ઑફસેટ મુદ્રણ : મુદ્રણની ત્રણ મુખ્ય પ્રચલિત પદ્ધતિઓ(લેટરપ્રેસ, ઑફસેટ, ગ્રેવ્યોર)માંની એક મુદ્રણ-પદ્ધતિ. એની શોધ એલોઈ સેન્ફેલેન્ડરે 1797માં શિલામુદ્રણ (lithography) તરીકે કરી હતી.

મુદ્રણ માટે બે સપાટીની જરૂર હોય છે, છાપભાગ (image area) અને કોરો રાખવાનો ભાગ (non-image area). લેટરપ્રેસ-પદ્ધતિમાં છાપભાગ એકસરખી ઊંચી સપાટી પર અને કોરો રાખવાનો ભાગ એકસરખી નીચી સપાટી પર રાખવામાં આવે છે, જેથી શાહી લગાવવામાં આવે ત્યારે શાહી માત્ર એકસરખી ઊંચી સપાટી પર લાગે છે, જ્યારે એકસરખી નીચી સપાટી પર રાખેલા કોરા ભાગ પર લાગતી નથી. તેથી ઊલટું શિલામુદ્રણ અને ઑફસેટ મુદ્રણમાં છાપભાગ અને કોરો ભાગ એક જ સપાટી પર હોય છે. એટલે આ પ્રકારના મુદ્રણને એક જ સપાટી પરથી કરાતું મુદ્રણ (plenographic printing) પણ કહેવામાં આવે છે.

શાહી (ગ્રીઝ) અને પાણી એકબીજાં સાથે સહેજ પણ ભળતાં નથી. એકબીજાંને તે દૂર રાખે છે એ મૂળ સિદ્ધાંત પર આ પદ્ધતિ રચાયેલી છે. શાહી અને પાણીના એકબીજાંથી અળગા રહેવાના આ નૈસર્ગિક ગુણને કારણે જો આપણે એક જ સપાટી પર છાપભાગને શાહી આકર્ષે તેવો અને કોરા રાખવાના ભાગને પાણી કે ભેજ આકર્ષે તેવો બનાવી દઈએ તો તેવી મુદ્રણસપાટી પરથી કાગળ પર છાપ લઈ શકાય. આ વાત પહેલવહેલી 1797માં ઑફસેટ મુદ્રણના પિતા સેન્ફેલેન્ડરને સૂઝી.

સેન્ફેલેન્ડર નાટકોના લેખક હતા અને પોતાનાં નાટકો છાપવા માટે મુદ્રણના અવનવા પ્રયોગો કર્યા કરતા હતા. આ પ્રયોગો કરતાં એક દિવસ આકસ્મિક રીતે શાહી અને પાણીના એકબીજાને અળગા રાખવાના નૈસર્ગિક ગુણને કારણે એક જ સપાટી પર રહેલા છાપભાગ અને કોરા ભાગ પરથી છાપ મેળવી શકાય છે એ સિદ્ધાંત તેમના હાથમાં આવ્યો. આકસ્મિક રીતે લીધેલા આ સિદ્ધાંત પરથી લિથોગ્રાફી એટલે કે શિલામુદ્રણનો વિકાસ થયો.

આકૃતિ 1 : ઑફસેટ મુદ્રણના અગ્રેસર ઍલોઈ સેન્ફેલેન્ડર
શિલામુદ્રણની તૈયારીમાં…..

શિલામુદ્રણમાં છિદ્રાળુ પથ્થર પર આપણે જે છાપ લેવી હોય તેને અવળી (mirror image) દોરવામાં આવે છે. એ છાપની ઉપર શાહી લગાવી દેતાં તે શાહી આકર્ષે તેવી થઈ જાય છે અને બાકીનો ભાગ પાણીનું ભીનું પોતું મારતાં પાણીથી ભીનો બની પાણી આકર્ષે તેવો થઈ જાય છે. આમ છાપભાગ અને તે સિવાયનો કોરો ભાગ એક જ સપાટી પર હોવા છતાં તેની પર કાગળ મૂકતાં, રબરના સિક્કા પરથી મેળવાય છે તેવી જ છાપ મેળવી શકાય છે. લેટરપ્રેસ-પદ્ધતિમાં મુદ્રણસપાટી પર શાહી લગાવી, કાગળ મૂકી તે પરથી છાપ લેવાય છે. શિલામુદ્રણમાં શિલા પર પહેલાં પાણીનું પોતું ફેરવી અને પછી શાહી લગાવી, તેવી સપાટી પર કાગળ મૂકી તે પરથી છાપ લેવાય છે.

