ઍલગોઅસ : દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ દેશના ઈશાનકોણમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 9° 00’થી 10° 30’ દ. અ. અને 35° થી 38° પ. રે. વચ્ચેનો આશરે 27,993 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે બ્રાઝિલનાં બધાં રાજ્યોમાં વિસ્તારની ર્દષ્ટિએ સૌથી નાનાં ગણાતાં રાજ્યો પૈકી દ્વિતીય ક્રમે આવે છે. આ રાજ્ય સાઓ ફ્રાન્સિસ્કો નદીને ઉત્તર કિનારે પથરાયેલું છે. તેની ઉત્તર અને પશ્ચિમે પેર્નામ્બુકો રાજ્ય, પૂર્વે ઍટલટિક મહાસાગર, દક્ષિણે સૈર્ગિપે રાજ્ય તથા પશ્ચિમે બહિયા રાજ્ય આવેલાં છે. આ રાજ્યને 220 કિમી. જેટલો દરિયાકિનારો મળેલો છે. તેમાં અનેક સરોવરો (બ્રાઝિલની ભાષામાં ‘લગોઅસ’ એટલે સરોવર) આવેલાં હોવાથી તેનું નામ ઍલગોઅસ પડેલું છે. આ સરોવરોમાં લગો આ દો સુલ (દક્ષિણનું સરોવર) અહીંનું સૌથી મોટું સરોવર છે.

ભૂપૃષ્ઠજળપરિવાહઆબોહવા : આ રાજ્યના ભૂપૃષ્ઠનો સામાન્ય ઢોળાવ અર્ધવેરાન ઉચ્ચપ્રદેશથી અગ્નિદિશામાં આવેલાં કિનારાનાં સાંકડાં મેદાનો તરફનો છે. અહીં સેરા દ બોર બોરેમા નામની હારમાળાનો દક્ષિણ ભાગ પસાર થાય છે, તેમાં સર્વોચ્ચ સ્થળ સેરા લિસા છે. આ રાજ્યને વનસ્પતિને લક્ષમાં રાખીને ચાર કુદરતી વિભાગોમાં વહેંચવામાં આવેલું છે : 1. સમુદ્ર-કિનારાનાં મેદાનો, 2. અયનવૃત્તીય વર્ષાજંગલો, 3. સવાના ભૂમિ અને 4. શુષ્ક પ્રદેશ.

સાઓ ફ્રાન્સિસ્કો, મુન્દાઉ, પારાબા અને કોરુરીપી અહીંની મુખ્ય નદીઓ છે. મુન્દાઉ, દ નૉર્તે, માંગુબા અને દ સુલ અહીંનાં મહત્વનાં મોટાં સરોવરો છે. અહીંનું ઉનાળા (જાન્યુઆરી) અને શિયાળા(જુલાઈ)નું સરેરાશ તાપમાન અનુક્રમે 26° સે. અને 24° સે. રહે છે. અહીં સરેરાશ વરસાદ 1,900 મિમી. જેટલો પડે છે.

અર્થતંત્ર : આ રાજ્યના મુખ્ય કૃષિપાકોમાં શેરડી, નાળિયેર, ડાંગર, મકાઈ, કપાસ, તમાકુ વગેરેનો સમાવેશ થાય છે. અહીં પશુપાલનપ્રવૃત્તિ પણ વિકસેલી છે. મહત્વના ઉદ્યોગોમાં ખાંડનાં કારખાનાં; લોખંડ ગાળવાની ભઠ્ઠીઓ; મકાઈ અને ડાંગર છડવાના એકમો તેમજ કાપડ, ડેરીપેદાશો તથા ખાતરોના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. વળી અહીં ખનિજતેલ અને સારી કક્ષાનું ઍસ્બેસ્ટોસ મળે છે. ખનિજતેલની આડપેદાશોનું પણ ઉત્પાદન લેવાય છે. સાઓ ફ્રાન્સિસ્કો નદી પર બંધ બાંધવા સાથે જળવિદ્યુત યોજના પણ સાકાર કરવામાં આવેલી છે. આ નદી તેમજ મોટાં સરોવરો રાજ્યના આંતરિક જળમાર્ગ તરીકે વ્યવહારમાં ઉપયોગી થાય છે. રાજ્યનું પાટનગર મૅસિયો મહત્વનું બંદર પણ છે. તે રાજ્યનાં અન્ય મથકો સાથે પાકા રસ્તાથી તેમજ દેશનાં મુખ્ય શહેરો સાથે હવાઈ માર્ગથી સંકળાયેલું છે.

વસ્તી : 1996 મુજબ આ રાજ્યની વસ્તી 26,33,251 જેટલી છે. રાજ્યના પાટનગર મૅસિયોની વસ્તી 1996 મુજબ 7,23,142 જેટલી છે. અહીં ઇન્ડિયન, આફ્રિકન અને યુરોપિયન જાતિના લોકો વસે છે. રાજ્યની મુખ્ય ભાષા પૉર્ટુગીઝ છે અને લોકોનો મુખ્ય ધર્મ રોમન કૅથલિક છે. અહીં આવેલી ઍલગોઅસ યુનિવર્સિટી ઉપરાંત શાળા-મહાશાળાઓ તેમજ તકનીકી સંસ્થાઓ પણ આવેલી છે. અહીં કેટલીક ઐતિહાસિક અને ભૌગોલિક સંસ્થાઓ, તબીબી અને સાહિત્યને લગતી સંસ્થાઓ પણ છે. મૅસિયો, એરાપિરાકા, મારેશલ દિયોદોરો, સાઓ મિગેલ, કોકેરો સેકો અને પિયાકાબુકો અહીંનાં મુખ્ય શહેરો છે.

ઇતિહાસ : સોળમી સદીમાં અહીં પૉર્ટુગીઝ લોકોનું શાસન હતું. સત્તરમી સદીમાં ડચ લોકોએ પગપેસારો કરેલો, પરંતુ તેમને થોડા સમયમાં હાંકી કાઢવામાં આવેલા. 1817 સુધી ઍલગોઅસ પેર્નામ્બુકોનો જિલ્લો હતો, તે 1822માં બ્રાઝિલની આઝાદીની ઘોષણા બાદ પ્રાંત બન્યો. 1889માં તે પ્રજાસત્તાક રાજ્ય બન્યું છે.

નીતિન કોઠારી

કૃષ્ણવદન જેટલી