ઍટર્સી, ક્રિશ્ચિયન લુડવિગ

January, 2004

ઍટર્સી, ક્રિશ્ચિયન લુડવિગ (Attersee, Christian Ludwig) (જ. 1943, બ્રેટસ્લાયા, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1951માં ઍટર્સીએ ગીતો તથા લઘુનવલો લખવાનું, કાર્ટૂન-પટ્ટીઓ સર્જવાનું તથા રંગમંચ-સજ્જા તૈયાર કરવાનું કામ શરૂ કર્યું. 1957માં વિયેના એકૅડેમી ઑવ્ આર્ટમાં પ્રો. એડુઅર્ડ બૉમર નીચે કલાનો અભ્યાસ શરૂ કર્યો. ત્યાંથી 1963માં તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો.

1965માં તેમણે બર્લિનમાં વસવાટ કર્યો. 1965 અને 1966માં તેમણે પોતાનાં ચિત્રોનાં બર્લિનમાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. 1966ના પ્રદર્શનમાં પ્રદર્શિત ચિત્રકૃતિ ‘ઑબ્જેક્ટ વજાઇના’(Object Vagina)ને વિવેચકોએ અશ્લીલ કહી વખોડી નાખી. 1966થી ચિત્રકારો ગુન્ટર બ્રુસ (Gunter Brus), હર્માન નીચ (Hermann Nitsch), વૉલ્ટર પિકલર (Walter Pichler) અને ડીટર રૉથ (Dieter Roth) સાથે કામ કરવું શરૂ કર્યું. 1967 અને 1968માં વિયેનામાં પોતાનાં ચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન યોજ્યું. 1970માં ‘પાર્ડન’ (Pardon) નામના એક જર્મન સામયિકમાં ઍટર્સીનું એક ચિત્ર છપાતાં તે સામયિક પર પશ્ચિમ જર્મન અને ઑસ્ટ્રિયન સરકારોએ પ્રતિબંધ જાહેર કર્યો. 1971માં જિરોન્ચોલી પિકલર (Gironcoli Pichler) અને રેઇનર (Rainer) ચિત્રકારો સાથે સહકારમાં એક જ કૅન્વાસ પર ચારેના સર્જન-ઉન્મેષોનો યોગ થાય તેવાં ચિત્રોનું સર્જન શરૂ કર્યું. 1975માં ‘નીચ ફિલ્મ’ (Nitsch film) નામે ચલચિત્રનું દિગ્દર્શન કર્યું. 1975થી રૉથ, રુહમ (Ruhm), સ્ટેઇગર વીનર, બ્રુસ તથા નીચ (Nitsch) સાથે સહયોગમાં કૅન્વાસ પર ચિત્રો કર્યાં. તેમણે 1977માં કાસેલમાં તથા 1982માં વિયેનામાં પોતાનાં ચિત્રો પ્રદર્શિત કર્યાં. 1985માં ‘ઍટર્સી મ્યૂઝિક’ નામની ઍટર્સીએ ગાયેલાં ગીતોની લૉન્ગ પ્લેઇન્ગ રેકર્ડ પ્રગટ થઈ. 1986માં ગ્રાઝ યુનિવર્સિટીના ચાર માળ ઊંચા સેન્ટ્રલ હૉલ ઉપર બહારની બાજુએથી ચાર માળ ઊંચું મ્યુરલ ચિત્ર પૂરું કર્યું. 1986માં લિન્ઝ નગરમાં ઍટર્સીના ગાયનનો કાર્યક્રમ યોજાયો. 1987માં વિયેના ફેસ્ટિવલના ભાગરૂપે હૉર્સ્ટ ઝૅન્કલ(Horst Zankl)નાં એકાંકીઓ માટે રંગમંચ-સજ્જા કરી. 1990થી ઍટર્સી સાલ્ઝબર્ગની સમર એકૅડેમીમાં ચિત્રકલાના અનુસ્નાતક વર્ગને વ્યાખ્યાનો આપે છે. 1990માં તેમનાં ચિત્રોનું સિંહાવલોકી પ્રદર્શન વિયેનામાં યોજાયું. હાલમાં (2004) તેઓ વિયેનામાં રહી કલાસર્જન કરે છે.

અમિતાભ મડિયા