એક્સાઇટોન (exciton) : એક ઘટક તરીકે સ્ફટિકમાં ગતિ કરવા માટે મુક્ત એવું, ઇલેક્ટ્રૉન અને હોલનું સંયોજન. (hole = સંયોજકતા પટ્ટમાં ઇલેક્ટ્રૉનના અભાવવાળી (સ્થિતિ). ઇલેક્ટ્રૉન તેમજ ધનહોલ ઉપર એકસરખો અને વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર હોવાથી, એક્સાઇટોન ઉપર એકંદરે કોઈ વિદ્યુતભાર નથી. આ હકીકત એક્સાઇટોનના અભિજ્ઞાન(detection)ને મુશ્કેલ બનાવે છે; પરંતુ પરોક્ષ રીતે તેનું અભિજ્ઞાન શક્ય છે.

એક્સાઇટોનના ઇલેક્ટ્રૉનનું ધનાત્મક હોલ સાથે પુન: સંયોજન થાય છે, ત્યારે મૂળ પરમાણુ પુન:સ્થાપિત (restore) થઈ, એક્સાઇટોન લુપ્ત થાય છે. આવું બને ત્યારે એક્સાઇટોનની ઊર્જા કાં તો પ્રકાશમાં રૂપાંતર પામે છે અથવા તો સ્ફટિકમાંના નજીકના પરમાણુમાંથી ઇલેક્ટ્રૉનનું સ્થાનાંતર કરી એક નવા એક્સાઇટોનની ઉત્પત્તિ માટે વપરાય છે.

એરચ મા. બલસારા