ઑલપોર્ટ, જી. ડબ્લ્યૂ. (જ. 11 નવેમ્બર 1897, મોન્ટેઝૂમા, ઇન્ડિયાના; અ. 9 ઑક્ટોબર 1967, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : વ્યક્તિત્વ અને વ્યક્તિત્વસિદ્ધાંતના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર અમેરિકન માનસશાસ્ત્રી. આખું નામ ગૉર્ડન વિલાર્ડ ઑલપોર્ટ. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાનના વિષયમાં સ્નાતક. વ્યક્તિત્વ અને તેના માપનના વિષયમાં મહાનિબંધ (1923). 1930થી નિવૃત્તિ પર્યંત હાર્વર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપન. અમેરિકન સાઇકોલૉજિકલ એસોસિયેશનના પ્રમુખનું બહુમાન (1939). અમેરિકામાંથી પ્રસિદ્ધ થતા ‘જર્નલ ઑવ્ ઍબનૉરમલ ઍન્ડ સોશ્યલ સાઇકૉલોજી’ના તંત્રી (1937-49). 1942થી હાર્વર્ડ યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઑવ્ સોશ્યલ રિલેશન’માં જોડાયા. અંતિમ વર્ષોમાં ‘સામાજિક નીતિશાસ્ત્ર’ના વિષયમાં પ્રાધ્યાપક.

ઑલપોર્ટ એમ માનતા હતા કે વ્યક્તિત્વના અભ્યાસ વિના મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આવતા કોઈ પણ મુદ્દાને યોગ્ય રીતે સમજી શકાય નહિ. વ્યક્તિત્વ વિશે અપાયેલી અનેક વ્યાખ્યાઓનું તર્કબદ્ધ વિશ્લેષણ કરીને તે એવા મંતવ્ય પર આવ્યા હતા કે ‘વ્યક્તિત્વ એ વ્યક્તિની બધી જ મનોશારીરિક પ્રક્રિયાઓનો સમાવેશ કરતું એક ગત્યાત્મક કાર્યતંત્ર છે. આ કાર્યતંત્ર વ્યક્તિના લાક્ષણિક વર્તન અને વિચારોને નિયત કરે છે.’ વ્યક્તિત્વના અભ્યાસ માટે બે પ્રકારના અભિગમો છે : (1) સામાન્યલક્ષી (nomothetic) અને (2) વ્યક્તિલક્ષી (ideographic). સામાન્યલક્ષી અભિગમમાં સમગ્ર માનવજાતને લાગુ પાડી શકાય તેવા સર્વસામાન્ય નિયમો તારવવાનો પ્રયત્ન થાય છે જ્યારે વ્યક્તિલક્ષી અભિગમમાં દરેક વ્યક્તિનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે એ બાબત પર ભાર મૂકવામાં આવે છે. આ અભિગમમાં વ્યક્તિત્વના અભ્યાસ માટે ‘વ્યક્તિ-ઇતિહાસ પદ્ધતિ’ (case-stydy method) મુખ્યત્વે અપનાવવામાં આવે છે. ઑલપોર્ટે ‘સામાન્યલક્ષી અભિગમ’ની ઉપયોગિતા સ્વીકારવા ઉપરાંત વ્યક્તિગત ભિન્નતા’ના ઘટક પર વધુ ઝોક દર્શાવ્યો છે.