શિલામુદ્રણમાં છાપકામ કેવી રીતે થાય છે તે આ સાથેની આકૃતિમાં 6 પગથિયાંમાં દર્શાવવામાં આવ્યું છે :

આકૃતિ 2

1. શિલામુદ્રણ માટેની શિલાની સપાટી, એકસરખી, ચકચકિત અને છિદ્રાળુ હોય છે. આ સપાટી પર છાપભાગ અને કોરો ભાગ એક જ સપાટી પર છે, તે જોઈ શકાય છે.

2. શિલા પર પાણીનો ભીનો રોલ ફરે છે. આ રોલનું પાણી શાહીને સ્પર્શી શકતું નથી, કારણ શાહી અને પાણી એકબીજાં સાથે ભળતાં નથી. શાહી ન લાગેલી હોય તેવો ભાગ એટલે કે નહિ છાપવાનો આ કોરો ભાગ ભીનો થઈ જાય છે.

૩. ત્યારબાદ શિલા પર શાહીવાળો રોલ ફરે છે. આ વખતે ભીના ભાગ પર શાહી લાગતી નથી. માત્ર શાહીવાળા છાપભાગ પર જ શાહી લાગે છે. આમ શાહી ને પાણી એકબીજાં સાથે ભળતાં નથી તે સિદ્ધાંત પર શિલાની એકસરખી સપાટી પર છાપભાગ અને કોરો ભાગ તૈયાર થઈ જાય છે.

4. શિલા પર કાગળ મૂકવામાં આવે છે.

5. કાગળ પર દાબરોલર ફેરવવામાં આવે છે.

6. શાહીવાળો છાપભાગ કાગળ પર છપાઈ જાય છે.

શિલામુદ્રણના છાપકામના મશીનમાં 2થી 6 સુધીનાં પગથિયાંનું ચક્ર સતત ચાલ્યા કરે છે અને કાગળ પર જોઈતી સંખ્યામાં છાપ મેળવી શકાય છે.

શિલામુદ્રણમાં છાપકામ માટે છિદ્રાળુ શિલા મેળવવી, તેને સાચવવા જગ્યા રોકવી અને તેને મશીન પર ગોઠવવી એ ત્રણ મુશ્કેલી ઉપરાંત બીજી બે મુશ્કેલી હતી : એક તો જે કંઈ લખાણ છાપવું હોય તે શિલા પર અવળું લખવું પડતું, આ મુશ્કેલી ખાસ જાતના કાગળ પર સવળું લખાણ લખી, તેને શિલા પર ફેરવતાં અવળું થઈ જાય તેવી શોધથી દૂર થઈ. બીજી મુશ્કેલી શિલામુદ્રણમાં ન છાપવાના ભાગને પાણીથી ભીનો ભેજવાળો બનાવાતો તેમાંથી ઊભી થતી હતી. આ ભેજવાળી શિલા પર કાગળ મૂકતાં કાગળ ભેજ પકડતો અને તેની પ્રતિક્રિયા કાગળ પર થતી. કાગળના રેસા ફૂલતાં કાગળ સહેજ મોટો થતો અને પછી પાછો સંકોચાતો. રંગીન મુદ્રણમાં આ મુશ્કેલી વધારે કઠતી હતી. એટલે આ બે મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયાસો થતા રહ્યા, જે ઑફસેટ-પ્રિન્ટિંગની શોધમાં પરિણમ્યા.

‘ઑફસેટ’માં શિલાનું સ્થાન ઍનોડાઇઝ કરેલી ઍલ્યુમિનિયમની પ્લેટ લે છે. ફોટોગ્રાફિક પદ્ધતિથી છાપભાગને આ પ્લેટ પર ઉતારી તેની પર શાહી લગાવતાં તે માત્ર શાહીને જ આકર્ષે તેવો થઈ જાય છે અને તે સિવાયના કોરા ભાગને ભેજ આકર્ષે તેવો બનાવી દેવાય છે. અહીં સુધીની વાત લિથોગ્રાફી જેવી જ છે, પણ ઑફસેટમાં આ તબક્કે એક નવું પગથિયું ઉમેરાય છે. ઑફસેટની પ્લેટ પર શાહી આકર્ષે તેવી જે છાપ તૈયાર કરવામાં આવે છે તે આપણે આ લખાણ વાંચીએ તેવી સવળી હોય છે. તેના પરથી સીધેસીધી કાગળ પર છાપ લેવામાં આવે તો તે અવળી આવે અને કાગળને ભેજવાળી સપાટીના સંપર્કમાં આવવું પડે. આ બે ખામી દૂર કરવા ઑફસેટ-પદ્ધતિમાં પ્લેટ પરથી કાગળ પર સીધેસીધી છાપ લેવામાં આવતી નથી. પ્લેટ મઢેલા સિલિન્ડર પરથી આ છાપ પહેલાં રબરના બ્લૅન્કેટ મઢેલા સિલિન્ડર પર જાય છે; ત્યાં તે અવળી થઈ ગયેલી હોય છે. પછી આ બ્લૅન્કેટ પરથી છાપ કાગળ પર ‘ઑફસેટ’ થાય છે, છપાય છે ત્યારે સવળી થઈ જાય છે. આમ કાગળ સીધો પાણીભીની પ્લેટના સંપર્કમાં આવતો નથી એટલે ભેજ પકડવાથી ઘણે અંશે મુક્ત રહે છે.

