ઍસ્ટ્રોટર્ફ : ઘાસથી આચ્છાદિત નૈસર્ગિક સપાટીવાળા મેદાનને બદલે પ્લાસ્ટિક, રબર કે નાઇલૉન જેવા કૃત્રિમ પદાર્થની સપાટી ધરાવતું રમતનું મેદાન. 1967થી ઘાસના મેદાન પર રમાતી હૉકીની રમત ઍસ્ટ્રોટર્ફ પર રમાવાની શરૂઆત થઈ. આજે દુનિયામાં ઍસ્ટ્રોટર્ફનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. એને માટેના સિન્થેટિક પદાર્થનું ઉત્પાદન 3-m યુનાઇટેડ કિંગડમ લિમિટેડ કંપની કરે છે. આવી ઍસ્ટ્રોટર્ફનો સૌથી મોટો લાભ એ છે કે એના પર કોઈ પણ ઋતુમાં રમી શકાય છે અને એની સપાટી દરેક ઋતુમાં એકસરખી રહે છે. ઘાસના મેદાનની માફક એમાં ઘસારો, ખાડા કે ઊંચીનીચી સપાટી જોવા નહીં મળે. વરસાદમાં એના પર કાદવ થતો નથી, તેથી લપસી પડવાનો ભય રહેતો નથી. ખેલાડીનાં કપડાં પણ બગડતાં નથી અને વિશેષ તો રમત દરમિયાન કોઈ ખેલાડી મેદાન પર પડી જાય તો ઈજા થવાનો ભય રહેતો નથી. વળી, ઘાસના મેદાન માટે ખાતર, જંતુનાશક દવાઓ અને લૉન કાપનારાં યંત્રોની જરૂર પડે છે. જ્યારે ઍસ્ટ્રોટર્ફની સપાટીની જાળવણી પાછળ આવો કોઈ ખર્ચ કરવો પડતો નથી.

હૉકીની સ્પર્ધાના સમયપત્રકના દિવસો દરમિયાન જો વધુ પડતો વરસાદ પડે અને મેદાન જો ઘાસનું હોય તો સમયપત્રક સાચવવામાં મુશ્કેલી પડે. કારણ કે ઘાસનું મેદાન ભીનાશ તરત શોષી શકે નહિ, કૃત્રિમ પદાર્થનું બનેલું મેદાન ભીનાશ ભલે સહેલાઈથી શોષી શકે નહિ, છતાં સાધારણ ભીનાશવાળા આવા મેદાન પર રમત ચાલુ રાખી શકાય છે. ભારે વરસાદના પાણીના નિકાલ માટે મેદાન તૈયાર કરતી વેળાએ જ તેની ચારે બાજુ નીક તૈયાર કરવામાં આવે છે. મેદાન પરનું વરસાદનું પાણી ઝડપથી નીકમાં જઈ શકે તે માટે મેદાનના મધ્ય ભાગથી તેની બધી બાજુએ હળવો ઢોળાવ આપવામાં આવે છે.

1967 પછીના ગાળામાં આવાં મેદાનોનું ટકાઉપણું, તેની અવરોધક્ષમતા, ઉષ્ણતામાનક્ષમતા તથા તેના અન્ય લાભોને કારણે પશ્ચિમના દેશો ઉપરાંત જાપાન, ઉત્તર અને દક્ષિણ કોરિયા તથા મલયેશિયા જેવા દેશોમાં હવે તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે.

સિન્થેટિક પદાર્થોનાં બનેલાં આવાં મેદાનોનો ઉપયોગ હવે હૉકી ઉપરાંત અન્ય ઘણી નાનીમોટી મેદાની (outdoor) તથા અંદરની (indoor) રમતો માટે થાય છે.

છોટુભાઈ પટેલ