જી. ડબલ્યૂ. ઑલપોર્ટ

મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ઑલપોર્ટનું પ્રદાન પ્રેરક બળોની ક્રિયાલક્ષી સ્વાયત્તતા(functional autonomy of motives)નો ખ્યાલ ગણાય છે. મનુષ્યના વર્તન પાછળ વિવિધ પ્રેરક બળો હોય છે. ઑલપોર્ટ એમ બતાવે છે કે એક વર્તન અમુક પ્રેરક બળના લીધે ઉદભવ્યું હોય અને વખત જતાં તે પ્રેરક બળ ચાલ્યું જાય તોપણ તે વર્તન અટકતું નથી, સહજ રીતે તે ચાલુ જ રહે છે; જેમ કે કોઈ વ્યક્તિએ આજીવિકા રળવા અર્થે શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો હોય તે વ્યક્તિ નિવૃત્ત થાય તોપણ શિક્ષક તરીકેનું તેનું વર્તન ચાલુ જ રહે છે. ઑલપોર્ટ આને ‘ક્રિયાલક્ષી સ્વાયત્તતા’ (functional autonomy) કહે છે. કોઈ પણ વર્તન જ્યારે આપણા વ્યક્તિત્વનો જ અંશ બની જાય ત્યારે આવી ક્રિયાલક્ષી સ્વાયત્તતા જોવા મળે છે. આપણામાં કહેવત છે કે ‘દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે’ (જરૂરત ન હોય તોપણ !). ક્રિયાલક્ષી સ્વાયત્તતાના ખ્યાલને લીધે મનુષ્યનાં ઘણાંબધાં જટિલ વર્તનોનો ખુલાસો આપવાનું શક્ય બન્યું છે. જોકે આ ખ્યાલને કારણે ઑલપોર્ટ સિગ્મંડ ફ્રૉઇડથી વિરુદ્ધ છે. ફ્રૉઇડ એમ માનતો કે આપણું સમગ્ર વર્તન એ બાલ્યાવસ્થાના અનુભવો કે આનુવંશિક પૂર્વવલણો સાથે સીધી રીતે સંકળાયેલું છે. વ્યક્તિનો ‘સ્વ’ પોતાના વર્તનનો નિર્ણાયક છે એ વાતને ફ્રૉઇડના સિદ્ધાંતમાં નજીવું સ્થાન છે. ફ્રૉઇડે વ્યક્તિત્વના અભ્યાસમાં ભૂતકાળને જ મહત્વ આપ્યું છે. વર્તમાન તથા ભવિષ્યનું વર્તન તેની નજર બહાર રહી ગયું છે. જ્યારે ઑલપોર્ટ માને છે કે વ્યક્તિત્વનો અભ્યાસ એટલે વર્તમાનકાળની વ્યક્તિ જે રીતે અસ્તિત્વ ધરાવે છે તેનો શક્ય તેટલો તલસ્પર્શી અભ્યાસ. ઑલપોર્ટે વ્યક્તિત્વના અભ્યાસમાં ભૂતકાળનું મહત્વ સ્વીકાર્યું છે. પરંતુ કેવળ ભૂતકાળની ખણખોદ કરવા પર બધું જ ધ્યાન કેન્દ્રિત કર્યું નથી. ફ્રૉઇડના ‘અબોધ માનસ’(unconscious)નો ખ્યાલ પણ તેને ખાસ જચ્યો નથી. માનવવર્તનને સમજાવવા માટે જન્મજાત સહજવૃત્તિઓ, બાલ્યાવસ્થાનાં અભિસંધાનો કે દમન પામેલી વૃત્તિઓ વિશેના વિચાર પણ તેને રુચ્યા નથી. તેના મતે વ્યક્તિત્વ એ એક સુસંકલિત એકમ છે, ટેવો અને ગ્રંથિઓનો સમુદાય નથી. પોતાના પુસ્તક ‘બીકમિંગ’-(1955)માં તેમણે એવું પ્રતિપાદિત કર્યું છે કે વ્યક્તિનો ‘સ્વ’ વિવિધ વિકલ્પોમાંથી પસંદગીઓ કરી શકે છે અને પોતાના વ્યક્તિત્વના વિકાસ પર કેટલેક અંશે પ્રભાવ પાડી શકે છે. તેમણે વ્યક્તિત્વના સંકુલ વિષયનો અભ્યાસ કરવા માટેના પાયાના એકમ તરીકે ‘વ્યક્તિગુણ’(trait)ની વિભાવનાનો સ્વીકાર કર્યો છે. વ્યક્તિગુણ વ્યક્તિના વર્તનમાં સ્થિરપણે જણાતો ગુણ છે. તેના આધારે એક વ્યક્તિને બીજી વ્યક્તિથી જુદી તારવી શકાય છે. આવા વ્યક્તિગુણોનું માપન કરવા માટે મનોવૈજ્ઞાનિકોએ નોંધપાત્ર પ્રમાણમાં કસોટીઓ પણ પ્રયોજી છે.

ઑલપોર્ટનું મુખ્ય કાર્ય તો વ્યક્તિત્વની સમજૂતી આપતા એક સર્વગ્રાહી સિદ્ધાંતનો વિકાસ કરવો તે જ હતું. પરંતુ આ સિવાય તાર્દશ કલ્પન (eidetic imagery), ધર્મ, સામાજિક વલણો, અફવા અને રેડિયો જેવા વિવિધ વિષયોનો પણ મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ તેમણે અભ્યાસ કર્યો છે. તેમનું ‘નેચર ઑવ્ પ્રેજ્યુડિસ’ (1954) નામનું પુસ્તક તેમની બહુશ્રુતતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઑલપોર્ટનાં લખાણોની વિશેષતા એ છે કે તે ક્યારેય આત્યંતિક બન્યા નથી. તેમણે પોતાના વિશે નોંધ્યું છે કે ‘મનોવિજ્ઞાનના સિદ્ધાંતો વિકસાવવામાં અહંકારી વલણનો હું હંમેશાં વિરોધી રહ્યો છું. હું માનું છું કે આપણા વિચારો અને સિદ્ધાંતોની બાબતમાં આપણે અજમાયશી (tentative), સારગ્રાહી (eclectic) અને નમ્ર (humble) રહેવું વધારે સારું છે.’

જી. ડબ્લ્યૂ. ઑલપોર્ટની નોંધપાત્ર કૃતિઓમાં ‘પર્સનાલિટી : એ સાઇકોલૉજિકલ ઇન્ટરપ્રિટેશન’ (1937), ‘નેચર ઑવ્ પ્રેજ્યુડિસ’ (1954), ‘બીકમિંગ : બેઝિક કન્સિડરેશન ફૉર એ સાઇકૉલોજી ઑવ્ પર્સનાલિટી’ (1955) અને ‘પૅટર્ન ઍન્ડ ગ્રોથ ઇન પર્સનાલિટી’ (1961) મુખ્ય છે.

નટવરલાલ શાહ