આકૃતિ ૩માં ઑફસેટ-પદ્ધતિનું મુદ્રણ કેવી રીતે થાય છે તે બતાવવામાં આવ્યું છે.

પ્લેટ સિલિન્ડર પર ઍનોડાઇઝ કરેલી ઍલ્યુમિનિયમની પ્લેટ વીંટાળેલી છે. મશીન ચાલતાં બધાં સિલિન્ડરો ફરે છે. તે વખતે પાણી લગાવતો રોલ પહેલાં પ્લેટ પર પાણી લગાવે છે અને પછી શાહી લગાવતો રોલ પ્લેટ પર શાહી લગાવે છે. પ્લેટ પર છાપવાનો ભાગ શાહીવાળો થઈ જાય છે અને કોરો રાખવાનો ભાગ પાણીભીનો થઈ જાય છે. પ્લેટ સિલિન્ડર (4) પરની સવળી છાપ બ્લૅન્કેટ સિલિન્ડર (૩) પર અવળી થઈ જાય છે અને દાબ સિલિન્ડર (2) અને બ્લૅન્કેટ સિલિન્ડર (૩) વચ્ચેથી કાગળ પસાર થતાં બ્લૅન્કેટ પરની છાપ કાગળ પર સવળી ‘ઑફસેટ’ થઈ જાય છે, છપાઈ જાય છે. આ ચક્ર જેટલી છાપ લેવી હોય તેટલી વાર સતત ચાલતું રહે છે.

આકૃતિ ૩ : 1. છાપકામ માટેના કાગળ મૂકવાની જગ્યા, 2. દાબ-સિલિન્ડર, ૩. બ્લૅન્કેટ-સિલિન્ડર, 4. પ્લેટ-સિલિન્ડર, 5. શાહી લગાવતો રોલ અને 6. પાણી લગાવતો રોલ.

 

પુનર્મુદ્રણ માટે આ પદ્ધતિ આશીર્વાદરૂપ છે. એકવખત છપાયેલા પુસ્તકની નેગેટિવ લઈ તેને પ્લેટ પર ઉતારી તે પરથી છાપકામ કરી લેવાથી કંપોઝ કરવામાં જતો સમય અને શ્રમ તથા પ્રૂફ વાંચવાની કંટાળાજનક પ્રવૃત્તિમાંથી ઊગરી જવાય છે. ફોટોગ્રાફિક નેગેટિવ લેતી વખતે અક્ષરોને વાંચી શકાય તેટલી મર્યાદામાં ઝીણામાં ઝીણું રૂપ આપવું હોય તો આપી શકાય છે. કાગળ મુદ્રણસપાટીના સીધા સંપર્કમાં આવતો નથી અને રબર-બ્લૅન્કેટ પરથી છાપ લેવાતી હોવાથી ન્યૂઝપ્રિન્ટ જેવા હલકા કાગળ પર પણ ફોટોગ્રાફ તેમજ રંગીન ફોટોગ્રાફનું સારું છાપકામ થઈ શકે છે. ઑફસેટની પ્લેટ ગોળાકાર સિલિન્ડર પર વીંટી શકાતી હોવાથી અને તે પરથી છાપકામ કરવાનું હોવાથી છાપકામની ગતિ પણ જોઈએ તે મુજબ વધારી શકાય છે. આ બધાં કારણોને લઈને આ પદ્ધતિ ઝડપથી પ્રચલિત થતી જાય છે.

ઇલેક્ટ્રૉનિક યુગે કમ્પ્યૂટરની ભેટ ધરતાં મુદ્રણના ક્ષેત્રમાં કમ્પ્યૂટરની મદદથી થતાં ફોટો-ટાઇપસેટિંગે અને લેસરપ્રિન્ટરે ઑફસેટ મુદ્રણ માટે જોઈતી પ્રાથમિક છાપ મેળવવાનું કામ ટાઇપરાઇટિંગ જેટલું સરળ અને તેનાથીય વધુ ઝડપી બનાવી દીધું છે. પરિણામે સ્વચ્છ, સુઘડ અને જરૂર હોય ત્યાં બહુરંગી મુદ્રણ, અગાઉનાં વરસોની સરખામણીમાં ખૂબ જ ઝડપી અને સરળ થઈ ગયું છે.

જિતેન્દ્રભાઈ દેસાઈ