ઍમિરૉવ, ફિક્રેત મેશાદી જામિલ ઓગ્લી

January, 2004

ઍમિરૉવ, ફિક્રેત મેશાદી જામિલ ઓગ્લી (Amirov, Fikret Meshadi Dzhamil Ogly) (જ. 19, આઝરબૈજાન) : આધુનિક આઝરબૈજાની સંગીતકાર અને સ્વરનિયોજક. પિતા મેશાદી જામિલ એમિરૉવ આઝરબૈજાની લોકસંગીતના જાણીતા ગાયક હતા અને ‘ટાર’ નામનું આઝરબૈજાની તંતુવાદ્ય વગાડવામાં તેમની નિપુણતાએ તેમને મૉસ્કો સુધી નામના અપાવેલી. બાળ ફિક્રેતને પણ નાનપણથી જ આઝરબૈજાની લોકસંગીતનો ચસકો લાગેલો.

આઝરબૈજાની શૌર્ય-કવિ નિઝામીને સમર્પિત 1941માં રચેલી પહેલી સિમ્ફનિક પોએમ ‘ઇન મેમરી ઑવ્ નિઝામી’થી ઍમિરૉવ આઝરબૈજાન અને રશિયામાં જાણીતા થયા.

આ પછી તેમણે ‘શુર’ અને ‘ક્યુર્ડી-ઓવ્શેરી’ નામના બે ‘સિમ્ફનિક મુગામ’ની રચના કરી સંગીતનું એક નવું સ્વરૂપ (genre) નિપજાવ્યું, જેમાં આઝરબૈજાની લોકસંગીતનો પ્રશિષ્ટ યુરોપીય સંગીત સાથે યોગ કરવામાં આવ્યો હતો. આ કૃતિઓ ‘શુર’ અને ‘ક્યુર્ડી-ઓવ્શેરી’ વિદેશોમાં, ખાસ કરીને ફ્રાંસ અને અમેરિકામાં ઘણી લોકપ્રિય નીવડી. ફ્રાંસના સંગીતવિવેચનના સામયિક ‘ડિસ્ક’(Disque)એ ઍમિરૉવની ભરપેટ પ્રશંસા કરી. ટૅક્સાસના હ્યુસ્ટનમાં અમેરિકન કન્ડક્ટર લિયૉપોલ્ડ સ્ટૅકોવ્સીએ આ બે કૃતિઓનું અમેરિકામાં પહેલી વાર સંચાલન કરેલું. આ બે મુગામ કૃતિઓ ઉપરાંત ત્રીજી ‘સિમ્ફનિક મુગામ’ – ‘ગુલિસ્તાન બાયાતી’નું વાદન ઈરાનના શીરાઝ નગરમાં પણ લોકપ્રિય થતાં તેનું ઘણી વાર પુનરાવર્તન કરવામાં આવ્યું.

એમિરૉવની આ ત્રણ કૃતિઓની રજૂઆત મૉસ્કો ખાતે યુનેસ્કો દ્વારા આયોજિત ‘ઇન્ટરનૅશનલ મ્યૂઝિક કાઉન્સિલ’માં પણ કરવામાં આવી.

એમિરૉવની અન્ય મહત્વની કૃતિઓ આ પ્રમાણે છે :

1. ‘ડબલ કન્ચર્ટો ફૉર વાયોલિન ઍન્ડ પિયાનો’ (1946); 2. ‘કન્ચર્ટો ફૉર પિયાનો વિથ ફોક ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઑવ્ આઝરબૈજાન’ (1947); 3. સ્યુટ ‘આઝરબૈજાન’; 4. સિમ્ફનિક પોએમ ‘આઝરબૈજાનિયન કેપ્રિચિયો’; 5. સિમ્ફનિક પોએમ ‘આઝરબૈજાનિયન એન્ગ્રેવિન્ગ્સ’; 6. ઑપેરા સેવિલ (1953 અને 1959); 7. સિમ્ફનિક પોએમ ‘ટેલ ઑવ્ નાસીમી’ તથા 8. સિમ્ફની ‘ટ્રૅજિક મ્યૂઝિક’.

અમિતાભ મડિયા