ઍન્જેલિકો, ફ્રા (બ્રધર)

January, 2004

ઍન્જેલિકો, ફ્રા (બ્રધર) (જ. આશરે 1400, ફ્લૉરેન્સ નજીક, વિચિયો, ઇટાલી; અ. 18 ફેબ્રુઆરી 1455, રોમ, ઇટાલી) :  રેનેસાંસના પ્રારંભકાળના ચિત્રકાર. મૂળ નામ ગઇડો દી પિયેત્રો. વળી તેઓ જિયોવાની દા ફિઝોલે તરીકે પણ ઓળખાયા. રેનેસાંની પ્રારંભકાળની ફ્લૉરેન્સની ચિત્રશૈલી વિકસાવવામાં ઍન્જેલિકોનો પ્રમુખ ફાળો છે. 1417 સુધીમાં તેઓ ચિત્રકાર તરીકે જાણીતા થઈ ગયેલા. તે જ વર્ષે બાત્તિસ્તા સાંગુઇની (Battista Sanguigni) નામના પોથીઓ માટેના ગૉથિક શૈલીના લઘુચિત્રકાર (miniaturist) સાથે રહી તેમણે ગૉથિક શૈલી આત્મસાત્ કરી. પાછળથી સાંગુઇની ઍન્જેલિકોનો સહાયક બન્યો. 1420માં ઍન્જેલિકો ડૉમિનિકન સાધુ (monk) બન્યા અને 1420થી 1422 સુધી ફિઝોલે ખાતેની સેંટ ડૉમેનિકો મૉનેસ્ટેરીમાં રહ્યા. 1422માં તેમણે ‘ફ્રા (બ્રધર) જિયોવાની દા ફિઝોલે’ નામ ધારણ કર્યું. ફિઝોલે-નિવાસ દરમિયાન તેઓ જિયોવાની ડૉમિનીચી નામના ડૉમિનિકન સંપ્રદાયના નેતાથી અને સેંટ ઍન્તોનિનસ પિયેરૉત્ઝી નામના સહ-સાધુનાં લખાણોથી ખૂબ જ પ્રભાવિત થયા. જિયોવાની ડૉમિનીચી પ્રણાલીગત ગૉથિક આધ્યાત્મિકતાના પુરસ્કર્તા અને રેનેસાંસ-માનવતાવાદના વિરોધી હતા. ફ્રા ઍન્જેલિકોએ ફ્લૉરેન્સના આર્ચબિશપ-પદનો ઇન્કાર કર્યો ત્યારે પિયેરૉત્ઝીએ તે પદ સ્વીકારેલું. મૉનેસ્ટેરીમાં ઍન્જેલિકોએ ગૉથિક લઘુચિત્રકલાના ચિત્રકાર લૉરેન્ઝે મૉનેકો પાસે તાલીમ લીધી. ઍન્જેલિકોનાં ચિત્રોમાં જોવા મળતાં બારીક ઋજુતા અને રંગોના ઝળહળાટનું શ્રેય મૉનેકોને મળે છે. ઍન્જેલિકોના પ્રારંભકાળની મહત્વની ચિત્રકૃતિઓમાં ફ્લૉરેન્સના મ્યુઝિયો દિ સાન માર્કોની વેદી પર રહેલું ‘એનન્સિયેશન’ અને ‘મેડોના ઑવ્ ધ સ્ટાર’ ગણાય. ફિઝોલે ખાતે ઍન્જેલિકોએ સાધુ અને ચિત્રકાર તરીકેની બેવડી ભૂમિકા બજાવી; પરંતુ ઍન્જેલિકો માત્ર મૉનેસ્ટેરીની પ્રાર્થનાઓમાં જ રમમાણ ન રહ્યા, તેમણે સમકાલીન કલાના વિકસતા જતા નવા પ્રવાહો સાથે પરિચય પણ કેળવ્યો. તેમનાં ઉફિત્ઝી ખાતેનાં ‘ધ કૉરોનેશન ઑવ્ ધ વર્જિન’ અને ‘લાસ્ટ જજમેન્ટ’ જેવાં ચિત્રોમાં રૈખિક પરિપ્રેક્ષ્ય (Linear Perspective) વડે અવકાશ અને એ અવકાશમાં સ્થાન મુજબ નાનાં કે મોટાં કદની દેખાતી માનવ-આકૃતિઓ મસાચિયો અને લૉરેન્ઝો ઘીબર્તીની સીધી અસર સૂચવે છે.

