ઑટોરિક્ષા : પેટ્રોલથી ચાલતું ત્રણ પૈડાંનું ઝડપી વાહન. શહેરમાં વાહનવ્યવહારની ભારે ભીડમાં ઑટોરિક્ષા નાનું અને અનુરૂપ વાહન હોઈ લોકપ્રિય થયેલું છે. તે ત્રણ પૈડાંવાળું વાહન હોવાથી તે ચલાવવા માટે દ્વિચક્રી વાહન જેવી સસ્તી અને સરળ યોજના હોય છે. તેમાં 150 કે 175 મિલી. લિટર ક્ષમતાવાળું એક સિલિન્ડર, 2 ફટકાવાળું (two strokes) વાતશીત પેટ્રોલ એન્જિન અને સ્કૂટરની માફક હૅન્ડલ પર ક્લચ અને ગિયર પસંદ કરવાની ગોઠવણ છે. ગિયર-બૉક્સ ચાર ગતિ આપે છે. ઊલટી દિશાની ગતિ માટે ગિયર પસંદ કરવાની અલાયદી સગવડ છે. પાછલી ધરી સક્રિય હોય તો એન્જિન ઊભું મૂકીને પ્રોપલર શાફ્ટ, યુનિવર્સલ જોઇન્ટ અને ક્રાઉન, પ્રિનીઅન અને ડિફરેન્શિયલનો ઉપયોગ થાય છે. બીજી પદ્ધતિમાં એન્જિન આડું મૂકીને ગિયરબૉક્સ સાથે જ ડિફરેન્શિયલ એકમને સામેલ કરીને ચેઇન મારફત ડાબા અને જમણા પૈડાને શક્તિ પહોંચાડાય છે. આગલા પૈડાના નિલંબન માટે કૉઇલ સ્પ્રિંગ વપરાય છે, જ્યારે પાછલાં પૈડાં માટે લીફ-સ્પ્રિંગ અથવા મરોડ દંડ (torsion bar) વપરાય છે. એન્જિનનું સ્થાન ચાલકની બેઠક નીચે કે પાછળના ભાગમાં ઉતારુઓની બેઠક નીચે હોય છે. બ્રેક સામાન્ય રીતે દ્રવચાલિત (hydraullic) હોય છે.
એન્જિનનો પ્રારંભ હાથથી કે પગથી ચલાવાતા લીવર વડે થાય છે. લાઇટ અને હૉર્ન માટે બૅટરી વપરાય છે. બૅટરીની અવેજીમાં લાઇટ અને હૉર્ન ઑલ્ટરનેટના પ્રત્યાવર્તી વીજપ્રવાહ પર ચાલે છે. વીજપ્રજ્વલન પદ્ધતિ મેગ્નેટો પ્રકારની હોય છે. બત્તી અને હૉર્ન માટેની વીજશક્તિ, મેગ્નેટો એકમમાં વધારાનાં ગૂંચળાં ગોઠવીને પ્રાપ્ત થાય છે.
ન. ધ. શેઠ