ઍરિસ્ટૉફનીઝ

January, 2004

ઍરિસ્ટૉફનીઝ (ઈ. પૂ. 45૦-385) : ગ્રીક કૉમેડીના પ્રથમ સર્જક. એમનો જન્મ ઇજિપ્તમાં રહોડ્ઝને કાંઠે આવેલા લિન્ડોઝ કે કેમિરસમાં થયો હતો. એમની માતાનું નામ ઝેનોડ્રા અને પિતાનું નામ ફિલિપ્પસ. ટ્રૅજેડીની જેમ ગ્રીક કૉમેડીનો ઉદભવ પણ ડાયૉનિસસ સાથે સંકળાયેલા ધાર્મિક ઉત્સવ સાથે જોડાયેલો છે. ઍરિસ્ટૉફનીઝે જૂની કૉમેડી(old comedy)ના સ્વરૂપનું ઘડતર કર્યું. એમનો યૌવનકાળ ઍથેન્સના મહાન રાજવી પેરિક્લિસના ઉત્તમ શાસનકાળ દરમિયાન વીત્યો હતો. ઉત્તરાવસ્થામાં ઍથેન્સનો સ્પાર્ટાની સામેનો પરાભવ પણ જોવો પડ્યો.

ઍથેન્સના એક ભાષણિયા નેતા (demagogue) ક્લિયૉને ઍરિસ્ટૉફનીઝ ગ્રીક નથી, પણ પરદેશી છે અને તે ઍથેન્સનો કાયદેસર નાગરિક નથી એવો આરોપ મૂકી તેના ઉપર કેસ કર્યો, પણ તેમાં ક્લિયૉન ફાવ્યો નહીં. આ ક્લિયૉનને તેમજ અન્ય રાજકીય નેતાઓને લક્ષ્ય બનાવીને ઍરિસ્ટૉફનીઝે દાહક કટાક્ષથી અને તીવ્ર વ્યંગથી ભર્યાં ભર્યાં નાટકો રચીને ગ્રીસની તત્કાલીન રંગભૂમિ પર કૉમેડીને પ્રતિષ્ઠિત કરી. ઍરિસ્ટૉફનીઝ દ્વારા આખાય ગ્રીસમાં છવાઈ ગયેલ આ જૂની કૉમેડીનું મુખ્ય કથાવસ્તુ રાજકીય છે. રાષ્ટ્ર જ્યારે સંક્રાંતિકાળમાંથી પસાર થતું હોય ત્યારે તેને પહેલો સામનો કરવાનો આવે છે રાજકીય દંભ અને ભ્રષ્ટાચારનો. ઍથેન્સમાં પ્રવર્તતા રાજકીય દંભ અને ભ્રષ્ટાચારનો ઍરિસ્ટૉફનીઝે પોતાના નાટ્યલેખન દ્વારા તીવ્ર પ્રતિકાર કર્યો. ઍથેન્સના રાજકારણીઓ, સામાજિક નેતાઓ અને લોકશાહીના સમર્થકોએ ઍથેન્સને સ્પાર્ટા સામે યુદ્ધમાં ઘસડ્યું. ઈ. પૂર્વે 431થી ઈ. પૂર્વે 4૦4 એટલે કે અઢી દાયકા સુધી ચાલુ રહેલ પૉલોપૉનેસિયન યુદ્ધકાળ દરમિયાન ઍરિસ્ટૉફનીઝે 54 જેટલાં નાટકોનું સર્જન કર્યું. ઍરિસ્ટૉફનીઝ પૉલોપૉનેશિયન યુદ્ધના વિરોધી હતા. ઍથેન્સમાં કથળેલા લોકશાહીના તંત્રના તે તીવ્ર ટીકાકાર હતા. ધર્મ, રાજકારણ, સમાજ અને સાહિત્યમાં પ્રવર્તતી અભિનવ વિચારધારાઓના એ કડક આલોચક હતા. સૉક્રેટિસે પ્રબોધેલ નવી શિક્ષણનીતિ તેમજ સૉફિસ્ટ વિચારધારાની તેમણે પોતાનાં નાટકોમાં ઠેકડી ઉડાવી છે. માનવકલ્યાણને લગતી આદર્શ યોજનાઓના પુરસ્કર્તા પ્લેટોની વિચારસરણીને તરંગી ગણી ઍરિસ્ટૉફનીઝે આ તત્વજ્ઞાનીને પણ કટાક્ષનું નિશાન બનાવેલું છે. ત્રણેય સમર્થ નાટ્યકારો ઇસ્કિલસ, સૉફોક્લિઝ અને યુરિપિડીઝ પ્રત્યે તેમણે તીખા વ્યંગ્ય કર્યા છે.

એકથી વધુ વાર રાષ્ટ્રીય નાટ્યસ્પર્ધામાં વિજયી નીવડેલા ઍરિસ્ટૉફનીઝે પ્રથમ કૉમેડી ‘અકર્નિયન્સ’ વીસ વર્ષની વયે રચી. યુદ્ધની પશ્ચાદભૂ ઉપર ‘નાઇટ્સ’ નામની કૃતિમાં યુદ્ધનીતિના પુરસ્કર્તા ક્લિયૉન પર તીવ્ર કટાક્ષ છે. ‘પીસ’ (શાંતિ) નામના નાટકમાં દ્રાઇજિયસ નામનો ખેડૂત કીડા ઉપર બેસીને ઑલિમ્પસ પર દેવોની સમક્ષ યુદ્ધનો અંત લાવવા માટે આવે છે, પણ દેવો યુદ્ધના ત્રાસથી ઑલિમ્પસ છોડી ભાગી ગયા છે. ‘લીસિસ્ટ્રાટા’ નાટકમાં આવતાં સ્ત્રીપાત્રો એલાન આપે છે કે પુરુષો યુદ્ધ બંધ ન કરે ત્યાં સુધી પુરુષ સાથે સહશયનનો ત્યાગ કરવો. તેમની કુલ 11 ઉપલબ્ધ કૃતિઓમાંથી ‘બર્ડ્ઝ’, ‘ક્લાઉડ’, ‘ફ્રૉગ્સ’ અને ‘વાસ્પસ’ જૂની કૉમેડીના ઉત્તમ નમૂના છે. ઍરિસ્ટૉફનીઝની ભાષામાં કાવ્યત્વ ઉપરાંત નર્મ-મર્મ ભારોભાર છે તો તેનાં નાટકોમાં દ્વિઅર્થી સંવાદો ઉપરાંત સ્ત્રી-પુરુષ-યૌનસંબંધોને નિરૂપતા ઉઘાડા અશ્લીલ નિર્દેશો પણ છે. તેમના ‘પ્લૉટસ’ નાટક ઉપરથી કવીશ્વર દલપતરામે ‘લક્ષ્મીનાટક’ 18૬3માં લખીને પ્રસિદ્ધ કર્યું હતું.

નલિન રાવળ