એગ્લૉમરેટ (agglomerate) : જ્વાળામુખીના પ્રસ્ફુટજન્ય ટુકડાઓનો બનેલો ખડક. 20થી 30 મિમી. કે તેથી વધુ વ્યાસવાળા ઓછાવત્તા પ્રમાણમાં ગોળાકાર કે અણીદાર ટુકડાઓ જેમાં વધુ હોય એવા જ્વાળામુખી-પ્રસ્ફુટનનો સમકાલીન પાયરોક્લાસ્ટિક ખડક  આંતરે આંતરે થતી જ્વાળામુખી-પ્રસ્ફુટનક્રિયાને કારણે જ્વાળામુખીની આજુબાજુના વિસ્તારમાં ખડક-ટુકડાઓનો જથ્થો એકત્રિત થતો રહે છે. પ્રત્યેક પ્રસ્ફુટન બાદ શાંતિના સમયમાં જ્વાળામુખીની નળીની દીવાલો પર લાવાની પોપડી જામતી જાય છે, જે પછીના પ્રસ્ફુટન સમયે તૂટતી જાય છે અને લાવા સાથે બહાર ફેંકાય છે. ક્યારેક જ્વાળામુખીની અંદર તો ક્યારેક બહાર, તૂટેલા સ્વસ્થાની ખડક-ટુકડાઓનો જથ્થો કે સૂક્ષ્મ દાણાદાર જ્વાળામુખીભસ્મ ભેગાં થાય છે અને લાવામાં જડાઈ જાય છે. આ પ્રકારના સંમિશ્રિત, કોઈ પણ કદના નાનામોટા ટુકડાઓથી બનેલા ખડકને એગ્લૉમરેટ કહેવાય છે. આ પૈકી ‘લેપિલી’ ખડક નાના ભસ્મકણોથી બનેલા હોય છે; જેમનું કદ અખરોટથી વટાણા વચ્ચેનું હોય છે. તે મોટા ટુકડાઓ રૂપે દૂર સુધી ફેંકાય છે. જ્વાળામુખી-પ્રસ્ફુટન દરમિયાન ખડકવિભંજનક્રિયા દ્વારા પ્રવાહી લાવા સાથે જે બ્રેક્સિયા તૈયાર થાય છે તેને પણ એગ્લૉમરેટ કહેવાય છે, જેના બંધારણમાં મુખ્યત્વે તો જ્વાળામુખીજન્ય દ્રવ્ય જ હોય છે, પરંતુ ક્યારેક બિનજ્વાળામુખી-પ્રાદેશિક ખડકના ટુકડાઓ પણ હોય છે. કેટલાક ભૂસ્તરશાસ્ત્રીઓના મત પ્રમાણે એગ્લૉમરેટના બંધારણમાં રહેલા મોટા ટુકડા ઘટ્ટ લાવાના જ્વાળામુખી ગોળા (volcanic bombs) હોવા જોઈએ કે જે વાતાવરણમાં પ્રવાહી સ્વરૂપે ફેંકાયેલા હોય, પરંતુ તેમની ઘનીભવનની ક્રિયા ઉડ્ડયન દરમિયાન થઈ ગયેલી હોય. એગ્લૉમરેટમાં સામાન્ય રીતે જોવા મળતી પડરચના અલ્પવિકસિત હોય છે. તેમાં જોવા મળતી સંરચનાઓ વિસ્ફોટિત શિલાચૂર્ણની ઝડપી અને અસ્થિર સંચયક્રિયાથી અસ્તિત્વમાં આવે છે. એગ્લૉમરેટનું બંધારણ જ્વાળામુખીજન્ય દ્રવ્યોના પ્રાપ્તિસ્થાન તેમજ જ્વાળામુખી-કંઠમાં સમાવિષ્ટ થયેલા ટુકડાના બંધારણ ઉપર મુખ્યત્વે આધાર રાખે છે.

ભારતના ડેક્કન ટ્રૅપ પ્રદેશમાં, હિમાલયની પંજાબ હારમાળામાં તેમજ અન્ય જ્વાળામુખી-પ્રસ્ફુટનોવાળા વિસ્તારોમાં એગ્લૉમરેટ જોવા મળે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે