ઍચિસન, ડીન (જ. 19 એપ્રિલ 1893, મિડલટન, કનેક્ટિક્ટ; અ. 12 ઑક્ટો. 1971, સૅન્ડિ સ્પ્રિંગ, મેરીલૅન્ડ) : પ્રમુખ ટ્રુમેનના સમયમાં અમેરિકાના વિદેશમંત્રી (1949-1953) અને યુદ્ધોત્તર વર્ષોમાં વિદેશનીતિના અગ્રગણ્ય ઘડવૈયા. યેલ તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા પછી વકીલાત કરી. પ્રમુખ રૂઝવેલ્ટે તેમને નાણાખાતાના ઉપસચિવ તરીકે 1933માં નીમ્યા. ત્યારબાદ 1941થી 1953 સુધીના ગાળામાં ઍચિસન અમેરિકાના વિદેશખાતા સાથે સંકળાયેલા રહ્યા. દરમિયાન 1945-47ના ગાળામાં તેઓ ટ્રુમેનના શાસનકાળમાં અન્ડર સેક્રેટરી રહ્યા હતા અને રશિયાનો પ્રભાવ રોકવા(containment)ની અમેરિકાની નીતિના મુખ્ય પુરસ્કર્તા રહ્યા. જે સમયગાળામાં તેઓ વિદેશમંત્રી રહ્યા તે દરમિયાન અમેરિકા તથા રશિયા વચ્ચેનું ઠંડું યુદ્ધ ખૂબ ઉગ્ર સ્વરૂપે ચાલુ રહ્યું અને તેની ચરમ સીમાએ પહોંચ્યું.

ઍચિસન ડીન

1947માં પ્રમુખ ટ્રુમેને તેમનો ‘ટ્રુમેન ડૉક્ટ્રિન’ ઘોષિત કરીને ગ્રીસ અને તુર્કીને સામ્યવાદની સામે લશ્કરી ટેકો આપવાની જાહેરાત કરી. ત્યારબાદ 1949માં ‘નાટો’ના લશ્કરી કરારથી પશ્ચિમ યુરોપના દેશો ઉપરાંત ગ્રીસ અને તુર્કીને પણ તેમાં સમાવી દેતા કરારો થયા.

બીજા વિશ્વયુદ્ધ (1939-45) દ્વારા નુકસાન અને ખાનાખરાબીનો ભોગ બનેલા પશ્ચિમ યુરોપના દેશોને 13 અબજ ડૉલરની મદદ કરતી માર્શલ યોજના આ પછી અમલમાં આવી. ડીન ઍચિસને આ યોજના દ્વારા પશ્ચિમ યુરોપને બેઠું કર્યું.

1950માં ઉત્તર તથા દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે સલામતી સમિતિમાં રશિયાના બહિષ્કારને કારણે તેની ગેરહાજરીનો લાભ લઈને ઍચિસને અમેરિકાની લશ્કરી દરમિયાનગીરીનાં પગલાંની નીતિ અપનાવી અને તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘનો ટેકો મેળવ્યો. કોરિયાના યુદ્ધથી ઊભી થયેલી તંગદિલીનો લાભ લઈને ઍચિસને ‘નાટો’ને બળવત્તર બનાવ્યું અને પશ્ચિમ જર્મનીને શસ્ત્રસહાય આપી. ત્યારપછી 1951માં જાપાન સાથે શાંતિના કરારો કરીને તેમજ ફ્રાન્સને હિન્દી ચીનના યુદ્ધમાં શસ્ત્રોની મદદ આપીને ઍચિસને ઠંડા યુદ્ધને એશિયાના સીમાડાઓ ઉપર પહોંચાડ્યું.

સામ્યવાદનો આટલો પ્રબળ અને સુસંકલિત રાજકીય અને લશ્કરી સામનો કરવા છતાં ઍચિસન પૂરતા પ્રમાણમાં સામ્યવાદવિરોધી નથી તેવી ટીકાઓ થતી રહી. ખાસ કરીને અમેરિકાના અગ્રણી સેનેટર જોસેફ મેકાર્થી આ ટીકામાં અગ્રેસર રહ્યા.

ઍચિસને ઘણાં પુસ્તકો લખ્યાં છે, જેમાં તેમણે તેમના સત્તાકાળ દરમિયાનના અનુભવોનું વર્ણન કરેલું છે, તેમાંના ‘Present at the Creation’ (1969) નામના પુસ્તકને પુલિત્ઝર પારિતોષિક એનાયત થયું છે.

દેવવ્રત પાઠક