ઍમિનોઍસિડ (વનસ્પતિશાસ્ત્ર)

January, 2004

ઍમિનોઍસિડ (વનસ્પતિશાસ્ત્ર) : સજીવના બંધારણમાં આવેલ પ્રોટીનનું ઍસિડ જલાપઘટન (hydrolysis) કરતાં પ્રાપ્ત થતા એકલકો (monomers). તેઓ વનસ્પતિકોષોમાં થતી ચયાપચયની પ્રક્રિયાના નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે; તેથી જુદા જુદા કોષો, પેશી અને અંગોમાં તેઓ વિવિધ માત્રામાં મળી આવે છે. ઍમિનોઍસિડનું માપન નીનહાઇડ્રીન દ્વારા થઈ શકે છે.

જીવોત્પત્તિ અને ઉદવિકાસ અને વિભેદન (differentiation) બે જીવવિજ્ઞાનના પાયાના પ્રશ્નો છે. ઍમિનોઍસિડોના એકત્રીકરણથી બનતો પ્રોટીનનો મહાઅણુ અને જરૂરિયાત પ્રમાણે તેની વધઘટ  આ બંને પરિબળો ઉપર્યુક્ત પ્રશ્નોમાં મહત્વના ગણાય છે.

કેટલીક વનસ્પતિઓની પરાગરજમાં મુક્ત ઍમિનોઍસિડની સાંદ્રતાનો અભ્યાસ સારણી 1માં આપવામાં આવ્યો છે.

સારણી 1 : કેટલીક વનસ્પતિઓની પરાગરજમાં મુક્ત ઍમિનોઍસિડનું પ્રમાણ

ક્ર વનસ્પતિનું નામ

ઍમિનોઍસિડનું પ્રમાણ

માઇક્રોગ્રામ / મિગ્રા.

1. કુમારપાઠું (Aloe vera L.) 36.88
2. વાડથોર (અકંટકીય) 11.56
(Consolea rubescence L.)
3. કેરડો (Capparis aphylla Roth.) 58.87
4. આવળ (Cassia auriculata L.) 39.47
(ફળાઉ પરાગરજ) 35.75
5. સાયકસ (Cycas circinalis L.) 9.22
6. કમળ (Nymphae alba L.) 29.19
7. રજનીગંધા (Polyanthes tuberosa L.) 101.12
8. ટર્નેરા (Turnera ulmifolia) 137.76

પ્રત્યેક વનસ્પતિકોષમાં પ્રોલીન અનિવાર્ય છે. પરાગરજમાંથી પ્રોલીન સ્ત્રીકેસરની પેશીઓમાં તાત્કાલિક પ્રસરણ પામી પ્રોટીન ઘટકોમાં પ્રવેશે છે. આમ, પરાગરજ અને પરાગાસન (stigma) વચ્ચે ગાઢ સંબંધ બંધાય છે. તે ક્ષણે  પરાગરજમાં પ્રોલીનનું પ્રમાણ 3 %થી  5 % જેટલું હોય છે. તે પરાગરજનો મહત્વનો ઍમિનોઍસિડ છે. તેનો પરાગનલિકામાંથી અંડકોષ પર સ્રાવ થાય છે.

α-ઍમિનોઍસિડનો પ્રોટીન-સંશ્લેષણ ઉપરાંત, ઘણા જૈવિક અણુઓના સંશ્લેષણમાં ભાગ છે; દા.ત., β-ઍલેનીન કો-એન્ઝાઇમ Aમાં તે હોય છે. ઍસ્પૅર્જિન બીજાંકુરણ દરમિયાન પ્રોટીન-સંશ્લેષણમાં નાઇટ્રોજનના સ્રોત તરીકે ઉપયોગી છે. ડાઇઍમિનો પિમેલિક ઍસિડ બૅક્ટેરિયાની કોષદીવાલના બંધારણમાં હોય છે. 3, 4-ડાઇ-હાઇડ્રૉક્સિ ફિનાઇલ ઍલેનીન (DOPA) મેલેનિન નામના રંજકદ્રવ્યનો પૂર્વગ (precurson પદાર્થ) છે. હિસ્ટિડીનના ડિકાબૉર્ક્સીકરણ-(decarboxylation)થી હિસ્ટામીન મળે છે. તે વાહિનીઓના વિસ્ફારણ (vasodilation) માટે જવાબદાર છે.

વનસ્પતિ-બીજમાં બિનપ્રોટીન ઍમિનોઍસિડ પુષ્કળ પ્રમાણમાં હોય છે; દા. ત., હોમોસેરીન બિનપ્રોટીન થ્રિયૉનીન સાથે જોડાય છે અને તે આઇસોલ્યુસિન અને મિથિયોનિનના સંશ્લેષણમાં મધ્યસ્થી (intermediate) પદાર્થો તરીકે ઉપયોગી છે. ડાઇઍમિનોપિમેલિક ઍસિડ લાઇસિનના નિર્માણમાં અનિવાર્ય છે. બિનપ્રોટીન ઍમિનોઍસિડ એક પ્રજાતિની પરાગરજને બીજી પ્રજાતિના પરાગાસન ઉપર અંકુરણ પામતી અટકાવે છે. વનસ્પતિ-વર્ગીકરણમાં પણ બિનપ્રોટીન ઍમિનોઍસિડ મહત્વનો ફાળો આપે છે.

સરોજા કોલાપ્પન

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