ફ્રા ઍન્જેલિકોની એક કલાકૃતિ

1436માં બ્રધરહુડ ઑવ્ સેંટ મારિયા દેલ્લા ક્રૉચે અલ તેમ્પિયોની વેદી માટે તેમણે ‘લેમેન્ટેશન’ ચીતર્યું. અહીં મૃત ઈસુની આજુબાજુ માનવ-આકૃતિઓ વિચારગ્રસ્ત મુદ્રામાં ઊંડા દુ:ખથી શાંત ઊભેલી છે. આ ચિત્ર પર ચૌદમી સદીના ગૉથિક ચિત્રકાર જિયોત્તિનો(Giottino)ની સ્પષ્ટ અસર છે. 1430માં તેમણે કોર્ટોનાના મુસિયો ડાયોચેસાનો માટે ‘એનન્સિયેશન’ ચીતર્યું. અહીં આકાશ રેનેસાં-ઢબે આસમાની રંગે નહિ પણ ગૉથિક ઢબે સોનેરી રંગે ચીતર્યું છે. ચર્ચના સત્તાધીશોનો આગ્રહ આ માટે કારણભૂત હશે તેમ આજે માનવામાં આવે છે; કારણ કે અન્યથા ઍન્જેલિકોએ હંમેશાં રેનેસાં-રીતિ અપનાવવાનું મુનાસિબ માન્યું છે.

1439માં ઍન્જેલિકો ફિઝોલે ખાતેની સેંટ ડૉમેનિકો મૉનેસ્ટેરી છોડી ફ્લૉરેન્સની સેંટ માર્કો મૉનેસ્ટેરીમાં આવ્યા. 1436માં સેંટ માર્કો મૉનેસ્ટેરીનું સિલ્વસ્ટ્રાઇન સંપ્રદાયના સાધુઓ પાસેથી ડૉમિનિક્ધા સંપ્રદાયના સાધુઓ તરફ હસ્તાંતરણ (transfer) થતાં સ્થપતિ માઇકલેત્ઝો દ્વારા નવું બાંધકામ કરવામાં આવેલું. નવી વેદી પર ઍન્જેલિકોએ ‘સેક્રે કૉન્વર્સાઝિયોં’ (‘Sacra Conversazione’) નામે ચિત્ર ચીતર્યું. ચિત્રમાં કેન્દ્રસ્થાને ઊંચા સિંહાસન પર વર્જિન અને બાળ ઈસુ તથા પાછળ નાની આકૃતિઓ રૂપે સાધુઓમાં કોર-માસ અને ડેમિયન ઓળખાય એમ છે. તેમની પાછળ ખજૂરીનાં ઝાડ અને આકાશ દેખાય છે. પ્રત્યેકના ચહેરા પર કોઈ પણ દુન્યવી મોહમાયા-ઇચ્છા વિનાની, હૃદયની શુદ્ધિમાંથી પ્રકટેલી ચિર-શાંતિ જોવા મળે છે. સેંટ માર્કો માટે તેમણે એક ચિત્ર ‘ક્રૂસિફિકેશન’ પણ તૈયાર કર્યું; ચર્ચના સાધુઓના રહેઠાણ માટે પણ ચિત્રો તૈયાર કર્યાં, જેમાં પોતાના શિષ્યો બેનૉત્ઝો ગૉત્ઝોલી અને ઝેનોબી સ્ટ્રોત્ઝી ઉપરાંત પોતાના જૂના સહયોગી બાત્તિસ્તા સાંગુઇનીનો સહકાર લીધો. આ ચિત્રોમાં ઍન્જેલિકોના હાથે ફરેલી પીંછી સહેલાઈથી કળી શકાય છે. અહીં ‘એનન્સિયેશન’, ‘કૉરોનેશન ઑવ્ વર્જિન’ અને ‘રિસરેક્શન’ વિષયો ચીતરાયા છે.

