ઓબ : પશ્ચિમ સાઇબીરિયાની મોટી નદી. તે બીઆ અને કેતુન નામની બે શાખાની બનેલી છે. આ બંને નદીઓનાં મૂળ આલ્તાઈ પર્વતમાળામાં આવેલાં છે. ઓબ નદી વાયવ્ય અને ઉત્તરમાં ૩,411 કિમી. સુધી વહીને ઓબ સ્કાયગુબા નામના અખાત પાસે આર્ક્ટિક મહાસાગરને મળે છે. આ નદીનો પરિસર પશ્ચિમ સાઇબીરિયાના 2.56 લાખ ચોરસ કિમી.ના વિસ્તારમાં વિસ્તરેલો છે. તેની મુખ્ય શાખાઓ ઇર્તિશ અને એરિશ છે. ટૉમ અને ચુલિયમ વગેરે નદીઓ વહાણવટા માટે ઉપયોગી છે. ઓબ નદીના કિનારે નોવોસિબર્ક, બારનોલ અને કોલયાશેવો શહેરો આવેલાં છે. ઓબ નદીનો બરફનો ઉપલો ભાગ વસંતઋતુમાં પીગળે છે. જ્યારે નીચેનો ભાગ હજુ થીજેલો રહે છે. તેને કારણે આવતાં ભયંકર પૂર વિશાળ પ્રદેશમાં ધસી આવે છે, તેમાં જંગલોનો પણ સમાવેશ થાય છે. નદીના હેઠવાસમાં નદીની બંને બાજુએ કાયમી દલદલ ભૂમિના વિશાળ પ્રદેશો આવેલા છે. અહીં નદી નીચાણવાળા કળણભૂમિપ્રદેશને જુદા પાડીને જુદાં જુદાં અનેક વાંકાંચૂકાં વહેણમાં વહે છે.

રમણિકભાઈ ઉ. દવે