાં વિભાજિત છે. જે તે ગોત્રના સભ્યો, તેના ‘ટોટેમ’ને જોકે પૂજતા નથી પણ જે તે પ્રાણી, પશુ, પંખી કે વનસ્પતિને તે ખાય નહિ, ઈજા ન પહોંચાડે અથવા તેનો નાશ ન કરે પણ તેને મિત્ર તરીકે અથવા ગોત્રના પૂર્વજના સંરક્ષક-સહાયક તરીકે જુએ છે. દરેક ગોત્રને એનું પોતાનું કાષ્ઠ અથવા ધાતુનું બનાવેલું આગવું પ્રતીક હોય છે. છોટાનાગપુર જેવા કેટલાક વિસ્તારોમાં દરેક ગોત્ર પરંપરાગત રીતે અમુક વિસ્તાર સાથે સંકળાયેલું હોય છે. દરેક ગોત્ર ‘ખૂંટ’ નામે ઓળખાતાં સંખ્યાબંધ વંશજૂથોમાં અને દરેક વંશજૂથ અમુક કુટુંબોમાં વહેંચાયેલું હોય છે.

ઓરાંવ ગામ બે પ્રકારના વસવાટીઓનું બનેલું છે. વન સાફ કરીને સર્વપ્રથમ ગામ વસાવનાર ‘ભૂઈહારો’ ગણાતા. પાછળથી આવીને વસેલા લોકો ‘જે ઠરૈયત’ ગણાતા. આ ઉપરાંત ઓરાંવ ગામમાં સંદેશવાહકનું કામ કરતા ‘ગોરાઈત’, હળ માટે હળપૂણી અને અન્ય ખેતીસરંજામ પૂરો પાડતા લુહાર, ગાયનું ધણ ચરાવતા ‘આહીર’, ટોપલી બનાવતા તૂરી અને માટલાં પૂરાં પાડતા કુંભારની સેવાઓ વસવાયાંની પ્રથા હેઠળ તેમને મળે છે.

ઓરાંવ પોતાની જાતને અને પોતાની ભાષાને ‘કુરુખ’ નામથી ઓળખે છે. આ ‘કુરુખ’ ભાષામાં ‘ઝોખ એરપા’ નામે અને હિંદીમાં ‘ધૂમકુરિયા’ અથવા ‘ધનગરકુરિયા’ને નામે ઓળખાતા. ગામના પાંચ-સાત વરસથી માંડીને અપરિણીત હોય ત્યાં સુધીના કિશોરો યા યુવકોને ‘કુરુખ ગીતનૃત્યો’ અને ‘કુરુખ સંસ્કૃતિ’ની પરંપરાગત તાલીમ આપતું એક ‘યુવાગૃહ’ હોય છે. એક ગુચ્છામાં માથાના લાંબા વાળ રાખતો અને તેમાં કલાત્મક રીતે કાંસકી, દર્પણ અને કેટલાંક ઘરેણાંથી અંગસજાવટ કરતો ઓરાંવ યુવાન અને છૂંદણાંથી દેહ-સજાવટ કરતી યુવતીઓ જોવા મળે છે.

ઓરાંવના મહત્વના ઉત્સવોમાં સાલવૃક્ષનાં ફૂલો ખીલવા માંડે ત્યારે ઊજવાતા ‘સારહૂલ’, ચોખાની રોપણી પ્રસંગે ઊજવાતો ‘કરમા’ અને કાપણી પ્રસંગે ઊજવાતા ‘કાનીહારી’નો સમાવેશ થાય છે. ઓરાંવ સૂર્યને ‘ધર્મેશ’ના નામે પ્રકાશ અને જીવનદાતા તરીકે અને ધરતીમાતાને સૂર્યપત્ની તરીકે, સામાન્ય રીતે કાપણી ટાણે સફેદ મરઘા અથવા બકરાનો બલિ આપીને પૂજે છે. ગ્રામ આગેવાનોમાં ધાર્મિક કાર્યભાર સંભાળનાર પૂજારી ‘પહાન’ તેમજ સરકારી કર્મચારી અથવા બહારની કોઈ વ્યક્તિની સાથેની કાર્યવાહીમાં સાંકળરૂપ ભૂમિકા ભજવનાર ‘મહતો’નો સમાવેશ થાય છે. પાંચ-સાતથી માંડીને ત્રીસેક ગામની બનેલી પંચાયતને ‘પરહા’ પંચાયત તરીકે ઓળખવામાં આવે છે. આ પરહા પંચાયત પાસે અમુક ભૌગોલિક વિસ્તારનાં ગામઠાણ, વન્ય રસ્તાઓ, ચરાણ વિસ્તારો તથા પાણીના અને માછીમારીના પરંપરાગત અધિકારો હોય છે. રાજા, દેવાન, કોટવાળ વગેરે તેના હોદ્દેદારો હોય છે અને તેઓ જે હોદ્દા પર હોય તે હોદ્દાથી જે તે સમય પૂરતું, જે તે ગામ ઓળખાય છે; દા. ત., રાજાગામ, દેવનગામ, કોટવાળ ગામ વગેરે. દરેક પરહાનો પોતાનો અલગ ધ્વજ હોય છે.

ઓરાંવમાં પ્રચલિત ‘તાનાભગત’ સંપ્રદાય કે જે ‘કુરુખધર્મ’ના અનુયાયી હોવાનો દાવો કરે છે તેનો પણ અત્રે ઉલ્લેખ કરવો જોઈએ. ગાંધીજીની અસર હેઠળ આવેલા સંખ્યાબંધ તાનાભગતોએ સંપૂર્ણ નશાબંધી અને માંસાહારબંધી કરીને, બ્રિટિશ સરકાર સામેની અસહકારની ચળવળમાં સક્રિય રસ લઈને જેલવાસ ભોગવેલો અને પોતાની જમીનો ગુમાવેલી. બિહાર સરકારે 1974માં તેમની જમીનો પાછી આપવા માટેનો કાયદો પસાર કરેલો છે.

સિદ્ધરાજ સોલંકી