1455માં પોપ યૂજીન ચોથાએ ઍન્જેલિકોને રોમ તેડાવ્યા. 1450 સુધી ઍન્જેલિકો રોમમાં રહ્યા. અહીં ઓર્વિટો કેથીડ્રલના બ્રિઝિયો ચૅપલ માટે તેમના શિષ્ય ગૉત્ઝોલી સાથે ચિત્રકામ શરૂ કર્યું, જે અપૂર્ણ રહ્યું અને 50 વરસ પછી લુચા સિન્યોરેલીએ પૂર્ણ કર્યું. રોમમાં આ ઉપરાંત તેમણે સેંટ પીટર્સ કેથીડ્રલમાં, વૅટિકન ચૅપલ ઑવ્  સેક્રેમેન્ટ તથા પોપ નિકોલસ ચોથાના રહેઠાણ માટે ભીંતચિત્રો આલેખ્યાં, જે બધાં જ નષ્ટ થયાં છે. પરંતુ વૅટિકન પાસે ઍન્જેલિકોએ ચીતરેલાં સેંટ સ્ટીફન અને સેંટ લૉરેન્સના જીવન-પ્રસંગોનાં ચિત્રો હજુ મોજૂદ છે.

1450માં ઍન્જેલિકો ફ્લૉરેન્સ પાછા ફર્યા. અહીં તેઓ ફિઝોલે ખાતેની સેંટ ડૉમેનિકો મૉનેસ્ટેરીના પ્રાયર (prior) બન્યા. ફ્લૉરેન્સના ચર્ચ સેંટ એનુન્ઝિયાતા માટે ઈસુ અને અન્ય વિષયો પરથી તેમણે 35 ભીંતચિત્રો સર્જ્યાં. આ ચિત્રો પર સદીઓ દરમિયાન વારંવાર – ઉપરાછાપરી ચિતરામણ થતું રહ્યું હોવા છતાં તેમાંથી ‘મૅસકર ઑવ્ ધ ઇનોસન્ટ્સ’, ‘ફ્લાઇટ ઇનટુ ઇજિપ્ત’ અને ‘પ્રેઝન્ટેશન ઇન ધ ટેમ્પલ’ બચી જવા પામેલાં, તેથી તે ઍન્જેલિકોના હાથે જ ચીતરાયેલાં હોવાનું માનવામાં આવે છે. અહીં, ઍન્જેલિકોની લાક્ષણિકતા આછા તેજસ્વી રંગો, પાતળી અને સ્વયંસ્ફુરણાથી ચિત્રિત માનવ-આકૃતિઓમાં જોવા મળે છે. આ પછી યુજેલો ખાતે બોસ્કો આઇ ફ્રાતી મૉનેસ્ટેરી માટે વેદીનું ચિત્ર ચીતર્યું, જે હાલમાં ફ્લૉરેન્સના મ્યુઝિયો દિ સાન માર્કોમાં છે. 1455માં તેઓ રોમ ગયા ને ત્યાં મૃત્યુ પામ્યા. મૃત્યુ પછી ચિત્રકાર ફ્રા ફિલિપ્પો લિપ્પી ફ્રા ઍન્જેલિકોની પ્રગાઢ અસર નીચે આવ્યા.

અમિતાભ મડિયા